છેલ્લા ત્રણ ચાર દિવસોથી યુટ્યુબ ઉપર મોહન ભાગવતજી ની કલીપો અને પછી મોરારીબાપુના સંસ્કૃત સત્રની કલીપો જોઈ જોઈને પ્રેક્ટીકલી વૈચારિક “અપચો” થઇ ગયો છે..
મોહન ભાગવતજીની કલીપો જોઈ ત્યારે એમ લાગ્યું કે શિક્ષણની બાબતમાં સંઘ અટવાઈ પડ્યો છે, સ્વદેશી, સ્વદેશી કરવું છે પણ કઈ રીતે કરવું એનો રસ્તો મળતો નથી..
ભારતવર્ષની આટલી વિશાળ સત્તા છેલ્લા ચાર જ વર્ષમાં હાથ લાગશે એવું કદાચ સંઘે વિચાર્યું નહિ હોય, એટલે સ્વદેશીની માળા ફેરવ્યા કરી, પણ હવે તો સ્વદેશી કરવાનું આવ્યું ..!!
કેમ ?
તો કહે સત્તા આપણી પાસે છે તો કરો હવે સ્વદેશી..!!
થાય ખરું ..?
સંઘ હંમેશા માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરે છે, મને પણ ખુબ ગમે મારી માતૃભાષા, પણ પછી પ્રેક્ટીકલી વિચારું તો ..?
હું મારું જ ઉદાહરણ આપું તો કેમેસ્ટ્રી અને સંગીત બંને વિષયોમાં મેં ગ્રેજ્યુએશન કર્યું …
હવે કેમેસ્ટ્રીમાં ઓક્સીજનનું પ્રાણવાયુ કર્યું, સલ્ફર ને ગંધક કીધો,પણ પછી આખા આવર્ત કોષ્ટક ને કેમનું ગુજરાતીમાં ફેરવવું ..? અને કદાચ આવર્ત કોષ્ટકને ફેરવી પણ નાખ્યું ,તો સંયોજન અને સંમિશ્રણ થી બનતા કેમિકલ્સના નામ નું શું ..?
જન્મારો જાય તો પણ મેળ ના પડે..એટલે વચલો રસ્તો શું તો કહે લીપી ગુજરાતી રાખો અને પછી મીથેન ને મીથેન અને બ્યુટેન ને બ્યુટેન રાખો બીજું શું ..?
જયારે એનાથી તદ્દન ઉલટું ..સંગીત
ભારતીય શાસ્ત્રીય સંગીત..
રાગ નું અંગ્રેજી રાગા કર્યું પણ ભૈરવી નું અંગ્રેજી શું ..?
તો એ જ આવે કે ભાઈ નામ એનું એ રાખો લીપી અંગ્રેજી કરો ..!
જે શાસ્ત્ર જે ભાષાના લોકોએ શોધ્યું એમના નામ તમારે સ્વીકારવા પડે, બહુ બહુ તો `લીપી` તમે બદલી શકો એનાથી વિશેષ કઈ થઇ શકે નહિ..!
હવે નક્કી કરવાનો સમય આવ્યો છે કે કઈ ભાષામાં ભણતર આપવું ..!!
સંઘની બે ચાર બેઠકોમાં હું ગયો છુ ,અને ત્યાં એક એવો સવાલ આવ્યો કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી કોમ્પીટેટીવ પરીક્ષામાં ગુજરાતી મીડીયમ ના છોકરા પાછા પડે છે અને મેડીકલ જેવી બ્રાંચમાં શિક્ષણ માતૃભાષામાં કેવી રીતે આપવું ..
વક્તા થોડા વિચિત્ર હતા..બહુ ઠંડે કલેજે જવાબ આપ્યો કે `મત્ત બનાઓ અપને બચ્ચે કો ડોક્ટર .. આયુર્વેદ સિખાઓ..!!`
ત્યારે મને ખરેખર એમ થયું કે આમને કમળો થવો જોઈએ, અને એ પણ હેપેટાટીસ `બી` અને ક્યાં તો આમનું એપેન્ડીક્સ ફાટી જવું જોઈએ..પછી જાવ આયુર્વેદ કરવા…
એલોપેથી થી ભારતનું સરેરાશ આયુષ્ય ૩૭થી આજે ૬૭ એ લગભગ પોહ્ચ્યું છે, અને સારો વર્ગ તો મીનીમમ એશી વર્ષ જીવે છે, આટલું જોરદાર રીઝલ્ટ સિત્તેર વર્ષમાં નજર સામે છે તો પછી એલોપેથી ના શિક્ષણની આટલી બધી એલર્જી કેમ ..?
આવું કહીએ એટલે દલીલ આવે કે સતયુગ માં તો લોકો ૨૦૦ વર્ષ જીવતા હતા,યોગ કરો તો ૧૦૦ વર્ષ સુધી કઈ નહિ થાય..!
હવે ..?
કઈ નહિ ભાઈ તમે `મહાન`…!!
અમુક કરવા ખાતર થતી દલીલોના જવાબ નથી હોતા..!
સુશ્રુત અને ચરક હતા,એની ના નહિ, પણ જ્યાં સુધી એ પુરેપુરા “ડી-કોડ” ના થાય ત્યાં સુધી તો એલોપેથી ને સ્વીકારવી જ રહી ને ..
આજે ડેન્ગ્યું માટે પપૈયાના પાન ની ગોળીઓ અકસીર થઇ ને બાહર આવી છે, તો એલોપેથીવાળા પણ બિન્દાસ્ત એના ઉપર ભરોસો મૂકી અને પેશન્ટને પપૈયા ના પાનની ગોળીઓ ખવડાવે છે, અને રીઝલ્ટ મળે છે, પ્લેટલેટ નથી તૂટતા ..
પણ જ્યાં આયુર્વેદ પાછુ પડે છે ત્યાં..?
એલોપેથી નો ઉપયોગ કરવો જ રહ્યો..
હવે આવો જ `ખેલ` પેલી સંસ્કૃત સત્રની કલીપોમાં થયો મારા મામા ડો વસંત પરીખે કણાદ ઋષિનું ફીઝીક્સ અને ફિલોસોફી સમજાવ્યું..
પણ E =mC 2 એ દુનિયા બદલી એ હકીકત છે ..!
આ `ઈ ઈઝ ઇકવલ ટુ એમસી સ્ક્વેર` ના આવ્યું હોત તો પરમાણું બોમ્બ ના બન્યો હોત અને અમેરિકા આજે મહાસત્તા ના હોત.. કણાદ ઋષિ ના ફીઝીક્સે કોઈ શસ્ત્ર `હાથમાં` નથી આપ્યા કે જે તે સમયના માનવજીવનને સુધારવાની કોઈ જ `પ્રોડક્ટ` આપી શક્યા નથી, આજ ના ફીઝીક્સે ધરતી પર રેહતા તમામ જીવને `શાતા` વળે એવી અઢળક `પ્રોડક્ટ` આપી છે..
ભારતવર્ષમાં ઋષિમુનીઓ કદાચ બ્રહ્માંડ તમામ રહસ્યોને જાણતા હતા એવું માની લઈએ પણ એપોલો-૧૧ ની સિદ્ધિને નાની કરી નાખવાનો મતલબ નથી..
આટલી ઇલેક્ટ્રિકસીટી ના હોત..કદાચ ઘણું બધું આપણા શાસ્ત્રોમાં લખાયું છે પણ એને ડી-કોડ કરી અને વ્યહવારમાં લાવી અને “પ્રોડક્ટ” જ્યાં સુધી હાથમાં નાં આવે ત્યાં સુધી બધ્ધું જ નકામું..
આપણે એમ કહીએ કે પુષ્પક વિમાન ની કલ્પના હતી કે પછી ખરેખર પુષ્પક વિમાન હતું ..
ચાલો માની લીધું પણ તો શું ..?
જખ મારવા `રાફેલ` લેવા જઈએ છીએ..?
આદર્શની વાતો કરવામાં કે ભૂતકાળ ની ભવ્યતા બતાડવામાં વર્તમાન કેમ ભૂલાય..??
ચાલો માની લઈએ કે બ્રહ્માસ્ત્ર હતું પણ એનું શું ..?
એક જણો તો જાણો એને, `ડી-કોડ` કરો..
અને ફોડો ઇમરાનયા ના માથે જાવ..હજી હમણાં જ ફરીએકવાર એક નું માથું વાઢીને લઇ ગયો મુઓ નખ્ખોદીઓ..!
જ્યાં સુધી રાફેલ ના આવે ત્યાં સુધી તો યુદ્ધને અત્યારે ભૂલી જ જવાનું છે..!
પેહલો ૩૬ નો `લોટ` આવે અને એની કવાયતો સરખી થાય પછી જ કઈ થાય ..!!
બેક ટુ પોઈન્ટ ..
ભૂતકાળ ભવ્ય હતો, પણ હવે ટાર્ગેટ હોવું જોઈએ એને વર્તમાન સાથે જોડવાનું..
ઘણું બધું આપણે જાણતા અને આજે પણ ઘણું બધું આપડી પાસે છે, ચાલો માની લીધું કે ધોળિયા આપણા શાસ્ત્રોમાંથી બધું ડી-કોડ કરી કરીને આપણા માથે પાછુ ફટકારે છે, પણ તો હવે આપણે પણ કૈક નવું ડી-કોડ તો કરો ..કે જેનાથી દુનિયા બદલી શકાય..!
ધોળિયા જે કઈ શોધી લાવે એને આપણે કહી દઈએ કે આ તો અમારી પાસે હતું..!!
બ્રહ્માસ્ત્ર બનાવો..કે જે ફક્ત એક જ વ્યક્તિને હાની પોહ્ચાડે..અને જેનું `સંઘાન` અહી અમદાવાદ બેઠા બેઠા થાય અને ઇસ્લામાબાદમાં કોઈ ઉકલી જાય..
પેહ્લો ટ્રાયલ લઈએ ઇમરાન અને બીજો મુશરફ ,પછી બીજા ગમે તે નક્કી કરીએ અને પછી જુવો દુનિયા કેવી મુઠ્ઠીમાં આવે છે ..!
માતૃભાષામાં શિક્ષણ આપી અને સંતાનોને ડોક્ટર `ના` બનાવવા એ ઓપ્શન નથી ..
પેલું સુષ્મા સ્વરાજવાળું ભાષણ..કાંચી પીઠના શંકરાચાર્યજી અને અમિતાભ બચ્ચનની હાજરીમાં આપેલું તે ..ના જોયું હોય તો યુટ્યુબ કરી લેજો સખ્ખત ઇમ્પ્રેસિવ છે..
સાંભળવાની ખુબ મજા આવે પણ જમીન પર શું મળે મને ..?
ભારત `માં` ની બબ્બે ભુજાઓ સિંધુ અને બ્રહ્મપુત્ર હજી પારકા ના હાથમાં કેદ છે..
બારસો વર્ષથી સતત નાનો થતો દેશ ખાલી `છેલ્લા` સિત્તેર વર્ષથી કપાયો નથી..!!
વાતો નહિ પ્રોડક્ટ જોઈએ છે..રાફેલ જોઈએ..ગાઈડેડ મિસાઈલ સાથે ..હિંડન એરબેઝ ઉપર જ ત્રણ હજાર ફૂટ ઊંચું ઉઠેલું રાફેલ લાહોર કેન્ટોન્મેન્ટની બેન્ડ મારે અને જામનગર એરબેઝ ઉપર જ પાંચહજાર ફૂટ ઉપર ઊંચું ઉભું ઉભું રફેલમાંથી છુટેલું મિસાઈલ કરાંચી બંદરગાહ સાફ કરી નાખે..!!
એર ટુ સર્ફેસ મિસાઈલ સર્ફેસ ટુ સર્ફેસ કરતા વધારે સટીક હોય ..
દુશ્મન પાણી પણ ના માંગે..!!
સ્વદેશી સ્વદેશી કરો, પણ `પ્રોડક્ટ` લાવો ..
ચરખાએ પ્રોડક્ટ આપી હતી `ખાદી`, અને ખાદી એ બ્રિટીશ ઈકોનોમીની બેન્ડ મારી હતી..!
`પ્રોડક્ટ` ના મળે તો ઠાલી વાતો નો કે શિક્ષણ નો કોઈ જ મતલબ નથી..!!
નર્યા ક્લાર્ક જ પેદા કર્યા કરવાનો પણ કોઈ મતલબ નથી..!!
મોહન ભાગવતજી કહે છે પ્રયોગો થઇ રહ્યા છે..શિક્ષણમાં સરકાર અને પ્રાઈવેટ બંને બાજુ..!!
`નૈનમ છીદ્ન્તી` માં મને પણ આત્મા નું મોડેલ અને ફીઝીક્સ દેખાય છે, પણ `એક જગ્યાએ` અટકી જવાય છે..
પ્રયોગ જ કરવો છે તો નાખો બે પાંચ હજાર કરોડ અને કરો દરેક રાજ્યની યુનીવર્સીટીમાં એક કોર્સ ચાલુ,`અર્વાચીન` અને `પ્રાચીન` જ્ઞાનને ભેગા કરી અને પ્રાચી જ્ઞાનને ડી-કોડ કરવાનો અને હા એમાં પણ સમય મર્યાદા (ડેડ લાઈન) ચોક્કસ મુકો કે જેથી કરી ને બધું અનંતકાળ સુધી ચાલ્યા નાં કરે રુપીયાના અને સમયના આંધણ ક્યારેક તો બંધ થાય..!!
હું બીજા ચાલીસ વર્ષ ઓછામાં ઓછું જીવવાનો છું ,ત્યાં સુધીમાં આ બધા “પ્રયોગ”ની “પ્રોડક્ટ” મળે એવું થાય તો સારું..!!
મારી પાસે સમય નથી, મારે ભારતને “વિશ્વ-ગુરુ” નહિ, “વિશ્વવિજેતા” જોવું છે..!!
ગુરુ ને આજ સુધીના ઈતિહાસમાં “બે પાંદડે” થયેલો મેં જોયો ,વાંચ્યો નથી..!
આપનો દિન શુભ રહે..
“વિજયી વિશ્વ” તિરંગા પ્યારા ..!!
શૈશવ વોરા