આજે એક એવા મુદ્દા માટે વાત કરવી છે કે જેની તરફ ભારતભરના લગભગ પંચ્યાશી ટકા લોકોનું ધ્યાન નથી,અને ધ્યાન છે તો ઉદાસીનતા છે,
આ ઉદાસીનતા હોવા પાછળનું કારણ છે “મારે જરૂર નથી પડી” માટે..
મુદ્દો છે “મોડો મળતો ન્યાય..!”
કારણ શું ? તો કહે ન્યાયિક પ્રક્રિયામાં રહેલી શીથીલતા..
સ્ટેનોગ્રાફર ના આવે તો “કામ” ના થાય,સરકારી વકીલ ના આવે તો “કામ” ના થાય, અને જજ સાહેબ જાતે ના આવે તો તો પછી “કામ” ના જ થાય..!
અને આ બધાની ઉપર કોર્ટમાં પડતા “વેકેશન”..
મસ્ત મજાના કોર્ટોમાં વેકેશન પડી ગયા..!
મે મહિનાના પેહલા અઠવાડિયામાં પડેલું વેકેશન છેક જુલાઈ મહિનામાં ખુલશે અને કોર્ટ કામ કરશે..!
સાલું કેવું કેહવાય તો નહિ..? પણ આપણને તો ભગવાને બિલકુલ “વેકેશન વિનાની” વૈતરાવાળી જીંદગી અને “પુણ્યશાળી”જજ સાહેબો અને એમની જોડે લાગેલા બધા સ્ટાફ અને વકીલો એ બધાને પણ જોડે જોડે કેવા કેવા વેકેશન મળે..!
કેવા પુણ્ય કાર્ય કર્યા હશે ,કેવી સરસ જિંદગી કેહવાય..!
ચાલુ પગારે દોઢ મહિનો, અને એ પણ દર વર્ષે, ઘેર બેસો કે પછી ઘરવાળાને લઈને ફરવા જાવ અને એમાં પણ સરકાર એલટીસી વગેરે વગરે આપતી હોય અને મોજ કરવાની..!
અને તો પણ ચીફ જસ્ટીસ સાહેબ પોક મૂકી ને નરેન્દ્ર મોદી સાહેબની સામે જાહેરમાં રડી પડે,અમારી પાસે બહુ કામ છે અને અમારે સ્ટાફ ઓછો પડે છે સરકાર તમે કઈ સમજો..!
નરેન્દ્રભાઈ એમને છાના પણ રાખે,“રડો નહિ હો ભા, હું બેઠો સુ ને હઉ હારા વાના કરે..!”
અંગ્રેજી સલ્તનતનું છેલ્લું “દુષણ” એટલે આ કોર્ટને મળતા વેકેશન..!
શિક્ષક અને વકીલ આ બે સિવાય કોને વેકેશન મળે છે આ દેશમાં..?
કેમ હજી કોર્ટની વેકેશનની બ્રિટીશ પરંપરાને ચાલુ રાખવામાં આવી છે..?બ્રીટીશરો આપણી ગરમીમાં બટાકાની જેમ બફાઈ જતા એટલે વેકેશન રાખતા, હવે તો આપણે બધાય દેશી છીએ, અહિયાં જન્મીને અહિયાં મોટા થયેલા તો પછી શું છે ?
શિક્ષકનું વેકેશન તો બાળકને આધીન છે, છતાં પણ સ્કૂલો પૂરી થાય પછી પરીક્ષાના પેપરો અને રીઝલ્ટ અને પછી આવતા સત્રની તૈયારી અને ક્યારેક ટ્રસ્ટી કે પ્રિન્સીપાલના ઘરના પણ બે કામ કરવા પડે શિક્ષકને તો ,
પણ જયુડીશિયરીમાં તો તરત જ નાક નું ટેરવું ચડાવીને પૂછે એઈ અમે કોણ છીએ ખબરને ?
વકીલો કોર્ટમાં એન્ટર થાય તો રીતસર છાતીએ હાથ મૂકી,ઝુકી અને જજ સાહેબની સીટને નમન કરે છે..!
હવે આ “નમન” સીટને છે કે જજ સાહેબની “વિદ્વતા” ને છે કે પછી “મસ્કો” છે કે પછી આવી કુરનીશ બજાવવી “કમ્પલસરી” છે એ રામ જાણે..!
બંધારણે આપેલી સ્વતંત્રતાનો દુર ઉપયોગ આખે આખી જ્યુડીશ્યરી ભેગી થઇને કરતી હોય એવું નથી લાગતુ..?
આપડે સામાન્ય ગુજરાતી માણસને જેને ગોલ્ફિંગ કે સાયકલીંગ(આજકાલ પચાસ હજારની સાયકલ મળે છે અમદાવાદમાં,શરીરને ચોંટેલી ચડ્ડી અને ટીશર્ટ પેહરીને તમે રાતે રાતે જે લોકોને સાયકલીંગ કરતા જોવો છો ને એ સાયકલ) કે બીજો કોઈ શોખ નથી એમને માટે તો એક રવિવારની રજા આવે તો પણ રજા “કરડે” નવરો બેઠો ઘેર કરવું શું..? કેટલી ટીવીની ચેનલો બદલવી..?
લગભગ દર રવિવારે સવારે કોઈ સામાજિક કામ કે માર્કેટમાં ગુજરાતી માણસ આંટો મારીને આવે અને થોડો સમય પસાર કરીને આવે..
તો આ દોઢ દોઢ મહિનો ઘેર બેઠા આ બધા કરતા શું હશે..? આપણે તો યાર “ઘર સે ભલી બજાર”
કઈ કામ ના હોય તો પણ “થડે” જઈને બેસવાનું,અને અહિયાં તો પોક મુકીને રડવુ પડે એટલું કામ પેન્ડીંગ છે,છતાં પણ વેકેશન લેવાના..?
મારો યુરોપિયન ધોળિયો ઓગસ્ટમાં મને ફોન કરે કે અમે હવે વેકેશન પર જવાના છીએ તારા ફોરવર્ડર ને કહી દે જેટલો માલ ઉપાડવાનો છે એ બધો ઉપાડી લે પછી વેકેશન ખુલે ત્યારે વાત..
અને મને કાળજે કાળી બળતરા થાય કે આ સાલો ત્રણ અઠવાડિયા ઘરબાર ધંધો બધું મુકીને ક્યાંક રખડશે, મોજ કરશે અને મારે તો કોલેજ પૂરી થઇ પછી વેકેશન..??? વેકેશન ..?? વેકેશન ..? મગજમાં અને કાનમાં ઇકો પડ્યા કરે વેકેશન..વેકેશન..
આજે તો વાત એટલે જ કરવી છે કે મને નહિ તો કોઈને નહિ, અને નહિ તો બધાને આપો..!
અમને પણ ૧૮૯ દિવસની રજાઓ જોઈએ હવે તો વર્ષમાં,કેમ અમે ગધેડી પકડી છે વૈતરા કરવાની ?
મુઆ લોકો “મરતા” પણ ડોક્ટર પણ કામ નહિ કરે,ડોક્ટરને પણ વેકેશન, લોકોને ખાવા ધાનના મળે તો પણ ચાલશે પણ ખેડૂતને પણ વેકેશન, નોટબંધી કરો કે જે કરવું હોય તે કરો પણ બેંકોમાં પણ વેકેશન..
સમાજનો એક ભાગ પોતાને મળેલા બંધારણીય અધિકારનો આવો દુરુપયોગ કેવી રીતે કરી શકે..?
પોલીસને ક્યારે વેકેશન મળ્યુ..? સરહદે ઉભેલાને ક્યારે વેકેશન મળ્યું..? તો પછી આ બધું શું અને કેમ ?
જ્યુડીશીયરી સરકારને જવાબદેહી નથી માન્યુ પણ સમાજને તો ખરીને ?
કેમ સમાજનો બુદ્ધિજીવી વર્ગ પર્સનલી તો પર્સનલી પણ કોઈ જજને એમ નથી પૂછતો કે આ તમે શું કરી રહ્યા છો..?
૧૨૫ કરોડનો દેશનું શીથીલ ન્યાયતંત્ર અને ન્યાયતંત્રની શીથીલતાનો સૌથી વધુ લાભ ઉઠાવતો વર્ગ એ એમના જ વકીલ..મુદતો “લેવાના” જ રૂપિયા જનતાએ આપવાના..!ન્યાય ક્યારે મળે એ તો ઉપરવાળો જાણે.
સો દોષી ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ના થવી જોઈએ..
સમાજ ક્રિમીનલથી ભરાઈ ગયો, કાનૂનનો ડર ના રહ્યો,ભય જતો રહ્યો તો પ્રીત કેમની રહે..?
સમાજનો દરેક વર્ગ ગમે ત્યારે સીસ્ટમની સામે થઇ જાય છે, કારણ..?
તો કહે કાયદાનો ડર નથી..
કેસ બોર્ડ પર આવે ત્યારે સુનાવણી અને સજા થાયને ..? અમુક કેસમાં તો આરોપી જજ વકીલ બધાનો જન્મારો પૂરો થઇ જાય પણ ચુકાદા નાં આવે ..!
બધા ય થોડી રાણી એલિઝાબેથની જેમ સો વર્ષ પુરા કરવા સર્જાયા છે..?
શું કોર્ટનું વેકેશનના હોવું જોઈએ એવા મુદ્દા પર પણ જનાંદોલન કરવા પડે ..? આપણુ માન અને સન્માન આપણે જાતે ના સાચવવું જોઈએ..?
સમાજના એક ભાગ રૂપે અને એ પણ કેવો ભાગ સમાજનો કે જ્યાં પોહચવા ખાલી ડીગ્રી કે અનુભવ નહિ પણ વિદ્વાવતાની જરૂર પડે..અને એવા વિદ્વાન માણસો પણ ભીંત ભૂલે..?
વેકેશન લઈલે..?
ચુંટણી નથી લડવાની એટલે સમાજની સામે કોઈ આદર્શ નહિ મુકવાનો..? તમને ઘેર “નવરા” બેઠલા જોઈને તમારા સંતાનો અને ભાવી પેઢીને તમે કયો કર્મયોગ શીખવાડશો..?
મને બંધારણએ હક્ક આપ્યો એટલે મેં દલા તરવાડીની વાડી કરી..?રીંગણ લઉં બેચાર અરે લે ને દસ દસબાર, જાતે ને જાતે સવાલ પૂછી અને જાતે જવાબ આપ્યો..?
નીચલી કોર્ટમાં વેકેશન નથી,વચ્ચે સુપ્રીમ કોર્ટ શનિવારે કામ કરતી હતી પણ હમણાં એ બંધ છે ઉપલી કોર્ટોમાં રજાઓ અને કામ પુષ્કળ ધીમા થાય છે..
ભ્રષ્ટાચાર ન્યાયતંત્ર સુધી પોહચી ગયો છે,
સાહેબો પેહલા 365માંથી 52 રવિવાર અને બીજી વારતેહવારની સત્તર રજાઓ એટલું કરીને 300 દિવસ વર્ષના કામ કરતા થાવ અને પછી ભ્રષ્ટાચારનો વારો કાઢો..!
કેટલી બધી અપેક્ષા છે ન્યાયતંત્ર પાસે લોકતંત્ર અને સમાજને..!
મોડા થતા ન્યાયએ ઉધઈની જેમ કોરી ખાધી છે સિસ્ટમને..જબરજસ્ત રીતે ઉણું ઉતર્યું આ ભારતનું આ તંત્ર જન ગણની અપેક્ષા સામે..!
જય હિંદ
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા