
અતિજ્ઞાન અને મહત્વકાંક્ષાનો ભાર ..
મુંબઈ એરપોર્ટ પર એક ખુબ ખુબ સફળ મહિલાને મળવાનું થયું..એક બહુ જ મોટી કોર્પોરેટ બેંકના કોર્પોરેટ લેવલના અધિકારી હતા, એમને એમની બેન્કે બે બોડીગાર્ડ આપેલા છે, જે સતત તેમની સાથે જ રહે છે..!
આટલી વાત પરથી અંદાજ લગાડી લેજો કે હસ્તી કેવડી મોટી હશે..! વધારે ડીટેઇલ એટલે નથી લખતો કેમકે ગુજરાતમાં એમના જેટલા લેવલે પોહચેલા કદાચ ચાર પાંચ કે દસ બાર લોકો માંડ હશે અને હું તેમની ઓળખાણ છતી કરવા નથી માંગતો..
ખાસ્સો એવો સમય હતો અમારી પાસે અને ફ્લાઈટ થોડી ડીલે થઇ એટલે કોફી પીવાની અને ગપાટા મારવા સિવાય કોઈ જ ઓપ્શન નોહતો..પેહલા થોડીક વાતો ચાલી કોર્પોરેટ્સની ઈકોનોમીની, GST, અને પછી ઘરસંસારની વાતો પર ઉતરી આવ્યા.. ભાઈ તમને ખબર નથી મેં મારા સંતાનો માટે હું જોબમાં આગળ ના ગઈ નહીતર હું અત્યારે ક્યાંની ક્યાં હોત..!
મારા માટે આ વાત બિલકુલ નવી નોહતી મારી મમ્મીના મોઢે હું હજાર વાર સાંભળી ચુક્યો છું..!
એટલે મારાથી બહુ જ સહજ ભાવે પુછાઈ ગયું તો ક્યાં હોત તમે..? અને શું મેળવી લીધું હોત..? મને જવાબ આવ્યો જવા દો નથી વાત કરવી એ વિશે..મેં કહ્યું હવે તો આ જ ટોપિક પર વાત કરવી છે..
જવાબ આવ્યો સવારની નવ વાગ્યાની નીકળું અને રાતના નવ વાગ્યે ઘરે પોહચુ મારા સંતાનો મારા સાસુએ મોટા કર્યા..ભયંકર અફસોસ અને પારાવાર દુઃખ એમની વાતમાં સંતાનોને સમય ના આપી શકવાનો..
મેં કીધું ઠીક છે એમાં શું થયું ,તમારા સાસુ પણ તમારા સંતાનોની માતા જ છે ને.. પણ જવાબ આવ્યો ..ના ભાઈ માં તરીકે તો હું મારી ફરજમાં ઉણી ઉતરીને..!
શું જવાબ આપવો મારે ..? હા કે ના
હા પાડું તો હાથ કપાય અને ના પાડું તો નાક
બરાબર મને એમણે એમની સિચ્યુએશનમાં ફીટ કરી નાખ્યો.. મેં તદ્દન ફાલતુ દલીલ કરી નાખી..બેહન તમે તમારી કેરિયર પર ધ્યાનના આપ્યું હોત તો પછી અત્યારે આ એરપોર્ટની વીઆઈપી લોન્જ પણ ના મળી હોતને.. અને સણસણતો જવાબ આવ્યો તમને આ લોન્જ ગમે છે..? મને તો અત્યારે મારા સાસુનું મોઢું દેખાય છે હું ઘરે નહિ પોહચું ત્યાં સુધી એ જમશે નહિ, અને આ એરલાઈન વાળાએ અત્યારે જ અહિયાં મુંબઈમાં જ આઠ વગાડી દીધા દસ પેહલા ઘરભેગા નહિ થવાય..અને એ બિચારા ભૂખ્યા બેઠા હશે..!
પુરુષ અને સ્ત્રી વચ્ચેનું અંતર આવી ગયું..
સ્ત્રી ગમે તેટલી આગળ જાય અને મોટી થાય પણ એનું ચિત્ત તો એના ઘરમાં જ હોય..!
ઘેર પોહચવાની તો મને પણ ઉતાવળ હતી, બે દિવસમાં પંદરસો કિલોમીટરનું હેકટીક ટ્રાવેલ હતું, મારી મમ્મી,પત્ની દીકરીઓ બધા રાહ જોતા બેઠા હશે એવું તો મને પણ મનમાં હતું, પણ મને મનમાં બળતરા નોહતી જયારે એ બેહનની વાતમાં બળતરા હતી..જલ્દી ઘેર જવાની..!
એટલામાં એમનો ફોન રણક્યો એમના સાસુમાં જ હતા, એમને જમી લેવાની સ્ટ્રીક સુચના આપી અને દીકરી જોડે પણ વાત કરીને કહી દીધું કે જમાડી લેજે, હજી મારી ફ્લાઈટના ઠેકાણા નથી..! હું શૈશવ અંકલ જોડે ઘરે આવી જઈશ એટલે ગાડી ના મોકલતી.
ફોન મુકીને બોલ્યા તમારે પુરુષોને ઠીક છે બહુ ફર્ક ના પડે, અમારે ઘર અને ઓફીસ બધું મેનેજ કરવું પડે છે, નહિ તો હું ક્યાય આગળ નીકળી ગઈ હોત..હરીફરીને પાછા ત્યાં જ..
પણ જ્યારે જ્યારે આવો સવાલ મારી સામે આવે છે ત્યારે ત્યારે હું એક જ જવાબ આપું છું .. મમ્મી તમે જ્યાં છો ત્યાં બરાબર છો, દુનિયાની કરોડો સ્ત્રીઓ કરતા તમે આગળ છો, તમારી પાસે કેરિયર, ઘર, સંતાન અને પતિ બધું જ છે અને આટલું મોટું કોમ્બીનેશન ભગવાન દુનિયામાં બધાને નથી આપતો..!
અને મેં આ જ વાત એમને કીધી ત્યારે એમણે કીધું ભાઈ મારો દીકરો પણ મને આવું જ કહે છે..!
પણ મારી કોઈ પણ વાત અને દલીલની સામે એમનો જવાબ તૈયાર હતો..!
કોઈ સબ્જેક્ટ કે કોઈ ટોપિક એવો નોહતો કે જેની ઉપર તેઓ વાતના કરી શકે પણ ઘરની વાત આવી ત્યાં એમના હાથ હેઠા પડી ગયા..
મેં કીધું તો તમે એમ માનો છો કે તમે પુરુષ હોત તો તમને ઘણું બધું મળતે અને તમે ઘણે બધે આગળ નીકળી ગયા હોત..?
મેં એમને ફસાવ્યા પણ એમનો જવાબ તૈયાર હતો એમડી હોત હું..! ( કોર્પોરેટ બેંકના એમડી)
મેં નિ:સાસો નાખ્યો અને હું બોલ્યો તમારે તમારી કેરિયર છોડવી નથી કે નથી ઘર છોડવું..હસવું અને લોટ ફાકવું બે જોડે ક્યાંથી થાય.?
કેમ તમારે પુરુષોને આગળ જવામાં ઘર છોડવું પડે છે..?
મારો વારો હતો.. કેમ નહિ ? રોજ દિવસનું સો કિલોમીટરનું રખડવાનું ,દર બીજે અઠવાડિયે આ એરપોર્ટ અને દુનિયાભરના લોકો જોડે ધડીકા લેવાના અને જેમ તમે તમારા ઘરને સમય નથી આપ્યો તો અમે પણ અમારા ઘરને સમય નથી આપતા..હા અમે તમારી જેમ કકળાટ કરી શકતા નથી અને તમે મને કહો તો કે તમારા લેવલે પોહ્ચેલા તમારા કલીગ્સ એમના ઘરમાં કેટલો સમય આપે છે..? એમને પૂછો કે કેટલીવાર એમણે એમના સંતાનોને કીધું છે કે હું તમને બહાર ફરવા લઇ જઈશ અને પછી તૈયાર થયેલા છોકરા રાહ જોતા એમનેમ ઊંઘી ગયા હોય અને સાહેબ મોડેથી અડધી રાત્રે ઘેર આવે..?
સેહજ હસીને બોલ્યા.. એમને તો રોજ નું હોય છે હું તો બીઈંગ લેડી રાતના નવ સાડા નવ થાય એટલે ચાલુ મીટીંગે પગ પછાડતી નીકળી જાઉં છું, કે મારે ઘરબાર અને છોકરા છે..!
મેં કીધું બસ ત્યારે તમારો પ્રોબ્લેમ તમે સ્ત્રી હોવાનો નથી તમારો પ્રોબ્લેમ છે તમારે બધું જ જોઈએ છે.!
મેં બીજું એક ઉદાહરણ આપ્યું ભારતના એક નામાંકિત હ્રદય રોગના નિષ્ણાત એમની ઘરવાળી એમને સમજી ના શકી.. પેલા ડોક્ટર જમતા જમતા પણ દોડે અને ક્યારેક ઘરે આવે,અને ના પણ આવે.. છેવટે દસ વર્ષના લગ્ન જીવનનો અંત..!
પુરુષને પણ એટલો જ ભોગ આપવો પડે છે..!
પણ હજી વાતનો છાલ એ નોહતા છોડતા સેહજ મોઢું ભારમાં લાવીને એ બોલ્યા જોઈએ જ ને હું ડિઝર્વ કરું છું..
વાત સાચી હતી એમની, કારણકે આજથી ત્રીસ વર્ષ પેહલા સીએથયા, ઓરીજીનલ બી સ્કુલમાંથી ભણ્યા, લંડન જઈને પીએચડી અને પછી અહિયા બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા..!
આટલું બધું ક્વોલિફિકેશન..!
એટલીવારમાં બોર્ડીંગ એનાઉન્સ થયું એરક્રાફ્ટમાં બેઠા બેઠા મેં બીજું એક ઉદાહરણ મુક્યુ એમની સામે..
તમારી જ બેંકમાં મારો એક નાનકડો મિત્ર છે સીએ થયેલો..મારાથી દસ વર્ષ નાનો છે, એ એની પત્ની સાથે મને એક પ્રસંગમાં મળ્યો એની પત્ની મને બાજુ પર લઇ ગઈ અને ફરિયાદ ચાલુ કરી શૈશવભાઈ પાંત્રીસ વર્ષનો છે અને બેંકનું એટલું બધું પ્રેશર લે છે અને ડાયાબીટીસ આવી ગયો છે..તમે કૈક કરો સમજાવો..
મેં પાછળથી એને મારી ફેક્ટરી એને બોલવ્યો લગભગ રડી પડ્યો હતો નથી સહન થતું યાર, ચાર ચાર બ્રાંચના મેનેજરને મારી અન્ડરમાં મુક્યા છે, અને વીસ કરોડની સુધી લોનનું ડીસબ્રસ્મેન્ટ મારે માથે છે, બહુ ફ્રોડ થાય છે આજકાલ બધું બહુ ચેક કરવું પડે છે શૈશવભાઈ.. મારો જીવ બળી ગયો એ છોકરાની વાતો સાંભળીને પછી મેં થોડું કાઉન્સેલિંગ કર્યું એને સમજાવ્યો અને ધીમે ઠેકાણે લાવવાનો પ્રયત્ન ચાલુ છે..
આખો કિસ્સો સાંભળ્યા પછી એ લેડી બોલ્યા મારે પણ બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં નથી આવતું રોજ ત્રણ ગોળી લઉં છું..
મારો વારો હતો .. મેડમ આટલું બધું નોલેજ અને એમાંથી ઉભી થયેલી તમારી એમ્બીશન કોનો વાંક..? તમારો પોતાનો જ.. જીવનમાં એકપણ શોખ પેદા ના થવા દીધો, અને શોખ હતો એને તમે મારી નાખ્યો, કામ કામ અને કામ બીજું કઈ જ તમને દેખાતું નથી , અતિજ્ઞાન અને મહત્વાકાંક્ક્ષાના વાઘ પર સવારી કરીને તમે સફળતાના જેટલા ડુંગરા ચડીને ઉપર જાવ છો ત્યાં સામે એક નવો બીજો ઉંચો ડુંગરો દેખાય છે..
હકીકત એ છે કે તમે બહુ ભણ્યા ગણ્યા પણ સાદી વાત ના સમજ્યા કેરિયર નામની અને જ્ઞાન મેળવી લેવાની લાલચને થોભ ના આપી શક્યા અને હવે તમને હાઉસ વાઈફ બનવાની ઈચ્છા છે.. છોડી ડો બધું એક ઝાટકે અને બેસો ઘરમાં બ્લડ પ્રેશરની ગોળીઓ બંધ થઇ જશે..
બોલ્યા ટ્રાય કરી જોયો પણ કામની એટલી આદત છે કે બે મહિનામાં તો ડીપ્રેશનની ગોળી લેવાનો વારો આવી ગયો..!
મારી પાસે જવાબ નોહતો..
અમદાવાદ એરપોર્ટનું એનાઉન્સમેન્ટ થયું..
મારી ગાડી ડ્રાઈવર હાજર હતા અમે બેઠા..મેં કીધું વાઘની સવારી કરી છે તમે બેસાતું છે નહિ, અને ઉતરશો તો વાઘ ખાઈ જશે..
આજ નો બ્લોગ આવા અતિજ્ઞાની અને મહત્વકાંક્ષી લોકોને સમર્પિત
અને બે હાથ જોડીને એમને પ્રાર્થના કે દુનિયાની કોઈપણ બી સ્કુલ (IIM કે IIT) તમને આગળ જતા શીખવાડશે પણ ક્યાં અટકવું એ નથી શીખવાડતી, એ લીમીટ તો તમારે જાતે જ બાંધવી પડશે ..
સફળતાના એકાદા ડુંગરે તો ધૂણી ધખાવી અને બેસવું પડશે દરેક વખતે એક ડુંગરેથી ઉતરી અને બીજા ડુંગરે નહિ જવાય, રસ્તામાં ક્યાંક યમરાજ લઇ જશે તો ખીણમાં મરવું પડશે એના કરતા મનને ગમતા એકાદા ડુંગરે મુકામ કરી લ્યો..!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા