છેલ્લા બે ત્રણ દિવસથી એક અજીબો ગરીબ ઘટના ઘટી છે , હવે ઘટના એવી ઘટી છે કે હું કારખાને બેઠો હતો અને કુતરું ભસતું હોય એનાથી વધારે મોટા અવાજમાં કોલ હતો ,
પણ સો ટકા એ કૂતરાનો અવાજ નહીં એટલે આપણે બાહર દોડ્યા જોવા કે કયું પ્રાણી છે ?
જોયું તો કારખાનાની ઉપર છાપરે બેઠા બેઠા એક આલ્ફા મેઈલ વાંદરો કોલ મારે..
કોલ ભાગી જવાનો હતો એટલે એનું ઝુંડ જબરજસ્ત દોડાદોડી કરી અને આજુબાજુના કારખાનાના છાપરા ખખડાવે , ભયનો માહોલ હતો ઝુંડ માટે.. મોટેભાગે વાઘ સિંહ કે દિપડો જંગલમાં શિકારે નીકળે ત્યારે આ પ્રકારના કોલ વાંદરા કે હરણ પ્રજાતિના જાનવર મારતા હોય છે , જંગલમાં વાંદરા અને હરણ વચ્ચે સહભોજિતાનો નિયમ જળવાય છે ..
વાંદરા ઝાડ ઉપરની કુણી કુણી પાંદડીઓ ખાઇ અને બાકીની ડાળી નીચે ફેંકે જેને હરણકુળ ભક્ષણ કરે , બદલામાં હરણ કુળ નું નાક ખૂબ સતેજ , કાન પણ તેજ એટલે એ લોકો મોટા જાનવરની વાસ કે આહટ પારખે અને કોલ આપે કે ભાગો.. નહીં તો જીવ ગયો…!!! એ જ રીતે વાંદરા પણ જો ઝાડ ઉપરથી નજર આગળ પહોંચે અને હિંસક જાનવર દેખાય તો કોલ મારે અને પેલો કોલ ડિટ્ટો એવો જ હતો…
મને મારી આજુબાજુની પ્રાણીસૃષ્ટિ ને નિહાળવી ગમે , ખિસકોલી કે ચકલાના કોલ હું પકડી લઉં છું , એમનો કેકારવ થાય એટલે સમજી શકું છું કે આ એ લોકોની અંદર અંદરની લડાઈ છે કે પછી કોઈ શત્રુ સામે પડકાર ફેંકાઈ રહ્યો છે ..!!
ખિસકોલી અને ચકલાના શત્રુ માં મોટેભાગે બિલાડી હોય છે એટલે મને જેવો કોલ સંભળાય કે તરત જ દોડીને બાહર જઈને બિલાડીને ભગાડવાની..
બહુ સામાન્ય વાત છે ..
પણ બિલકુલ એવી જ રીતે મારા ઘરની બહાર આજે બપોરે બેઠો હતો ત્યારે પણ વાંદરાનો એ જ પ્રકારે કોલ આવ્યો , મને જરાક વધારે અચરજ થયું એટલે મારી સેફ્ટી માટે લાકડી લઈને હું બહાર ગયો , ત્યાં પણ એ જ સિનારિયો, આલ્ફા મેઈલ કોલ આપે અને ઝુંડ દોડાદોડી કરે ..
ઘર અને કારખાના વચ્ચે લગભગ અઢાર કિલોમીટરનું અંતર પડે , એટલે એકનો એક વાંદરો અને ઝુંડ હોવાની કોઈ શક્યતા જ નથી પણ સવાલ એ છે કે જીવ સટોસટ ના કોલ શહેરમાં વાંદરા કેમ આપવા માંડ્યા ??
આટલા વર્ષોથી હું પ્રાણી સૃષ્ટિની નિહાળું છું પણ શહેરી વિસ્તારમાં વાનરો ક્યારેય આવા કોલ આપતા મેં જોયા નથી, એક વાત કોમન હતી બંને જગ્યાએ કે ફટાકડા ધૂમ ફૂટી રહેલા હતા અને એવે સમયે જ આ કોલ વાંદરા મારી રહ્યા હતા ,
ફટાકડા પેહલી વાર નથી ફૂટતા, અને એમાં તો મરચી બોમ્બ પેહલા વાંદરા ભગાડવા માટે સ્પેશિયલ રાખતા અને થોડા સમય પછી તો એવું થતું થયું કે મરચી બોમ્બ ફોડીએ તો જરાક અમથા વાંદરા હલે બાકી દોડાભાગી કરતા બંધ થઈ ગયા હતા ..
તો પછી આવો કોલ શાને ?
શું આ વખતે ફટાકડામાં કંઇ જુદુ છે ? ડિબી વધારે થયા છે કે જેનાથી પ્રાણી સૃષ્ટિ પરેશાન થઈ છે ? કે પછી એવું થયું કે એમના શરીરોમાં કોઈ ફેરફાર થયા છે જેની આપણે નોંધ લેવાનું ચૂકી ગયા છીએ ?
બીજું એક પત્રકાર મિત્રએ પણ મારી જેમ નોંધ્યું અને એણે પણ રીલ બનાવી છે , એમના અવલોકન પ્રમાણે વાસણા વિસ્તારમાં બપોરે આખું વાનરોનું ઝુંડ અસાધારણ રીતે ધાબા ઉપર આળોટતું હતું અને લગભગ બે કલાક સુધી ઝુંડ આ રીતે જમીન ઉપર આડા પડીને ઊંઘી ગયું હતું , જે ભૂતકાળમાં ક્યારેય જોવા નથી મળ્યું…!!
જે હોય તે પણ વાનરો ના વર્તનમાં મોટો ફેરફાર છે ,કોઈ જાણકાર પ્રકાશ પાડશે તો ગમશે , બાકી કોઈ અવલોકન હોય તો શેર ચોક્કસ કરજો , ખોટા સ્પેક્યુલેશન નો મતલબ નથી..
એટલું નક્કી છે કે વાનરોમાં શિથિલતા અને વર્તન અસાધારણ છે…
બાકી સર્વેને નૂતનવર્ષાભિનંદન..
વિક્રમ સંવત ૨૦૮૩ સર્વેને શુભદાયી ફળદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના ..!!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*