લાભપાંચમ ની સવારે કરાગ્રે ફેસબુક કર્યું અને ફેન પેજ ખોલ્યું તો ઘણો “લાભ” થયેલો દેખાડ્યો..
ઘણી બધી `લાઈકો` ની `બોણી` દેખાડતું હતું ફેસબુક..!!
અડધા કલાકમાં લખાયેલી બે પાનાની વાર્તા ઉપર અગિયાર હજાર લોકોની લાઈક દેખાડે છે..!
અહો આશ્ચર્યમ..!!
*સાપેક્ષ જીવન જીવવા ટેવાયેલી જિંદગીઓ આજે `લાઈકો` ના રવાડે ચડી ગઈ છે, બીજા કરતા હું કેટલો ખુશ છું કે સારો દેખાઉં છું,આગળ છું એની હોડ સોશિઅલ મીડિયા ઉપર મચી ગઈ છે, અને જાણે અજાણ્યે એક એક વ્યક્તિ આ `હોડ`માં એન્ટર થઇ ગયો છે..*
જો કે એનું એક સારું પાસું પણ દેખાય છે મને,
અને એ છે “કેમેરા કોન્શિયસનેસ” , પ્રજા ગજ્જબની `કેમેરા કોન્શિયસ` થઇ ગઈ છે મસ્ત પોઝીંગ કરી કરી ને ફોટા પડાવે છે,પેલા વાંકાચુકા મોઢા કરી કરી ને `પાઉટ` વાળા ફોટા ગાયબ થયા છે..
ત્રીસ ચાલીસ વર્ષ પેહલાના જનતા જનાર્દનના ફોટા અને આજના ફોટા જોઈએ તો ઘણો ફેર દેખાય છે, આજના લોકો ના ફોટા બીજું કઈ હોય ના હોય હસતા મોઢા ચોક્કસ દેખાય છે..!!
અને ફોટા લેતી વખતે પાછળના બેકગ્રાઉન્ડ નું ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે, પ્રોપર એન્ગલ થી પ્રજા ફોટા પાડી ને જનતા સોશિઅલ મીડિયા ઉપર મુકે છે..!!
આ સોશિઅલ મીડિયાની `ખુજલી` કેટલી ખતરનાક છે એનું એક બીજું ઉદાહરણ મુકું તો જે દિવસથી વોટસ એપમાં સ્ટીકર મુકાયા એ જ દિવસથી મને એમ થતું હતું કે મારું પણ એક સ્ટીકર બનાવું અને ગઈકાલે રાત્રે એક મિત્ર એ એનું સ્ટીકર બનાવી અને વોટ્સ એપ ગ્રુપમાં મુક્યું અને અમને તો બસ દિમાગમાં કીડો પ્રવેશ્યો `એ બનાવે અને હું કેમ નહિ ..?`
રીતસર `રહી ગયા` ની ફીલિંગ આવી.. અંતે મોડી રાત્રે અમે `પરાક્રમ` કર્યું..અમને વોટ્સ એપમાં અમારું સ્ટીકર બનાવતા આવડી ગયું ..!!
બોલો કેવું “મહાન” કામ કરતા આવડી ગયું અમને..!!
સાલું કેવી કેવી ક્ષુલ્લક બાબતોમાં મગજ ચાલે છે અત્યારે હું જ મારી જાત ને ટપારી રહ્યો છું કે જે મિત્ર એ સ્ટીકર બનાવી ને મુક્યું એનું ગઈ દિવાળીથી આ દિવાળી નું સરવૈયું જો..!!
સો કરોડ ઉપર નું સરવૈયું બેસે છે એનું , કર ને શૈશાવ્યા એમાં કોમ્પીટીશન..!!
સ્ટીકર બનાવવા હેં`ડી નીકળ્યો તો અડધી રાત્રે..!!
આવી જ `ફીલિંગ` પેલા ફેસબુક, ઈંસ્ટાગ્રામ અને સ્નેપ ચેટ ની લોકો ની સ્ટોરીઓ જોઈ જોઈ ને આવે છે..પ્રેક્ટીકલી રહી ગયા ની..!!
અહી ડાકોર પાસેના ગલતેશ્વર નો કે ઝાંઝરી નો ફોટો હોય અને ફોટો પાડનાર ખરો કલાકાર હોય તો તમને જેલસી ફિલ કરાવી દે .. અલ્યા ક્યા નો ફોટો નાખ્યો છે ? આ વળી કઈ જગ્યા કે જ્યાં આપણે નથી ગયા ..?
જાણે આપણે તો દુનિયા આખી ફરવાનો ઠેકો જ લીધો છે..
એક મજાની વાત થઇ આ વખતે..
ઉદેપુર થી આગળ નાથદ્વારા રોડ પર જતા અમે ગુગલ મેપ ચાલુ કર્યું હતું અને એમાં તમારી સાળી (મારી હાહરી કહીએ છીએને પેલા ગુગલ ના બેન જે અંદર બોલતા હોય એમને , મારી કહું તો ઘરમાં બબાલ થાય એના કરતા તમારી સાળી રાખો..) ટ્રાફિક જામ દેખાડે ..એટલે હું ભડક્યો મેં ડ્રાઈવરને કીધું અલ્યા ટનલ આગળ બધો રોડ જામ દેખાડે છે, બધું લાલ લાલ છે ..
ડ્રાઈવર બોલ્યો ના હો સાહેબ ના જામ હોય આ તમારું ગુગલ ખોટું છે..
અને ત્યાં પોહચ્યા તો રોડ આખો ખાલી, પણ રોડની સાઈડ ઉપર બધી GJ -1 થી લઈને GJ -38 સુધીની ગાડીઓ પોણો કિલોમીટર સુધી પાર્ક થઇ ચુકી હતી અને ઘેલી ગુજરાતણો, અને એમના ગુજરાતી માટીડા ફોટા પડાવામાં અને પાડવામાં ગુલતાન હતા..
એ ફોટા પાડવા ઉભેલી ગાડીઓ ની પોણો કિલોમીટરની લાઈન ગુગલ ના સેટેલાઈટ ને દેખાઈ હશે અને ગુગલે સમજી લીધું કે આ તો ટ્રાફિક જામ છે ..!!
ખરેખર તો એ ફોટા પાડવાની લાઈન હતી..!!
એક ગેલહાગરો એ ટનલમાં ચાલતો ઘુસ્યો હતો અને બરાબર ટનલની વચ્ચે નીચે રોડ ઉપર એનો એસએલઆર કેમેરો મૂકી ને એન્ગલ સેટ કરીને રોડ પર સુતો સુતો ફોટા લેતો હતો..!
મોઢામાંથી ગાળ અને ચીસ બધુય નીકળી ગયું કે સાલા ટનલની વચ્ચે આવી રીતે રોડ પર ઉંધા પડાય ..? અને એ પણ ફોટા લેવા ..? ખોટા કોઈ કારણ વિનાના જીવના જોખમ લેવાના ..?
ભાઈ ફોટા લેવાય જેના જેવા લેવા હોય એવા લ્યો પણ જીવના જોખમે ખોટી વાત..!!
*આવા ગાંડાઓ ને હું ઘણીવાર કાંઠલેથી ઝાલું છું,( સો રૂપિયાના તોડ કરવાની લાલચે ટ્રાફિક પોલીસના પણ ઘણા નવા નવા ભરતી થયેલા છોકરા આવા જીવનાં જોખમો ખેડે છે) અને પછી સમજાવું છું કે તને તારા જીવનની કિમત ભલે ના હોય પણ મને છે ..તારા જેવો જુવાનીયો મારી ગાડી નીચે કચરાઈ જાય ને તો તારા મોતના ભારને છાતીએ લઈને મારે જન્મારો કાઢવો અઘરો પડે માટે તારું તું ના વિચારે તો કઈ નહિ ..ભલે બીજે ક્યાંક જઈને મરજે પણ મારી ગાડી ની નીચે આવી ને નાં મરતો..*
પછી બોલે ક્યા ભૈયા આપ ભી ..!!
શું કેહવું આપણે બીજું તો..!!
હવે ફાઈનલ વાત..
*દિવાળી તો ગઈ જાણે, પણ બજારોની રૂપિયા ની ખેંચ થોડી હલકી થાય તો સારું ,દરેક વેપારી ને બે ચાર ગયા જન્મની `ધાઈ માં `(ધવડાવનારી માતા ) જોડે પનારો ચોક્કસ પડ્યો હશે..!*
બે ચાર ગત જન્મની ધાઈમાં તો દરેકની ઉઘરાણી ના લીસ્ટમાં હશે કે જે તમને પેમેન્ટ આપવામાં ધવડાવતા હોય , જે દરેક ને ચુસણી આપે એકાદ બે દિવસમાં થઇ જશે..
મારા લીસ્ટમાં એક નંગ હતું જે અમદાવાદના પેહલા પચ્ચીસ માલેતુજારના લીસ્ટમાં આવે છે ,હમણાં કોઈ છાપાવાળાએ છાપ્યું હતું..
મને ઘણીવાર વિચાર આવે કે આટલો મોટો માણસ થઈને કેમ આમ કરે છે ?
*પણ આજકાલના લોજીક બદલાઈ ગયા છે વગર વ્યાજ અને કોઇપણ કો-લેટરલ કે બાય-લેટરલ ગેરેંટી આપ્યા વિનાનો રૂપિયો એટલે સંડ્રી ક્રેડીટર નો, ખાલી ને ખાલી જીભડા ના જોરે જ ખેંચી કાઢવાના..!*
હશે ત્યારે, આવતી લાભ પાંચમ સુધીમાં તમારી બધાની ફસાયેલી ઉઘરાણી આવી જાય અને બીજી ફસાય એવી શુભકામના..!
*જો ભાઈ ઘંટી, ઘાણી અને ઉઘરાણી ,આ ત્રણ તો ફરતા જ રેહવા જોઈએ..*એટલે આવી વિશ આપું છું..આવતી લાભપાંચમે ઉઘરાણી જ નહિ હોય તો પછી શું કરશો..?
ફસાયેલા તો ફસાયેલા ..ઘાલખાધ તો નથી ને ..
બસ ત્યારે મોજ કરો, ફોટા પાડો, મુકો તમતમારે ફોટા અને સ્ટોરીઓ સોશિઅલ મીડિયા ઉપર ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*તા.ક. : – અરે હા પેલી ગતજન્મની ધાઈમાં ને સાલમુબારક કરી લીધા હોય અને પછી નવરા બેઠા હો તો અલ્યા વોટ્સ એપ સ્ટીકર બનાવો, સાવ નવરા જ હો તો મારી જેમ..!!*