પ્રેયર આંટી,પ્રેયર અમ્મા ..
બહુ ટ્રોલીંગ ચાલ્યું સોશિઅલ મીડિયામાં શરૂઆતના બે ત્રણ દિવસ તો, આ પ્રેયર આંટી કોણ છે..?કોણ છે..?કરીને બરાબર ખેંચમતાણી કરી જનતાએ અને પછી જેવી વાત વેહતી થઇ કે જેમને પ્રેયર આંટી,પ્રેયર અમ્મા કરીને ટ્રોલ કરાઈ રહ્યા છે એ તો પૂર્ણિમાબેન દલાલ છે,શ્રીમતી નીતા અંબાણીના મમ્મી અને મુકેશ અંબાણીના સગ્ગા સાસુમાં થાય, એટલે પછી પુંગી વાગી ગઈ..ધીમે ધીમે ટોઈંગ..થઇ ગયું અને પડદો પડી ગયો..!
મુંબઈ ઇન્ડિયનસ જીત્યું અને ટ્રોલીગ ચાલુ થયું,જો કે મેચ દરમ્યાન કેમેરામેન પણ ખાસ્સો એવો કેમેરો પૂર્ણિમાબેન ઉપર ફેરવતા હતા એટલે ટ્રોલીગ કરવા વાળી પ્રજાને દિમાગમાં કીડો સળવળ્યો..!
ટ્રોલીંગ શબ્દ નવો અને વૃત્તિ આદિમાનવની, ના એનાથી પણ કદાચ પાછળની વૃત્તિ..કઈ પણ લાગે વળગે કે ના વળગે, તો પણ વળગી પડવું એનું નામ ટ્રોલીંગ..!
મારી પાસે થોડા ઘણા સમયથી બે ત્રણ એક્વેરિયમ છે,સારા એવા મોટા છે ઘણીબધી માછલીઓ ભેગી કરી, મોટી કરી અને પછી બીજા હોબીસ્ટને આપી.. ક્યારેક નવરાશ હોય ત્યારે હું ઓબ્ઝર્વ કરું, ગપ્પી થી લઈને ગોરામી,ફ્લાવરહોર્ન થી લઈને મોંઘામાં મોંઘી પર્લ અર્વાના,ચીટલીટ હોય કે કુઈ કે પછી મરીન ફીશ હોય,પણ બધામાં એક સર્વસામાન્ય નિયમ છે એકાદી માછલી જો ઢીલી પડી હોય અને સાઈઝમાં નાની હોય તો સવારે દેખાય જ નહિ, અને જો સાઈઝમાં મોટી માછલી હોય તો ઉપર લટકતી હોય..
બીજી બધીએ માછલીઓ એ “ઢીલી” માછલીને ભેગી થઇને ફાડી ખાધી હોય..
મેમલ્સ ત્યાંથી થોડા આગળ આવ્યા છે, શારીરિક “ઢીલા”ને ટેકો કરીને ઉભો કરે પણ માનસિક “ઢીલા”ને તો પૂરો જ કરે..
જુના જમાનામાં ટીવી અને સોશિઅલ મીડિયા નોહતા ત્યારે ઈસ્વીસન પૂર્વે ૧૯૮૦ની સાલમાં ..કેવું લાગે છે નહિ ..?
૧૯૮૦ની સાલ તો હવે ઈસ્વીસન પૂર્વે ની હોય એવું જ લાગે છે..!
એમ લાગે છે કે જાણે આપણે પણ એ ટીવી અને ફેસબુક વોટ્સ એપ,સ્નેપ, ઇન્સ્ટા આ બધા વિનાની દુનિયા જોઈ જ નથી, આજનું છોકરું તો કર્ણની જેમ કવચ કુંડળ ને બદલે ફેસબુક વોટ્સ એપ જોડે જ જન્મે છે, પણ આપણે પણ એવી રીતે જ જન્મ્યા હોઈએ એવું વર્તન કરી છીએ..એની વે બેક ટુ ઈસ્વીસન પૂર્વે ૧૯૮૦ ના દાયકામાં..
ત્યારે પોળના નાકે આઠદસ “નવરી બજારો” ભેગી થઇને એકાદાને પકડે અને પછી સાચું ખોટું બધું આવી જાય એમાં,ગમે તે એક પોઈન્ટ પકડીને ટ્રોલ કરે,બસ વારાફરથી એક પછી એક પેલા “એક” ને બધા ઝાટક ઝાટક કરે,
પરિણામ શું ?
તો કહે પરિણામ લેવા થોડી અને અમે કઈ એને ઝાટકતા હતા ? અમને મન થયું અને હાથમાં આવ્યો તો “ભેગા થઇને લઇ પાડ્યો”
ટ્રોલીંગની ગુજરાતી ડેફીનેશન આવી ગઈ “ભેગા થઇને લઇ પાડવુ”
ટ્રોલીંગ કરવામાં ટોકવુ,ટપારવું, ખેંચવું,ઉડાવવું,..વગેરે વગેરે બધું જ આવી જાય.. સોશિઅલ મીડિયામાં ટ્રોલીંગ એટલે મોટેભાગે જે ક્યારેય “હાથમાં ના આવતો હોય” એવાને લઇ પાડવાનો,અથવા તો કોઈ બહુ “ઉપર ઉડતો” હોય એને જમીન દેખાડી દેવાની, એક ચાલુ કરે એટલે બીજા દસ જોડાય અને દસ જોડે સો અને પછી હજાર અને છેલ્લે ગામ આખ્ખુ ગાંડું થાય..
ટ્રોલીંગ વૃત્તિ પણ ગજબની છે..કોઈ ને ભેગા થઇને ટ્રોલ કરવાવાળા ,”લઇ પાડવાવાળા” નું બ્લડપ્રેશર એકાદ કલાક માટે તો મસ્ત નોર્મલ થઇ જાય પણ જે ટ્રોલ થયેલો હોય એ કેવો થાય ?
“નીંભર” થઇ જાય તમારે જે કેહવું હોય તે કહો મારે હું જે કરતો હોઈશ તે જ કરીશ મારી મરજી..!
આજકાલ ટ્રોલ કરવા માટે મડિયા આખે આખું વપરાય છે,સોશિઅલ મીડિયા ટ્રોલ કરે પછી ઈ મીડિયા અને છેલ્લે પ્રિન્ટ મીડિયા જોડાય..
સોશિઅલ મીડિયામાં ચોવીસ કલાક રખડતી, ફરતી, ભમતી ખોપરીઓ ટ્રોલ કરવાના પોઈન્ટ અને માણસો શોધી આપે અને પછી બાકી બધું મીડિયા જોડાય..
અત્યારે એકાદ ચેનલ સિવાય બાકી બધી ચેનલો ભેગી થઈને જબરજસ્ત ટ્રોલીંગ કરે છે,ગુજરાતી ન્યુઝ ચેનલો પણ ટ્રોલીંગ કરવાની કોશિશ કરે છે પણ “એવા” એવા એન્કર અને “એવા” એમના પેલા વક્તાઓ ઝાલી લાવે,કે આપણે ભૂલી જઈએ કે મુદ્દો શું હતો અને કોણ શું કેહવા માંગે છે, પેલો કે પેલી એન્કર પણ ફેરવી ફેરવીને એક જ સવાલ પૂછે અને વક્તાઓ પણ એક જ જવાબ આપે જાણે બધાને પેહલેથી ગોખાવીને જ મોકલ્યા હોય.. ઘણીવાર થાય કે આના કરતા તો યાર આ “ટોક શો” ને “એક્ટિંગ શો” જાહેર કરો અને બે ચાર નવા ગુજરાતી સ્ટ્રગલર એક્ટર ને લઈને બેસાડોને તો એમને ટ્રેનીગ પણ મળશે કેમેરા ફેસિંગની અને અમને સારા “થોબડા” પણ જોવા મળે..
એવા એવા “ડોકરા” ઝાલી લાવે, અને શકલથી “ડોકરો” ના હોય તો અકકલથી તો ચોક્કસ “ડોકરો” થઇ ગયો અને એ એ એ કરીને નાકમાંથી બોલતો હોય..!
આજકાલ ગુજરાતી મીડિયાને શંકરસિંહ વાઘેલાને લઈને મજા આવી ગઈ છે,એ બાપુ આયા … એ બાપુ ગયા … મસ્ત હિંચકે હિંચકે છે, અને બાપુએ પાછા હીંચકા ખવડાવે છે આજે ભાજપ તો કાલે કોંગ્રેસ..!
ઘણીવાર તો એમ થાય કે આ બાપુ જેવા માથાના ટ્રોલ કરવાવાળાને મળવા જોઈએ, પોતે જ અટવાઈ જાય કે બાપુ કરે છે શું આ બધું..? ખરેખર શું હશે ?
ઈસ્વીસન પૂર્વેની વાત ચાલુ છે તો એમા ફેમીલી ટ્રોલીંગ પણ થતું .. કોનું થતું ..?
બાપાનું બીજું કોણ હોય ?
આખુ ઘર એક બાજુ આવી જાય અને પપ્પાનું ટ્રોલીંગ કરી નાખે, આ વેકેશનમાં તો મનાલી જવાનું જ છે, ત્યારે મનાલી હોટ ડેસ્ટીનેશન હતું સ્વીસ ખુલ્યું નોહતું, જોકે આજે પણ એ ધંધો ચાલુ જ છે,પણ આજકાલના નવી સદીના પપ્પા અક્કડ નથી રહી શકતા તું જે કહે એમ પણ યાર લોડ ના આપીશ, અને જણ્યું હોય પણ એક જ નંગ એટલે બહુ ટ્રોલીંગના થાય..! ટ્રોલીંગકરવા માટેનું “કોરમ” ઓછુ પડે,એટલે સંસદમાં કામકાજ બંધ થઇ જાય..
મારું ટ્રોલીંગ ઘણીવાર થાય છે પણ આપણે તો ટોટલ ૧,૫૦૦ રૂપિયાની ફાટેલી નોટ તરત જ ત્રણ ભાગમાં વેહચાઈ જવાનું એટલે વાર્તા પૂરી..!
વોટ્સએપની કોમેન્ટ મગજમાં લેવાની નહિ અને ફેસબુક ની ડીલીટ,
અલ્યા દિમાગનું પ્રેશર રીલીઝ કરવા બ્લોગ લખું અને એમાં વધારાનો લોડ લઈને હવે શું કરવાનુ..?
કથ્થક શીખવાના વારા આવે, હવે તો એ જ બાકી છે દુનિયામાં મારે..!
ત્રણ દિવસ પેહલા એક રીડર મિત્ર અર્પિત શુક્લ એ ફેસબુક પર લખ્યું કે શૈશવભાઈ ઘણો સમય થયો બ્લોગ ઉપર નવી પોસ્ટ નથી ????(ચારેચાર પ્રશ્નાર્થ ચિન્હ એમના જ છે મેં વધાર્યા નથી) તારક મેહતા પછી કદાચ પ્રથમ વખત તમારા લખાણની રાહ જોઉં છું !!!!! (આ “ ! ” પણ એમના જ છે પાંચે પાંચ)
અને બિલકુલ એ જ સમયે હું ક્યાંક “ટ્રોલ” થઇ રહ્યો હતો..થોડાક જાણીતા અને થોડાક અજાણ્યા વચ્ચે..બે ચાર જવાબ આપ્યા પછી માંડી વાળ્યુ,કોને કેટલું શીખવાડવુ અને સમજાવવુ,જેટલું વધારે બોલો એટલા વધારે સામે આવે અને આજકાલ મોટા મોટા લોકો પણ ગલીના ગુંડાની જેમ સોશિઅલ મીડિયા પર લખે છે તારું એડ્રેસ અને ફોન નંબર આપને એટલે ખબર પાડુ તને..!
અરે રે.. ધિક્કાર ધિક્કાર તને અને તારી વિદ્વતાને, છેલ્લે તો ભાઈ તમે પણ એ જ રસ્તે..??? હું..હું..હું..હું..!!!
જીવનમાં ક્યારેય અર્પિત ભાઈને મળ્યો નથી,પણ એમના જેવા ઘણાબધા લોકો જયારે કોઈને કોઈ માધ્યમથી મને આવા સુંદર સંદેશ મોકલે ત્યારે આઠદસ કે પચીસ પચાસ ભેગા થઈને મને “ટ્રોલ” કરતા હોય એવી ઘટના પલકારામાં ભૂલી જવાય,અને હૈયુ ગદગદ થાય કે યાર મને પણ ખબર નથી કે ઘણા દિવસથી મેં બ્લોગ નથી લખ્યો અને કોઈ આપણા શબ્દોની રાહ જોવે છે..!
પરમકૃપાળુ પરમાત્માની કૃપા જ સમજવી..!
હું તો જવાબમાં એટલું જ કહીશ “કારણ” વિનાનો પ્રેમ દરેકના નસીબમાં નથી હોતો..!
ઋણસ્વીકાર મિત્રો તમારા પ્રેમનું ..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા