હર ઘર તિરંગા ..!
ગૌરવની વાત છે ,પણ છેલ્લા બે દિવસથી તિરંગો ફરકાવી લીધા પછી શું કરવાનું તિરંગાનું …? એ સાંભળી સાંભળીને હવે ડર લાગે છે ..!
જુના જમાનામાં ફ્લેગ કોડને નામે લગભગ તિરંગાને જનસાધારણથી દૂર કરી મુક્યો હતો ,અને આજે પણ સાચ્ચી વાત કહીએ તો ફ્લેગ કોડ પ્રમાણે રાત્રે તિરંગો ઉતારી લેવો પડે ,પણ હવે આજે રાત્રે ધાબે ચડીને જો જો.. કેટલા એ તિરંગા ઉતારી લીધા ?
હું હંમેશા કેહતો આવ્યો છું કે કાયદો વ્યહવારુ હોવો જોઈએ ,
સલ્તનતે બ્રતાનીયાના હાકેમો એ એવા એવા અને એટલા બધા નાલાયક કાયદા બનાવ્યા હતા અને મૂકીને ગયા છે કે ભારત વર્ષની “ઈમાનદાર” પોલીસ આજે ધારે ત્યારે તમને અને મને અંદર ઘાલી શકે ..!
નરેન્દ્રભાઈ એમ કહે છે કે લગભગ પંદરસો કાયદા સ્ક્રેપ કર્યા ,હજી બીજા અગણિત કાયદા સ્ક્રેપ કરવાની જરૂર છે..
તિરંગો ફરકાવવા માટે ઘણા મહાનુભાવ એમ કહે છે તિરંગો ફરકાવો તો જ દેશભક્ત ?
ના , ચોક્કસ એવું નહિ ,
પણ મારો રાષ્ટ્રધ્વજ છે, મારું ગૌરવ છે.. તો પછી શાનથી પક્ષાપક્ષીને બાજુ ઉપર મુકીને હું કેમ તિરંગો નાં ફરકાવું… ?
મારા બાપ દાદાઓ એ આ તિરંગાને ઊંચા આકાશમાં ફરકતો જોવા માટે કેટકેટલા બલિદાનો આપ્યા છે ..તો શા માટે હું ના ફરકાવું ?
આ દેશ તો તર્પણની ભૂમિ છે, તો એ શહીદો તર્પણ માટે પણ શા માટે ના ફરકાવું હું તિરંગો ?..!!
મને તો બહુ ગમે છે, અને ઘરમાં ખાદીનો તિરંગો વસાવેલો પણ છે..!
રહી વાત તિરંગાનું માન સન્માન જાળવવાની, તો ચોક્કસ જળવાય છે, લોકો ઘણા જાગૃત થઇ ગયા છે, જાળવે પણ છે, અને છતાં પણ એકાદ બે નોટ ફાટેલી નીકળે તો એને સાચવી લેવાની હોય પણ એના નામે બહુજન સમાજને ધાક ધમકી ના હોય ..!
આમ સજા થઇ શકે અને તેમ સજા થઇ શકે ..અરે પણ શું છે યાર ..?
આ જુના રીત રીવાજો જેવી વાત થઇ ..!!
રક્ષાબંધનમાં મારી બાવન વર્ષની જિંદગીમાં કોઈ દિવસ ચોઘડિયા જોયા નથી રાખડી બાંધવામાં ,અને હવે નવું ચાલુ થયું છે આ મુર્હત ને પેલું મૂહર્ત ..!
શું કામ પણ ?
તેહ્વારોની પોતાની મજા છે ખોટા ખોટા કોમ્લીકેશન વધારીને કે ઉભા કરીને મજા શું લેવા ઓછી કરો છો ?
એક બહુ ખોટી ટેવો પડી ગઈ છે આપણને ક્યાંકને ક્યાંક ટાંગ અડાવવાની અને નાની નાની વાતોમાં ટોકાટોકી કરી અને મગજની પત્તરફાડવાની..!!
વધારે પડતા કર્મકાંડ અને ટોકાટોકી બાળકોને હિંદુ સંસ્કૃતિથી દૂર લઇ જાય છે અને પછી થર્ટી ફર્સ્ટ વહાલી લાગે ત્યારે એ જ લોકો સંસ્કારના નામની બૂમો પાડે છે..!
આજે લગ્નોમાં ઘણા બધા રીતરીવાજોને તિલાંજલિ અપાઈ ચુકી છે, અને નવા નવા પ્રસંગો ઉભા કરીને પ્રજા મોજ કરી લ્યે છે, ઘણાને વાંકુ પડે છે..
પણ યાર કરવા દો મોજ શું કામ અડીંગા નાખવાના ? લગ્ન તો કરે છે .. લીવ ઇન માં જતા રહ્યા તો કશું નહિ ઉખાડી લેવાય ..!
કોઇપણ તેહવારની પાછળ રહેલી વાત, કે વિચાર, કે પછી રીવાજને જડતાપૂર્વક પકડી રાખવામાં આવે છે તો એનો વિનાશ વેહલો વેરાય છે..!!
તેહવારનું નામ જ મજા છે ..!
પાછળ જ નોરતા આવે છે, કેહવાતી હિન્દુવાદી સરકારને ગરબામાં મનોરંજન દેખાયું એટલે જીએસટી લગાડી મુક્યો ..!!!
વાહ વાહ .. મને તો મહાદેવની શ્રાવણની આરતીમાં પણ મજા આવે છે અને મનોરંજન મળે છે..! અને યથાશક્તિ પેટીમાં કૈક મુકું પણ ખરો..
ખરેખર એક સમયે મંદિરોમાં હું પૈસા મુકું ત્યારે પપ્પા સાથે ઝઘડો થતો અને એમાં પણ નાથદ્વારામાં મનોરથ કરાવું ત્યારે તો ખાસ , આટલા બધા રૂપિયા આઈબેંકમાં મુકો તો કેટલાને આંખો મળે ?
ત્યારે મારો જવાબ હતો કે આટલા બધાને અહિયાં આનંદ મળે છે એનું શું ? જીવનમાં દયા-માયા એકલી નથી ચાલતી ,જીવનમાં આનંદ કરવો પણ એટલો જ જરૂરી છે અને અહિયાં તો દ્વારકાધીશની જે… બોલાવ્યા પછી આજ કે આનંદ કી જે.. પણ બોલાવવામાં આવે છે..! અને હું મને આનંદ મળ્યો એનું પેમેન્ટ કરું છે અને હા બાપુજી આનંદ કરાવનારની પણ જે બોલાવાય છે એફવાયઆઈ ..!!
ઠીક છે તને જેમ યોગ્ય લાગે તેમ કર ..! એવો જવાબ આવતો..!!
લગાડો ટેક્ષ મનોરંજન ઉપર, આજ કે આનંદ કી જે …!
જજિયા વેરો પણ હતો જ ને વળી એમાં શું ? અમે હિંદુઓ તો એ પણ સદીઓ સુધી ચુકવતા આવ્યા છીએ..!!
ગરબાના ભાગ પાડ્યા કોમર્શિયલ ગરબા અને શેરી ગરબા ..!!
સરસ ..
હું તો કહું જ છું કે રાવણ પણ હિંદુ હતો, કંસ પણ હિંદુ ,અને અને દુર્યોધન પણ હિંદુ જ હતો , હિંદુ તો સૌથી મોટો દુશ્મન હિંદુ જ છે ..!!!!
કંસ ક્યાં ખોટો હતો તે ? એણે પણ દૂધ દહીં છાશ ઉપર ટેક્ષ નાખ્યા હતા અને હવે રાવણ અને દુર્યોધનને પણ આપણે સાચા ઠેરવી લઈશું , આમ ને આમ ચાલ્યું તો દિવસો દૂર નથી ..!!!
“કોમર્શીયલી” થતા ગરબામાં આરતી માતાજીની નથી ગવાતી ? ભૂલ શું છે મફત નથી અને તામઝામ કર્યો છે જેમાં લોકો આનંદ મેળવે છે એ જ ભૂલ ને ? જે મેહનત કરીને આખો તામઝામ ઉભો કરીને બે પૈસા કમાય છે એ આંખમાં આવ્યા ? અને વિચારો કે કોમર્શીયલ ગરબા નાં હોત તો આજે નોરતા “જીવતા” રહ્યા હોત ખરા ? જે નવરાત્રીના તમે એમ કહો છો વિશ્વનો સૌથી લાંબો તેહવાર ,વગેરે વગેરે વગેરે ..!
જન્માષ્ટમીની રાતે પણ ગરબા લેવાતા ,ચૈત્રી નવરાત્રીએ બેઠા ગરબા ઘેર ઘેર લેવાતા , ક્યા ગયું બધું ?
પાડ માનો એ કોમર્શીયલવાળાઓ નો કે જેણે આ તેહવારને બચાવી લીધો છે..!!!
બીજા કેટ કેટલા શ્રાવણના તેહવારોનો બલિ ચડી ગયો છે ? લીસ્ટ તમે જાત્તે જ બનાવો..!!
સરકાર પોતે જે જીએમડીસીમાં કરે છે એ શું ?
જવાબ આપશે ઝીલ્લે ઇલાહી કે …ટેક્ષ તો એની ઉપર પણ લાગશે..!!!
અરે જીએમડીસી ગ્રાઉન્ડ નહિ ભદ્દરકાળીના ચોકેથી સરકારે ગરબો ઉપાડવાની જરૂર છે જનાબે આલી..!!!
આજે સવારથી અમદાવાદ અમુક ચોક્કસ વિસ્તારોમાં તિરંગા બહુ જ જૂજ ફરક્યા છે, અને કાલે પણ જરાક એ તરફ પણ નજર કરજો,
આઝાદી નો અમૃત મહોત્સવ ભલે થતો પણ અમૃતની જોડે વિષ પણ હોય જ છે ..!!
વિષપાન કરવા કયો મહાદેવ તૈયાર છે એ પણ જરાક શોધી રાખજો..!!!
વિષ ઘણું ફેલાયેલું છે, અને વાર તેહવારે પત્થરબાજીઓ દેશ આખામાં થતી જ રહે છે..!!!
સ્વતંત્રતાથી સ્વાધીનતા તરફ જવાનું છે,
ધર્મ, અર્થ ,કામ અને મોક્ષને સંસાર ચક્રના ચાર આરા (સંસાર ચક્ર એટલે ટાયર અને આરા એટલે સ્પોક ) કીધા છે..!! આ સંસાર ચક્ર જયારે ફરતું હોય છે ત્યારે અંદર પીસાતાને તેહવાર જ આનંદ આપતો હોય છે..!
ના છીનવશો એ તેહવારોના આનંદ કાયદાના કપટ
કરીને ..!!
અપેક્ષાઓના પાર નથી ..
સાબરમતીમાં નર્મદાના જલ આવ્યા,
કચ્છ સુધી માં નર્મદા પોહચી પણ હવે સિંધુ નર્મદાના સંગમ કરવા છે ..!!
આમ આવી રીતે નહિ થાય..!!
આજના કંસ ,રાવણ અને દુર્યોધનનો ધર્મ કયો છે ?
ઝડપ રાખજો વહાલા, મારા જીવનમાં મારે સિંધુ-નર્મદાના સંગમ જોવા છે, બ્રહ્મપુત્ર આખે આખી ભારતવર્ષમાં વેહતી જોવી છે..!!
વિશ્વગુરુ નહિ, વિશ્વવિજેતા સમ્રાટના સપના આવનારી પેઢીની આંખમાં આંજવા છે..!!
ઝંડા ઊંચા રહે હમારા ..!
વિજયી વિશ્વ તિરંગા પ્યારા ..!
જય હિન્દ ..!!
જય હિન્દ કી સેના ..!!
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)