ભારતમાતા કી જય..
ભારતમાતા કી જય..
ભારતમાતા કી જય..
દુકાળમાં અધિક માસ આવ્યો..
એન.પી.એ. નામના રાક્ષસની સામે જીવવા માટે ઝઝુમતી,તડપતી બેંકો ને વિજય માલ્યાના “મોટાભાઈ” મળી ગયા..!!
વિજય માલ્યાનું કૌભાંડ વ્યાજ,અને એનું વ્યાજ બધું મળીને ૯૦૦૦ કરોડ થયું,
જ્યારે આ તો એકલી પીએનબીનું ૧૧,૪૦૦ કરોડનું થયું..!!
અને આજે બીજી બેંકો પણ મેદાનમાં આવી અને પીએનબી જોડે રુદનમાં જોડાઈ..!!
હવે આંકડો ટોટલ ૨૦,૦૦૦ કરોડ થયો, અને કૌભાંડ જેના સમયમાં શરુ થયું એ કોંગ્રેસ નો દાવો છે કે આંકડો ૩૦,૦૦૦ કરોડથી પણ વધારે છે..!!
ધન્ય ધન્ય છે ભારતભૂમિ,
જે આવા “વિરલા”ઓ ને જન્મ આપીને ને છૂટી નથી પડતી, પણ “પાળીપોષી” અને “મોટા” પણ કરે છે..!!
ઘણા સમયથી પીએનબીના મેનેજરો દબાતા સ્વરે છાના ખૂણે એમ કેહતા હતા કે એનપીએ ચૌદ ટકાથી વધી ગઈ છે, પણ આ તો ચૌદ હોય..??
ત્રીસ ટકાથી વધી,અને એ પણ એક જ “હીરા” થી..!!
સોરી “ઝવેરી” થી..!!
બીજા નાના નાના આલિયા, માલિયા અને જમાલિયા જેવા ટુંણીયાટ તો જુદા..!!
ક્યાં જઈને અટકશે બધું..?
ખેતર ને પણ વાડ હોય ..!!
આ તો બસ, બધું એક પછી એક આવતું જાય અને આંકડા “મોટા” ને “મોટા” બાહર આવતા જાય છે..
બધી જ બેંકો સરકારી બેંક છે, એટલે છેવટે તો “કન્યા”ની કેડે જ બધું આવશે..!!
પચાસ કરોડની મધ્યમવર્ગવાળી કન્યા (જનતા) કુવેથી પાણી ઉલેચી ઉલેચીને થાકી જાય,અને સેહજ જરાક અમથો હાશકારો અનુભવે કે હવે હવાડો ભરાયો, ત્યાં તો એને ભાન થાય કે એક સાંઢ આવીને આખો હવાડો ઉલેચી ગયો..!!
વિન્સ્ટન ચર્ચિલ…ઓ..વિન્સ્ટન ચર્ચિલ…!!
ઠગો અને પીંઢારા..!!!
જેને “ચાન્સ” મળ્યો એ “છોડતો” નથી,અને ગમે તે સરકાર હોય એ કોઈ ને “પકડતી” નથી, અને પકડે તો કોર્ટ છોડી મુકે..!!!
ક્યાં તો જેલમાં જ રામ નામ સત્ય થઈ જાય..
એ..જી..ઓ..જી..
૨-જી ,૩-જી..ઓ..જી, સુનો જી,
યાદ કરો જી, વન ટુ કા ફોર,
ફોર ટુ ક વન,માય નેઈમ ઈઝ હર્ષદ,
મેરે તેલગી-રાજા..
બેંકોનું “ઉઠી જવું” ગુજરાત માટે નવાઈ નથી, ગુજરાતને ૨૬ જાન્યુઆરી ના ભૂકંપે નોહતું ધ્રુજાવ્યું એનાથી વધારે માધુપુરાના ભૂકંપે ધ્રુજાવી નાખ્યું હતું.. જેના પાયે ગુજરાત બેઠું થયું હતું એ સહકારી ક્ષેત્ર નો ખો નીકળી ગયો માધુપુરા ઉઠી એમાં..
માધુપુરા એની જોડે ગુજરાત ની લગભગ બધી જ કો ઓપરેટીવ બેંકો લઇ ને પડી, અને ગુજરાતી ભાષાને એક નવો શબ્દ મળ્યો “મરણ મૂડી”..
જોવાની ખૂબી તો એ છે કે માધુપુરા ઉઠાડવામાં જેમના હાથ હતા એ “મહારથીઓ”ના વકીલશ્રી આજે ભારતના નાણામંત્રીનું પદ શોભાવી રહ્યા છે..!!
મોહનદાસ…ઓ..મોહનદાસ ..!!
હું પણ ખરો છું નહિ..? એણે ક્યાં આઝાદીનું આંદોલન કર્યું હતું..?
નીતિ “વિના” નો એ, ખાલી ખોટો ચડી બેઠો છે ડોસલો, બાકી પાછળથી જ અમુક લોકોએ આંદોલન કર્યા જેમના નીતિમત્તાના ધોરણો અદ્વિતીય હતા એના કારણે જ આઝાદી મળી છે..!!
કેમ એક “વેશ્યા” કેમ “સતી” ના હોઈ શકે..?
સતીની વ્યાખ્યા શું મન,વચન અને કર્મથી પતિ વરેલી હોવી જોઈએ અને જાગતા,ઊંઘતા,ચેતન કે અચેતન અવસ્થામાં ફક્ત અને ફક્ત એના પતિપરમેશ્વરનું જ સ્મરણ હોવું જોઈએ..
આમાં “શરીર” એવું ક્યાં લખ્યું છે..? અને લખ્યું હોય તોય શું ?
“ધંધે” બેઠા પછી બધું “વેલીડ”..!!
ખોટા “વેવલાવેડા” નહિ કરવાના..!!
“મરણ મૂડી” પછી કોઈક બીજો નવો શબ્દ ગુજરાતી કે હિન્દી ભાષાને મળે એના કરતા ગુન્હેગારને નશ્યત કરી અને વસુલી કરવી આગળ પડશે..!
“ધંધો” કરવા રૂપિયા લીધા છે કઈ “ઉડાડી” મુકવા થોડી લીધા છે..?
અને આવડો મોટો “ધંધો” કરતા હોઈએ તો બ-બે પૈસા વાપરવાનો પણ અમારો હક્ક નહિ..??
કંપની કે ઓર્ગેનાઈઝેશનના નામે ક્રાઈમ કરવામાં ભારતીયો સૌથી આગળ છે..! કોઈ પૂછનાર નથી કે કોઈ રણીધણી નથી..આખો દેશ “ભગા” ને ભરોસે છે,રાણી વિક્ટોરિયા ને ગયા પછી..!!
અને આપડે “જો” અને “તો” માંથી નવરા નથી પડતા..
જન્મ્યા ત્યારથી સાંભળીએ છીએ “નેહરુ ની બદલે સરદાર હોત તો આવા દિવસો ના હો`ત ..!!”
અલ્યા ફઇ ને મૂછો હોત તો કાકા કે`ત..
પણ હવે તો કૈ`ક કરો..!
બંને મુખ્ય રાજકીય પક્ષો એકબીજા ઉપર આરોપ અને પ્રતિઆરોપ મૂકી અને ગોલ-પોસ્ટ ફેરવી રહ્યા છે..
જયારે જોવો ત્યારે ઈઝરાઈલની જાસુસી સંસ્થાની મોસાદની દુહાઈ દેવાય છે, અત્યારે મુદ્દો એ હોવો જોઈએ કે “રો” ધરતીના છઠ્ઠા પાતાળમાંથી કેટલા કલાકમાં “નીરવા” ને ઝાલીને આર્થર રોડ ભેગો ક્યારે કરે છે..??!!!
એક “વિજ્યો” અને બીજો “નીરવો” ફક્ત આ બે ને ઝાલી અને ચક્કી પીસિંગ.. પીસિગ.. કરાવો તો કમ સે કમ બીજા તો અટકે,
સંજય દત્તની સજા પછી બોલીવુડના આતંક કનેક્શન સંભળાયા નથી…!!
પાકિસ્તાન ઉપર હુમલો કર્યા વિના પણ હીરો થઇ જવાની એક જબરજસ્ત મોટી તક મળી છે નરેન્દ્ર મોદી સરકારને…
મીડિયા એ આખા કૌભાંડને સખ્ખત રીતે “ખેડૂત-જનસાધારણ” વર્સીસ “બડે-લોગ” તરીકે ઉપસાવી દીધું છે,અને સરકાર ઉપર એક જબરજસ્ત દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે.. હવે ખરેખર નરેન્દ્ર મોદીની સરકારની “નિયત” અને “હિંમત” હોય તો આઠ-દસ જાબાંઝ ને મોકલીને વિજયો, લલિયો અને નીરવો આ ત્રણ ને ઝાલી ને તિહાડ કે આર્થર રોડ ભેગા કરી દે તો ૨૦૧૯નું રણ લગભગ જીતાઈ ગયું ગણાશે..
ચર્ચા નો સમય નથી, એક્શન નો સમય છે, એક સર્જીકલ સ્ટ્રાઈક કરતા વધારે પોલીટીકલ માઈલેજ મળી શકે તેમ છે..
સાહેબ રાજનીતિ ના સ્ટુડન્ટ છે,પણ નાના મોઢે મોટી વાત ક્યારેક રાજનીતિ કરતા રણનીતિ નો ઉપયોગ કરવો પડે…
ભારત એક ન્યુક્લિયર સ્ટેટ છે..ગાભરું નકો સાહિબ..!
દસ બાર હરામીઓને ઝાલી ને નાક લીટી તણાવા થી જો ચાલીસ, પચાસ હજાર કરોડ રૂપિયા છુટા થતા હોત તો દેશનું ઘણું ભલું થશે..
`બાકી` તો જીવનમાં બધું `બાકી` જ `બાકી` છે..
સરવાળે બાદ-`બાકી` છે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા