આજે તો રાગ હમીર( વીરરસ નો રાગ છે) ગાવાનું મન થઇ ગયું… કેટલા વર્ષે સાંભળ્યું કે ભારતે પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓ નો ખાત્મો બોલાવ્યો..!
પણ આ વાત સાચી કે ખોટી ?
તદ્દન ખોટી વાત છે.. ભારતે ભારતના જ એક ભાગ જેનો કબજો પાકિસ્તાન પાસે છે ત્યાં જઈને સ્ટ્રાઈક કરી છે..બેવકૂફ લોકો જ આવી વાતથી ખુશ થાય..!
લાહોર પર સ્ટ્રાઈક થાય ત્યારે હરખાજો હૈયાફૂટા ભારતીયો , હજી તો આપણે આપણી ધરતી ઉપર રહેલા હરામીઓ ને માર્યા છે, અને એ પણ મારીને પાછા આવી ગયા છીએ ત્યાં ને ત્યાં ઉભા નથી રહ્યા…!
ટેકનીકલ વાત છે, પણ હકીકત છે POK એ ભારતનો જ ભાગ છે,
નરેન્દ્રભાઈ,
યે દિલ માંગે મોર..!
બહુ મોટી ધાડ નથી મારી, જે કામ આપણે આજે કર્યું છે એ કામ તો છેલ્લા પાંચ વર્ષથી અમેરિકા રોજ પાકિસ્તાનમાં જઈને કરે છે ,અમેરિકાના ડ્રોન પાકિસ્તાનના પશ્ચિમ છેડાને રોજ ધમરોળે છે, અને પાકિસ્તાન જાણે કશું થયું જ નથી એમ દેખાવ કરે છે,આજે ૩૮ પેન્દા માર્યા છે, વઝીર(હાફીઝ) તો મુઝફરાબાદમાં જીવતો બેઠો છે..!
યુદ્ધ જવરથી લગભગ આખો ભારત દેશ અને પાડોશી પાકિસ્તાનીઓ બધા જ પીડાય છે, અને ચારેબાજુ આખા ભારત દેશમાં ટ્રેઈન હોય કે એરપોર્ટ કે એસટી બધે એક જ વાત ચાલે છે હવે તો “નસ્તર” મુકો જે થવું હોય તે થાય પણ એકવારનો કાયમનો ફેંસલો પાડો..!
યુદ્ધ યુદ્ધ યુદ્ધ બસ બીજી કોઈ વાત નથી દેશ આખામાં પણ થોડું પાયામાં જઈને વિચારવાનું મન થયું કે યુદ્ધ પેહલા શાંતિ હોય છે કે યુદ્ધ પછી..? યુદ્ધ પેહલા વિકાસ થાય છે કે યુદ્ધ પછી..?
સવાલના જવાબ એવા આવે છે કે યુદ્ધ પેહલા તો ચોક્કસ શાંતિ હોય છે પણ એ શાંતિમાં ભાર હોય છે, અને યુદ્ધ કોઈપણ ભોગે જીતી લેવા માટેના બધા જ પ્રયત્નો કરી લેવાના હોય છે..!
બહુ જુના સમયમાં ના જઈએ અને પેહલા અને બીજા બીજા વિશ્વયુદ્ધના દાખલા લઈએ તો યુદ્ધ પેહલા અને યુદ્ધ દરમ્યાન જર્મની અને અમેરિકા બંને દેશો એ એટલા બધા સંશોધનો કર્યા કે એ સંશોધનોથી શોધેલા કેમિકલ્સ અને અણુબોમ્બને એમણે અત્યારના શાંતિકાળમાં બીજી દિશામાં વાપરી એમાં લગભગ માણસજાતની આખી જિંદગી બદલાઈ ગઈ..
ઘણા બધા કેમિકલ્સ એવા શોધ્યા કે જેમાંથી વિસ્ફોટકો અને માસ મર્ડરના ઇક્વિપમેન્ટ જર્મનીને બનાવવા હતા, અને સરપ્રાઈઝિંગલી એમાંથી દવાઓ બની અને જેમાંથી અણુબોમ્બ બનાવવાના હતા એમાંથી ન્યુક્લીઅર રીએક્ટર બનાવી અને વીજળી પેદા કરી..!
આવા અનેકો અનેક સંશોધનો યુદ્ધ દરમ્યાન કે યુદ્ધની પેહલા થયા છે,
યુદ્ધની બાય પ્રોડક્ટ છે આવા બધા ઉદાહરણો..
અત્યારે આપણું ઉદાહરણ લઈએ તો હમણા હમણાં પાકિસ્તાને જે “ખેલ” પાડ્યો , ઇસ્લામાબાદ ઉપરથી એમના અમેરિકા પાસેથી ભીખમાં આવેલા એફ ૧૬ ફાઈટર પ્લેન ઉડાડ્યા અને એને એમના હાઈવે પર ઉતાર્યા..
હવે આપણું ટાસ્ક એ પાકિસ્તાની ડોબાઓએ જ જાતે આપણને નક્કી કરી આપ્યું કે એફ-૧૬ રનવે પર ચડે એ પેહલા જ આપણે એને ત્યાં ને ત્યાં જ પતાવી દેવા પડે અથવા તો પછી પાકિસ્તાનની હવામાં જ પાડી દેવા પડે..
કેવી રીતે થાય..? જવાબદારી આવી ઈસરો,પીરએલ, બીએચઈએલ,એચએએલ.. જેવી બીજી આપણી સંસ્થાઓ પર.. શું જોઈએ ? તો એફ-૧૬ ના એન્જીન ચાલુ થાય અને એની ગરમી તાત્કાલિક આપણા સેટેલાઈટએ પકડવી પડે અને જેવી ગરમી પકડાય કે તરત જ જમીન પર રહેલા મિસાઈલને છુટું કરવું પડે …છૂ .. ઉડાડી મુક સાલાને..અને છતાં પણ એફ-૧૬ બચ્યું તો ? તરત જ આપણા સુખોઈ કે મીગને હિંડન એરબેઇઝથી ઉડાડો અને અને જોધપુર, જામનગર અને પુના એરબેઇઝ માં ઉભેલા બીજા ફાઈટર પ્લેનને પાછળને પાછળ વળાવીયા તરીકે મોકલો, દરેક ફાઈટર જેટને એર ટુ એર મિસાઈલથી સજ્જ કરો..
લખવામાં સેહલું છે પણ આખી એક એરડીફેન્સ સીસ્ટમ તૈયાર કરવી પડે અને એમાં વર્ષોના વર્ષો જાય, પણ જેવું માથે યુદ્ધ દેખાય એટલે બધું સ્પીડ અપ કરવું પડે, સરકાર પણ બજેટ ઝડપથી છુટું કરે અને જે કામ ચાર પાંચ વર્ષે થાય એ ચાર પાંચ મહિનામાં થાય..
યુદ્ધના સમય માટે વિકસાવેલા મિસાઈલના માથે સેટેલાઈટ મૂકીને અવકાશમાં ચડાવી દેવાય..! અને એર ડીફેન્સ સીસ્ટમ વેધર ના વર્તારા આપે..!
એટલે આમ જોવા જઈએ તો યુદ્ધ પેહલાની શાંતિને પોઝીટીવ લઈને ચાલીએ તો સંશોધન ખુબ થાય, પ્રજા થોડી કરકસરથી જીવતી થાય, દેશપ્રેમ અને દેશદાઝ ચરમસીમાએ આવે અને ભય દેખાય એટલે પ્રીત આપોઆપ થાય..! આપણા દેશમાં તો કોમી એખલાસ કશું કર્યા વિના જ મેન્ટેન થઇ જાય..!
હવે યુદ્ધ પછીની શાંતિ.. દુઃખ,દર્દ અને વિજયનો ઉન્માદ ઠરી ગયા પછી નુકસાનીના આંકડા માંડવામાં જાય..!
એક દસકો દેશ આખો પાછળ પડી જાય..! ઈરાકમાં લડ્યા પછી અમેરિકા જેવું અમેરિકા કંગાલીની કગાર પર આવી ગયું ને..! જખ મારીને શાંતિ રાખવી પડે..! અને હા વિનાશ પછી નવસર્જન થોડું સિસ્ટમેટીક થાય.!
પણ આજની સરફેસ સ્ટ્રાઈક પછી હવે બીજી એકાદી એર સ્ટ્રાઈક કે પછી દરિયામાં છમકલું થાય એવું લાગી રહ્યું છે, અત્યારે તો પંજાબના ગામડા ખાલી થઇ ગયા છે કારણ એવું ખરું કે પંજાબ નો મોરચો ભૌગોલિક રીતે એકદમ સીધો છે એટલે જો તોપખાનું અને રણગાડી બહાર નીકળે તો પંજાબ મોર્ચે એક ભયાનક યુદ્ધ થાય અને સિવિલિયન જાનહાની બહુ મોટી થાય..
રાજસ્થાન અને કચ્છ બોર્ડર હજી કાદવમાં ખુંપેલી છે..રણની ધરા હજી પાછોતરા વરસાદને લીધે કાદવથી ભરેલી છે,એટલે એ જમીન પર કોઈ મોટો મોર્ચો પાકિસ્તાન ખોલી શકે એમ નથી..!
અને દરિયો તો લગભગ નધણીયાતો છે, અરબ સાગરમાં અત્યારે ભયાનક ટ્રાફિક જામ છે, હજારો હજારોની સંખ્યામાં લાઈનરો કરાંચી થી મુંબઈના ઇલાકામાં છે, પાકિસ્તાન માટે કોઈપણ પ્રકારની “હલકાઈ” કરવા માટે બહુ જ આસાની છે..!
ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયા કિનારો લગભગ ખારવા અને કોસ્ટ ગાર્ડ સાચવે છે,પણ કદાચ અત્યારે નેવી હરકતમાં હશે એવું માની લઈએ છીએ,નરેન્દ્ર મોદી ક્યાય કાચું કાપે એમ લાગતું નથી..
લોંઠકુ પાકિસ્તાન ક્યાંક તો કૈક કરશે.. ચોર ચોરી થી જાય પણ હેરાફેરી થી તો બિલકુલ ના જાય,
સવાલ એ છે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાનના જવાબની રાહ જોશે કે પછી ભાદરવા વદ ચૌદસના શુભ મુર્હતમાં ચાલુ કરેલું “સફાઈ અભિયાન” છેક અંજામ સુધી લઇ જશે? અને બધું ચોખ્ખું ચણાક થાય ત્યાં સુધી ચાલુ રાખશે..?
ઇન્દિરા ગાંધીને નવ મહિના લાગ્યા હતા પાકિસ્તાનની ભૂગોળ બદલતા,
જોઈએ સાહેબ કેટલો સમય લે છે..!
બહુ જ લાંબો રસ્તો છે, દેશ આખાની ધીરજની કસોટી થશે
પણ એક વાત તો નકકી છે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે..!
વન્દે માતરમ
જય હિન્દ
જય હિન્દ કી સેના
શૈશવ વોરા