ગજબનો દાવ પડી ગયો છે અમદાવાદ નો..!!
રહી રહી ને કેટલાક લોકો ને અદકપાંસળી વાંકી થઇ..અમદાવાદનું નામ કર્ણાવતી કરીએ..અલ્યા આટલા બાવીસ બાવીસ વર્ષ શું કરતા હતા..ઘોર્યા..? કેન્દ્રમાં સરકાર નોહતી એમ ? તો સાડા ચાર વર્ષથી શું થયું હતું ..?
ગજ્જબ ની બકરીઓ બરફ ખાઈ જાય છે આવા સવાલોના જવાબ આપતા..!!
અલ્હાબાદનું પ્રયાગરાજ થયું અને સણકો ઉપડ્યો..
આજે સંઘના એક અધિકારી એ સ્ટેટ્સ નાખ્યું છે કે ટીવી ઉપર જઈને શું બોલવું એ પણ ઘેર બૈરા ને પૂછતાં પત્રકારો ઈતિહાસની ચર્ચા કરે છે..
સાચી વાત છે મને તો એમાં ઉમેરવાનું મન થયું કે જે હજી બે ત્રણ દસકાથી અમદાવાદમાં આવ્યા છે એ બધા પણ ટીવી ઉપર ગાતા ભેગા ગાવા બેઠા છે અને રોતા ભેગા રોવા બેઠા છે..!
અલ્યા લપોડશંખો,
આ શેહર ને ઓળખવા માટે એમાં જન્મારો કાઢવો પડે ત્યારે ફ્તાસા પોળ બોલતા આવડે, નહિ તો પતાસા પોળ,પતાસા પોળ કર્યા કરો..
દોશીવાડાની પોળના ખડખડીયા ખાધા છ લ્યા ?
હેંડ બીજો સવાલ ..
અમદાવાદના દરવાજા કેટલા ?
મને તો પુછતો જ ન`ય, આખો બ્લોગ લખ્યો છે એની ઉપર પુરા હજાર શબ્દોનો ગેલફાડીયા..
ચાલો બીજો સવાલ અમદાવાદના દરવાજાનું લીસ્ટ ક્યારે રેડિયામાં આવતું હતું ..?
એ પાક્કો અમદાવાદી બોલ્યો ધમાલ વખતે..કરફ્યુ હોય ત્યારે ખાનપુર દરવાજા થઇ શાહપુર દરવાજા થઇ..થઇ, થઇ કરીને કેટલી વાર અને કેટલા દરવાજાના નામ રેડિયો ઉપર બોલાતા..?
એની માં ને જિંદગીમાં `ઢેખારો` હાથ માં ઝાલ્યો ના હોય એને અમદાવાદી કેમ નો કેહવાય..?
અહી તો ધી ન્યુ હાઈસ્કુલમાં ભણેલા અને રખડેલા..
એક સાથે પાંચ હજાર અમારી જેવી `નોટો` નીસાળ ના ઝાપાંમાંથી બહાર નીકળે અને આખું ઝવેરીવાડ, રતનપોળ, હાથીખાના, બિસ્કીટ ગલી થી લઈને છેક પીત્તળીયા બંબા હુ`ધીનું બધું એટેન્શનમાં આવી જાય અને સામે છેડેથી દિલ્લી દરવાજા બાહરથી ધી ન્યુ હાઈસ્કુલની જ બીજી સ્કુલ એચ બી કે છૂટે..
હે`ઈ ચારે બાજુ ધોળા ચડ્ડી અને શર્ટવાળા છોકરા ફેલાઈ જાય, અને મજાલ છે કોઈ એક છોકરા ને એક આંગળી અડકાડે ,`ઘપાઘપી` બોલી જાય..!!
બધી જ પાંચમા ધોરણથી લઈને દસમાં ધોરણમાં ભણતી ટેણીમેણી એક થઇ જાય અને હાજર સો હથિયાર કરી ને લડી જ લ્યે..જેમ સો કીડી સાપ ને તાણે એમ ..
એને અમદાવાદી કેહવાય..!!
સાલો ખાડિયાની ઘંટી નો પત્થર આખા બ્રિટીશ રાજ ને હલાવી નાખે અને એ પત્થર ફેંકનારો ખાડીયાથી ધાબા એ છાપરા કૂદતો કૂદતો છેક નીકળે માણેકચોક..
સલતનતે બરતાનીયા ના હાકેમો શોધતા જ રહે..!!
જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને શહેર બસાયા..!!
પાંચમા ધોરણથી લઈને દસમાં ધોરણના ટેણીયા ને કાબુમાં રાખવા કાલુપુર પોલીસ સ્ટેશનથી ડબ્બે ડબ્બા (પોલીસની ગાડીઓ ને અમદાવાદની ભાષામાં `ડબ્બા` કેહવાય ગામડિયા..) આવતા ,પછી એ મહાગુજરાત હોય નવનિર્માણ હોય કે અનામત..!
તારી માં ને અને તારી બેન ને કરી તૂટી પડે એ અમદાવાદી..!
હજી ખાડીયા રાયપુરની એક એક પોળને નાકે શહીદોની ખાંભીઓ ઉભી છે..!!
આજે પણ દરેક રથયાત્રા નીકળે અને પ્રભુ હેમખેમ નિજમંદિરે સિધાવે ત્યારે ગાંધીનગરની ગાદીને હાશ થાય…!!
અને પાછું ભૂકંપ વખતે તમામ વેરઝેર ભૂલીને વાડીલાલમાં લોહી બાટલીઓની બાટલીઓ ધરી દે એ અમદાવાદી..!!
કોઈક ની મુસીબત કે દેશની મુસીબતમાં માણેકચોકમાં ચાદર પથરાય અને ખટારા ભરાય એટલા રૂપિયા રેડી દે એ અમદાવાદી..
ચાઈના વોર હોય કે પાકિસ્તાનની લડાઈ પેહરેલા ઘરેણા ઉતારીને આપે એ અમદાવાદી..
સાલ ૧૯૮૫ના તોફાનોમાં મીલીટરી આવી ખાનપુરમાં, `હજ્જડબંબ` (અમદાવાદી શબ્દ છે ..ભૂરા..તારા ગામડે ના વપરાય) બંદોબસ્ત..
સેહજ ઝાપો ખોલો ને ટીયરગેસ ના શેલ પડે અને તો`ય એ શેલ ફેંકનારા પોલીસ અને મીલીટરીના જવાનની ચિંતા કરે એ જ પોળના બૈરા..
જો કે શેલ જેવો પડે એ ભેગો જ પોળના એકાદા કાકી માસી એની ઉપર પાણી ની ડોલ રેડી દે અને ઠારી નાખે અને એ જ શેલ ફેંકનારાની પાછા એ ચિંતા કરે ..અર ર ર ચાર દિવસથી ખડે પગે ઉભો છે આ મીલીટરીવાળો…એ શૈશવ તને કઈ નહિ કરે તું નાનો છે, લે આ થાળી ઢાંકી આવ એ ખાઈ લેશે..!
અને અમે થાળી ઢાંકવા બીતા બીતા જતા, પેહલા ત્રાડ નાખે એ ઈ કયું આયે હો ..
ખાના.. આટલું જ અમે બોલતા અને પછી ધીમેક થી ઓટલે નેપકીનથી ઢાંકેલી થાળી મૂકી અને અમે રટ્ટી .. ઝાપામાં અંદર.. અડધા કલાકે ઝાપાંમાં ખાલી થાળી સરકાવી દે..!!
આ અમદાવાદ છે અને અમદાવાદી સ્વભાવ..!
ભલે મારી ઉપર ગોળી ચલાવતો કે ટીયર ગેસના શેલ મારતો, પણ છે તો મારા દેશ નો જવાન..એને ભૂખ્યો ના રખાય..!!
લક્ષ્મીજી નગર છોડીને ના જાય એટલે પોતાનું માથું વાઢી લેવાની બાદશાહને વિનતી કરતો જવાન અને એ જવાન ની કબર આજે પણ ભદ્રના કિલ્લાની પાછળ ની બાજુના દરવાજે ઉભી છે..
અને ભદ્ર પ્લાઝાના નામે ભદ્રકાળીના ચોકે ફુવારાની વચ્ચેવચ ઉભેલી માતા મહાલક્ષ્મીની મૂર્તિ કાઢી ગયા..!!
તને કોગળિયું આવે મુઆ..!! તારું ભોડું ફૂટે ..!! ( ગામડિયા આ ભાષા નદીના ભાઠામાં રેહતા અમદાવાદી બોલે )
અરે ગમે તેવા સંજોગોમાં ત્રણ દરવાજે અખંડ દીવાની પેઢીઓથી રક્ષા કરતો પરિવાર..!
માણેકબાવો ખોટો..?
માણેકબાવાને બાદશાહે આપેલા વચનભંગ કર્યા પછી શું હાલત થઇ છે આ શેહરની યાદ કરો..
બાદશાહ એ પેહલો માણેકબુરજ બનાવ્યો હતો અને આપણે એલિસબ્રિજ પોહળો કરવા તોડ્યો.. અને પછી આવ્યો ભૂકંપ,વીસ ઇંચ વરસાદ અને બાકી રહ્યું હતું તો માધુપુરા ગઈ..પછી ભાન થયું કે વચનભંગ થયો છે અને માણેકબુર્જ ને રીનોવેટ કર્યો..!
કહો ના કહો આ શેહર ઉપર એ અગોચર શક્તિના આશીર્વાદ છે..!!
બાકી તો ૧૦૫ મિલના ભૂંગળા શાંત થઈ ગયા છતાંય આજે રોજ ની સો ફલાઈટો અમદાવાદ આવે છે અને જાય છે..!!
કર્ણદેવ એ આ નગર વસાવ્યું તો એમના જ ઘરવાળા રાજમાતા મીનળદેવી કેમ વિસરી ગયા આ શહેરને ? વિરમગામનો કોટ અને મુનસર તળાવ ને ફરતે રાજમાતાએ દેરીઓ બનાવડાવી તો એમના જ પતિપરમેશ્વરે બનાવેલી કર્ણાવતી નગરીને એ કેમ વિસરી ગયા..?
હા અમદાવાદ એ ચોક્કસ હિંદુ નગર હતું..
જુમ્મા મસ્જીદના પથ્થરો આજે પણ બોલી રહ્યા છે કે ત્યાં દેરાસરો હતા, અમદાવાદમાં મરાઠી શાસન દરમ્યાન ચાડીયાઓ ના ત્રાસ હતા , સદુમાં નો પોળ અને એના ગરબા..એની સાબિતી…
પણ હવે ખાલી નામ જ બદલવું છે કે પેલા દેરાસરોને ફરી ઉભા કરવાના છે ? પાણી ના મુલે વેચાયેલા પોળોના ઘર અને પોળો ખાલી કરાવીને ફરી વસાવશો ?
અલ્યા બીજું બધું મુકો અને પાલડી વાસણાને બચાવો તો ય ઘણું છે, આખો સીટી એરિયા તો ધરી દીધો.. અશાંત ધારાનો સરખો અમલ કરાવો ને તોય ઘણું..
ખોટા શાંત પાણીમાં પથરા નાખી અને વમળો ઉભા ના કરશો.. કોમ્યુનલ ટેન્શન ઉભું થશે તો આટલા વર્ષનો વિકાસ રૂંધાઇ જશે.. શેહર પાસે હવે ઘણું બધું આંતરરાષ્ટ્રીય કક્ષાનું છે..
અમદાવાદી ભાષામાં કહું તો મે`લો ને છા`લ ભઇ,
ન`હિ લ્યા હા`રા વા`ટ..
બધા ઝઘડા ઉભા કરવાના ધંધા..
એ ઈ ગામડિયા મધુરીબેન ખરે નું નામ સાંભળ્યું છે..?
છેલ્લે પીજ દુરદર્શન ઉપર એમને વૈષ્ણવજન તો ગાતા સાંભળ્યા હતા..
મોહનદાસને એ ગ`ઈ ને સંભળાવતા હતા..!!!
સાબરમતીનું પાણી આઝાદી લાવ્યું તાણી..
બીજા ને મોટા કરવામાં પોતાના ને નાના ના કરાય..!!
ઓરીજીનલ સાબરમતીનું પાણી પીધું ને ત્યારે બ્રિટીશની સામે બાથ ભીડવાની હામ આવી..!! અને ને`કળ્યો પોતડી પે`રીને કાગડા કુતરા ને મોતે મરીશ કરતો ..
કેટકેટલું છે લખવાનું મારા અમદાવાદ માટે..
`એહમદાબાદ` ઓરીજીનલ નામ તો અમદાવાદીઓ ક્યારનું ઉખાડીને ફેંકી દીધું છે કરવું હોય તો હિન્દી અને અંગ્રેજી બધા`ય માં `અમદાવાદ` કરી મુકો એટલે પતે..
પેલો ગરબો ગાવો તે કેમનો ગાવો ?
આ `કર્ણાવતી` નગરી ત્યાં `રાજ્યો` બડો મિજાજી ..
એ વહુ તમે ના જશો જોવાને ત્યાં `રાજ્યો `બડો મીજાસી
કરવાના કામ થતા નથી, અને ખોટા હ`લાડા થઇ રહ્યા છે..
મારો રામ હજી ઝુપડીમાં જ બેઠો છે..!!
સાચો અમદાવાદી સુ કરે ?
એક ..બે.. ને હા`ડા..
કરો કરો કર્ણાવતી પણ પેલું ના ભૂલતા
મંદિર વહીં બનાયેંગે..
જય સોમનાથ
નમઃ પારવતી પતે હર હર મહાદેવ
ગામડિયા તારો દિવસ શુભ રહે
શૈશવ વોરા
તા.ક :- ટીપીકલ અમદાવાદી બોલચાલની ભાષામાં બ્લોગ લખ્યો છે કોઈ ને તકલીફ પડે તો સ્ક્રોલ કરજો,ખોટી ખોટી કોમેન્ટો કરી અને મારો જીવ ના ખાશો..”મફત વાંચવા આ`લુ છું આટલું બધું તે ખોટા લોહી ઉ`કારા ના કરે..હા`રી `ક` ખો`ટી કોઈ કોમેન્ટ તો કરતા જ ન`ય,”
ચોક્કસ ડીલીટ મારીશ..!!