આજે ગુજરાત દિન ..
બે વર્ષ પેહલા લખેલો બ્લોગ ફેસબુકે યાદ કરાવ્યો..વિકાસ માટે ઘણી ભડાસ ત્યારે કાઢેલી, અને એ પછી તો સાબરમતીમાં નર્મદાના ઘણા પાણી વહી ગયા ..!!!
જો કે પેલું સી પ્લેન ઉતાર્યું પછી કૈક પનોતી બેઠી છે તે હવે નર્મદાના પાણી `જકડી`ને સરકાર બેઠી છે ..!!
રોડ રસ્તાના કામો જોર પકડી રહ્યા છે, ત્યાં પાણી હવે ફરી એકવાર ગુજરાત માટે પ્રાણ પ્રશ્ન બની ને ઉભરી આવ્યો છે..!!
નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે એ વાત જન્મ્યા ત્યારથી સાંભળતા આવ્યા છીએ અને જબરજસ્ત મોટી આશાભરી મીટ નર્મદા ડેમ ની સામે રાખીને સૌ ગુજરાતી બેઠા છે ..
પણ લાગે છે કે કુદરત રૂઠી છે અને હવે પાણીનો કોઈ બીજો વિકલ્પ શોધવાનો પ્રયત્ન ગુજરાતે કરવો પડે તેમ છે..!!
અરવલ્લી હોય કે બરડો ,
એમની માં મરી હોય એમ બધુય લગભગ મુંડી કાઢયું છે, અ બધા ડુંગરમાંથી નીકળતી ગુજરાતની નાની નાની નદીઓમાં એક જમાનામાં કુદરતી રીતે પોતાના પાણી વેહતા હતા , આજે ગુજરાતની નાની નાની તમામ નદીઓ ગટરમાં કે વરસાદી નાળામાં ફેરવાઈ ચુકી છે..!
*વિકાસની કિંમત આ નદીઓ ચૂકવી છે..!!*
અમદાવાદથી કાઠીયાવાડ જાવ કે કચ્છ , કે પછી ઉત્તર ગુજરાત, હાઈ વે ની બંને બાજુ બધું ય સુક્કું ભઠ્ઠ છે..દક્ષીણ ગુજરાત હજી લીલું થોડું ઘણું બચ્યું છે પણ ક્યારે એને પણ રંડાપો આવે એ કેહવાય નહિ..!
ભૂતકાળમાં બહુ બધા ચેક ડેમ ઉર્ફે પાળા બાંધ્યા ,અને જળસંકટ હળવું કરવાની કોશિશ થઇ, સફળતા પણ મળી ,પણ હવે તો એ પ્રયત્ન એળે જતો હોય તેમ લાગ રહ્યું છે..!
આપણા લોકગીતોનો થોડોક આધાર લઇએ તો પેલું ગીત યાદ કરીએ કે વગડાની વચ્ચે વાવડીને વાવડી ની વચ્ચે દાડમડી ..દાડમડી ના દાણા રાતાચોળ રાતાંચોળ ..
અહિયાં `વગડા`ની વાત છે..!! અને એની વચ્ચે વાવડી..!!
અત્યારે લગભગ દરેક ગામની બાહર રહેલો `વગડો` ગાયબ છે , ગોચરની જમીનો ઉપર જમીન માફિયાના કબ્જા છે ,કારણ શું ?
તો ગુજરાતી માણસની “ઇન્વેસ્ટ” કરવાની લાલચ..
*જમીન જેટલું કમાઈને આપશે એટલું બીજું કોઈ જ કમાઈ ને નહિ આપે..!! સગ્ગો દીકરો પણ નહી..!!!*
*અને આ વાક્ય પરમ સત્ય પણ છે..!*
*પાકીટ પડી ગયું હોય અને એમાં જેટલા રૂપિયા હોય એટલા રૂપિયાની જમીનો જેમણે લીધી છે અને બે દસકા ઝાલી રાખી છે એમને એ જમીનો ના આજે કરોડ-કરોડ રૂપિયા મળી રહ્યા છે..!*
ઉપરની `પરમ સત્ય` લાઈન ઉપર આજે પણ એક એક ગુજરાતી ચાલી રહ્યો છે ,દરેક ને જમીન લેવી છે ,કે મકાન લેવું છે, ઇન્વેસ્ટ કરવું છે..!
આજે પણ ફટાફટ જમીનો એનએ થઇ રહી છે, અને લોકો પોતાના રૂપિયા `પાર્ક` કરી રહ્યા છે..!!
ધોલેરા જ્યાં હજી કુતરા પણ મુતરવા નથી આવતા, ત્યાં કાગળ પર પ્લોટીંગ થયા છે અને પ્રજા ત્યાં લાખ્ખો રૂપિયા ઇન્વેસ્ટ કરી ને બેઠી છે..!!
*આ એનએ કરી અને પડી મુકેલા પ્લોટો એ શું હાલત કરી છે એનો એક ઉત્તમ નમુનો નીલગાય ઉર્ફે રોઝડા છે..*
એનએ થઇ અને પ્લોટીંગ થઇ ને પડી રહેલી જમીનોમાં નકરું ખડ ઉગે છે , રોઝડાને એ ખડ આહાર આપે છે , રોઝડાના શિકાર કરીને ખાતા વાઘ, સિંહ અને દીપડાને માણસજાતે `પરધામ` પોહચાડયા, એટલે નિર્ભય થઇ ને ફરતા રોઝડા દર વર્ષે એક બચ્ચું રોઝડાની એક પેર જણે ..!!
બેહિસાબ વસ્તી વધારો થઇ રહ્યો છે રોઝડાનો ,અને ઉભા પાક વત્તા વનીકરણના રોપા બધુય રોઝડા પ્રેમથી `આરોગી` ને `તગડા` થઇ રહ્યા છે..!!
કેવું વિષચક્ર ..!!
આપણી કરોડો કમાવાની લાલચે આપણે જ પેદા કર્યું..!!
અને આજે આપણે જ એમાં ફસાઈ ગયા છીએ..!!
વન અને વગડાને કમોતે મારી નાખી અને આપણે રૂપિયા કમાયા અને એ જ રૂપિયા હવે પાણી માટે ચુકવવાના આવશે..!!
વીસ રૂપિયાની મિનરલ વોટરની બાટલી કે આરઓ ના રૂપિયા ..!!
એક જમાનો હતો કે આપણે બોલતા હતા કે ફલાણા ભાઈએ તો ઘાટ ઘાટના પાણી પીધા છે..!
હવે ઘાટ ક્યાં રહ્યો છે ? નદી હોય તો ઘાટ હોય ને ?
નથી પાણી કે નથી નદી …!!
ખળખળ વેહતા પાણી પીધે તો એક સદી વીતી હોય એવું ભાસે છે..!
ભયંકર જળસંકટ તરફ ગુજરાત આગળ ધપી રહ્યું છે , વન કે વગડા વિનાની કોરી જમીનો પડી પડી એસીડીક થઇ રહી છે , વાતાવરણ અને એમાંથી આવતો વરસાદ એક જમાનામાં સેહજ આલ્કલી હતો , આજે પ્યોર એસીડ વર્ષા થઇ રહી છે અને ઉપજાઉ જમીનોનો ખો નીકળી રહ્યો છે..!
એક કલીપ ફેસબુક પર જોઈ હતી , એક આફ્રિકન `કાકા` એ ડુંગરાના ડુંગરા ઉપર વન ના વન ઉગાડ્યાં છે ,અને એના માટે એમણે વૃક્ષોના બીજ ને પશુના છાણ માટી સાથેનો એક મોટો દડો બનાવ્યો હતો અને એને `સીડબોલ` કે એવું કૈક નામ આપ્યું હતું..
આપણે ત્યાં દર ચોમાસે રોપા રોપાય છે, પણ પછી એના ખાતર પાણી ભુલાઈ જાય છે ..
એ આફ્રિકન કાકાએ બીજની સાથે લગભગ ક્રિકેટ બોલથી ડબલ સાઈઝના છાણીયા ખાતર માટી અને એમાં બીજના બોલ બનાવ્યા છે અને ડુંગરે ડુંગરે જઈને જાતે રોપી દીધા .!!
અને એમાંથી એક દસકામાં વનના વન થઇ ગયા છે..!!
યાદ નથી આવતી એ સ્ટોરી પણ ખુબ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું છે..! અને સરાહનીય..!!
આજે ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાત સરકારને એક વિનંતી કે ખેતીની જમીન, એનએ જમીન ભલે કરો ,
પણ એની સાથે એક કલમ ઉમેરો કે આ એનએ થયેલી જમીનમાં દર દસ સ્કેવર મીટર દીઠ એક વૃક્ષ ઉગાડવું ફરજીયાત છે, અને જો ત્રણ વર્ષની અંદર આ શરત નું પાલન નહિ થાય તો જમીન ખાલસા થશે..!!
આ કાયદાનું પાલન માટે એનએ થયેલી જમીનનો સેટલાઈટ ફોટો એનએ કરતી વખતે લઇ લેવો ફરજીયાત ,અને ત્રણ વર્ષે ફરી ફોટો લઇને એનએ રીન્યુ કરાવવી ,જ્યાં સુધી જમીનમાં કાયમી ધોરણે બાંધકામ ના થાય ત્યાં સુધી ત્રણ વર્ષે ફોટા લેવા અને વૃક્ષો ગણવામાં આવશે..!
ગુર્જર નરનારીઓની જમીનની `ભૂખ` ને ક્યાંક તો અટકાવી રહી, અથવા ગુર્જર નરનારીને જમીનના માલિક કાગળિયાં ઉપર નહિ પણ નરનારી તમે તમારી જમીન ઉપર ખરેખર જાવ અને એને ડેવલપ કરો , અને જો ના કરે તો કાયદાના ડરે એમને એમ કરતા કરવા રહ્યા..!!
નહી તો `વિકાસ` થતા થશે અને પાણી વિના થયેલા વિકાસને પણ વેચવા કાઢવા પડશે, અને એ પાણી વિનાના વિકાસને વેચવા જઈશું તો પાણીના મૂલ પણ નહિ મળે ..!!
વિચારજો અને યોગ્ય લાગે તો ફોરવર્ડ કરજો શેર કરજો ..!!
મફતના પાણીના રૂપિયા ચુકવતા થઇ ગયા છીએ ,હજી કેટલું આગળ જઈ ને શેના શેના રૂપિયા ચૂકવા છે ..?
વન વગડા બચાવો, પાણી લાવો..!
*જય જય ગરવી ગુજરાત*
*વન વગડે શોભતું ગુજરાત*
અત્યારે તો …
*જય જય ગરવી ગુજરાત..*
*તરસ્યું ગુજરાત ..*
ફરી એકવાર યાદ કરાવું *પડી રહેલી એનએ થયેલી જમીનોમાં વૃક્ષારોપણ ફરજીયાત કરાવો ..બહુ `માલ` ખાય છે ,તો થોડો માલ બહાર કઢાવો `ઇન્વેસ્ટર` પાસેથી..!!*
શુભ રાત્રી
શૈશવ વોરા