ગઈકાલે રાત્રે બહુ મચ્યો હતો..ગળામાંથી સૂર કાઢવા પેલી `સુમુલ` કે `સ્મ્યુલ` જે કહો તે એ એપ ખોલીને લગભગ રાત્રે એક વાગ્યા સુધી મંડાણો હતો, પણ મારા જ કાન ધરાર એકપણ ગીત અપલોડ નોહતા કરવા દેતા ..
નહિ શૈશવ, બેસુરો થાય છે ના ચાલે ..છેવટે હારીથાકીને ગોદડું ખોલીને ભરાઈ ગયો..
કેવું થાય નહિ ..? જે શોખને વર્ષો આપ્યા હોય એ જ શોખ આવો `દગો` કરે તો..?
પછી એમ થાય કે સાચું બોલ તો તાનપુરો છેલ્લે ક્યારે ટયુન કર્યો હતો..?
વીસ વર્ષ તો ઓછામાં ઓછા થયા..તો પછી ગળું ક્યાંથી સાથ આપે ..?
પણ કેવી મજાની અલ્લડ જિંદગી હતી..!!! `
આવી `કાળઝાળ` તોડી નાખે એવી ઠંડી અને સપ્તકમાં છેલ્લે ગાનસરસ્વતી વિદુષી કિશોરી આમોનકર ના કંઠે ભૈરવી ગવાય..બાબુલ મોરા નૈહર છૂટો જાય..!!
પંડિત જસરાજજી ના મેવાતી ઘરાનાની ચીજ માતા કાલિકા ..
પંડિત ભીમસેન જોશીજી નો હિંડોળ
ગુંડેચા બ્રધર્સ ના ધ્રુપદ ધમાર ..
ઉસ્તાદ સુલતાનખાન સાહેબની સારંગી ઉપર ગજ ફરે અને દોઢ કલાક સળંગ સારંગી ચોધાર આંસુડે રડે..!!
અને જેને કઈ ના આવડે એ મારુ બિહાગ ગઈ વગાડી લ્યે ..(આવું અમે વિચારતા..)
પણ એ દિવસો હતા.. એક સાથે સંગીત ક્લાસમાં અમારી જોડે ભણતા બાર થી પંદર જણા અમે ભેગા હિન્દુસ્તાની બેઠકમાં બેસતા, બે તબલાવાળા એક વાયોલીનવાળો એક વાંસળીવાળો અને બાકી બધ્ધી અમે પ્રજા વોકલીસ્ટ ..
પણ ક્યારેક `સાંભળવા` કરતા અમને ત્યાં પંચાતો ઠોકવામાં રસ વધારે પડે અને ભૂલો શોધવામાં.. ઘણીવાર એવું થતું કે તબલા સોલો ચાલતા હોય અને તબલાવાદક ફુલ્લ ફોર્મમાં આવી જાય અને ધડબડાટી બોલાવી દે પબ્લિક તાળીઓ પુષ્કળ પાડે અને અમારા “ખોદકામ ડીપાર્ટમેન્ટ” ના હેડ અમે પોત્તે, મોઢા બગાડીએ..આખું તબલું અડધો સૂર `ઉતરી` ગયું છે એકેય `ઘર` સૂરમાં નથી..!!
આવી જ હાલત સિતારમાં થતી ક્યારેક તાનમાં આવી અને સિતારીસ્ટ જોર મંડે, પણ આખ્ખી સિતાર ઉતરી જાય ..!!
અને અમારી બારે બારની ગેંગ મોઢા નીચા કરીને ફૂસ ફૂસ કરતી હસે ..!!
જાણે અમને તો કેટલુય આવડી ગયું હોય..!!
આમ પણ એક કેહવત છે કે તમે ગ્રેજ્યુએટ થાવ ત્યારે તમને એવું લાગે કે દુનિયાનું બધું જ જ્ઞાન તમને લાધી ગયું, પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ એટલે એમ લાગે કે તમને કશું જ નથી આવડતું દુનિયામાં જ્ઞાનના ઢગલે ઢગલા પડ્યા છે અને જયારે પીએચડી થાવ ત્યારે તમને ખબર પડે કે મને છોડ દુનિયામાં કોઈ ને કશું જ નથી આવડતું..!
અને અમે એ જમાનામાં એ કેહવત ને ન્યાયે નવા નવા બધા વિશારદ ઉર્ફે ગ્રેજ્યુએટ થયા હતા એટલે ઘણી બધી વખત નકરા વાંક અને ભૂલો જ કાઢતા સપ્તક ના કાર્યક્રમમાં બેઠા બેઠા..!
ક્યારેક તોફાન મસ્તી પણ કરી લેતા ..
સપ્તકના કાર્યક્રમમાં મોટેભાગે ડોસાઓ અને ડોસીઓ ઘણા આવે અને આખો કાર્યક્રમ ઘણી મોડી રાત સુધી ચાલે એટલે ઘણા કાકા કે કાકી દીવાલને ટેકે બેઠા બેઠા બિચારા નસકોરા બોલાવી લ્યે અને અમારા `મહાત્માઓ` એ કાકાની ઊંઘનો `ભંગ` કરી ને જ જંપે..
એકવાર એક કાકા અમારી આગળ બેઠા હતા એક બહુ જાણીતા સિતારીસ્ટ મંચ ઉપર બિરાજમાન હતા ,જોડ-ઝાલા ચાલુ હતા ,અને અમારી આગળ બેઠેલા કાકા તાનમાં આવી ગયા કાકાની ડોકી ધુણવા લાગી હવે અમારી જોડે બેઠેલી બે છોકરીઓ ને આગળ બેઠલા કાકાના સ્વેટરનો છુટ્ટો દોરો હાથ લાગ્યો અને એ સ્વેટરનો દોરો ધીમે ધીમે એ બંને નંગો એ ખેંચવા માંડ્યો, કાકાનું સ્વેટર ઉકેલાતું ગયું અને બંને છોકરીઓ એ કાકાના સ્વેટરના ઉનના દોરાનું પીલ્લું વાળ્યું ..પણ કાકા ને ભાન જ નહિ કાકો તાનમાં ગુલતાન..
કાકાનું સ્વેટર લગભગ એક વેંત જેટલું ઉકેલાઈ ચુક્યું હતું..બિચારા કાકી એ જાત્તે મેહનત કરી ને બનાવ્યું હશે અને અમારી વનેચર પ્રજા એ ઉકેલી કાઢ્યું..અમારા ટોળામાં બધું મોઢા દબાવીને હસે અચાનક મારું ધ્યાન ગયું.. મારી જેવી નજર પડી એટલે મેં ઈશારો કર્યો ભાગો હવે બબ્બે કરીને જેવા આ સિતારના જોડ ઝાલા પત્યા એ ભેગા કાકા `તાનમાંથી ભાનમાં` આવશે, અને આપણને દીઠા નહિ મુકે ..
બધું ય ભાગ્યું ઓડીટોરીયમ છોડીને ..
ક્યારેક સપ્તક ના કાર્યક્રમ પૂરા થાય અને રાત્રે અઢી વાગ્યે ભૂખ લાગે..એક જ જગ્યા ખુલ્લી મળે .. વેસ્ટ એન્ડ..ઠુંઠવાતી ઠંડીમાં બાઈકો લઈને જઈએ ,રસ્તામાં જેટલા ચોકીદાર ઊંઘતા દેખાય એને ઢેખાળા મારીએ..કુતરા બાઈકની પાછળ પડે તો એની ઉપર બાઈક લઇ જવાની જાણે એની જોડે બદલા લેવાના હોય..!!
જો કે હું અત્યારે આ બધા બખાળા કરવા બેઠો છું એ જમાનો જમાનો કરીને પણ હજી ગઈસાલ સુધી તો તેરે તેર દિવસ સપ્તકમાં અમે ગયા છીએ , હા પેલી `વાંદર વિદ્યા` હવે નથી થતી, પણ હજી પણ જૂની ગેંગ ભૂલ ભૂલમાં પણ ભેગી થઇ જાય તો કોઈક ની તો લઇ જ લેવાય છે અને એ પણ સબ્જેક્ટમાં જઈને..!
સ્વભાવ તો ક્યાંથી જાય ..!!?
પ્રાણ ને પ્રકૃતિ જોડે જ જાય..!
હવે છેલ્લે એક બહુ જ ભયાનક કિસ્સો કહીને આજની વાત પૂરી કરું..
થોડાક વર્ષ પેહલા અમારી પાસે સપ્તકના બે પાસ વધારાના હતા એટલે મેં એક ધંધાકીય મિત્ર ને આમન્ત્રણ આપ્યું કે ભાઈ પંડિત હરિપ્રસાદ ચોરસિયાજી નું બાંસુરીવાદન છે આજે તારે આવવું છે..?
એ મિત્ર એ એમના કાકાને ફોન લગાડ્યો અને ફોન સ્પીકર પર મુક્યો ..
એમના કાકાશ્રી મહાન આઈટમ હતી..
પેલા મિત્ર એ શિષ્ટ ભાષામાં પૂછ્યું..કાકા આજે પંડિત હરિપ્રસાદ ચોરસિયાનું બાંસુરી વાદન છે તો આપણે સાંભળવા જઈશું ..?
કાકાશ્રી ઉવાચ્યા.. એક કામ કર બેટા એમને આપણા ઘેર જ બોલાવી લ્યે, સાથે જમશું ,અને તારો આટલો આગ્રહ છે તો દસ પંદર મિનીટ એમને સાંભળી લઈશું..
મારા તો મગજના તમરાં બોલી ગયા..!!!
દાઝ તો એવી ચડી કે પેલા નો ફોન તોડી નાખું પણ …
આવું છે ભાઈ…!!
એક અજ્ઞાની એ છાપામાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે શાસ્ત્રીય સંગીતના જલસામાં અમદાવાદીઓ સ્ટેટ્સ માટે આવતા હોય છે ..
રાણી નો હજ્જીરો સ્ટેટ્સ..!
ભારતીય શાસ્ત્રીય સંગીત તો સામવેદ છે ,આ `જલસા` તો આત્મા ને ઉજાળવાના અવસર છે બેવકૂફ, નાદબ્રહ્મ ની સાધના અને ઉપાસના ના મહામૂલા દિવસો છે..
સાત સૂર રૂપી દેવતાઓ ના આલિંગન થકી આત્મસાત કરી અંતરમાં ઉતારવાના દિવસો..!
સમજ સમજ ગુન ગાવો ગુની મેં
જો તુમ ગુન કી રીત હી જાનો
સપ્ત સૂરન સે ગુન કો પીછાનો
ગુની ગુનિયન મેં સબ હી જાને
શુભ રાત્રી
શૈશવ વોરા