છેલ્લા બે ચાર દિવસથી ચારેબાજુથી સપ્તકના પાસ માટે ફોન આવી રહ્યા છે..!!
મગજની તો..એની માં ને..!!
આજે તો અમદાવાદને રીતસર નો હડકવા ઉપાડ્યો હતો , એફબી વોલ થી લઈને ફોન વોટ્સ એપ ચારેબાજુ જાણે બોમ્બે ગ્રુપ નું કે ઓ નેગેટીવ બ્લડ ગ્રુપ ના જોઈતું હોય એમ પાસ માટે જનતા મેસેજીસ ઠોકતી હતી..!!
વર્ષો સુધી `કુમાર ક્લબ શાસ્ત્રીય ગ્રુપ ` સાથે હું જોડાયેલો રહ્યો, ચાદરો પાથરી ,અને બબ્બે ત્રણ ત્રણ કલાક સ્ટેજ ઉપર ઝાડો પેશાબ દબાવીને તાનપુરા વગાડ્યા, રસીદો બનાવી , ઓડીટ કરાવ્યા , આર્ટિસ્ટ ને લેવા મુકવા ગયા ,અને ઓડીયન્સ ભેગું કરવા માટે એક એક દિવસના ત્રણ ત્રણ હજાર એસએમએસ શૂટ કર્યા ,પણ હરામ છે કોઈ દિવસ બસ્સો ત્રણસો અરે બહુ વધીને પાંચસોથી વધારે `માણસ` શાસ્ત્રીય સંગીતના જલસામાં ભેગું થયું હોય તો..!!
પણ અચાનક વરસાદી દેડકાની જેમ ડ્રાઉં ડ્રાઉં કરતા આ એક જ દિવસ શ્રોતાઓ જમીનમાંથી ફૂટી નીકળે છે, જયારે ઝાકીરહુસેન ના તબલા હોય ત્યારે..!!
મને કેટલાય લોકો ફોન કરે છે આજે કોણ છે સપ્તકમાં …? કાલે કોણ છે ..?
બે યાર સુ નસો ખેંચે છે..???
આખા અમદાવાદના બધા છાપામાં આવે છે, અને બહુ એવું હોય તો `ગુગલ કર` ને યાર ..!!
અને મોટાભાગે તો `વહીવટીયા`ઓ ના ફોન આવે છે .. મારા ડોકટરને જવું છે , સીએ ને જવું છે…અલ્યા ડોકટરને જવું હોય તો એને મેમ્બર બનવા ને ,અને આ એક જ પ્રોગ્રામ શાસ્ત્રીય સંગીત નો થાય છે એવું થોડું છે ..?
`સપ્તક` પોતે પણ કેટલા બધા નાના નાના કાર્યક્રમો આખું વર્ષ ગોઠવે છે શાસ્ત્રીય સંગીતના, અને એ સિવાય ની બીજી ઘણી બધી સંસ્થાઓ પણ શાસ્ત્રીય સંગીતના ઘણા બધા જલસા ગોઠવે છે ,
*ત્યારે તમે બધા ક્યાં `મરી` જાવ છો ..?*
ઉસ્તાદ ઝાકીરહુસેન ના તબલા ચોક્કસ બેમિસાલ છે..પણ એવા બીજા ઘણા છે, જે ઘણા સારા અને સારાથી ઉપર ના તબલા વગાડે છે..!!
પણ પબ્લિક કોને કીધી ..!!?
એકવાર એશિયાના `સેક્સીએસ્ટ પુરુષ` એમને જાહેર કર્યા અને ત્યારથી આ મોકાણ મંડાણી છે..!!
*`સેક્સ` નું `નામ` તબલામાં ઉમેરાયું ..!!*
સ્વર્ગીય પંડિત કિશન મહારાજજી અને સ્વર્ગીય ઉસ્તાદ અલ્લારખાખાન સાહેબજી (ઉસ્તાદ ઝાકીરહુસેન ના ગુરુ અને પિતાશ્રી ) આ બે વ્યક્તિ એવી હતી કે જેમણે આઝાદી પછી ભારતવર્ષમાં તબલાનો ભાર ખેંચ્યો ..
આજે મહારાજજી અને ખાનસાહેબજી બંને ની ગેરહાજરીમાં ઉસ્તાદ ઝાકીર હુસેન એ તબલા ને પોતાને ખભે ઉપાડી લીધા છે, જો કે બીજા એવા અસંખ્ય પંડિત અને ઉસ્તાદ છે કે તબલા ને નવી નવી ઊંચાઈએ લઇ જઈ રહ્યા છે..!!
મને પોતાને તબલાની સમજણ ઓછી, ખાલી સૂરમાં છે કે બેસૂરું એટલી જ સમજણ અને કોઈક બહુ બેતાલું થાય તો કાન ને કઠે , બાકી તબલા ના `કાયદા` ,`પલટા` એ બધું આપણા માટે ગ્રીક લેટીન ..હા થોડા ઘણા તાલ ને સમજીએ અને બોલ જાણીએ અને બહુ ના સમજાય એવું લાગે તો ગુગલ કરવાનું ,અને ગુગલમાં ના મળે તો હાથરસમાં ચોક્કસ મળે..
રાગરાગીણી જેટલું તબલામાં ના પોહચે ..!!
આમેય તબલું અમીર ખુસરો ની પ્રોડક્ટ ..હિદું સંગીત અને વાદ્યો ને વટલાવાની અકબરની `અર્ધસફળ` ચાલ નો એક હિસ્સો એટલે તબલું ..!!
પખવાજ ને કાપી ને બે કટકા કર્યા અને તબલા બનાવ્યા એટલે રાગરાગીણીઓ ની સદીઓ જૂની `ડેપ્થ` તબલામાં નહિ .. જેનો જન્મ જ ચારસો પાંચસો વર્ષ પેહલા થયો હોય એમાં `ઊંડાણ` ક્યાં આવે..?
જયારે રાગરાગીણી તો સામવેદ છે ..!!
ઘણા વર્ષ પેહલા એક આઈટમ મને સપ્તકમાં એક દિવસ પૂછે `ઈઝ ઝાકીર એન્ડ ધીસ ગાય પ્લેઝ સેઈમ રાગા ઓન તબલા ..? ` ત્યારે પંડિત કુમાર બોઝ નું તબલા વાદન ચાલી રહ્યું હતું..!!
મારા મોઢામાંથી તો એની માં બેનની નીકળવાની તૈયારી હતી ..પણ પછી ગુરુજી નું જ્ઞાન યાદ આવ્યું .. બેટા શૈશવ કોઈપણ શાસ્ત્રીય સંગીત ના જલસામાં માંડ પચીસ ટકા જાણકાર હોય , બીજા પચીસ ટકા લોકો એવા હોય જેમને અંતરથી આનંદ થતો હોય શાસ્ત્રીય સંગીત સાંભળીને ,પછી પચ્ચીસ ટકા લોકો ફક્ત અને ફક્ત ક્યુરીયોસીટી થી આવતા હોય અને બાકી વધેલા પચ્ચીસ દેખાડો કરવા અને બીજા દિવસે મલકમાં કેહવા આવતા હોય કે હું કાલે શાસ્ત્રીય સંગીતના જલસામાં ગયો હતો..!!
પણ બેટા શૈશવ એક વાત યાદ રાખ ..વેશ્યાઓ પાસેથી લઈને આ સંગીત ને અહિયાં સભ્ય સમાજ સુધી પોહચાડતા અમારો દમ નીકળ્યો છે ,એટલે જે કોઈ સંગીત માટે તને પૂછે એને શાંતિથી અને પ્રેમથી જવાબ આપજે અને સંગીત તરફ વાળવાની કોશિશ કરજે .. ભારતીય શાસ્ત્રીય સંગીત એ આપણા બાપદાદાઓ ની ધરોહર છે એને સાચવી જ રહી..!!!
આટલી વાત યાદ કરી ને હું ત્યારે ચુપ થઇ ગયો હતો અને થોડું સુપરફીશીયલ જ્ઞાન એ `અબુધ` ને આપ્યું હતું..
હવે અત્યારે પ્રોગ્રામ સાંભળી ને આવ્યો છું ઘડિયાળ ૦૦:૧૫ દેખાડી રહી છે અને દિમાગ બિલકુલ ગયું છે..!
આજે સપ્તકમાં `સુનકાર` નોહતા.. ફક્ત અને ફક્ત ભીડ હતી..સપ્તકના ઈતિહાસમાં આજે કોલેજની ટેલેન્ટ ઇવનિંગ હોય એમ હુટીંગ થયું છે..!!
અને એક પણ કલાકારે ખરા `સુનકાર` ને ન્યાય નથી આપ્યો .. વિદુષી કૌશિકી ચક્રવર્તી એ એમનું ગાયન જાણે દિલ્લી શેહર ઉપર ઈરાનથી આવેલા લુંટારા હુમલો કરવા આવ્યા હોય અને પોટલું મારી અને જે હાથમાં આવે એ હાથમાં લઈને ભાગો એમ બધી ચીજોનું પોટલું માર્યું અને ભાગી ગયા..!!
પદ્મવિભૂષણશ્રીઓ ની ઉંમરની અસર વર્તાઈ રહી હતી..
એક્યાશી વર્ષના પંડિત શિવકુમારજી અને સડસઠ વર્ષના ઉસ્તાદ ઝાકીર હુસેનજી..!!
અત્યંત ખરાબ પરફોર્મન્સ આજની સપ્તક ની બેઠક નું ..!!
આવા ઉત્કૃષ્ઠ કલાકારોની બીજા કોઈની સાથે સરખામણી કરવી યોગ્ય નથી માટે એમના જ જુના પરફોર્મન્સ સાથે સરખાવીએ તો હવે નિવૃત્તિ લેવાનો સમય પાક્યો છે..!!
વારસદાર ની તાતી જરૂર ..
પંડિત શિવકુમારજી ના પુત્ર બિલકુલ તૈયાર છે વારસો સંભાળવા પણ તબલામાં હજી ક્ષિતિજ સુધી પણ કોઈ દેખાઈ રહ્યું નથી …
*જેમ ધંધો વાંઝિયો નથી એમ કલા પણ વાંઝણી નથી…!!*
માં સરસ્વતી ની કૃપા હશે ત્યારે કોઈ બીજું નીકળી આવશે..!
ભારતીય શાસ્ત્રીય સંગીત એ આત્મા નું સંગીત છે.. અંતરથી સાંભળવું પડે અને સાંભળતા પેહલા શીખવું પડે ..
આજની `ભીડ` આવતીકાલના `સુનકાર`માં ફેરવાય તો જ મૃત:પ્રાય થયેલું ભારતીય શાસ્ત્રીય સંગીત જીવશે..
કલા વિનાનો માણસ પશુ સમાન છે..!
એટલે આ વખતે પાસ માટે આમતેમ ફાંફા મારેલા `ઢોરાં`ઓ ને કેહવાનું કે સંગીત શીખવા માટે ની કોઈ ઉંમર નથી હોતી ,ગમે ત્યારે ગમે ત્યાંથી શરુ કરી શકાય છે, આવતીસાલ વહીવટદારો પાસેથી પાસની આઘીપાછી કર્યા વિના ૨૦૧૯ ના વર્ષમાં ક્યાંક થી સંગીતને શીખી અને સાંભળવાની લાયકાત કેળવી લેજો એટલે રૂપિયા ખરચતા જીવ નહિ બળે ..!!
*યાદ રાખો લક્ષ્મીજી નો પાવર ઓફ એટર્ની ઠાકોરજી જોડે છે એટલે ઠાકોરજી એમ કહે છે “લક્ષ્મીજી અર્ધાંગના મારા પણ મારા ભક્ત ની દાસી રે ..”*
*માં સરસ્વતી નો પાવર ઓફ એટર્ની કોઈની પાસે નથી..!!*
એ તો ગમ્મે ત્યાં જઈ ને વસે ..
દિલથી આરાધના કરશો તો મેહનત નહિ કરવી પડે માં સરસ્વતી એમ જ આવી અને વસી જશે..!!
ભીડ નો ભાગ નહિ, પણ `તાલી`,`ખાલી` અને `સમ` ને સમજી ને આવો ,
*`સુનકાર` બની ને આવો સપ્તકમાં અને શાસ્ત્રીય સંગીતના બીજા જલસાઓમાં, અને `ફનકાર`ના `ફન` ને નવાજો..!!*
છાપાવાળા તો અતિશયોક્તિ કરવાના પણ ની:રસ રહ્યો આજ નો દિવસ..!
ઘણી ખોટ વર્તાઈ આજે પંડિત નંદન મેહતાજી અને પંડિત કિશન મહારાજજી ની ..!!
શુભ રાત્રી
શૈશવ વોરા