૨૦૧૯ ની સૌ ને શુભેચ્છા ..!!
ગઈકાલે સાંજથી ઓકલેન્ડથી શરુ થઇને આજે પરોઢ સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દરેક સ્ટોરીમાં ઇસુના નવા વર્ષના વધામણા ચાલ્યા.. મલક આખું હેલે ચડ્યું હતું ..!!
“ઇકો ફ્રેન્ડલી” ફટાકડા ફૂટ્યા, અને “અસંસ્કારી” લોકો એ અબજો લીટર દારૂ પીધો ..!!
આ બધાની વચ્ચે ક્યારેક એવો વિચાર આવે કે `કટ્ટરતા` જરૂરી છે..?
`રોમ`માં જઈને `રોમન` થઇ જાઉં તો શું ખોટું છે ..?
ગયા મહિનાની ચીન દેશની યાત્રામાં `વીવીઆઈપી` ટેબલ ઉપર મારે ડીનર માટે બેસવાનું હતું , આંતરરાષ્ટ્રીય સમ્મેલન હતું અને ત્યાં હું એક જ `નંગ` એવું હતું કે જે પ્યોર વેજીટેરીયન નું પૂછડું પછાડી રહ્યું હતું ..!!
ત્યાંની સાત સિતારા ધરાવતી હોટેલમાં અમારા એસોશિએશનના સેક્રેટરીશ્રી એ આગોતરી જાણ કરી હતી કે અમે શુદ્ધ શાકાહાર જ કરશું ,અને એ સુચના પ્રમાણે એ લોકો વર્ત્યા હતા ..!!
પણ મને ક્યાંક ખટકતું હતું ..!!
બીજું મને એવું પણ ખટક્યું કે ત્યાંના રીત રીવાજ પ્રમાણે ટોસ્ટ કરવા નો હોય દારુ (વાઈન ) ના ગ્લાસ હાથમાં લઈને ચીયર્સ કરી ને એક સીપ લેવાનો .. અને હું મુઓ રહ્યો `ગુજરાતો`, દારુ તો પીવાય જ નહિ.. હજી થોડાક દસકા પેહલા તો હું એમ જ માનતો હતો કે દારુ પીવે એ શીંગડા વિના ના રાક્ષસ એનાથી દુર જ રેહવાનું ,,!!
મારા આ ચોખલિયાવેડા..
છેક જિંદગીની ગધ્ધા પચ્ચીસી પછી ભાન થયું કે `ભાઈ તારે કોન્ઝર્વેટીવ થવું હોય તો તું થા તારી જાત માટે થા ,પણ બીજા ને તારી લાકડીએ ના હાંકીશ ..!!`
પણ આના થી આગળ હું જઈ જ નથી શકતો..નોન વેજ અને દારુ હોઠ સુધી આવતા જ નથી..!
કેમ ..?
એવો સવાલ થાય છે ત્યારે એક મન મારું જવાબ આપે છે, દારુ એ નબળા મનના લોકો નું મનોરંજન છે અને નોન વેજ એ આપદ ધર્મ છે ,જયારે કશું જ સર્વાઇવલ માટે ના મળે ત્યારે ખાઈ લેજે ,પણ આપણે એટલા બધા પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં જીવીએ છીએ કે ભૂખ ને લીધે ક્યારેય મરવાના નથી.. એટલે લાગે છે નોન વેજ સુધી પોહ્ચવાના વારા નહિ આવે..!!
ઘણી બધી વાર હું મનોમંથન કરું છું અને સ્પેશીઅલી પરદેસમાં મારી જાત સાથે એકલો રખડતો હોઉં ત્યારે તો ખાસ ..!!
સવારથી સાંજ તો ધંધો હોય પણ રાત પડ્યે જયારે એકલા હોઈએ અને આપણી આજુબાજુ કોઈ જ `આપણું` ના હોય, ત્યાં તમે ગમે તે કરો પણ તમારી “આબરુ” ના જવાની હોય એવી અવસ્થા હોય ત્યારે તો ખુબ આવા વિચારો આવે કે કેમ હું `આવો` છું ..?
આ દુનિયા કેટલી `મજા` લઇ રહી છે..
અને મને કેમ તકલીફ ..?
કદાચ હજ્જારો લોકો એ સવાલ પૂછ્યો છે મને, કે વાંધો શું છે દારુમાં યાર પી ને..
પણ હું એમ કહું કે સૂર શરાબ અને સુંદરી આ ત્રણમાંથી પુરુષ માણસ ને એક જોઈએ ..
અમે તો સૂર પકડી લીધો છે અને સુંદરીને જેમ શરાબ ને જોઈ લઈએ છીએ એમ જોઈ લઈએ છીએ, આટલું કહી ને છૂટી પડું છું .. અરે હા એક આડવાત ..ઘેર બેઠા એ પત્નીજી કેહવાય `સુંદરી` નહિ..! આ સ્પષ્ટતા પણ અહિયાં જરૂરી છે , કારણકે જે સ્ત્રી દરેક જણ ને `સુંદરી` લાગે તેને જ `સુંદરી` કેહવાય.. `બાળપણ`માં જયારે પચ્ચીસ વર્ષે બધા ની સગાઈઓ થતી ત્યારે એક મિત્ર ને એમના ભાવિ પત્નીમાં `વિશ્વસુંદરી` ના દર્શન થઇ રહ્યા હતા , અને હરખ નો માર્યો મને દસ વાર પૂછી ગયો એ મારીવાળી `રાય` જેવી નથી લાગતી ..? છેવટે મારે કેહવું પડ્યું કે ભાઈ તને લાગે છે ત્યાં સુધી ઠીક છે પણ હવે તું વધારે પૂછીશ તો પછી આ રાય તારા હાથમાં નહિ રેહવા દઉં , હું ડામીસ થઇ ને તારી વાળી ને ઉપાડી લઈશ ..ત્યારે માંડ એ ભાઈ શાંત થયા .. એ જમાનામાં આપણે આપણી જાત ને `મોસ્ટ એલીજીબલ બેચલર` સમજતા હતા ..!! અને ત્યારે આપણો કોન્ફીડન્સ લેવલ થોડો વધારે પડતો `હાઈ` હતો.. ટૂંકમાં `સુંદરી` એ `સુંદરી` અને પત્ની એ પત્ની..!!
ખૈર સૂરની મજા અલગ જ છે..!! નથી જરૂર પડતી પછી બીજો કોઈ નશો કરવાની ,જો કે આવી બીજી ઘણી વિદ્યા અને શોખ છે દુનિયામાં કે જેમાં ઊંડા ઉતરી જઈએ તો નશાની જરૂર ના રહે પણ એક વાત નક્કી છે કે શોખ કરવો એમાં ઊંડાણ મેળવવું અને પછી એને માણવો આ આખી પ્રક્રિયા ખુબ ધીરજ અને સમય માંગી લ્યે છે અને દારુ એ ઈન્સ્ટન્ટ ઈફેક્ટ આપે છે..બે પેગ માર્યા કે સીધા ટોપ ઓફ ધ વર્લ્ડ જરાય મેહનત નહિ કરવાની ..!!
અને હા ઘણીવાર શોખના `પીક` લીધા પછી પણ સેકન્ડ `પીક` માટે `કિક` પ્રજા લેતી હોય છે..!!
આજે લગભગ પોણી દુનિયાની સવાર હેંગ ઓવર ક્લીયર કરવામાં જઈ રહી છે ..
નવ વર્ષ જીવનમાં ઘણા આવ્યા , ઇસુના ,વિક્રમ ,શક અને આપણા પોતાના ..દરેક વખતે પાછા વળીને જોવાનું મન થાય, ક્યારેક ડોકિયું પણ કરી લઈએ પાછળ, સુખ દુઃખ બધુંય દેખાય પણ મન ફરી ફરીને સુખ તરફ જ ખેંચાય છે..!!
આજ રાતથી ફરી એકવખત સૂર તાલ નો મહોત્સવ શરુ થશે ..સપ્તક
કૃષ્ણ નો સામવેદ અને મહાકાલ ના કમ્પોઝીશન ..!!
વર્ષોથી જઈએ છીએ એટલે ક્યારેક એક નું એક લાગે છે પણ સૂર નો સાગર એટલે અફાટ છે અને એમાં કરંટ પુષ્કળ એટલે અચ્છા અચ્છા ગવૈયા કે કલાકાર બહુ દૂર સુધી જવાની હિમત કરતા નથી એટલે ક્યારેક એવું લાગે કે અમુક રાગરાગીણીઓ તો અતિરેક થઇ ગયો છે ,અબખે પડી ગયા છે ..
પણ સાચો સાધક તો સૂર જ શોધતો ફરે ..!!
કોશિશ ચાલુ છે ષડ્જ ને ઓળખી ને બીજા `છ` ને ઓળખવાની ..
બાકી તો કારખાનાના મશીનની ઘરઘરાટીમાંથી પણ ક્યારેક ષડ્જ સંભળાય , અને મહાદેવની કૃપા વરસે તો ષડ્જ મધ્યમ આપે અને મધ્યમથી ધૈવત કોમળ અને કોમળ ગંધાર , ત્યાંથી નિશાદ કોમળ હાથ લાગે તો કશું કર્યા વિના જ માલકૌંસ મળી જાય..!!
ચાલો ત્યારે આજે આટલું જ
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
તા .ક. દરેકના વોટ્સ નો જવાબ ના આપી શક્યો હોઉં તો ક્ષમા ..તમામ ગ્રુપો અને પર્સનલ થઈને રોજ ના હજારથી બે હજાર મેસેજની એવરેજ છે..!!