આજે જુનું ડાયરીનું એક પાનું ખુલી ગયું..
સાલ ૮૯-૯૦ની ટ્યુશનમાં જોડે આવતુ હતું એ પાનુ..એકદમ ગૌર વર્ણ, હાઈટ પાંચ ફૂટ ચાર ઇંચ એકદમ મારી માપો માપ, ત્રણ ઇંચ ઓછી હાઈટ મારાથી ,ભ્રમર કમાન જેવી અને સુંદર મજાની આંખો મોટી મોટી અને અંદરનું આઈરીશ ગ્રેઇશ બ્લ્યુ કલરનું..જાણે આખો હિન્દ મહાસાગર એમાં ઘૂઘવતો હતો ,હોઠ ઉપલો એકદમ પતલો અને નીચેનો હોઠ સાધારણ મોટો અને એનો રંગ લોહીનો લાલ લાલ વગર લીપ્સ્ટીકે,સાધારણ સપ્રમાણ બાંધો ,હમેશા વેસ્ટર્ન કલોધિંગ ,પગમાં રોજ જુદી જુદી બેલીઝ ..શ્રેયસ ક્રોસિંગની આજુબાજુમાં કોઈ ફ્લેટમાં રહે..કાળા કલર નું કાઈનેટિક, હોર્ન વાગે અને એના ભૂખરા ખુલ્લા વાળમાંથી આવતી કલીનીક શેમ્પુની ખુશ્બુ નાકને તરબતર કરી નાખે..મારુ કોલેજના પેહલા વર્ષનું બીજુ વર્ષ અને એનું પેહલા વર્ષનું પેહલુ વર્ષ..
એ જમાનામાં આપણે પણ પપ્પાએ અમેરિકાથી લાવેલા દોઢસો ડોલરના રીબોક પમ્પ,ફલાઈગ મશીનના જીન્સ,અમેરિકાથી આવેલા બેટમેનના ટીશર્ટ અને એક હિરોહોન્ડા..નવ રૂપિયે નેવું પૈસે લીટર પેટ્રોલ..વાર તેહવારે પપ્પાની મારુતિ લઈને ભાગવાનું..અને એ આવવાની હોય ત્યારે તો ખાસ ગાડી કાઢવાની..બાઈક પર હોર્ન મારતા મારતા જવાનું,
અને આપડે તો ભાઈ..રંગે રૂડો રૂપે પૂરો દીસંતો કોડીલો કોડામણો..અને એવું પૂછે કે તારી માતાએ કેટલા જન્મ્યા એ પેહલા કેહવાનું મારી માતાએ બેઉ જન્મ્યા એમાં હું શૈશવ મોટડો..!!
શૈશવ તારી કેમેસ્ટ્રીની નોટ્સ મને આપીશ..મારે ઓર્ગેનિકમાં બેન્ઝીન થોડું જોવુ છે..જિંદગીમાં ખરાબ અક્ષર માટે પેહલી વાર પસ્તાવો થયો ..હોશે હોશે નોટ આપી અને એ જ મીનીટે પાછી આવી ગઈ નોટ, કઈ ઉકલતુ જ નથી હું સર પાસેથી લઇ લઈશ.. ધત તેરી કી..
ટ્યુશનવાળા સરની નજરમાં આવી ગયું હતું કે આ શૈશવને ભણવા કરતા આમાં રસ વધારે છે,એટલે એકવાર સરે કહી દીધું , ભાઈ જે હોય તે એકવાર મોઢામોઢ ચોખવટ કરી લે અને પછી ભણવામાં ધ્યાન આપ ..બીજા બે ચાર જીગરીઓ પણ કીધું અલ્યા ફેસલો કર યાર..પણ આપણે ઢીલીયા ચકાયા..હિન્દ મહાસાગરમાં ગોથા ખાતા ..અચાનક ટ્યુશનમાં આવવાનું બંધ
તપાસ કરી
એક અમેરિકન સીટીઝન આવી અને પત્તું ફાડી ગયો..!!
ચાલો ત્યારે હિન્દ મહાસાગર ગયો અને પછી તો કચ્છનો અખાત ને બંગાળની ખાડી…
એ પાનુ અચાનક હમણા ક્યાંક મળી ગયુ ,ગભરામણ થઇ ગઈ..તરબૂચ ,પપૈયું ,કોળું ..? લગભગ એકસો કિલો ઉપર વજન થઇ ગયું હતું..!
અંદરના ખણખોદીયા જીવથી રેહવાયુ નહિ કોમન લીંકને પકડી.. શું થયું આવું કેમનું થયું ?
અરે લગ્નના બેચાર વર્ષ તો બધું બરાબર ચાલ્યુ એક બેબી પણ આવી પછી પેલાએ રાવણ કાઢ્યો ..
શું થયું ? પેહલા પેહલા તો પેલો રાતની રાત ઘેરના આવે બહુ કામમાં છું..પછી પેલી થોડું કઈ એને બોલે તો ઝઘડો ચાલુ કરે,છેવટે માર મારે,એ બધું રોજનું થયું બે વાર તો માર ખાઈ ખાઈને અધમુઈ થઇ ગઈ ત્યારે ૯૧૧ કરીને પોલીસ બોલાવી .. એકાદ બે ઝાપટ તો રોજ મારતો દારૂ પી ને આવે..
પણ પ્રોબ્લેમ શું હતો ?
એને સાલા ને છોકરીમાં રસ જ નોહતો, માં બાપ એ કીધું એટલે ઇન્ડિયા આવી અને પરાણે પરણી ગયો હતો ,શરુ શરુમાં આ તો એકસ્ટ્રીમ બ્યુટી હતી એટલે લોકોમાં વટ પાડ્યો. એક ડીલીવરીમાં વજન વધ્યું થોડો ચાર્મ ઘટ્યો એટલે ભાઈએ પોત પ્રકાશવાનું ચાલુ કર્યું..અત્યારના જેવું તો હતું નહિ ત્યારે, ઈન્ટરનેટ કે મોબાઈલ તો હતા નહિ ,કાગળ લખે એ પણ દસ પંદર દિવસે પોહચે..
એકલી એકલી લડી,ઝૂરી,રડી અને પછી ડીપ્રેશનમાં ગઈ, સાયક્યાટ્રી ની ગોળીઓ ખાઈ ખાઈને જો આ ફૂલીને ભેંસ જેવી થઇ ગઈ છે..!
માં બાપને રહી રહીને બધી ખબર પડી છે, હમણાં પાંચ છ વર્ષ પેહલા જ અમેરિકા જઈને પાછી લઇ આવ્યા, પેલાએ એની દીકરીની કસ્ટડી ના આપી આને પાગલ ઠરાવીને ..અમેરિકન કોર્ટે ઠેરવી આપ્યું છે એટલે પેલો મહીને ચાર હજાર ડોલર મોકલે છે ખાધા ખોરાકીના..
કશું જ જુનું એને યાદ નથી..બસ જ્યાં એને લઇ જાવ ત્યાં આવે અને સુનમુન બેસી રહે છે.. બરબાદ થઇ ગઈ છોકરી અમેરિકાની લાહ્યમાં..!!
પણ આ તો સખત બ્રિલિયન્ટ હતી છ મહિના મારી સાથે ટ્યુશનમાં આવતી હતી..!
હા ત્યાં જઈને પણ ભણી એમએસ કર્યું,પણ ઘરનું માણસ જ જયારે ખોટું નીકળે અને જેના ભરોસે દેશ,માબાપ,ઘરબાર છોડ્યા એણે જ આવું કર્યું..પછી માણસ ક્યાં જાય? પિયરમાં ભાઈ કે બેહન તો હતા નહિ એકની એક છે માબાપએ પણ લાડકોડથી ઉછેરી પાણી માંગતા દૂધ આપ્યું અને ત્યાં તો ..કઈ પણ માંગે તો માર મળતો, આખો બરડો હજી પણ સોળથી કાળો પડી ગયો છે..!!
એના સાસુ સસરા ? એ લોકો ઈસ્ટ કોસ્ટમાં રહે અને આ લોકો વેસ્ટ કોસ્ટમાં ટાઈમ ઝોનમાં પણ ત્રણ કલાકનો ફર્ક આવે, હુંતો હુંતી બે જ જણા અને એક નાની છોકરી રેહતા હોય એમાં શું ખબર પડે કે ત્યાં શું ચાલે છે ?
માબાપ જોડે અઠવાડિયે દસ દિવસે ફોન પર બધુ સારું છે સારું છે કરી લે,પેહલા ત્રણ વર્ષે આવી પછી છેક પાંચ વર્ષે અને પછી તો માબાપ જ જઈને લઇ આવ્યા..એમને પણ માર્યા હતા અને અડધી રાત્રે ઘરની બહાર કાઢ્યા હતા ,
પોલીસે આવીને મદદ કરી..છોકરી પણ આટલા વર્ષમાં એકપણ વાર એની માં ને જોવા ઇન્ડિયા નથી આવી…!
અરરર..દુઃખી દુઃખી થઇ ગયો..આવી હાલત..ભાવશૂન્ય ચેહરો..બેડોળ અદોદરું શરીર,આજુબાજુમાં કોણ છે એની પણ ખબર નહિ ..
રૂપ ,બુદ્ધિ બધાનો સર્વનાશ..? કયું પાપ કર્યું હશે ? કોના ભરોસે આને મૂકી માબાપ એમનો દેહ છોડશે..?એ ઘરડા માબાપ ને શું વીતતી હશે ?
આવા સમયે થાય કે લાવ આની કુંડળી ખોલુ..! કયો ગ્રહ છે કે જે આટલી પીડા આપે છે ?મુઆ બધા ગ્રહો..
લાચાર થઇ જવાય,અફસોસ થાય, અને અનાયાસે જ ઈશ્વરને પ્રાર્થના થઇ જાય લઇ લે આને..અને આજુબાજુનાને છોડાવ..!!
પાપ પુણ્યની થીયરી ખોટી લાગે,કર્મની થીયરી પણ કામના લાગે બસ એક જ વાત યાદ આવે સંજોગ..!!
ભાગ્ય બળવાન કે કર્મ ?
ભાગ્ય ચોક્કસ ..ના ના કર્મ ..
મોહ..!.
ફક્ત અને ફક્ત મોહ ..!!!
શુભ રાત્રી
શૈશવ