આજે દસમી ઓગસ્ટ..
સાલ ૧૯૬૭ ની 10મી ઓગસ્ટ … “ડાક્ટર તમે આ જગ્યા ક્યાં લીધી ..?? અહીંયા તો આગળ પાંચ ડાક્ટર ઊઠી ગયા છે ,કોઈનું ચાલ્યું નથી..!! “
તમે કામ ધંધો ચાલુ કરો અને પહેલી જ વ્યક્તિ તમને આવું કહી જાય તો શું પરિસ્થિતિ થાય??
પપ્પાએ ખાનપુરનું દવાખાનુ ચાલુ કર્યું ત્યારે એમના પહેલા પેશન્ટનો આ ઉદગાર હતો…અને વાત પણ સાચી હતી .. પણ કુદરતે કંઈક બીજું જ નિર્માણ કર્યું હતું. સફળતા એમના ભાગ્યમાં કુટી કુટી ને ભરી હતી, ખરેખર એ જસરાજ હતા , એમના હાથમાં યશ હતો…
પપ્પાના દવાખાનાની બિલકુલ સામે ઇન્દુમતીબેન ચીમનલાલનો બંગલો જે પાછળથી સાબર હોટલમાં પરિવર્તિત થયો , એમના કમ્પાઉન્ડમાં ગગનવિહાર ફ્લેટ અને બોરસલ્લી,
પછી આજુબાજુમાં ધ્વનિ,ધવલગિરિ એમ બીજા એવા ઘણા બધા દસ માળિયા ઊભા થતા ગયા…ઊભી પોળો કહીએ અમે એને ..!!
જે ખાનપુર વિસ્તાર શેઠિયાઓના બંગલા માટે પ્રખ્યાત હતો ત્યાં દસ માળિયા બિલ્ડીંગો બનવાના ચાલુ થઈ ગયા ,અને પછી અચાનક વસ્તી વિસ્ફોટ થયો ,ખાનપુર માણસોથી ઉભરાવા લાગ્યું ,
માણસ આવ્યો એની સાથે રોગ આવ્યો, મેલેરિયા..
સરકારને પોસ્ટકાર્ડ ઉપર છાપવું પડ્યું કે મેલેરીયા થયો હોય તો ક્વિનાઈનની બે ગોળી લેવી..
મમ્મી પપ્પાનું દવાખાનું ધમધમવા લાગ્યું,
સિત્તેરના એ દાયકો લાઇનનો દાયકો હતો ,રેશનિંગ ની લાઇન , દૂધની લાઇન ,કેરોસીનના લાઇન .. જ્યાં જુવો ત્યાં લાઇનમાં ઊભા રહીને લોકો વસ્તુઓ ખરીદે એ પણ જીવન જરૂરિયાતની..
દવાખાને પણ એવી જ લાઇનો લાગે , મચ્છરજન્ય રોગ મેલેરિયા .. ટાઢ ચડી હોય , પેશન્ટ ક્યાં ક્યાંથી ત્રીસ ચાલીસ કિલોમીટર દૂરથી રિક્ષામાં નાખીને , ગોદડામાં લપેટીને લાવ્યા હોય, દાઢી કકકડતી હોય, ટૂંટિયું વળી ગયો હોય ..જલ્દી ઇન્જેક્શન આપો ..
એ સમય હતો જ્યારે પેરાસિટમોલ પણ કેમિસ્ટ જાતે ના આપે , કેમિસ્ટ હજી ડોક્ટર નોહતો બન્યો ,હા ઘેર ઘેર ડોશી વૈદા ચાલે પણ દવાની દુકાનવાળો જરાક શરમ રાખતો , પ્રિસ્ક્રીપ્શન માંગતો…અત્યારે તો કેમિસ્ટ દવાઓ ઠોકે છે અને લોકો એ આઈ ને પૂછે ..!!!!!
દવાખાનામાં લાઇનો લાગે , બસ્સો પેશન્ટની ઓપીડી મમ્મી પપ્પા બંને હેન્ડલ કરે ..બાહર ફૂટપાથ ઉપર લાઇન લાગે ..
ઘણી વખત એવું થાય કે કોઈ રિક્ષાવાળો કેરોસીનની લાઇન સમજીને લાઇનમાં ઊભા રહી જતા..!!
જનતા લાઇનમાં ઊભી રહેવા જ ટેવાયેલી …
જેમ જેમ દિવસો વીતતાં ગયા તેમ તેમ લોડ વધતો ગયો , એક નિયમ રાખ્યો તપાસવાની ફી અને ખાલી પ્રિસ્ક્રિપ્શન લખી આપવાનું હોય તો એકપણ રૂપિયો નહીં લેવાનો.. દવા આપીએ તો જ રૂપિયા લેવાના…!!!
સમાજે આપણને ભણાવ્યા છે તો આપણે સમાજને પાછું આપવું રહ્યું … કન્સલ્ટેશન ફી અને પ્રિસ્ક્રિપ્શન ના રૂપિયા નહીં લેવા પાછળની આ ભાવના…
કમળો એ સમયે બહુ આવ્યો , પાણીની અને ગટરની લાઇનો જમીનમાં ભેગી થતી, એ સમયે અમુક લોકો પાસે ખાવાના રૂપિયા નહીં ત્યાં ગ્લુકોઝ ક્યાંથી લાવે ..?? ઓઢવના દવાખાને જતા રસ્તામાંથી કોઈ કારખાનામાંથી પચ્ચીસ કિલો ગ્લુકોઝ પાવડર બાંધતા આવે , બાજુની સોસાયટીના છોકરાઓ ખાખી કાગળની થેલીમાં પાંચસો પાંચસો ગ્રામના પડીકા બનાવે અને એ પડીકા સાહેબ પેલા કમળાના પેશન્ટને આપે મફત… અને જશ લઈ જાય પેલો ભૂવો કમળાની દોરી બાંધી આપનારો… ! અમારા ભૂવાએ દોરી બાંધી એમાં મસ્ત થઈ ગયું… હશે ત્યારે એમ રાખ..
વોરા સાહેબનું દવાખાનું જામી ગયું , જ્યાં પાંચ ડોકટરો ઉઠી ગયા ત્યાં વોરા સાહેબ જામી ગયા..!!
હામ ,દામ અને નામ બધું મળ્યું…
એવામાં પપ્પાને મળ્યા ગૌતમ મઝુમદાર , આઈબેંકવાળા …મૃત્યુ પછી ચક્ષુદાન .. પપ્પાએ ભેખ ધર્યો .. એંશી નો દાયકો આવી ગયો હતો..!! પપ્પા ડેથ કન્ફર્મેશન માટે જાય તો ગાડીમાં ચક્ષુદાન માટેની કીટ લેતા ગયા હોય, ત્યાં પણ નિયમ, ડેથ કન્ફર્મેશન ના રૂપિયા નહીં લેવાના , કોઈપણ સમાજના ધર્મના સાધુ સંતના રૂપિયા નહીં લેવાના.. પરિવારને સમજાવે અને ચક્ષુદાન લેતા આવે ..!
મૃતદેહમાંથી આંખો લેવા જાય … ઘણી વખત હૃદય રોગના હુમલાથી મૃત્યુ હોય એટલે જેવી આંખ ઈનોક્યુલેટ કરવાની ચાલુ થાય એ ભેગું બ્લિડિંગ ચાલુ થાય , ડોલે ડોલે ઉલેચવું પડે એવી પરિસ્થિતિ થાય , સાથરો કરીને મૃતદેહ મૂક્યો હોય , નહવડાવીને તૈયાર કરીને અને એમાં બ્લિડિંગ.. ટાંચા સાધનો એટલા કોટન ના હોય .. છેવટે એક કટ મૂકે અને એક સુચર (ટાંકો) …!! બબ્બે કલાક જતા રહે.. !!
હર્ષદભાઈનું નામ ચક્ષુદાન સાથે જોડાઈ ગયું , લોકજાગૃતિ આવી એક આખી આઇબેંક ઊભી કરવામાં સહભાગી બન્યા..
આજે દવાખાનાને સાહીઠમુ વર્ષ બેઠું …!!! ડોક્ટર હર્ષદભાઈ વોરા અને ડોક્ટર મુકતાબેન વોરાના દવાખાનાને..!!
મમ્મી સવાર પડ્યે ઉંમરના 84માં વર્ષે ઉપડી જ જાય દવાખાને… ડ્રાઈવર મોડો પડ્યો તો ગયો કામથી , ખબર નથી ત્યાં બધા ઓટલે રાહ જોતા બેઠા હોય ..!!
પપ્પા નથી ,પણ મમ્મીએ પપ્પા બની અને પૂરો કારભારો ઉપાડી લીધો છે , એમનું આઇપેડ અને એમના આઇફોન , એ આઈ થી પણ અપડેટ રહેવાનું …
પાછલા સાહીઠ વર્ષમાં મેડિકલ ક્ષેત્રે અદ્દભૂત ક્રાંતિ થઈ ,પણ મમ્મી જેવા થોડાક છેલ્લી પેઢીના ડોક્ટર્સ છે કે જે પેશન્ટને જોઈને ડાયગ્નોસીસ કરે , ટાંચા સાધનોથી શરૂ કરેલી પ્રેક્ટિસ આજે આવતો પેશન્ટ ફાઇલોના થોકડા લઈને આવે છે, બધું નોલેજ લઈને આવે છે , મમ્મી પેહલા તો ઝાટકે .. પપ્પા જરાક ગરમ થઈને ઝાટકે ,ઘણીવાર ગૂગલ કરીને આવતા પેશનતને કાઢી જ મૂકે પણ મમ્મી સૌમ્ય રીતે સમજાવે , ક્યારેક ખખડાવે ,પણ છેવટે સંતોષ લઈને જાય છે …!!!
રૂપિયા ના લ્યે ને આ બધા ના એટલે …
મારો મમ્મી પપ્પાને બાળપણથી સવાલ રહેતો શું દુશ્મની છે તમારે રૃપિયા સાથે ????? કેમ નથી લેતા …? આખું ગામ લ્યે છે …
પણ એક જ જવાબ આપતો સમાજને સમાજનું પાછું આપવું પડે…
ઈશ્વર બેઠો છે એમની સાથે .. આજે ત્રણ ત્રણ પેઢી મેડિકલ સાથે જોડાયેલી છે એમને ..!!
ઓગણ સાહીઠ વર્ષ અને એક જ જગ્યા … શું બાકી હોય ???
હરિ અને હર બંને ના આશીર્વાદ , નાત જાત ધર્મ , દિવસ રાત કશું જોયું જ નથી બંને એ ..!!
ધૂણી હજી ધખે છે.. ધખતી રહેશે..! પેશન્ટો ની પાંચ પાંચ પેઢી ટ્રીટ કરી …
રૂપિયાને પૂછો તું કોણ છે ? હક્ક નો અણહક્ક નો? આ સિવાયનો ત્રીજો જવાબ કે જાત જોડે જીભાજોડી થાય તો સમજવું કે હક્ક અણહક્ક બાજુ ઉપર મૂકો આ રૂપિયો તો ખોટો છે…!!
આ ફિલોસોફીથી ઓગણ સાહીઠ વર્ષ બંને એ કાઢ્યા છે..!!
શૈશવ વોરા
આપનો દિન શુભ રહે
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*