આજે મોટી આઠમ ..
નવરાત્રી એકદમ જામી ગઈ છે , ગઈકાલ રાતથી લગભગ અડધું અમદાવાદ ઘરની બહાર હતું અને આજે કદાચ પોણું બાહર હશે, કોઈ ને અતિશયોક્તિ લાગે કે આ શું ફેંક ફેંક કરે છે એમ તે કઈ અડધું અમદાવાદ થોડી બાહર નીકળે ..?
તો ભાઈ હું `જીવતા` માણસો ની વાત કરું છું `મરેલાઓ` ની નહિ ..!!
ઢોલીડા નો ઢોલ ઢબકે ને જેના પગ માં કરંટ નાં આવતો હોય એનો ઈસીજી(હ્રદય નો કાર્ડિયોગ્રામ ) ભલે ઝીગઝેગ હોય પણ ઈઈજી ( મગજ નો કાર્ડિયોગ્રામ ) માં ભલીવાર ના હોય ..!!
જે માણસ જીવનમાં નાચી ના શકતો હોય, કે ગાઇ ના શકતો હોય તો એનામાં અને મરેલા માં કોઈ જ ફર્ક નથી,
આમ તો હું `ઢોર` શબ્દ બહુ જગ્યાએ વાપરું છું ,પણ અહિયાં `મરેલા` શબ્દ વાપરવો પડે તેમ છે .,
કેમકે સુષ્ટિમાં પ્રાણી જગત પણ પોતાના સમયે અને સિઝનમાં પોતાના ગીત સંગીત ગાઇ વગાડી લેતા હોય છે અને જેને કુદરતે નાચવા ની કળા આપી છે એ નાચી પણ લ્યે છે..!!!
આ માણસ એક જ `પ્રાણી` એવું છે કે જેને ઉપરવાળા એ બધું ય આપ્યું છે તો પણ ક્યાં તો પોતાનો બનાવેલો, ઉભો કરેલો એક કોમ્લેક્સ `ઇન્ફીરીયારીટી` કે `સુપીરીયારીટી` માં જીવતો હોય અને પછી નાચે નહિ ..
`ઇન્ફીરીયારીટી કોમ્લેક્સ `હોય તો દરેક ગલીએ ગલીએ ગરબા ક્લાસ ચાલે છે અને `સુપીરીયારીટી કોમ્લેક્સ` હોય તો પછી ક્યારેક ગજે થી હેઠા ઉતરો તો સમજાશે કે જમીન તમે માનો છો એટલી કાંટાળી નથી..
ધરતી ઉપર ખુલ્લા પગ ક્યારેક મુકીએ ને તો આ ધરતી પણ તારા પગ ને વ્હાલ કરશે …!
અને હા ઉંમર …?
અરે બકા ઉંમર તો ખાલી એક આંકડો છે મન થી માની લીધેલો, ના પકડતો એને ..
અને હા ગરબા સાંભળવા ની મજા તો `ખાટલે` પડ્યા પછીએ લેવાય ભાઈ..
આ નોરતા માં મેં એવા એવા લોકો ને જોયા કે જે જીવનમાં ક્યારેય પગ નોહતા માંડતા..એ ગરબા કરતા `ઝલાઈ` ગયા..!!
એક અત્યંત માલેતુજાર અમારા બહુ જુના ઘરાક.. લગભગ હવે તો દોઢ એક હજારના કરોડના બાર મહીને વેપલા કુટી લ્યે છે, અને મિલકતો પણ બે પેઢીએ ભેગી થઈને ઘણી ભેગી કરી છે..
એ `પાર્ટી` ના બંને છોકરા મારા થી ચાર પાંચ વર્ષ મોટા, અને મને બરાબર યાદ છે કે હું જ્યારે પચ્ચીસ વર્ષ પેહલા એ બંને ભાઈઓ ને મળતો અને નવરાત્રી ની વાત કરતો તો એમનો એક `ટોપો` મને હમેશા એમ કેહતો કે ગરબા તો છોકરીઓ ગાય હવે આપણું કામ નહિ..અને બીજો એમાં સૂર પુરાવતો અને હસતો..!!
ત્યારે પણ એમના વેપલા બાર મહીને પચાસ સાહીઠ કરોડ ના તો ખરા જ ..
એમાનાં રૂપિયા થી અંજાયેલો હું એટલે બહુ સામા જવાબ નાં આપું , ત્યારે થોડું એવું મને લાગતું કે યાર આ હું કઈ ખોટું તો નથી કરતો ને ? પણ પછી હું મારા મન ને કહી દેતો કે સાલાઓ ને આવડતું નહિ હોય , અને ટાંટિયા અવળસવળ પડતા હશે એના એટલે મને ડિપ્રેસ કરીને પોતે કોન્ફિડન્સ ક્રિયેટ કરે છે..
અને આ નવરાત્રીમાં એ બે માંનો એક `ડોહો` એની `ડોસી` ને લઈને દોઢીયા કરતો ઝડપાયો ..!! ( મારાથી પાંચ વર્ષ તો સેહ્જે મોટો એટલે `ડોહો` કીધો 😉 )
એની માં ને..!!!
મેં તો જોયો એને ગરબા કરતો જોયો ને મારી ખોપરી ગઈ..પચ્ચીસ વર્ષ જુનો બદલો ..!!
ગરબા તો છોકરીઓ કરે ..
આપણી પોહચ એમના ઘરવાળા સુધી પણ ખરી, અને પાછલા પચ્ચીસ વર્ષમાં અઘરી તેજી ખાઈ ગયા છે એ લોકો રૂપિયા નો કોઈ જ તમાં નથી રહી..
આપણે સીધી એની ડોસી ઉર્ફે સેઠાની ને જ ઝાલી ..ભાભી આટલા વર્ષે હવે તમે સેઠ ને તમારા તાલે નાચતા કરી દીધા ખરા,
અને ભાભી હસી ને ઉવાચ્યા ના શૈશવભાઈ મારા તાલે નહી પેલી એક છોકરી રાખી છે વજન ઉતારવા, રોજ એરોબીક્સ કરાવવા બંગલે આવે છે, અને એ મહિનાથી એરોબીક્સ ને બદલે ગરબા કરાવે છે ત્યારે આ કમ્મર હાલતી થઇ છે …
શેઠાણી એ ભાંડો ફોડી નાખ્યો એટલે આપણો પચ્ચીસ વર્ષ જુનો બદલો વધારે સળગ્યો..
મેં કીધું ઓહો એટલે આટલા બધા વર્ષ લાગ્યા ગરબા ગ્રાઉન્ડ ઉપર આવતા..!!! શેઠાણી ના મોઢા પર પ્રશ્નાર્થ ચિન્હ આવ્યું.. ?
સેઠજી ને દેખતા અમે બોલ્યા ભાભી મને તો હમેશા એમ જ કેહતા આ બંને ભાઈઓ કે છોકરીઓ ગરબા ગાય ..
શેઠાણી એ એક ઓર ભાંડો ફોડ્યો ..અરે `મોટાભાઈ` તો પેલી એરોબીક્સ વાળી ના આખા ગ્રુપ ને લઈને ગરબા કરવા ગયા છે..
હવે તો મારો જીવડો ઝાલ્યો ઝલાય નહિ..મેં દીવાસળી નાખી ..
ઓહો એટલે છોકરીઓ જ ગરબા ગાય એવું કેહનારા ને છોકરીઓ જોડે જ ગરબા ગાવા હતા એવું છે એમ ને ..?
ભાભી બોલ્યા.. જાય શેનો ..? હું છોડું તો જાય ને.. ગરબા ગાવાની તો વર્ષો થી કોશિશ કરે છે બન્ને ભાઈઓ, પણ બે પગ ભેગા જ ઉપાડે કાયમ, એટલે ગરબા ની બદલે ઘોડો જ ખુંદતા હોય એવું લાગે, આ બંને ભાઈઓ ને જોઈ ને બધા મજા લેતા હતા અને હસતા હતા, આ તો પેલી એરોબીક્સ વાળીએ એક પછી એક પગ ઉપાડતા શીખવાડ્યું એટલે આ વર્ષે કૈક મેળ બેઠો છે એટલે બન્ને ફૂલ ફોર્મમાં છે ..!
આય હાય..!!
સુ દિલ ને ઠંડક વળી છે..!!!
સાલા નું મોઢું જોઈ ને ના હસી શકે ના રડી શકે એની બયાડીએ જોર કપડા ઉતારી લીધા અને મને તો મજા પડી ગઈ..
મેં ખાલી મોઢું હલાવી ને આંખથી કીધું છોકરીઓ જ ગરબા ગાય નહિ..?
સાલો વાત ફેરવે કાલે ક્યાં જવાનો શૈશવ ? પાસ છે કે મોકલવું ?
મેં કીધું એરોબીક્સ વાળી જોડે તમારે ઘેર આવું છું ..
મારો જવાબ સાંભળી ને ભાભી બોલ્યા લાગે છે મારે પણ કોઈ એરોબીક્સ `વાળો` રાખવો પડશે ..
છેલ્લું પેટ્રોલ રેડી દીધું… આપણે અરે ભાભી કેહજો ને તમતમારે અમારે જીમમાં ઢગલો ટ્રેઈનર છોકરા હોય જ છે..એકદમ હેન્ડસમ..
મસ્ત ભડકો સળગાવી ને આપણે રટ્ટી થઇ ગયા ..!!
તમારે કોઈ ને બે પગ જોડે નથી ઉપડતા ને ગરબા કરતા ને ? અને એટલે તો પછી ઘેર પડ્યા રહો છો એવું ખરું ..?
કાલ થી એરોબીક્સ..અને આવતી નવરાત્રી થી પછી ગરબા ગ્રાઉન્ડ..!
હેંડો હેંડો કરમદા વેણી એ રે..
હો હો હો ..
લેમ્બુડી ના લીલા પીળા પાન રે
લેમ્બુડા લે`રા લે`ર ..
આપનો દિન શુભ રહે
અને રાત રમઝટ ભરી..!
શૈશવ વોરા