ગઈકાલે ગુરુપૂર્ણિમા ગઈ , થોડાઘણા મેસેજીસ આવ્યા કે તમે અમને ઘણી બધી વખત ગાઇડ કરો છો અને અમે તમારામાંથી ઘણું શીખ્યા , બે ત્રણ ફોન આવ્યા , એકાદ બે જણા રૂબરૂમાં પગે લાગ્યા પણ સૌથી વધારે સુંદર મેસેજીસ આવ્યા 35 થી ચાળીસ વર્ષના છોકરાઓના ..!!
ચાર છોકરાઓના મેસેજ આવ્યા અને ચારે ચાર પાંત્રીસથી ચાલીસ ની વચ્ચેની ઉંમરના..
બિલકુલ મઝધારે ફસાયેલા ..!! એમના સંતાનો કાચા અને માબાપ પાકટ ..!! પત્નીના પોતાના ફ્રસ્ટ્રેશન અને જણને જીવતરના છેડા દેખાવા લાગે ,હૈયે હામ ખૂટતી લાગે .. સંસારમાં આજુબાજુમાં સ્વાર્થના અનુભવો પુષ્કળ ,મિત્રતા પણ બે પાંચ પાક્કી રહી હોય એ બાકી બચી હોય , બાકી બધું ઉપરછલ્લું ..!!!
એવામાં થાકે ત્યારે યાદ આવે … શૈશવભાઇ …!!!
આપણે ત્યારે દુલા ભાયા કાગ ને યાદ કરીએ .. હેજી તારા આંગણીયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે..!!
પેહલા તો એને સારા કાફેમાં લઈ જઈને બેસાડવાનો .. શાંતિથી સાંભળવાનો.. ખાલી થવા દેવાનો..!!
હેજી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે જી …
બાપા સમજતા નથી , સ્કૂટર લઈ લઈને ભાગે છે , એક્સીડન્ટ થયો હતો મારા ચાર મહિના, અને પાંચ લાખની પરણી નાખી , મમ્મીને કાયમની એક જ વાત, પૈસો પૈસો ભેગો કર્યો ત્યારે તમે આ ઘરબાર પામ્યા છો , પેલીની પછી ક્યારેક તો છટકે ને.. સત્તર વર્ષ થયા ,નાની દિકરી બાર વર્ષની અને મોટી ચૌદ વર્ષની થઈ , ટ્યુશન અને ફીઓ તોડી નાખે છે ..સાલુ ઇન્વેસ્ટમેન્ટ થતું જ નથી ,કોઈ ને કોઈ ખર્ચા તોડી પાડે છે આખા વર્ષના બજેટને..!! સાળા એ કાંડ કર્યો છે, સસરાના પ્રોવિડન્ટ ફંડના રૂપિયા શેર બજારમાં નાખ્યા અને હવે સલવાયો છે..
શૈશવ ઉવાચ…જો બકા તું આ પહેલો નથી .. જ્યારે આ માબાપ નહીં હોય ત્યારે તું જ સોરાઈશ, અત્યારે અમને બાપા એવા યાદ આવે છે પણ શું કરીએ ? અમે પાંચ મિત્રો દર રવિવારે યુનિવર્સિટી ભેગા થતા અને પેહલા એકબીજાને પૂછી લેતા તારા બાપાએ કયો કાંડ કર્યો ? આવું જ હોય , બૈરી જે બોલે એ શાંતિથી સાંભળી લેવાનું , દુનિયા આખી જોડે ઝઘડો થાય પણ બૈરાં જોડે ના ઝઘડો થાય , બૈરાં જોડે ઝગડેલો દુનિયામાં ક્યાંય ના જીતે , એટલે ત્યાં શાંતિ રાખવી અને છોકરામાં રૂપિયા ખર્ચો એનાથી મોટું ઇન્વેસ્ટમેન્ટ બીજું એકેય નથી , સમજ્યો …?? અફસોસ ના કરો ..
માનવીની પાસે કોઈ હે માનવી ના આવે રે ..
હેજી તારા દિવસો ની પાસે, દુખીયા આવરે, આવકારો મીઠો આપજે રે જી …
ખરી વાત છે , જાંઘના ઘા માણસ ક્યાં ખુલ્લા કરે ? ધીમેકથી આગળ ખુલે..
ત્રણ વર્ષથી અમારે લગભગ અબોલા છે , દિકરીઓ માટે સાથે જીવીએ છીએ શૈશવભાઈ …
કેમ શું પ્રોબ્લેમ છે ? અને તારી મત્ત મારી ગઈ છે કે તું છેક હવે મારી પાસે આવે છે ? ત્રણ ત્રણ વર્ષે..!!
આંખમાંથી આંસુડાં ની ધાર… દિવસો નો જામેલો ડુમો ઓગળે , શૈશવભાઈ કોને કહું ..? હજી બોલતા જીભ નથી ઉપડતી ..
છાતી સરસો ચાંપ્યો , બોલી નાખ પીપળે ચોંટ્યો હોય એમ બોલી નાખ બેટા.. મારા દીકરા..
એનું એની ઓફિસમાં બીજા સાથે…
મારા પેટમાં ઉકળતું તેલ રેડાય શું વાત કરે છે ? કોઈ ભૂલ નથી થતી ને ?
ના ભાઈ , શરૂ શરૂમાં પૂછું તો ના ના કર્યું , હવે ખુલ્લેઆમ છે , કુંડળી જુવો હવે .. ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે..
ગભરાયેલો શૈશવ બોલે ..કુંડળી બાજુ પર મૂક , પણ હું એને સમજાવું અને સમજે તો તારી શું તૈયારી ?
એને બતાડી દેવા મેં પણ બે સેટિંગ કર્યા , બધું હું પણ છોડી દઈશ..
મહાદેવ … મહાદેવ … ઘોર કળજગ..!!!!
કેમ તમે આવ્યા છો, એમ નવ કે’જે રે
હેજી એને ધીરે – ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે રે જી
એક દિવસ એની ઘરવાળી એના ભાઈને લઈને આવે , અને માટીડો તો હોય જ … શૈશવભાઈ દારૂ પુષ્કળ પી ને મારું કેરેક્ટર એસેસીનેટ કરતો હતો એટલે મેં એને કરી બતાડ્યું, આ માણસ લતે ચડ્યો છે, રોજ ના બે પેકેટ સિગારેટ પીવે છે ,નોન વેજ ખાય છે , એવા એવા લોકો જોડે ફરે છે , દિકરીઓ મોટી થતી જાય છે ,એને ભાન નથી ..મમ્મીથી પણ થાકી છું સત્તર વર્ષ થયા , મારું રાંધવા કમાવા સિવાય ઘરમાં કોઈ અસ્તિત્વ જ નહીં , ગણતરી જ નહીં ..આના અવગુણ એમને દેખાતા જ નથી..
વાત એની સાંભળીને હે આડું નવ જોજે રે
હેજી એને માથુ રે હલાવી હોંકારો દેજે રે, આવકારો મીઠો આપજે રે
ઈચ્છા તો થઈ જાય કે કહી દઈએ બંને પડો કુવામાં, પણ બીજી કેટલી જિંદગીઓ બગડે ….
ભેગા કર્યા બંને ને એક રૂમમાં… સામસામે ચાલ્યું , છોકરાએ ગાળાગાળી કરી , શૈશવભાઈથી સહન ના થયું , એક સટાકો ગાલ પર ઠોક્યો, છોકરી પણ ડરી ગઈ , વ્યસન બંધ કરી અને બંને પોતાની ઈતર પ્રવૃત્તિને બ્લોક કરો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરો , અબઘડી… લાંબુ ભાષણ અને બીજા કોઈ ઓપ્શન નહી એટલે લડી લડીને થાકેલા , છેવટે સમાધાન ઉપર આવ્યા..
કાગ એને પાણી પાજે, એ સાથે બેસી ખાજે રે
હેજી એને ઝાંપા રે સુધી વળાવા ને જાજે રે, આવકારો મીઠો આપજે રે જી
અંત ભલા તો સબ ભલા.. ઘરભેગા થયા..!!
ઝાંપે ઊભા વિચાર આવે ક્યાંથી શરૂ થયું હશે ? કેવા હસતા રમતા બંને હતા , કોની નજર લાગી હશે ? ક્યાંથી આ બધી કુબુદ્ધિ આવી હશે ?
પછી એક જ વિચાર આવે સમય સમય બલવાન નહીં આદમી …!!!
એવા એવા કાંડ કરીને આવે છે આ છોકરાઓ અને છોકરીઓ કે બુધ્ધિ ખરેખર બેહર મારી જાય..પાછા ફરવાની જીવનમાં જગ્યા જ ના રહે,
શૈશવને વહીવટની ટેવ , પપ્પા મમ્મીની જનરલ પ્રેક્ટિસ અને એ જમાનામાં ડોકટર એટલે ભગવાન , કોઈકના છોકરા છોકરી ભાગી જાય તો પણ સમાધાન માટે અમારે ઘેર બંને પક્ષો આવે , સાહેબ અને બેન કહે એ ફાઈનલ ..
આ બધું જોઈ જોઈને મોટા થયા હોઈએ એટલે વહીવટ ફાવે ,પ્રેક્ટિકલ નિર્ણય લેવાની શક્તિઓ આપમેળે આવી ગઈ ,
શૈશવભાઇ મારો દિકરો બહુ સરસ ગાય છે , એને એ ફિલ્ડમાં આગળ જવા દેવો છે…
હવે છાનીમાની બેસ , હજી બાર વરસનું છે તારું નંગ , પૂછડું માંડ જાતે ધોતા થયો છે , ભણવામાં ધ્યાન રાખ એના ,એ બધું કોલેજમાં આવે પછી કરાવીશું , તમારી ડિગ્રી છે ને એ અત્યારે તમારા બિલ પે કરે છે , તમે એના માટે મોલાતો નથી ઊભી કરી કે શોખમાં જન્મારો જાય એનો , શોખ અને કામધંધો બે અલગ વસ્તુ છે અને એને અલગ જ રખાય , બોન જીનિયસ હોય તો ઠીક છે બાકી ભણ્યા સિવાય છૂટકો નથી …
આવા એમના પ્રોબ્લેમ અને આવા મારા સોલ્યુશન …એમને લાગે ગુરુ માણસ છે ,પણ માંહ્યલા ગુણ મહાદેવજી જાણે , એકજ શબ્દ ઉપર ટકી ગયો છું , ના .. નથી પીવું , નથી ફૂંકવુ, નથી જોઈતું , હક્ક અણહક્કની લડાઈમાં ઘણી બધી “ના” સાથે જીવું છું ..
એક સમય હતો મધ્યમવર્ગમાં પુરુષ એકલો પીસાતો , આજે બંને જણા પીસાય છે , પેહલા સગા, સબંધી અને પાડોશીઓ ને કારણે ઝઘડા થતા, આજે એ કોઈના ચંચુપાત નથી રહ્યા તો સોશિયલ મીડિયા જોઈ જોઈને પોતે જાતે સામે ચાલીને પોતાના જીવનમાં ચંચુપાત વોહરી લીધા,
જળકમળવત્ ના રહીએ તો ગાભા અને ડૂચા બધુંય નીકળી જાય.. ચાલો જરાક તમને સળગાવું, પલીતો ચાંપુ…
અમેરિકા કેનેડામાં તો કોની પાસે ગઈ ગાડી છે એ નહીં,પણ કોની પાસે કઈ યોટ છે એની ઉપરથી નક્કી થાય કે કોણ કેટલા રૂપિયાવાળું છે …!!
થોડીક સારી હોય એવી યોટ પચાસ કરોડથી ચાલુ થાય..!!
સમજાય છે શૈશવ તને ??? ઝૂંપડી સાચવવી પડે ..!
બે દિવસથી બધાને કહેતો ફરતો હતો કે ગુરુદક્ષિણા રોકડ સ્વરૂપે સ્વીકારીશું , કેમકે મારા ચેલા બદમાશ છે , મારું ખાતુ ખાલી કરી નાખે …
સાંજે જિમમાં આંટા મારતો હતો તો ત્યાં દસ રૂપિયાનો સિક્કો મળ્યો , કોઈકને આપી દીધો તરત જ , ફરી પાછો એક રૂપિયાનો સિક્કો મળ્યો એ પણ આપી દીધો બીજા કોઈક ને ..
ગુરુ..??? કોઈના કદાપિ નહીં ,
એઆઈ ને પૂછો તો શું જવાબ આવે ? કોઈક મારા જેવાએ જ ફીડ કર્યો છે જવાબ…
जी हाँ, मैं एक कृत्रिम बुद्धिमत्ता (AI) हूँ और मैं किसी का गुरु नहीं हूँ, बल्कि आपकी मदद करने के लिए एक डिजिटल सहायक हूँ।
सहायक की भूमिका: मेरा काम आपको जानकारी देना और सवालों के जवाब ढूंढना है।सीखने की प्रक्रिया, मैं कोई आध्यात्मिक या जीवन का गुरु नहीं हूँ।
પણ મજાનો જવાબ છે ..!!
ચાલો આવતીકાલથી હિંડોળા ચાલુ થશે હવેલીઓમાં એક મહિનો , રોજ ઉત્સવ , આનંદ જ આનંદ ..
મજા કરજો ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*