
વરસાદી વિઘન..
નક્કી કોઈ ખાટ્સવાદિયા નજર લાગી..! છેક સાલ ૨૦૦૦ પછી સોળ સોળ વર્ષે નોરતામાં બબ્બે શનિ રવિ આવ્યા છે પણ મેઘરાજા છે કે માનતા જ નથી..!
શરદ ઋતુ આવી ગઈ આસો મહિનો ચાલુ થઈ ગયો પણ મેઘરાજાને એમજ છે કે અષાઢ ચાલે છે..!
રાતના નવ વાગ્યા આરતી પૂરી થઇ અને..કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે … માડી તારા આવવાના એંધાણ થયા.ગરબો ચાલુ થયો..અને ગરજ્યો જાણે એ પણ રહી ગયો ગરબા કર્યા વિનાનો..!
પેહલા જ નોરતે અમદાવાદ પોલીસે પણ અક્કલનું દેવાળું ફૂંક્યું એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબ,અને પકવાન બબ્બે મોટા ચાર રસ્તા બંધ કર્યા..!
અલ્યા ભઈ આ અમદાવાદ છે, નોરતા ચાલુ થાય એટલે એસજી હાઈવે પર અને એમાં પણ કર્ણાવતી કલબથી લઈને સોલા ભાગવત વિદ્યાપીઠ સુધીના એસજી હાઈવે ના ભાગ પર ઓછામાં ઓછી GJ-1 / GJ-2 /GJ-27 /GJ-7ની બધી ચાલીસ થી પચાસ હજાર ગાડીઓ અને લાખ એક બાઈકો રોડ પર રાત્રે ઉમટે,અને બધાને એસજી હાઈવે “ જ ” ક્રોસ કરવો હોય, અને એમાં અમદાવાદ પોલીસ બે મોટા જંક્શન બંધ કરે એટલે બાકીના બધા જ જંક્શન જામ પેક..!
યુ ટર્ન લેવા માટેની લાઈનો એટલી મોટી થઇ કે સામસામે ક્રોસિંગ આપી જ ના શકો..અને બધાને એસજી પાર કરવો હોય, એટલે છેવટે હાલત એવી થઇ કે હાઈવે ખાલી અને સર્વિસ રોડ પર ટ્રાફિક જામ..
મનમાં ને મનમાં પોતાની જાતને ગાળો દીધી લાખ ભેગા સવા લાખ ખર્ચીને ઓટોમેટીક ગાડી લીધી હોત તો અત્યારે એક કલાક આ ક્લચ દબાવીને તો ના ઉભું રેહવું પડતે..! ગમે ત્યારે જીવનમાં આ ટ્રાફિકના પાપે ઘૂંટણીયા ઘસાઈ જવાના છે.
ત્રણ કિલોમીટર માટે રાત્રે સવા બાર વાગ્યે એક કલાકને પંદર મિનીટ પૂરી થઇ..!! ધન્ય ધન્ય છે ટ્રાફિક પોલીસ મહાત્માઓ ને..! બધાને નરેન્દ્રભાઈ એ પ્રયોગો કરતા શીખવાડી દીધું છે..!
પણ નોરતા તો પેહલા જ દિવસથી જામી ગયા હતા..પબ્લિક ક્લબો અને પાર્ટી પ્લોટમાં ઉમટી પડી હતી, જ્યાં ત્રણસો ચારસો રૂપિયાનો પાસ હતો ત્યાં થોડી પબ્લિક ઓછી હતી બાકી બસ્સોની રેંજમાં પાસ હતા એ બધે જનતા તૂટી પડી હતી..!
પૂર્વ અમદાવાદમાંથી દર વર્ષની જેમ લક્ઝરી બસો ભરી અને આઠદસ કોથળા ભરીને ગરબા ગાવાની એસેસરીઝ..હા જી સાહેબ “આઠ દસ કોથળા” ભરીને ગરબા ગાવાની એસેસરીઝ જેમાં રંગબેરંગી છત્રીઓ ,ગોપ રમવા માટેના લાંબા લાંબા કપડા, નાની મોટી લાકડીઓ ,જુદા જુદા પ્રકારના દાંડિયા અને આવું બધું કૈક અવનવું એ કોથળાઓમાંથી નીકળે..
આજે એક ભાઈએ એમના માથે અને કમરમાં ત્રણ ત્રણ શીંગડા ઉગાડ્યા હતા.. વરસાદની લાહ્યમાં ફોટો પાડવાનો રહી ગયો..ઘણી બધી વાર આવું બધું અજબ ગજબનું જોવા મળે છે.. પણ આ બધામાં એક વાત છે મન ભરીને લોકો આનંદ લુંટે છે..!
રાતના સાડા અગિયાર થયા ગરબો જામ્યો હતો..છેડો મારો છોડ છોગાળા નંદજીના લાલ..નહિ જાઉં નહિ જાઉં હું યે જમુનાને ઘાટ.. હજી ચાલુ જ થયું અને ઉગમણે અને આથમણે કાળું ડીબાંગ થયું અને ઉત્તર દખ્ખણ બેઉ બાજુથી ગરજ્યો મુઓ..!
અને જે તૂટી પડ્યો ને ઢોલના તાલ તૂટ્યા અને સ્ટેજ પરના ઈન્સ્ટ્રુમેન્ટસ બચાવવા દોડાદોડી થઇ ગઈ..અને ખેલૈયાઓ છાપરું શોધવા દોડદોડી કરવા લાગ્યા મોટાભાગની અચાનક લાઈટો બંધ થઇ ગઈ અને પરસેવાથી હજી માંડ અડધો પલળેલો ઝભ્ભો વરસાદે પૂરો ભીંજવી દીધો..કાનમાં એકદમ સન્નાટો વ્યાપ્યો એકવાર તો એવું થયું કે શું થઇ ગયું..?
એનાઉન્સમેન્ટ થતા રહ્યા કે, હજી આપણે રમશું, હજી આપણે રમશું, પણ જેમ જેમ એનાઉન્સમેન્ટ થાય એમ વરસાદને શૂરાતન ચડે, વધારે જોરથી ગરજે અને પડે અને છેવટે સાડા બાર થયા એટલે ચુપચાપ પેહલા નોરતાનું સમાપન જાહેર થઈ ગયું..! વેરણ વાંસળી વાગી વેરણ વાંસળી વાગી…કે પછી તારા વિના વેરણ આ વાંસળી લાગે..કશું ય ન વાગ્યું અને વાસળી “વેરણ” થઇ ગઈ અને વાગી જ નહિ..
અમદાવાદનું પેહલું નોરતું બગડ્યું..ચલો આ વખતે દસ નોરતા છે એટલે વાંધો નહિ ,પણ જો કાલે પણ વરસાદ આવ્યો તો પછી બબાલોનું ઘર થશે આ વરસાદ.!
ગરબા આયોજકો આર્ટીસ્ટનો કેહશે કે અમે તને પેમેન્ટ નહિ આપીએ કેમકે તમે વગાડ્યું નથી, એટલે એડવાન્સ આપ્યા એ રાખો બાકીના ભૂલી જાવ અને આર્ટીસ્ટ કેહશે હું તો તૈયાર હતો પાર્ટી પ્લોટની બદલે બીજે ક્યાય હોલ રાખ હું તો આવીને ગાઈશ અને વગાડીશ..! મારો દિવસ તૂટે તે ના ચાલે..!
એટલે જો આજની જેમ અડધા પ્રોગ્રામે વરસાદ આવ્યો તો ઠીક, પણ જો સાંજથી જ તૂટી પડ્યો આયોજકોની બકરી ડબ્બામાં આવી જશે..પાર્ટી પ્લોટ અને આર્ટીસ્ટ બધાને રોકડા ચુકવવા પડશે અને જનતા વરસાદમાં ઘરની બહાર નીકળશે નહિ એટલે પાસ વેચાયા વિનાના પડી રેહશે..!
નોરતાનો વરસાદ હમેશા નુકસાનકારક રહે છે..!
ગરબા પેહલા શહીદોની યાદમાં બે મિનીટ મૌન કે પછી રાષ્ટ્રગીત ગાવાનું આવું બધું વોટ્સ એપ અને ફેસ્બુક્યુ જ્ઞાન અને વાતો ત્યાં જ રહી, સરહદ પર જે થતું હોય તે થાય..!
આવું કહીને ગરબા રમનારાની દેશભક્તિ ઓછી છે એવું નથી કેહવા માંગતો, પણ વધારે પડતી ચાંપલાશપટ્ટીને પ્રેક્ટીકલ લાઈફમાં જનતા સ્વીકારતી નથી ..!
આ વર્ષે છોકરા છોકરીઓ બંનેમાં એકદમ ફાસ્ટ યલો .રાણી અને બ્લ્યુ કલર બહુ જ ઇન છે, રાણી કલર અને બ્લ્યુ આ બે કલર તો દર બે વર્ષે જાય છે આવે છે..પણ આ સિવાયના પણ ચારે બાજુ રંગો નો મેળો જામેલો છે..ઉડે રંગછોળ પાવાગઢની પોળમાં રે લોલ..!
આપણે સપને પણ ના વિચાર્યા હોય એવા એવા કલર્સ નવરાત્રીમાં લોકો પેહરે છે..ચારસો રૂપિયાથી લઇ ને લાખ લાખ રૂપિયાના કપડા નવરાત્રીમાં જનતા જનાર્દન પેહરે છે..!
રાતનો એક થયો છે વરસાદ બંધ થયો છે અમદાવાદના રોડ પર બાઈકરોનું સામ્રાજ્ય ચવાઈ ગયું છે, હોટેલો બધી પેક થઇ ગઈ છે ઓપનમાં જેટલા લારી ગલ્લા છે એ બધું ખાલી થઇ ગયું છે, અને બંધ થઇ ગયું છે હોટેલોમાં વેલે પાર્કિંગની પણ ના પડે છે, સર બે કલાકનું વેઈટીંગ બોલે છે..
મારું મગજ ઓર છટક્યું છે..તારા વેઈટીંગ એરિયામાં ગાદલા નાખી દે સવારે દાતણ પાણી કરીને તારી “ કાફે ફ્રાપે ” પી ને જઈશ..રાત્રે એક વાગ્યે બે કલાક બોલે વેઈટીંગના તો શું જવાબ આપવા નો ?
છાનોમાનો રેડિયામાં મસ્ત મસ્ત ગરબા સંભાળતા ઘરભેગા થઇ ગયા, હવે કાલની વાત કાલે, આગે આગે ગોરખ જાગે ત્યારે શું હે..!
કઈ પેહલુ કે છેલ્લું વર્ષ થોડું છે..?
છેક ૧૯૮૭ માં ધરણીધર પાસે ડ્રીમલેન્ડ પાર્ટી પ્લોટમાં પેહલા ગરબા ચાલુ થયા અને સો રૂપિયાનો સીઝન પાસ હતો ત્યારના રૂપિયાની ઘાણી બોલાવીએ છીએ..!
ચાલો સૌ ને શુભ રાત્રી
ઊંઘ બરાબરની આવી છે અને થોડોક થાક પણ છે એટલે પોસ્ટીંગ કાલે સવારે..
શૈશવ વોરા