એ ભલે ભલે પધાર્યા પ્રધાનમંત્રી શ્રી અને શ્રીમતી અબે શિન્ઝો..!
અમદાવાદ આજે હરખની હેલીએ ચડ્યું છે, આખોય કોટ વિસ્તાર અને નદીની આજુબાજુનો મલક હેલે ચડ્યો છે.. હૈયે હૈયા દળાય એવી ભીડ અને ટ્રાફિક રાત્રે નવ વાગ્યાથી તે બાર વાગ્યા સુધી રહ્યો, રીવર ફ્રન્ટ તમામ પુલો,આશ્રમ રોડ , અને સીદી સૈયદની જાળીએ ભરચક ટ્રાફિક રહ્યો..
“ ભાઈ સબ અપણે વા
લે હી..ચ બહાર હૈ, ક્યા મોદીને બનાયેલા હૈ, દેખણે જૈસા હૈ, ઉધર રીવર ફ્રન્ટ પે તો હિન્દુડે ભી બો`ત હૈ..”
“ અલ્યા ક્યાં છે..? એની માં ને હેંડ રીવર ફ્રન આય જોરદાર સીન છે લ્યા, ચારે બાજુ વસ્તી જ વસ્તી છે,આખા અમદાવાદના મિયાંભઈ રોડ પર છે..! ”
બંને કોમો વિથ ફેમીલી ભરપુર આનંદ ઉઠાવી રહી છે..!
અમદાવાદ પ્રેકટીકલી ઝગારા મારી રહ્યું છે,અને ડીએસએલઆરને ગાંગડે ગાંધી થવા નીકળેલા ફોટોગ્રાફર ની નવી નવી પેદા થયેલી જમાત જબરજસ્ત ગાંડી થઇ છે, એલિસબ્રિજના બન્ને છેડે ચારેબાજુથી ફ્લેશના ઝબકારા દેખાય છે અને ઓછામાં ઓછા સો સો છોકરા એમના ડીએસએલઆર લઈને અમદાવાદને કચકડે મઢી રહ્યા છે..
એકપણ સોશિઅલ મીડિયા આજે અમદાવાદના ફોટા વિનાનું નથી, જનતા રીતસર પાગલ થઇને રોડ પર નીકળી છે..!
ગરીબ-તવંગર, હિંદુ-મુસલમાન બધા જ ભેદ આજે ભુલાયા છે અને અમદાવાદના રસ્તા જામ કરી મુક્યા છે, ત્રણ દિવસથી રીહર્સલ અને બંદોબસ્ત કરીને થાકેલી અમદાવાદ પોલીસને માથે અત્યારે આ વધારાનું કામ આવ્યું છે,લાખ નહી પણ લાખ્ખો માણસ ઘરની બહાર ઉમટ્યું છે..!
બા-બાપુજી એમનું ખાનપુરનું દવાખાનું વધાવી ને પાછા આવ્યા, અને પછી અમને ધકેલ્યા..જાવ જાવ જોઈ આવો રોશની..!
એટલે અમે અમારા તબેલામાંથી અમારી નાનામાં નાની ગાડી નેનો કાઢી અને અમે પણ ભીડમાં વધારો કરવા નીકળી પડ્યા..!
રસ્તામાં નવમાં ધોરણમાં ભણતા અમારા નાના બાળએ સવાલો પૂછવાના ચાલુ કર્યા..
આ મિસ્ટર અબે શિન્ઝો કેમ આવે છે ? બુલેટ ટ્રેઈન માટે..
એટલે મફત આપવાના છે ? ના પણ બહુ સસ્તી લોન આપે છે.
એટલે કેટલી ..? ૮૮,૦૦૦ કરોડની અને લગભગ નેગ્લીજેબલ ઇન્ટરેસ્ટ..
એટલી બધી ? તો પછી ક્યારે આપવાની ? પચાસ વર્ષ પછી ..!
બાળ બોલ્યું તો તો આટલો ખર્ચો કરવો જ પડે ને ડેડી..!
વાણીયાની દીકરીએ ગણી કાઢ્યું આ ભાવમાં ખોટું નથી, જે આવે અને આપે એ લઇ જ લ્યો..!
પછી પાટીયા વાંચતા વાંચતા બાળ એ કીધું ડેડી આ શિન્ઝો નામ જાણીતું છે કોણ છે ? મેં કીધું જાપાનીઝ પ્રાઈમ મીનીસ્ટર ..હા એ તો ખબર પડી પણ બીજું પણ કોઈ કનેક્શન છે.. મેં મનમાં કીધું તારો બાપ પાંચ દિવસ ટોક્યોમાં રહ્યો છે, અને કનેક્શન સેટ કરવાની ઘણી કોશિશ કરી પણ મેળ નથી ખાધો..અબે શિન્ઝો ની બદલે એક અબે શી મળ્યો હતો, અને એ પણ આપડું કારખાનું જોઇને ભાગી ગયો હતો..!
મારૂ બાળ બોલ્યું યસ યાદ આવી ગયુ ડેડ.. શિન્ઝો નીન્જા હથોરી નો નાનો ભાઈ છે..!
મને તો મારા બાળમાં ભારત ના ભાવી પ્રધાનમંત્રી દેખાયા..!
વાહ વાહ અત્યારથી કનેકશન સેટ કરતા થઇ ગયા..!
ભારતના ભૂતપૂર્વ,વર્તમાન અને ભાવી પ્રધાનમંત્રીની જેમ..નીન્જા હથોરીનો નાનો ભાઈ..! શિન્ઝો…!
ઇન્દિરા ગાંધી ગુજરાત જોડે નું કનેક્શન પોતાને ગુજરાતની “બહુ” કેહતા, મોદી સાહેબે ઈલેકશનમાં એકેય રાજ્યને બાકી ના રાખ્યું ,ગુજરાત જોડે નો “ગેહરો રિશ્તો” બતાડવામાં ..અરુણાચલ પ્રદેશ જેવા પ્રદેશનું પણ ગુજરાત કનેક્શન પણ ગો`તી કાઢ્યું.. કૃષ્ણના પટરાણી રુકમણી અરુણાચલ પ્રદેશના હતા..!
અને જેટલી સાહેબ આમ ને આમ ભૂલો કરશે અને લોકોને કનડશે તો ૨૦૧૯માં પ્રધાનમંત્રી થવા તૈયાર બેઠેલા રાહુલ ગાંધીએ તો કહી જ દીધું ગુજરાત મેરા “નાનીહાલ” હૈ..!
પારસી એટલે ગુજરાતી..!
કાળા એટલા મારા હાળા..!
અત્યારે રાત્રે એક વાગ્યો છે, વસ્ત્રાપુર તળાવે એક પાંદડું પડે તો ઉપાડવા દસ જણા હાજર છે, ચારેબાજુ જેસીબી અને કચરા ગાડીઓ અને પેલા રોડ સાફ કરવાના મશીનો ફરી રહ્યા છે..અમુક અમુક ગલીઓમાં રોડ રોલર ફરી રહ્યા છે અને રસ્તા રીસર્ફેસ થઇ રહ્યા છે..હજી હોટેલ હયાત (અમારો અડ્ડો) ની આજુબાજુ બધે રોડની સાઈડોમાં થાંભલા ઉભા કરી અને બંને દેશોના ઝંડા લગાવાઈ રહ્યા છે..!
ઘેર લગ્ન હોય એના કરતા મોટી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ચારેબાજુ શ્રી નરેન્દ્ર મોદી અને શ્રી અબે શિન્ઝોના ફોટા વાળા હોર્ડિંગ્સ લાગી રહ્યા છે ઢગલો ટ્રકો હજી હોર્ડિંગ્સ લઇ લઈને રોડ પર રખડી રહી છે..ચોંટાડવા..!
ઓછામાં ઓછું અંદાજે વીસેક હજાર માણસનો સ્ટાફ આજે આખી રાતનો ઉજાગરો વેઠશે..!
આ બધું જોઇને એક વાત તો નક્કી થઇ ગઈ કે ઈચ્છાશક્તિ હોય તો આપણું તંત્ર જે કહો તે કામ નક્કી કર્યા હોય એના થી ઓછા સમયમાં પણ પૂરું કરી શકે છે..!
લાલુપ્રસાદ યાદવની ભાષા વાપરું તો જે રોડ પરથી પસાર થવાના છે એ તમામ રોડ હેમામાલીની ના ગાલ જેવા બનાવી દેવામાં આવ્યા છે..!
અમદાવાદની જોડે ગાંધીનગરને પણ અફલાતુન સજાવી દેવામાં આવ્યું છે, મહાત્મા મંદિર ચકાચક થઇ ગયું છે એના દર્શન સવારે જ કરી લીધા હતા..!
એસજી હાઈવે ઉપર ઓછામાં ઓછા સો જનરેટર સેટ વાપરી અને લગભગ દર વીસ ફૂટે હેલોજન લાઈટ મારી છે..!
બેસ્ટ સીન આજે પતંગ હોટેલ, સ્ટેટ બેંક બિલ્ડીંગ લાલદરવાજા,અને વીએસની પાછળ અને દાણીયા બિલ્ડીંગની બાજુમાં ઉભું થયેલું નવું બિલ્ડીંગ.. નદીના પાણીમાં આ ત્રણનાં વત્તા દરેક પુલ પર કરેલી રોશનીના ઝીલતા પ્રતિબિંબ આપતા હતા..!
અદભુત નજારો છે..!
નરેન્દ્રભાઈના રાજ માં ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે પરફેક્ટ..!
આ બાબતમાં તો દાદ આપવી જ રહી..!
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કે પછી પ્રધાનમંત્રી તરીકે દરેક વખતે કોઈપણ ઇવેન્ટને જોરદાર રીતે “મેનેજ” કરાઈ છે..!
કાલે બપોર પછી કોથળી ભરીને શ્રી અબે શિન્ઝો આવી રહ્યા છે..
લાગે છે માતા મહાલક્ષ્મીએ સિપાઈને આપેલું વચન માં હજી પાળી રહી છે, હજી પણ માં સિપાઈની રાહ જોતી અમદાવાદની વચ્ચે જ ઉભી છે અને અમદાવાદ ઉપર આશીર્વાદ વરસાવી રહી છે..!
સરદાર મનમોહનસિંહના વખતે જે બુલેટ ટ્રેઈનના પ્રોજેક્ટની બ્લ્યુ પ્રિન્ટ બની હતી અને નરેન્દ્ર મોદી સરકાર એને પૂર ઝડપે આગળ વધારી રહી છે.. લક્ષ્મીજી કૃપા નહિ તો બીજું શું ..?
શાંઘાઈની મેગલેવમાં જેટલી વાર બેઠો એટલીવાર કાળજે કાળી બળતરા થઈ છે, મારા દેશમાં આવું કેમ નહિ ..?
આજે ઠંડક પડી..!
ઝટ ૨૦૨૨ આવે અને હું પવન પાવડીમાં મુંબઈ જાઉં..!
શુભ રાત્રી
શૈશવ વોરા