ગુરુપુર્ણિમા ..!!
ઘણા વર્ષે મારા સંગીત ગુરુ શ્રીમતી સરોજબેન ગુંદાણી અષાઢી પૂનમે અમેરિકાની બદલે અમદાવાદમાં છે,પણ બળ્યું આ સોશિઅલ ડીસ્ટન્સ..!
પણ જખ મારીને રાખવું પડે એમ છે,
સરોજબેન એશી વર્ષ પાર કરી ગયા છે એટલે મને એમના માટે સેહજ બ્હીક જેવું રહે..ક્યાંક હું એમને લગાડી
દઉં તો..?
છેવટે દો ગજની દૂરીથી જ આશીર્વાદ લેવાનું નક્કી કરી ને પોહચી ગયા..!
મારા જીવનમાં અનેક શિક્ષકો અને ગુરુઓ પણ સરોજબેનનું સ્થાન જુદું ..!
મારા જેવી દાંડ પ્રજા ને સંગીત સાંભળતી અને શીખતી કરવી એટલે લોઢાના ચણા..!
ત્રીસ વર્ષ પેહલાનો શૈશવ .. બદમાશ .. ધમાલ અને મસ્તી ,બેફીકરાઇ ..!!
જીવનના સત્તરમાં કે અઢારમાં વર્ષે કરેલી એક મસ્તી શેર કરું પેહલા..!!
એ જમાનામાં મારી બેહન મેડીકલના પેહલા વર્ષ ભણે અને ત્યારે મનુષ્યના હાડકાના સેટ પ્લાસ્ટિકના મળતા થયા હતા,અદ્દલોઅદ્દલ અસલી જ લાગે..!
જન્મ્યા ત્યારથી મમ્મી પપ્પાના મોઢે અને પેશન્ટો ના એક્સ રે વગેરે વગેરે જોયા હોય એટલે અમને હાડકા ની બહુ નહિ, જરાય નવાઈ નહિ..!
એ સમયે અમારા ઘરની સામે એક ફ્લેટમાં ચોથે માળે એક ફ્લેટમાં ફર્નીચર ચાલે, રાત આવી જ અષાઢી મેઘલી અંધારી, રાત ના દસ સાડા દસ નો સુમાર ,
શૈશવ ની શેતાન ખોપરી ચાલી .. ચાલો કોઈની લઇ
કાઢીએ..!
આખી સોસાયટીમાં સુનકાર અને સન્નાટો..!
ગેંગ બોલી..બોલ પ્લાન ..
મેં કીધું હું ઘેર જઈને ખોપરી અને બે ફીમર લેતો આવું છું , તમે લોકો પેલા ચોથા માળે જે ફ્લેટમાં ફર્નીચર ચાલે ત્યાંથી લાકડાનું ભૂસું અને નાના નાના બે લાકડાના કટકા લાવો, ધાબે જઈને સળગાવો બે મસ્ત અંગારા તૈયાર કરો , હું બંને ફીમર અને ખોપરીને બાંધી ને ડેન્જર નું સિમ્બોલ બનાવું છું પછી એ અંગારા ને માટીના ઠીકરા ઉપર મૂકી અને ખોપરીની આંખની જગ્યા ગોઠવીએ,
આખો સેટઅપ બંધ અંધારિયા ફ્લેટમાં મૂકી અને એકાદો બકરો
બોલાવીએ ..
જોઈ ને જ ચડ્ડી પલળી જશે બકરાની..!!
મારી ગેંગ મારા જેવી આસુરીવૃત્તિ વાળી..!!
પરફેક્ટ પ્લાનીગ ને એપ્લાઇ પણ કર્યું..
બકરો
ચોથે માળેથી બીક નો માર્યો ભૂસકો મારવા જતો હતો, અમે ઝાલી લીધો અને સમજાવ્યો ભાઈ નહી, નહી ..અમે જ છીએ જો આ ..!!
પાણી નાખી ને અંગારા ઓલવ્યા.!!
કૈક આવી ધમાલો કરી છે ને આવી પ્રજા ને સંગીત, અને એ પણ શાસ્ત્રીય સંગીત શીખવાડવું ..! બાપરે ..!!
શરૂઆતમાં તો મને સરોજબેનને હેરાન કરવાની મજા આવતી.. સરોજબેન પાંચ કાળીથી સા
ગવડાવે તો હું એક સફેદ થી લઉં , સરોજબેન સૂર ચડાવે ,એ એક સફેદ કરે તો હું એક કાળી ગાઉં ..!
પછી સરોજબેન મને સમજાવે બેટા જો આ સા
છે ને એને અહીંથી ગવાય ચાલ જોઉં દીકરા .. પણ દીકરો નાલાયક ,નામક્કર એમને ગુસ્સે કરે અને એક પાટિયું ખાય પછી જ સુધરે..અને એમાં પણ અમુકવાર તો એવું થાય એ સરોજબેન રડે અને હું નફફટ હસું..!!
જશોદા માં ને કાનુડાનો સીન થતો..! અરે લલ્લા તું શું કામ આવું કરે છે..!!
આજે મને એમ થાય છે કે હું કેમ આવો હતો ? હું મારી મમ્મી ને પણ બહુ જ હેરાન કરતો ..!!
કદાચ મમ્મી અને મમ્મી જેવી વ્યક્તિ પાસેથી પ્રેમ મેળવવાની મારી આ એક રીત હતી..!!
સંગીત શીખવાની શરૂઆતમાં હું એવો સવાલ પૂછતો કે આ શું સા, રે, ગ, મ, પ, ધ, ની.. બસ બધું સાત સૂરમાં જ .. થોડાક વધારે
સૂર રાખો ને ..!
આવું બોલવાની પાછળનું કારણ રેહતું કે અંગ્રેજી ભાષા છે તો એના મૂળાક્ષરો છવ્વીસ , કેમેસ્ટ્રી છે તો એમાં આખું આવર્ત કોષ્ટક , ફીઝીક્સ છે તો એમાં કેટલા બધા સિદ્ધાંતો અરે ગણિતમાં પણ એકથી નવ અને દસમું મીંડું તો ખરું પણ આ સંગીતમાં બળ્યા સાત જ..!!
આટલા સાત સૂરમાં જ રમવાનું..?
ત્યારે સરોજબેન માથે હાથ મૂકી ને કેહતા ..દીકરા મારા આ સાત સૂર નો તો દરિયો છે, માતા સરસ્વતી પણ એમ કહે છે કે આ સાત સૂરના દરિયામાં હું મારી વીણાના તુંબડાને સહારે તરુ
છું..!! આ સાત સૂરના દરિયામાં ડૂબો સો તૈરો અને તૈરો સો ડૂબો..!!
બેટા એના ઊંડાણ ને સમજવાની કોશિશ કરો ..!
અને ધીમે ધીમે એમના માતાતુલ્ય પ્રેમ એ સાત સૂરના દર્શન કરાવ્યા..!!
મધ્ય સપ્તકનો ષડ્જ મળ્યો તો તાર ષડ્જ ઓળખાયો અને પછી એ બંનેની વચ્ચે પંચમ મળ્યો ,પંચમ મળ્યો તો ગંધાર ત્યાંથી ધૈવત અને મધ્યમ થી નિશાદ,,!!
કોમળ અને તીવ્ર સૂર તો મોરપંખ ની જેમ ખુલ્યા..!!!
દિવસો અને વર્ષો વિતતા ગયા..રાગ રાગીણીઓ ના દર્શન ગુરુકૃપા એ થયા પણ એ સમયે એટલું નક્કી હતું કે સંગીતને જીવન બનાવી ને નહિ જીવાય..
બાળક ,કિશોરાવસ્થા મૂકી ને પુરુષ બનવાનો સમય હતો..!
અંદર નો વાણીયો “જાગી” ગયો હતો ..!
अर्थस्य पुरुषो दासः,दासः तु अर्थो न कस्यचित्।
અર્થ કોઈનો દાસ છે કે નહી એની ચર્ચા યુગોથી ચાલી રહી છે પણ પુરુષે તો અર્થનું દાસત્વ સ્વીકારવું જ રહ્યું બાકી સંસાર રખડી જાય એનો..!!
મારા ઘણા મિત્રો મને વિચિત્ર નજરે જોતા હતા એ સમયે, અને ક્યાંક એવો આરોપ પણ આવતો કે સારી સારી છોકરીઓ સંગીતમાં આવે છે એટલે લાલો લોટવા જાય છે.!
પણ ગુરુકૃપા એ એટલો આભાસ ચોક્કસ થઇ ચુક્યો હતો કે શાસ્ત્રીય સંગીત એ દુન્વયી સંગીતથી કૈક વધારે છે ઉપર છે એટલે આવા આરોપને હસી કાઢવા જેટલી હિંમત આવી ચુકી હતી જીવનમાં ..!
હું વીસ એકવીસ વર્ષનો હતો ત્યારે સરોજબેન મને કેહતા દીકરા ઘડપણનું ભાથું છે આ સંગીત તો ..!!
આજે એવું લાગે છે શીખેલું સંગીત ઘડપણ નહિ જીવનભરનું ભાથું છે..!
મારી ઉપાંત્ય વિશારદની ચોપડીના પુંઠા ઉપર સ્વર્ગીય ગુરુ શ્રી શશીકાંતભાઈ ગુંદાણી એ લખ્યું હતું ..
“રાગ હરે સબ રોગ કો કાયર કો દે શૂર
સુખી કો સાધન બને દુઃખી કો દુઃખ દૂર”
ચોપડી અને પૂંઠું અકબંધ છે હ્રદયમાં ને હકીકતમાં સચવાયેલા..!!
મારો એક મિત્ર મારા માટે હમેશાં પેલું અડધું જ ટાંકે છે.. सम्पूर्ण कुम्भो न करोति शब्दम्, अर्धघटो घोषमुपैति नूनम्।
અને મને अर्धघटो કહીને બોલાવે છે..!
મંજુર છે મને ,
“ભરાઈ” ને “છલકાવું” નથી અડધા રહી ને શીખતા રેહવું છે..!!
પૂજ્ય સરોજબેનના દસેક ગીતોની યુ ટ્યુબ લીંક શેર કરું છું ,અમુક રેકોર્ડીંગ તો સિત્તેર વર્ષ જુના છે સાંભળજો …!
કોરોનાથી સાચવજો ,
જાણ્યાઅજાણ્યા ગુરુઓ ને વંદન ..!
અને મારા “ચેલાઓ” ને આશીર્વાદ..!
જીવનમાં શીખવાની વૃત્તિ ને મરવા ના દેશો અને પૂર્ણતા ને પામી લીધી છે એવો વેહમ ક્યારેય ના પાળવો..!!
શુભ રાત્રી
શૈશવ વોરા