ઉતરાયણ ઉર્ફે ઉ`તરાણ ..!!
પતંગના કેટલા નામ આવડે ..?
પાવલો ,ઘેશીયો , ચાપટ ,ચાંદેદાર ,લક્કડેદાર ,આખીયો ,અડધીયો ,રોકેટ ,ચીલ ,ઢાલ , આંખેદાર , પટેદાર , ફૂદ્દી , પુછડીયો.. હજી યાદ આવે તો કોમેન્ટ સેક્શન માં લખો..
કેટલો ઉત્સાહ બાળપણનો, છેક દિવાળી ગઈ નથી કે પતંગ ચાલુ.. પચ્ચીસ પૈસા રોજ મમ્મી આપે દસિયાના બે પતંગ અને પંદર પૈસાની દોરીનું પીલ્લું..
આખી સાંજ નીકળી જાય `શૈશવ`ની,
એકાદ બે પતંગ પાછા કપાયેલા પકડી લઈએ , અને કપાયેલા પકડેલા પતંગની દોરી હોય , વત્તા આગલા દિવસની વધેલી દોરી હોય, બધી દોરીઓના અલગ અલગ “લચ્છા” મારવાના , “ઘચ્ચ્મતાણા” રમવાના .. હાથમાં દોરી લઇને એકબીજાના દોરા કાપવાના ,
લંગશીયા લડાવાના… કોઈ નો પતંગ બહુ ચાલે તો શૈશવથી જોવાય નહિ ,અને પછી “લટપટીયા” બનાવા ના , “રમ રમાઈ” ને લટપટીયું ચાલુ પતંગ ઉપર ફેંકવાનું ,પાછું લટપટીયું ફેંકી અને તરત જ નીચે બેસી ને સંતાઈ જવાનું કેમકે જો ઝાલાયા તો તો પછી પત્યું , મારામારી નક્કી જ હોય ..
પેહલા તો મોટ્ટો `ઢેખાળો` આવે અને પછી તૂટેલા નળિયા અને જો સામસામે ટીમો આવી જાય તો તો થઇ રહ્યું અને એમાં પણ સામે મિયાંભઈના હોય તો પત્યું ..!!!
શેહરના કોટ વિસ્તારની મજા … અત્યારે એક એક ધાબાના ભાડા પાંચ હજાર થી લઈને દસ હજાર સુધી જતા રહ્યા છે..!!
સાલું શૈશવને તો એમ લાગે છે કે અમે તો “મફત” ની મજા “સદી”ઓ સુધી લીધી..!!!
એ પકડ પકડ પકડ … એ દોરી પડી ..`કાતરી` લે બે..!!
એ જો જો પેલા ના અતત્મતાણા થયા.. ખેંચ બે ..!! એ છોડ છોડ તારું કામ નહિ બે અત્ત્મતાણામાં લાવ .. કેમ આટલી બધી દોરી છોડી દીધી છે ? પછી `લોટે` જ ને ..!! ચલ હવે ઝટ કર અને એ `ફીરકી` તું ક્યાં ડાફોરું મારે છે..? ઝટ ઝટ ..લપેટ લપેટ.. નહિ તો `ઘુચ્ચમડું` થઇ જયે ..!!
શું થયું ફીરકી `ઘુચાઈ` ? ઉભો `રે બે પેલી `શેટણ` ને બોલાય એની માસ્ટરી છે , તું કરવા જ`યે ને તો એક ના પાંચ છેડા હાથમાં લા`યે , બે હજાર વારની ફીરકીમાંથી બસ્સો `વાર` એ હાથમાં નાં આવે .. અને પછી `શેટણ` ઉર્ફે શર્મિલ ઉર્ફે શર્મીલ્યો કલાક મજુરી કરે અને ગુન્ચાયેલી ફીરકી નો પ્રોપર છેડો કાઢે ..
મેં નો`તું કીધું `શેટણ` ની માસ્ટરી છે..!!
સાલા કેવા કેવા નામ પાડે શેહરની પ્રજા..!!
શીંગની ચીકી ,તલની ચીકી ,કાળા તલની ચીકી ,બોર ,શેરડી,જમરૂખ , અને પછી જેના ઘરમાં જે બન્યું હોય તે .. બપોર પડ્યે ઊંધિયું ને જલેબી ..!!
પવન પડ્યો તો ધાબે ક્રિકેટ ચાલુ થાય, અને પેલા મોટે મોટેથી વાગતા ગીતો.. એમ્પલીફાયર લાવ્યા હતા અમે છેક ગાંધી રોડ જઈને ..!! અને એક વર્ષ તો પેલું બહુ ચાલ્યું હતું ..રંભા હો હો હો ..મૈ નાચું તુમ નાચો..!!
એની મા`ને કઈ `રંભા` હતી એ આજ સુધી ખબર નથી પડી..!!!
મોટા થયા પછી ઉતરાયણની પૂર્વ તૈયારી ..
જમાલપુર જવાનું અને `કદડા` કરવાના ચીલ .. વીસ કોડી ..પવાલા દસ ..ચાપટો પાંચ કોડી , આખીયના પાંચ પંજા , અને બીજા છૂટપુટ વીસ કોડી..બારપંદર દોસ્તોના ટોળા જઈએ ,અને હોલસેલનો ઓર્ડર મુકાય ..
જોર `કદડો` કરી અને ત્રણ ત્રણ ગાડીની ડેકી ભરાય એટલા પતંગો આવે અને મમ્મી નો કકળાટ ચાલુ થાય…!!
દુકાનો બંધ થઇ જવાની છે ? બીજીવાર નથી લવાતા ? ઘરમાં મુકવા ની જગ્યા નથી અને તમે પતંગ ફીરકીના ઢગલા કરો છો.. જોકે આ ફરિયાદ તો પત્નીજીની પણ છે ..ધંધો બલ્ક નો રહ્યો એટલે ઓછી ખરીદી ફાવતી નથી..!!
રાતની તુક્કલો અરે યાર…આપણી એમાં જોર જોર માસ્ટરી ..!! શૈશવ ચાર પાંચ વર્ષનો હતો ત્યારથી બાજુવાળા હર્ષદભાઈ અને ભરતભાઈની ફીરકી પકડતા પકડતા શીખ્યો તુક્કલના પતંગ ચડાવતા..!!
`આખીયો` જ લેવા નો.. કિન્ના જેવો પવન એકદમ સ્થિર પવન હોય તો “શુન બે” ચાલે , “શુન શુન” તો ભૂલથી નહિ કરવાની નહિ તો છેક ઉપ્પર જઈને ઢાલ લોટે , ગાંડો પવન હોય તો શુન “બે એક” રાખવાની , ટૂંકમાં જેવો પવન એવી કિન્ના “શુન શુન” કરવાની ,
મોટ્ટી ઢાલને ત્રણ દોરીએ ચડાવવાનો..અમારા પાડોશીની નાની નાની દીકરીઓ “મોટાભાઈ” ની ફીરકી પકડે અને આખા એરિયામાં તુક્કલ નું `તુમુલ` યુદ્ધ થાય ..!!
ઢોલ ,નગારા ,થાળી ,વેલણ, પીપુડા ,અને ચીચિયારા … તુક્કલવાળા પતંગ ની નજીક બીજો પતંગ આવે અને આખુ ધાબુ ટેન્શનમાં અને દુશ્મન જેવો `ઠાર` થાય કે પછી તો ..કશું ય બાકી ન રહે ..!!
હાકોટા ,પડકારા , ચિચિયારા ..!!
બાર પંદર તો ઓછામાં ઓછી અને ચાલીસ મેક્સીમમ તુક્કલ જાય.. પણ એક ટેકનીકલ પ્રોબ્લેમ થાય ચાલીસ તુક્કલ મોકલવામાં …છેલ્લી જાય ત્યાં સુધીમાં પેહલી ડચકા ખાતી હોય અથવા `પતી` ગઈ હોય ..!!
જો કે ચાલીસ ચડાવવા માટે તો `ટીમ` પણ જોરદાર જોઈએ પાંચ, છ ગાર્ડ પતંગો , ત્રણ ફીરકી પકડનારા ,ત્રણ જણ દોરી કાઢવાવાળા અને ઓછામાં ઓછા પાંચ સાત જણા તુક્કલો ફટાફટ તૈયાર કરી કરીને આપે ..ટૂંકમાં વીસેક જણ નો `સ્ટાફ` હોય તો જ ચાલીસ તુક્કલ આકાશ ભાળે ..!!
કદાચ સૌથી સસ્તો પડે એવો અને સૌથી વધારે આનંદદાયક તેહવાર એટલે ઉતરાયણ , આખ્ખો પરિવાર મિત્રમંડળ સહીત ઉજવાતો તેહવાર ,પતંગ, દોરી,ગીત ,સંગીત,નાસ્તા પાણી અને દરેકમાં જબરજસ્ત વેરાઈટી એટલે ઉતરાયણ ..!!
અનેકો અનેક યાદો જોડાયેલી છે ઉતરાયણની જોડે..!!
જે લોકો આજે પાંચ દસ હજાર ખર્ચીને શેહરમાં ધાબા ભાડે લઈને એકાદ બે દિવસની ટેમ્પરરી મજા લઇ રહ્યા છે એ અમે મહિનાઓ સુધી અને વર્ષો સુધી માણી છે ..!!
આજે તો “કતલની રાત” કેહવાય આજકાલના છોકરા ને “કતલની રાત” એ શબ્દ પણ નથી ખબર ..
આગલા બે દિવસ અગરબત્તીથી કાણા પાડવાના અને જૂની ગઈસાલની ફીરકીની દોરીથી કિન્ના બાંધવાની લગબગ દોઢ બે વાગ્યા સુધી આ કામ ચાલે .. ઘણા એવા પણ લોકો કે જે `કતલની રાતે` ટંકશાળ જાય અને પતંગની ખરીદી કરે ,અને એમાં બે ચાર નંગ એવા પણ ખરા જેટલાની ખરીદી કરે એટલા જ `ઠામી` લાવે..`ઠામવું` એ તો એક `કળા` કેહવાતી..!!
ચલો આ સાથે પૂરું કરું છું .. જે મિત્રના ઘરે ઉતરાયણ કરવાની છે તેમના પત્નીજી અત્યંત કડક સુચના છે કે શૈશવભાઈ એક પણ પતંગ લઈને આવ્યા તો આવવા નહિ દઉં ..કિન્ના બાંધેલા તૈયાર પંદર કોડી પતંગ પડ્યા છે .. એટલે આ વખતે જમાલપુર અમે ગયા નથી પણ કઈ કેહવાય નહિ કતલ ની રાત બાકી છે અને રહી રહી ને સણકો ઉપડે પણ ખરો ..
તમારું શું છે બોસ ? જમાલપુર કે ટંકશાળ ? રાયપુર ? દિલ્લી દરવાજા ?
પતંગની ખરીદી ની પણ એક અનેરી મજા છે હો .. ભલે બે `પંજા` લેવા હોય પણ શેહરમાંથી લેજો મુ`ઉ સો નું પેટ્રોલ બળતું..એની માં ને ..!!
મારો આંટો કતલની રાતે શેહરમાં ..માણેક ચોકના ગાંઠિયા પાછા વળતા દબાવતા આવજો ..
ત્યારે શું વળી હે ..
મોજ કરો રોજ કરો ..
સૌને હેપી ઉતરાયણ ..
અને હા આજ ના બ્લોગમાં ટીપીકલ અમદાવાદી શબ્દો વપરાયા છે , એટલે જે કોઈ શબ્દમાં ખબરના પડે તો કોઈ શેહરની પ્રજાની મદદ લઇ લેજો અને હા ..તમે વાંચવાની મજા લીધી તો બીજા ને આપજો .. ફોરવર્ડ કરો, શેર ત્યારે ..!!
( આ ફોરવર્ડ કરો ત્યારે નીચેથી મારું નામ શું કરવા કાઢી નાખો છો હે ..?)
શૈશવ વોરા