વિચાર..
મારો વિચાર જો તમારામાં જીવતો થઇ ગયો તો હું તમારામાં જીવતો થઇ ગયો..!
વિચાર એ પ્રેતઆત્મા જેવો છે, એકવાર વળગ્યો તો મારા જીવન ઉપરથી મારો કન્ટ્રોલ ગાયબ..!
એટલે જ્યારે જયારે કોઇપણ વિચાર મારી સામે આવે ત્યારે મારે બહુ સાચવી ને અડકવું રહ્યું , જો કોઈ વિચાર “વળગ્યો” તો જિંદગી ને રમણભમણ કરી મુકે..!
આજકાલ બજારમાં બહુ મોટા પાયે વિચારોની હાટડીઓ ખુલી ગઈ છે,
લોકડાઉનમાં વેબ મિનારો કરી કરી ને પોતાના વિચારો બીજામાં ખોસવાની કે વેચવાની જબરજસ્ત હોડ લાગી છે..!!
હું બહુ જ સાવધાન રહું છું એ બાબતમાં,
બજારમાં વેચાવા આવેલો વિચાર સાચો છે કે ખોટો ? મારા માટે સારો કે ખરાબ ? એ સૌથી પેહલા નક્કી કરવું રહ્યું ,
પછી એનાથી આગળ વધવાનું , સારો વિચાર મારા માટે સારો છે કે નહિ ? કેમકે દરેક સારો વિચાર મારા માટે સારો હોય એવું પણ જરૂરી નથી ને ક્યારેક કોઈક ખરાબ વિચાર મારા માટે પણ સારો હોય એવું પણ બને .
એટલે વિચારની ઉપર સેહજ મનોમંથન કરી અને પછી જ વિચાર ને આપણી કાયામાં પ્રવેશ કરવા દેવાનો બાકી તો મહાદેવની ભભૂતિ ને શરીરે લગાડેલી જ રાખવાની એટલે એકેય ઝોડ ,ચુડેલ ,ભૂત ,પલીત કશું વળગી ના જાય..!!
મહાદેવની ભભૂતિ એટલે પરમસત્ય મૃત્યુમાંથી નીકળેલી રાખ..!!!
એક ઉંમર પછી માણસ વિચારોની મારામારી કરતો થઇ જાય છે, હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે બાળક સાત વર્ષ પુરા કરે અને આઠમું બેસે એટલે વિચારોની મારમારી ચાલુ..!
નાથદ્વારામાં ઠાકોરજી સાત વર્ષના છે ,એટલે બાળક સાત વર્ષનું હોય ત્યાં સુધી પૂજનીય પછી વિચારોની મારામારી ચાલુ થાય ને પોતાના માટે શું સારું કે ખરાબ એનો પ્રેક્ટીકલ અનુભવ લેતો થઇ જાય એટલે એનામાં દુનિયાદારી આવી સમજો..!
મનુષ્યની પ્રકૃતિ રહી છે કે પોતાનું સારું કરવા એ બીજાનું ખરાબ કરતા અચકાતો નથી.. અને બીજાનું ખરાબ કરનારાની પૂજા ના ના થાય..!!
તમને થશે કે આજે શૈશવભાઈ વિચાર ઉપર શું મંડ્યા છે ? એક્ચ્યુલી આ બ્લોગ લખવાનો મને “વિચાર” કેમ આવ્યો એ કહી દઉં ..
થોડાક મહિના પેહલા એક મોટા સ્તંભ લેખક ને અનાયાસે મળ્યા, એમના એક સગાં એ ઓળખાણ કરાવી હતી ,તમે તો શૈશવ વોરા ને ઓળખતા જ હશો..!
ઘણી મોટી વ્યક્તિ હતા એ..છાપાના પાને પાના ભરાય છે એમના વિચારોના , જો કે આ પ્રકારના વ્યક્તિનો સમયાંતરે ક્યારેક મળતો રહું કે ફોન પણ આવતો રહે છે એટલે કોઈ એક પાઘડીના પેહરશો અને નક્કી કર્યું જ છે કે પાઘડી પેહરવી છે તો પેહરી લેજો ..!!
એમણે પણ પોતાની વિચારોની દુકાન ખોલેલી છે પણ એમને મળતર એટલું બધું નથી,
વિચારોના દુકાનદારની ખૂબી હોય એ લોકો મધ-મીઠા હોય, દરેક વિચારને એવો ગોળ, ઘી નો પાયો કરી અને પછી લોટ નાખે ફરી પાછુ ઘી રેડે .લાસલસતો શીરો ,સુખડી ,કે રાબ બનાવે તમને શું ભાવે એ જાણી લે અને પછી પ્રમાણે તમારા ગળામાંથી નીચે ઉતારી દે..!!
વિચાર રાંધવાનું ચાલુ કરે એ ભેગી સુગંધ ચાલુ થાય અને તમને લાળ પડાવે..!
વિચારોના દુકાનદાર શરૂઆત મીઠાઈથી કરે પછી સેહજ ફરસાણ ખવડાવે પછી ફરી પછી મીઠાઈ પછી કૈક પીવડાવે ,ધીમે ધીમે તમારું પેટ ફુલ્લ કરી મુકે જ્યાં સુધી તમને આફરો ના ચડે ત્યાં સુધી , જેવો આફરો ચડે ને તંદ્રા પકડાય કે તરત જ બીલ પકડાવે..!!
મફત તો કાઈ થોડું હોય ..?
વિચારોના એ દુકાનદારે મને એક ગાળ આપી..
ઓળખું ને કેમ નહી ? શૈશવ એક સારો “વિચારક” છે ..
નથી હો ભાઈ, બિલકુલ નથી..!
એ ધંધા આપણને ફાવે નહિ , મને તો જે વિચાર આવે એ હું બ્લોગમાં ઠાલવી દઉં છું અને પછી હું ભૂલી જાઉં છું, મેં કોઈ દુકાન ખોલી નથી અને ખોલવી નથી જે કામધંધા કરીએ છીએ એ ઘણું છે..!!
પેહલા વિચારક થઈએ ,પછી દુકાન ખોલવાની ક્યાં તો ધાર્મિક પ્રવચનો ઠોકવાના કે પછી મોટીવેશનલ,
મોટીવેશનલમાં એમ કેહવાનું કે હું ક્યાં હતો અને ક્યાં પોહચી ગયો આજે…?!!
અને ધાર્મિકમાં એમ કેહવાનું કે તું ક્યાં પડ્યો છે અડબંગ ?
જન્મારો એળે ગયો મારી જોડે ઝટ હેંડ બચીકુચી ને આવતી સરખી કરવી હોય તો ,
લે આ તારા માટે વિચાર નંબર ૫૨૭ તારા માટે બરાબર છે ..એ ઈ આને ૫૨૭માં લઇ જાવ, ૫૨૭માં પાછા મને મારા જેવા પાંચ લાખ મળે ..પત્યું ૫૨૭માં મારી જિંદગી પૂરી..!! મને જીવનમાં મારા જેવું ટોળું મળવું જોઈએ બસ..! વિચાર નંબર ૫૨૭ એ મારું જીવન સફળ કરી મુક્યું હું કેવો હતો ને કેવો મને કરી આપ્યો જુવો વિચાર નંબર ૫૨૭ એ..!
મોટીવેશનલમાં શું ?
હું નાપસીયો હતો મારી જિંદગી ઝેર થઇ ગઈ હતી અને મેં આલ્ફા ઝીટા છાપ તમાકુ ખાધી અને જુવો..
ધાર્મિક દુકાને માનસિક ઘરડા વિચારો ખરીદવા દોડે અને મોટીવેશનલ દુકાને માનસિક જુવાનીયા પણ નાપાસ થયેલા દોડે ..!
હમણાં દસમાં ધોરણના રીઝલ્ટ આવ્યા ઘણા મોટીવેશનલ તૂટી પડ્યા ..સેહજ પણ ગભરાશો નહિ હું પણ તમારા જેવો નાપસીયો જ છું, એમ કરી ને બધું ઠંડું પાડી દીધું પોતાનો વિચાર વેચી માર્યો ને ભવિષ્યના ઘરકો ઉભા કરી લીધા ,
એમ નહિ કે સીસ્ટમની પત્તરફાડી ને મૂકી દઈએ , છોકરા ને ભણાવતી માસ્તરાણી ને કે માસ્તર ને કમ સે કમ બે સવાલ પૂછીએ કે બો`ન ખરેખર તું મારા છોકરાને ભણાવતી હતી કે ક્લાસમાં ભીંડા સમારતી હતી ? મારું છોકરું નાપાસ કેમનું થયું ?
આ તો હું પણ નાપસીયો હતો અને આજે જુવો હું ક્યાં ?
વિચાર ને જ ફેરવી નાખવાનો..!!
તો પણ મોટીવેશનલ વિચારોની દુકાન ઘણી સહિષ્ણુતાવાળી હોય છે એમાં કોમેડી પણ એલાઉડ પણ ધાર્મિક વિચારોની દુકાનોમાં ગજબ મારામારી..!
આખા દેશોના લશ્કરના લશ્કર લઢે, બોમ્બ બંધૂક બધું વપરાય..!
પણ એક વસ્તુ તો ખરી કે વિચારોના બજારમાં ઘરાકી એમનેમ ના ફાટી નીકળે ,કૈક ઘટના ઘટે તો જ પબ્લિક વિચાર શોધવા નીકળે..!
જબરી દુકાનો ખુલી છે,
અમદાવાદમાં આજકાલ બહુ રૂપિયાવાળા લોકો ધાર્મિક વિચાર વેચતા લોકો ને બહુ ઘરમાં નથી ઘાલતા કેમકે ભૂતકાળમાં એશીના દાયકામાં ઘણા ધાર્મિક વિચારો વેચતા એમના બૈરા ભગાડી ગયા એટલે આજ ની નવી જનરેશન ને ખબર છે માં કેમ ની ઉપાડી ગયા હતા એટલે અત્યારે ધાર્મિક રાજકીય વિચારનું કોકટેલ સારું વેચાય છે..!
જમાનો કોકટેલ વિચારો નો છે અત્યારે,
એકલું કશું ગળે ઉતરતું નથી એટલે જોડે બાઈટીંગ પણ મુકવું પડે..!!
કેટલા બધા વિચારો..ધાર્મિક ,રાજકીય ,સામાજિક , આર્થિક , શોખના , ગંદા-ગંદા , ફાંદાફૂંદી નાં કોકટેલ કરો વેચાઈ જાય..!
છેલ્લે..તો ..
બાપ બડાના ભૈયા સબ સે બડા રૂપૈયા..!!
વેચો ,વેચો , વિચાર..વેચો..!!
વકરો એટલો નફો ..
આવ્યા એટલા નફા ખાતે ને ગયા એટલા ખરચ ખાતે..
કોઈ હિસાબ કિતાબ ની જધામણ નહિ..!!
જય હો ..
ધ્યાન રાખજો “વિચાર” વળગે નહી..!
કાંદા ,બટાકા ,લસણથી લઈને બંધૂક સુધી ફેલાયેલા છે વિચારો..!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)