આજે વાઘ બારશ અને એની ઉપર ધનતેરસ .. કઈ તિથી ઉપર કઈ તિથી આવી ગઈ એ તો ટીપણું ખોલીએ તો ખબર પડે પણ એક દિવસમાં બે તેહવાર થઇ ગયા એ નક્કી..!
તેહવારના દિવસોમાં હજી આપણે ત્યાં કોઈકના ઘરે જવું કે કોઈક આપણા ઘરે આવે એવી બધી થોડીક પરંપરાઓ સચવાઈ રહી છે , આ `કોઈક` માં મિત્રો સગા કે પાડોશી ગમે તે હોઈ શકે છે ..પણ હજી આવે જાય છે લોકો ,
એકબીજા ના ઘેર..!
ઘણા વર્ષોથી હું કોઈકના ઘરે ગયો હોઉં કે કોઈક મારા ઘરે આવ્યું હોય ત્યારે જોરદાર વાતોની મેહફીલ જામી હોય એવામાં મેં એક વાત માર્ક કરી છે …
જો તમે બે ,ત્રણ કે ચાર પરિવારો ભેગા થયા હો તો એમાંથી એકાદી વ્યક્તિ એવી હશે કે જેને રાત્રે સાડા નવ વાગે ને એટલે સખખ્ત ઊંઘ ચડે ,વધી વધી ને દસ ,સાડા દસ અને અગિયાર વાગ્યે તો એ વ્યક્તિ રીતસર ઝોકા ખાવા લાગે અને પછી જીદે ચડે ઘરે ચાલો ઘરે ચાલો ..!!
હું આવા લોકો માટે `ઊંઘરેટા` શબ્દ વાપરું છું અને જાહેરમાં એવા સ્ટેટમેન્ટસ આપું છું કે આની જિંદગીમાં ઊંઘવા સિવાય કશું છે જ નહિ ,નરી ઊંઘ ભરી છે જિંદગીમાં.. નક્કામો છે `ઊંઘરેટો` કે પછી `ઊંઘરેટી` ..!!
અહિયાં એવું ખરું કે `ઊંઘરેટા` નામની વ્યક્તિ મોટેભાગે ઘરની સ્ત્રી જ હોય છે, પણ ક્યારેક કોઈક પુરુષ હોય છે ..
હવે યાદ કરો કે તમારી આજુબાજુ કેટલા `ઊંઘરેટા` ભર્યા પડ્યા છે ?
તમારા પોતાના ઘરમાં, મિત્રોમાં કે પછી સગાવહાલાં કે પાડોશીમાં ?
કેટલા યાદ આવ્યા ? અને તમે ખુદ તો આમાં નથી ને ?
હું સદીઓથી મધરાતે ઘરની બાહર નીકળી ને `ભટકતી` પ્રજા છું , રાત્રે બાર પછી કાંટીયું માથે ચડે અને એ પછી મને રાત ચડે ,`કીક` આવે…
એમ થાય કે આ રાત ક્યારેય ખતમ જ ના થાય ..
ગજ્જબ ચસ્કો રહ્યો છે મને રાત નો ..પ્રેક્ટીકલી નશો છે રાત નો,
મેં અઢળક રાતોને માણી છે , મિત્રોના ઘર હોય કે ફૂટપાથ ,પાંચસિતારા હોટેલો હોય કે ચાની કીટલીઓ, શાહપુર કે શાંઘાઈ .. દુનિયાનો ગમ્મે તે ખૂણો રાત એટલે રાત ..!
અને જેમ જેમ રાત ચડતી જાય એમ એમ શૈશવ કોઈ નો નહિ..!!
પત્તરફાડીને મૂકી દે.. કૈક વખત મારા ઘરમાં મને ધક્કા મારી ને પૂર્યો છે મિત્રો એ જા હવે ઘરમાં ઊંઘવા..!!
એટલે આ `ઊંઘરેટા` નામની પ્રજા પ્રત્યે મને જબ્બર ચીડ..!
પણ આજે એક વિચાર આવ્યો મને અને થયું કે લાવ આ `ઊંઘરેટા` લોકો ની જિંદગીમાં સેહજ ડોક્યું કરું..!!
એક પછી એક આંખ સામે `ઊંઘરેટા` ને ફેરવવા લાગ્યો અને એક ભયંકર ઓબ્ઝર્વેશન હાથ લાગ્યું..!
*એકે એક `ઊંઘરેટા` એ જીવનમાં `સખ્ખત` જવાબદારીઓના ભાર ઉપાડ્યા છે .. હા આ એ લોકો છે જેમણે પોતાના જીવનના રસકસ સુકવી નાખ્યા છે અને એ પણ જાણીજોઈ ને ,પોતાના જીવનના શોખ ને અને આનંદ ને મારી નાખી ને એમણે એમના સંસારની વાડી ને લીલી રાખી છે..!!*
મારા જેવા રાતના `રાજા` એક એક લોકો ની પાછળ આવી એક `ઊંઘરેટા` જિંદગી ચોક્કસ કુરબાન થઇ હોય છે ..!!
લોકો એમ કહે છે કે જેમને વધારે પડતી ચિંતા હોય એ લોકો ને ઊંઘ નથી આવતી હોતી,
ચલો માન્યું , પણ જે લોકો એકલી ચિંતા નહિ પણ ચિંતા ની સાથે સાથે એનો ઉકેલ લાવવા મથતા હોય છે ને એ લોકો સતત થાક વર્તાતો હોય અને એ થાક ની ઊંઘ એ લોકો ને આવતી હોય છે..!!
`ઊંઘરેટા` એ કર્મવીર છે …!
લગભગ દરેક `ઊંઘરેટા` જિંદગી એકદમ હાર્ડશીપથી ભરેલી દેખાઈ મને..!!
મારા એક મિત્રની પત્ની મારાથી ઉંમરમાં થોડાક મોટા છે જેમને હું હમેશા `ઊંઘરેટા` ગણતો આવ્યો છું , પણ એમની ઉપર જવાબદારી એટલે કેવી ..!!?
સાસુ, સસરા ,વડસાસુ ,દિયર ,નણંદ પોતાના બે છોકરા અને પરણ્યો આ બધાના ટાઈમ અને ટીફીન એક દિવસમાં અને અડધી રાતમાં સાચવે એ પણ હસતા મોઢે..!! એમનો દિવસ લગભગ અઢાર કલાકનો..!
એ મિત્રના પત્નીથી હું થોડોક નાનો અને ત્ લગભગ ત્રીસેક વર્ષથી ભાભી જોડે મારે છુટ્ટા મોઢે વાત થાય..!! હું એમને તું કારે બોલાવું..
શરુઆતના દિવસોમાં તો એમની આંખમાં ઊંઘ જોઇને મારા મિત્ર ને એમને દેખતા ખખડાવતો અલ્યા જિંદગી આખી છે ,ઊંઘવા દે ભાભીને ..અમારા દિયર ભાભીની આવી મજાક ચાલતી..
પણ લગ્નના પેહલા જ દિવસથી રસોડું પકડ્યું અને આજે ઘરમાં વહુ છે તો પણ છૂટ્યું નથી ..!
હમણાં મેં ભાભી ને પૂછ્યું નવી વહુ તારા જેવી `ઊંઘરેટી` છે ? ભાભી બોલ્યા ના એ પદવી મેં જ પકડી રાખી છે ,નથી નાખવી એના માથે જવાબદારીઓ ..ભલે સુખે ઊંઘતી.. મારી તો ગઈ એની આવી રીતે `ઊંઘરેટી`નથી જવા દેવી..!!
કપરું હોય છે એ જીવન ..પાઈની પેદાશ નહિ પણ ઘડીની નવરાશ નહિ..!!
ક્યારેક ભાભી વાત વાતમાં કહી દે શૈશવભાઈ આ તો ગઈ આમ ને આમ `ઊંઘરેટા` માં પણ હવે આવતી જિંદગી જોઈતી જ નથી..!!
સખ્ખત સંઘર્ષ જીવનના રસકસ ઉડાડી મુકે છે ..
ઘણી ગૃહલક્ષ્મીની આ કહાની હશે.. પણ હું તો ભાભી ને કહું છું ..
ભાભી વાંક તારો છે, તને પેહલા દિવસથી કહું છું કે તું બધાની સગવડ સાચવવા કરવાનું છોડ થોડુક ,તો જ બધાને ટેવ પડશે ,આ તો તું સગવડ સાચવે છે એટલે તારું આખું ઘર પાણિયારે ઉભા રહી ને પાણી માંગે છે ,શું કરવા તે ફટવ્યા..?
બહુ ડીબેટેબલ છે આપણા ઘરોમાં આ બધું પણ એક વાત નક્કી છે કે ઊંઘ ઝટ તેને જ આવે કે જેને માથે જવાબદારી છે..!!
કોઈ `ઊંઘરેટા` તમારા અર્ધાગના કે પરમેશ્વર હોય તો રાત્રી ના આ તેહવારમાં એમને જાગવાનો મોકો આપવાની કોશિશ કરજો..!
જવાબદારી હળવી કરીને..
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*