સુપ્રભાત..
અત્યારે સવાર સવારમાં મંદિરથી નીકળ્યો અને રસ્તામાં એક જુગતે જોડું રસ્તે ચાલતું હતું..અમે પેહલા પાછળથી પ્રત્યક્ષ દર્શન કર્યું..
બેને લગભગ બટાટાવડાં જેવા, અને એકદમ ટૂંકું ફરાક પેર્યું હતું , જીમની ભાષામાં કહું તો બંને પગના કાફ મસલ્સ લગભગ વીસ ઇંચ ઉપર, બાય્સેપ પણ અઢાર થી ઉપર (સ્લીવલેસ હતું એટલે ..) .. `કમરો` તો કમરો જ હતો વજન લગભગ પંચોતેર કિલો તો પાક્કું અને બાંધોપાંચ ફૂટથી નાનો..!! બટાટાવડાં બેનના ટુંકડા ફરાકમાંથી આખું શરીર લગભગ બાહર આવવા મથી રહ્યું હતું..!!
બટાટાવડાં ની જોડે જ એમનો આખે આખો વડાપાઉં ચાલતો હતો …!!
લગભગ સાડા પાંચ ફૂટની હાઈટ વડાપાઉંની, પણ ટૂંકી ચડ્ડી અને ત્રણ ચાર એક્ષ અને પછી એલ લાગે એવડું મોટું ટીશર્ટ..!
લથબથતી ચરબી ચારેબાજુ, સેહજ પગલું માંડે જુગત જોડી ને ધરણી ઘમ ઘમ થાય..!!!
પાછળથી જોતા તો એવું લાગ્યું કે હજી નાના નાના નવા પરણેલા હશે, કેમકે અમારી કાતિલ નજરો એ બટાટાવડાંબેન ના હાથમાં મેહંદી જોઈ લીધી હતી..
પણ પછી અમારા ડ્રાઈવર સાહેબે ગાડી આગળ લીધી અને અમે પાછળ વળી ને એમના મુખારવિંદ ના દર્શનની લાલચ રોકી ના શક્યા..!!
મારું હા`રૂ એકદમ ઉંમર લાયક `આધેડ` એનઆરઆઈ જોડું હતું..!!
જય હો…!!!!!
અહિયાં આધેડની વ્યાખ્યા બદલવી, સાહીઠ ઉપર આધેડ કેહવાય કેમકે અમારી પેઢી પચાસે તો જરાય `ઘરડી` થઇ નથી..!!
પણ એક કન્ક્લુઝ્ન તો કરી મુક્યું અમે..
ટૂંકા કપડા એટલે સારા લાગવાની ગેરેંટી નથી જ..!!!
હા કોન્ફિડન્સથી કપડા ઠઠાડી દઈએ પણ..પણ અંગ અંગ કપડામાંથી બાહર આવવા મથતું હોય અને બાપડો પેલો કપડા નો દોરો પાકિસ્તાન ના સૈનિકની જેમ ખોટી વાત ને સાચી સાબિત કરવા લડતો હોય અને છેવટે બાપડો “શહીદ” થઇ જાય ત્યારે એને એ પણ ના ખબર હોય કે ભારતે ગોળી મારી ,એની અંદરવાળા એ મારી ,કે અમેરિકાવાળા એ ગોળી મારી..!!
પણ સાચું કહું સવાર સવારમાં દિલ ખુશ ખુશ થઇ ગયું કે હજી કોઈક તો આવા વસ્ત્ર પેહરી ને હરીફરી શકે છે ..!!
બાકી તો..!!
જવા દો સવાર સવારના કકળાટ નથી કરવો..!!
વાત તો આજે ફિટનેસની જ કરવી છે ..
સાહીઠે પોહચેલું એ જોડું..એની ઉપર મારી પેહલી વાર નજર પાછળથી પડી ત્યારે મને ખરેખર લાગ્યું કે નવા પરણેલા નાનકડા જાડિયો-જાડી હશે, પણ બટાટાવડાં આંટી જે રીતે એમનું ફરાક લેહારાવતા લેહારાવતા ચાલતા હતા અને વડાપાઉં અંકલ એમની એટલી નજીક ચાલતા હતા કે મારી આંખો ધોખો ખાઈ ગઈ , બંનેની ચાલમાં સ્ફૂર્તિ હતી..`થાક` નોહતો..!!
આપણે ત્યાં મોટેભાગે એવું થાય છે કે પચાસે પોહચતા પોહ્ચતા જન્મારાનો `થાક` મગજ ઉપર એટલો બધો ચડી જતો હોય છે કે એની સીધી અસર એમના શરીર, વાણી અને વર્તન ઉપર આવી જતી હોય છે..!!
પંદરેક વર્ષથી જીમ કરું છું બહુ ઓછા લોકો ને જીમમાં આવી ને વજન ઘટાડી અને બોડી શેઈપમાં લાવતા જોયા છે, ઘણા બધા લોકો ની ફરિયાદ હોય છે કે જીમ કર્યું યોગા કર્યા ફલાણું કર્યું ઢીંકણું કર્યું પણ કશો ય ફર્ક ના આવ્યો..પણ એવું નથી..!!
મન ..!!
સૌથી પેહલું મન ..!!
હમણાં થોડાક દિવસો પેહલા અમે ચીન દેશના એક ખૂણે પાંચ દિવસ માટે જઈ આવ્યા ..
સાલું આ વખતે અમને અચરજ જોવા મળ્યું ..
રોજ સાંજે સાતેક વાગ્યે ત્યાં મોટા મોટા શોપિંગ અને ઓફીસ કોમ્પલેક્ષ ખાલી થઇ જાય એમના પાર્કિંગની જગ્યા ખાલી પડી હોય, ત્યાં એક છોકરો અને છોકરી બેટરી ઓપરેટેડ મોટા સ્પીકર લઈને આવી જાય, અને પાર્કિંગની ખાલી જગ્યામાં જાહેર જનતાને સ્પીકરમાં મોટેથી ગીતો વગાડીને એરોબીક્સ અને જુદા જુદા પ્રકારના પાશ્ચાત્ય નૃત્યો કરાવે..
મારું બેટું પાંત્રીસથી લઈને પંચોતેર વર્ષ સુધીના ચીના-ચીનીઓ શું નાચે ..!! દિલ ખુશ થઇ જાય..!!
અને આવા સીન આખા શેનઝેનમાં ઠેર ઠેર ..!!
સખ્ખત સ્ફૂર્તિ, જરાય થાક નહિ ક્યાય..! બાકી તો સવારના સાત નો ઘેરથી નીકળેલો ચીનો સાંજે સાત વાગ્યે રબર જેવો ઢીલો થઇ ગયો હોય ..!! પણ એની બદલે જે ડાન્સ કરી ને મજા લેતા હતા એ ચીની જોડાઓ ..!!
મન થી ખુશ હતા , માટે એમની એનર્જી ચારેબાજુ ફેલાતી હતી..!!
થોડાક સમય પેહલા અમે એક જીમમાં જતા ત્યાં રોજ સાંજે એરોબીક્સ પણ ચાલે .. લગભગ પચાસ પચાસ જણા એક સાથે એરોબીક્સ કરતા હોય મોટેભાગે મહિલાઓ અને નાનકડી છોકરીઓ..
એક દિવસ અમે એ જીમ ના સંચાલક જોડે ઉભા હતા અને બિલકુલ પેલા બટાટાવડાં આંટી જેવા બીજા બટાટાવડાં આંટી આવ્યા અને જીમ સંચાલકને ફરિયાદ કરવા લાગ્યા ત્રણ મહિના થયા મારું વજન ઉતરતું જ નથી ..આટલું આટલું એરોબીક્સ કરું છું પણ ..
મારાથી વચમાં બોલાઈ ગયું કે ખાવામાં તમે ધ્યાન નહિ રાખતા હોવ .. હજી સુધી ભીમ ખાય ને શકુની હંગે એવું તો મહાભારતમાં જ થયું છે .. તમે ખાવ તો જ તમારું વજન વધે બાકી હું ખાઉં તો તમારું વજન થોડું વધે..!!
બટાટાવડાં -૨ બેનને જરાક ના ગમ્યું પણ એ જીમ સંચાલકે બહુ સરસ વાત કરી..
બટાટાવડાંબેન-૨ તમે જીમમાં આવ્યા ત્યારે દસ મિનીટ જ તમે એરોબીક્સ કરી શકતા હતા આજે તમે એક કલાક પૂરો એરોબીક્સ કર્યું છે તમને તમારી જાતમાં બીજો કોઈ ફર્ક ના લાગ્યો ..?
બટાટાવડાંબેન-૨ બોલ્યા ફર્ક તો લાગ્યો પણ વજન ના ઉતર્યું..!
હકીકત એવી હતી કે દસ મિનીટ એરોબિક નહિ કરી શકતી બટાટાવડાંબેન આજે કલાક પ્રેમથી નાચી શકે છે.. સ્ફૂર્તિ અને રીસ્પોન્ઝ ટાઈમ.. કોઈ તમારી તરફ ચાવી ફેંકે અને તમે કેટલી ત્વરાથી એને પકડી લ્યો છે એ મહત્વનું છે ..
ચોક્કસ મારા પપ્પા એમના દરેક પેશન્ટ ને કહે છે જાડુ શરીર બધા રોગ ની માં છે .. પણ સ્વસ્થ મન એ બધા રોગ નું મારણ પણ છે..!!
ભલે બટાટાવડાં કે વડાપાઉં જેવા કેમ ના લાગીએ પણ હેઈ મજાના મોજ ના કરીએ ..
રોજ કલાક નાચી-ગાયી લઈએ તો..
કેટલા ય મંદિરના પ્રાંગણ ખાલી છે રોજ નવા નવા પાંચ ગરબા કરાવી લઈએ તો..?
ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ક્યાંય દૂર ભાગે..!!
પણ હો ભીમ ખાય અને શકુની હંગે એવું ક્યાય ના થાય એટલે મોઢા ઉપર કાબુ ..
બાકી તો દુનિયા કોઈને `મરવા` તો ચોક્કસ નથી દેતી, પણ `જીવવાય` નથી દેતી ,એટલે જીવતા તો જાત્તે જ શીખવું પડે .. દુનિયા જખ મારે..!!
આપનો દિન શુભ રહે..
શૈશવ વોરા