થોડાક દિવસથી જિંદગીએ ગૂંચવી માર્યો હતો એટલે બાહુબલી -2 જોવાનો મેળ નોહતો પડતો,આજે સવારથી અથડાતો કૂટાતો સાંજે માંડ માંડ બાહુબલી ભેગો થયો અને ત્યાં એક મેસેજ વાંચ્યો..
ખામોશ છે મારો દેશ જવાનોના મોત પર
સિનેમાઘરો ફૂલ છે બાહુબલીના મોત પર
લ્યો કર લો બાત આમાં મારે શું સમજવું ..?બાહુબલી જોવા ગયો એટલે દેશદ્રોહી..?દેશના જવાનોના મોત પર બોલીએ તો કહે તમે સરકાર વિરોધી છો તો પણ તમે દેશદ્રોહી..
તો કરવું શું મારે..? અને મેસેજ બનાવનારા તું પણ શું કરીને ઉંધો વળી ગયો..?
એ તો ખબર નથી મને તો,પ્રાસ બેસાડવાનું મન થયું એટલે મેં તો મેસેજ ઘસડી પાડ્યો અને જનતા જનાર્દને ફોરવર્ડ કર્યા કર્યો ..!
જેવા અને તેવા મેસેજ ફેરવીને ચારેબાજુ એક ભયાનક કન્ફયુઝન નો માહોલ ઉભો કરી નાખવામાં આવ્યો છે..હું કહું એ સાચું બાકી સર્વે ખોટું રે..!
આતંકવાદની શરૂઆતનું આ વાક્ય હું કહું એ સાચું બાકી સર્વે ખોટું..!
આજે દરેક જગ્યાએ ચર્ચા વિચારણા કે વાંચન હોય કે લેખન દરેક જગ્યા એ એક ફાઈનલ ઓપિનિયન મૂકી ને જ વાત થાય છે, મધ્યમ માર્ગી વાત ક્યાય દેખાતી જ નથી અને પછી સરહદ ના જવાન અને બાહુબલી જેવા ભેજાગેપ કનેક્શન ગોઠવાય..!
આપણી તકલીફ કેવી છે..ખબર છે, આપણે મહેંન્દ્ર બાહુબલી નહિ તો અમરેન્દ્ર છેવટે નરેન્દ્ર પણ બાહુબલી દરેકમાં શોધીએ છીએ..બસ બાહુબલી શપથ લેવો જોઈએ અને મારા દુઃખદર્દ દુર થઇ જાય..અને સરવાળે થાય છે એવું કે પ્રજા તો ભીખમંગી જ રહે સત્તા પર બેઠેલો પોતાની જાતને બાહુબલી સમજતો થઇ જાય..
આઠસો હજાર વર્ષથી ગુલામ રહેલી પ્રજા માટે સત્તા ઉપર બેઠેલો જે કહે અને કરે તે ફાઈનલ અને એવું માનવા અને સ્વીકારવાવાળી આ દેશ પ્રજાએ એમની જ ઉપર કટોકટી નાખી અને સિતમ ગુજારનારને ફરી સત્તાએ બેસાડી દીધા હતા.!
હવે બાહુબલીમાં પેલા ભલ્લાલ નો રથ માહિષ્મતીના કેટલા બધા સૈનિકોને કાપી નાખે છે, તો શું થઇ ગયું ..? એ ભલ્લાલ છે..! માહિષ્મતીના અધિપતિ છે..!
અધિનાયકવાદમાંથી પ્રજાને બહાર આવવું નથી..કેટલા બધા પુતળા ભલ્લાલો ના આ દેશમાં ઉભા છે ,,! અને બાહુબલી એઈ મજાના દેશ પરદેશ ફર્યા કરે છે..! એક દિવસ ગાર્ડનમાં અને એક દિવસ પુલ ઉપરને આમ વિચાર આવે કે આ ડાયરેક્ટર પણ છે અઘરો બાકી..!
રહી રહીને દિમાગ છે ને પેલા મેસેજ પર જાય છે ..
મને લાગે છે કે મેસેજ બનાવનારાને મગજમાં એમ જ હશે કે કોઈક મા`ડી મોટ્ટી રાડ નાખશે મહેન્દ્ર બાહુબલી અને સૂતેલો બાહુબલી જાગશે અને એક મિનીટમાં લાહોર ખતમ અને બીજી મીનીટે કરાંચી અને ઇસ્લામાબાદ તો બરબાદ…!
એટલે “બિચારા”એ સરહદના જવાન અને બાહુબલીનું કનેક્શન ગોઠવવાની કોશિશ કરી હશે..!
સાલું કેવા કેવા ષડ્યંત્રો નહિ..! ભાઈને ભાઈ મારી નાખે..! ભાઈની ઘરવાળીને બાંધી રાખે અને કપડા ખેંચે..એક સ્ત્રી થઇને બીજી સ્ત્રીને કોઈ કારણ વિના કહે ઉપાડી લાવ “સાલ્લ્લી” ને..ખરેખર તદ્દન અસંસ્કારી વર્તન અને વ્યહવાર છે આપણા જુના જમાનાની વાતોમાં તો..!
આમ જુવો તો જુના જમાનાના “ભલ્લાલ” અને “બાહુબલી” કરતા આપણા આજના ભલ્લાલ અને બાહુબલી સારા, કોઈ ગમે તે કરે પણ મારી ના નાખે,ખાલી “ભત્સ્ના” કરે, બહુ થાય તો “ઘોર ભત્સ્ના” કરે પણ મારામારી અને કાપાકાપીની વાત નહિ કરવાની યાર, સિંહાસન પર બેઠા પછી..! આખી જીંદગી થોડું બેસવાનું છે આપણે પણ ક્યારેક ઉતરી જઈએ તો પાછળથી કોઈ વાંધો નાં આવવો જોઈએ એટલે ઉતારેલાને બહુ હેરાન નહિ કરવાનો..ભાલ્લ્લાલ (એક “લ” વધી ગયો ચાલશે) અને બાહુબલી બંને સેટિંગથી જ કામ કરે ,તારા પછી મારો અને મારા પછી તારો..!
આ બધા વણલખ્યા નિયમો છે અને પ્રજાના “વડીલો” પ્રજાને એમ કહે કે ક્યાં છે આવો નિયમ ? જો જો તમે હમણા શ્રીમતી ગાંધી જમાઈ સાથે અંદર..! આપણે તો બંદા ખુશ..
બચ્ચનદાદા પણ આપણને એટલે જ ગમે “હેઈ” મજાના કેવા કેવા ગુંડાઓને મારી નાખ્યા, ધડાધડ અને પ્રજામાં ઘણાને તો ખાનગીમાં પેલો ઇમરાન હાશમી પણ બહુ ગમે, કેવી કેવી જોરદાર પપ્પીઓ કરે..પોતે કરવા જાય તો..બટકું ભરી લે પેલી હોઠ પર..!
ફિલ્લમની આ જ મજા મગજ માળીયે મૂકી ને જોવાનું અને જય માહિષ્મતી કર્યા જવાનુ ત્રણ કલાકમાં છુટ્ટા..!
રોજની વાત કરું તો વેપારી આલમ GST ની લમણાકૂટ કેવી રીતે થશે અને શું થશે એમાં અટવાઈ છે, બધી સારી સારી વાર્તા તો નોટબંધી વખતે પણ થઇ હતી પણ પાછળથી ભેંકડા જોડવા પડ્યા હતા..!
GSTના ઈમ્પ્લીમેન્ટેશનમાં જો ગડબડ થઇ તો ફરી એકવાર આખો દેશ ગધેડે ચડવાનો છે,સાચો અને સારો રસ્તો એ છે કે એકાદ અઠવાડિયું ટ્રાયલ ચલાવે સરકાર અને પછી અમલ કરે, બાકી એકદમ જ જો નવી સીસ્ટમ આવી અને ક્યાંક કઈ ગડબડ ઉભી થઇ તો ફરી પાછો ઝાટકો આવશે, અને GSTનો ઝાટકો બહુ મોટો લાગશે દેશને..!
એકલી ચમચાખોરી કરતી જમાતથી GST સ્ટ્રીમ લાઈન નહિ થાય..!
કરોડો વેપારીઓને એકસાથે GSTમાં લાવવાના છે ચારેબાજુથી હાકોટા,પડકારા,દેકારા,રમખાણ બધું જ થવાનું છે ક્યાંકથી પોક પણ મુકાશે જે GSTને સાત સાત વર્ષ સુધી નકામું ગણ્યું એનો હવે બાહુબલી અમલ કરાવશે..!
રાજ્યશાસન વ્યવસ્થામાં પ્રજા એકવાર જયારે કોઈ પરંપરામાં સેટ થઇ હોય પછી એને તોડવી કે બદલાવી બહુ જ મુશ્કેલ છે,એના માટે ખરેખર બાહુબલી જોઈએ..!
સરદાર મનમોહનસિંહએ રીઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારથી જે આર્થિક નીતિઓ નક્કી કરી અને રોડમેપ બનાવ્યો હતો એની ઉપર ગમે તેવો બાહુબલી આવે એને ચાલ્યા વિના છૂટકો જ નથી,આટલા મોટા દેશને એમ રમાડવા જાવ અને ગતકડા કરો તો ગતકડા સીધા કરવામાજ અટવાઈ જવાય..
ફિલ્મો સમાજનું દર્પણ છે અને ભારતીય સમાજ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોના રસપાન કરીને મોટો થયો છે, આ બે મહાન કૃતિઓની નજીકની કોઈપણ વાર્તા જેમાં કૈક નવું તત્વ નાખો એટલે સુપરહીટ જવાની ગેરેંટી છે..!
ઇસ્લામિક અસરવાળી કેહવાતા લિબરલ મુસ્લિમ લેખકો દ્વારા લખાયેલી અને હીટ થયેલી સિત્તેર અને એશીના દાયકાની ફિલ્મોમાં પણ રામાયણ અને મહાભારતનો ઉપયોગ તો કરવો જ પડતો હતો દર્શકને પોતાની સાથે જોડવા માટે..
જોઈએ હવે કટ્ટપ્પા અને બાહુબલી પાર્ટ -૨ ને હીટ કરવા માટે કઈ ફોર્મ્યુલા લાવે છે બાકી ભ્લ્લાલ (આ વખતે “ભ” કપાયો ) અને એના પિતાશ્રી બહુ જોર મારે એવું લાગતું નથી..!
ખામોશ છે મારો દેશ જવાનોના મોત પર
સિનેમાઘરો ફૂલ છે બાહુબલીના મોત પર
શું ત્રાસ છે યાર આ બધો ?
મારી જેમ તમારું મગજ પણ ફરેલું રહે
શૈશવ વોરા