બે દિવસ પેહલા કૈક અધકચરા સમાચાર વાંચ્યા..BOI ની એલ.સી. HDFC એ લીમીટ પૂરી થઈ ગઈ છે એમ કરીને પાછી મોકલી..
અત્યારે જયારે આજના સંજોગોમાં જ્યારે આખે આખી બેન્કિંગ સીસ્ટમ ઉપરથી જનતાનો ભરોસો હાલી ગયો છે ત્યાં આવા અધકચરા સમાચાર વિચારતા કરી મુકે..
લીમીટ કોની પૂરી થઇ ગઈ ? BOI ની કે પછી જે પાર્ટીએ એલસી મૂકી હતી એની ?
બધું ગોળ ગોળ છે સમાચારમાં..
એક પછી એક કૌભાંડો હાથ આવતા જાય છે, અને લોક મોઢા પણ ખુલતા જાય છે જેટલા મોઢા એટલી વાતો આવતી જાય છે, ક્યાંક ખોટી અને ક્યાંક સાચી,
પણ હકીકત એ છે કે છેલ્લા બે દસકામાં બેંકોએ રીતસરની “લ્હાણી” કરી છે રૂપિયાની..
માધુપુરા પછી પણ એકપણ સરકારે કોઈ જ “સબક” લીધો નથી..
સરકારો ખેડૂતોને લહાણી કરતી આવી છે, અને બેંકો ઉદ્યોગપતિઓ ને..
આ બધાની વચ્ચે ક્યારેક કોઈક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે ઓફ ધ રેકોર્ડ વાત કરતા હોઈએ ત્યારે એવા એવા આંકડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ આપતા હોય છે કે પગ થી માથા સુધી ધ્રુજી જવાય..
હમણાં એક સીએ ને ત્યાં બેઠો હતો, એ સીએ આપણો બાળપણનો “ચેલો” છે, બિચારો થોડુક ડરતા ડરતા બોલ્યો અને એક પછી એક જે ફીગર્સ બોલતો ગયો,ઓફિશિઅલી એ બોલી શકે તેમ નથી અને હું લખી શકું તેમ નથી, પણ મભ્ભ્મમાં કહું તો નીરવો અને વિજયો બે ભેગા કરો તો પણ નાં પોહચાય એટલા મોટા મોટા ધિરાણો ખાલી અને ખાલી અમદાવાદના “મગરમચ્છો” ને બેંકો એ કર્યા છે..બાપરે ..!!
આખી વાત ત્યાંથી નીકળી,
હું એ સીએને ત્યાં મારા કામથી બેઠો હતો, અને એના ટેબલ ઉપર પડેલી એક ફાઈલ ઉપર નજર પડી ગઈ અને એટલે મારા મોઢામાંથી નીકળી ગયું “લાલા તું આમાં ક્યાંથી ભરાયો આનો તો પડછાયો ના લેવાય…”
એક “પાર્ટી”, જેને ત્યાં હું ૯૮-૯૯માં થોડાક લાખમાં ભરાયો હતો અને પછી એમાંથી નીકળતા મારો દમ નીકળી ગયો હતો, અને થોડા સમય માટે ફાઈનાન્શિયલ “ઘપલા”માં એ પાર્ટીનો સગ્ગો ભાઈ સાબરમતીમાં રહી આવ્યો હતો એની ફાઈલ હતી.!!
સીએ થયેલો મારાથી બાર વર્ષ નાનો મારો લાલો બોલ્યો સાચી વાત છે શૈશવભાઈ, તમે માનશો અત્યારે આ એટલી મોટી પાર્ટી છે અને અધધધ રૂપિયા બેંકો પાસેથી એણે ઉપાડ્યા છે..અને પછી જે આંકડો લાલાએ આપ્યો મારું દિમાગ ચકરી ખાઈ ગયું..!!
૯૮-૯૯ ને હજી કઈ સદીઓ નથી વીતી, જેની પાસેથી લાખ કઢાવતા મારા ફીણ પડ્યા હતા એની પાસેથી બેંકો અબજો કેમના કઢાવશે..??
પણ પછી મેં મારા મન ને મનાવ્યું કે ભાઈ ૯૮-૯૯ પછી તો સાબરમતીમાં નર્મદાના પાણી આવી ગયા અને તું જેમ આટલા વર્ષથી બજારમાં બેઠો છે એમ એ પાર્ટી પણ બજારમાં જ બેઠી છે, અને એણે પેહ્લેથી મોટા ખેલ ખેલ્યા છે, એટલે ક્યાંક પાસા પોબાર પડ્યા પણ હોય, અને તું ધારે છે એવું ના પણ હોય..!! ઈશ્વર કરે અને એવું ચોક્કસ ના હોય..!! પણ આપણે દાઝ્યા હોઈએ એટલે શંકાકુશંકા તો થઇ જ જાય છે..
જો કે અત્યારે તમામ સરકારી અને પ્રાઈવેટ બધી જ બેંકો પોતાની આપેલી લીમીટો ને રીવ્યુ કરી રહી છે ને મોટે પાયે બદલીઓ કરી રહી છે, એક જ જગ્યાએ જામી પડેલા સ્ટાફને એક જ દિવસમાં ક્યાંક ખૂણે ફેંકી દેવાય છે અને લગભગ એક એક ફાઈલ ચેક થઇ રહી છે..
બ્લેસીન્ગ્સ ઇન ડીસગાઈસ..
બધું એકવાર ચોખ્ખું થઇ જશે પછી ઘણી નિરાંત થશે પણ અત્યારનો સંક્રાતિકાળ તો અઘરો જ રેહ્વાનો..
મને કોઈકે ટોક્યો હતો કે ભાઈ તું નીરવો ને વિજયો કે લલીલ્યો એવું કેમ લખે છે ?
લખવામાં તો “માન” રાખ..??
હું માનું છું કે આ ત્રણ વ્યક્તિ અને એના જેવા બીજા લોકો જેટલા છે એ બધાને આપણે સમાજે જ નજરમાંથી ઉતારી નાખવા પડશે..વિજયો લંડનમાં ક્યાંક રખડવા નીકળ્યો હતો તો ત્યાં એક મારા જેવા દેશી એ “ચોર ચોર” કરીને બુમો પાડવાની ચાલુ કરી દીધી હતી, જરાય ખોટું નથી જેને સરકાર સજા નથી કરી શકતી એને સમાજે ચોક્કસ “લઇ પાડવો” જ પડે..આજે એરપોર્ટ પર કે બીજે ક્યાંય કોઈને પણ ખબર પડે કે આ ભાઈ ફલાણા ના સગા છે અને એમના રૂપિયે એમણે પણ ઘણી “મોજ્યું” કરી છે તો પછી એના નામે પણ ચોર ચોર કરીને બુમો પડાવી જ જોઈએ ,
ફાઇનાન્શીઅલ ક્રિમીનલને સમાજ જો નજરમાંથી ઉતારી મુકે તો કમ સે કમ એ લોકો બીજાના આઇડોલ બનતા અટકે..
આજે ગધ્ધાપચ્ચીસીમાં જીવતા બધા જ “બાળકો” આ નીરવા,લલીલ્યા કે વિજયા જેવા “દાવ” શોધતા થઇ ગયા છે..
અરે અંકિલ કુછ તો કહી જુગાડ બીઠાઓ અપની લાઈફ સેટ હો જાયે..
જે જગ્યાએ આવા ફાઈનાન્શીયલ ક્રીમીનલો એ એમના અને એમના બાપદાદાના નામે પણ દાનધર્મ કર્યા છે એ બધાના નામના પાટિયા તાત્કાલિક સમાજે ઉતારી લેવા જોઈએ, જેથી આવનારી પેઢીને એક સંકેત મળે કે “અંડા ગંડા” કરીને કમાયેલા રૂપિયા બહુ “મોટા” થવામાં વાપરીશું તો ભાંડો ફૂટશે ત્યારે સાતેય પેઢીની વાર્તા પૂરી થઇ જશે..!!
“મોટા બેન્કિંગ” સિવાય ક્યારેય “મોટા” થવાતું નથી…
આજ ની ધંધાની દુનિયાનો સનાતન નિયમ છે..
અને સામે પક્ષે બેંકોને પણ એટલી જ રૂપિયા ધીરવાની ગરજ છે.. જો બેંકો રૂપિયાના ધિરાણ નહિ કરે તો લોકોને એફડી ના વ્યાજ ક્યાંથી ચૂકવશે ?
એક વ્યાજ ભરશે તો બીજા ને ચુકવાશે..
ખેડૂત નામની કોમ તો હમેશા આ દેશમાં રડતીને રડતી રહી છે એટલે વ્યાજ ભરવાની જવાબદારી એકલી અને એકલી વેપારી આલમ ઉપર જ છે અને બીજી ઓટો અને હાઉસિંગ લોનો લીધેલા નોકરીયાત વર્ગ ઉપર, એટલે ગમે તેટલા કૌભાંડ થાય પણ છેલ્લે તો આ જ બેંકોના મેનેજરોને નો`રા કરવા વેપારીઓ અને નોકરીયાત વર્ગ પાસે જવું જ પડશે..
નોટબંધી અને જીએસટીની આડ અસર હવે દેખાઈ રહી છે સમાજમાં લોકો બોલતા થઇ ગયા છે ૧૦૦ પર્સન્ટ ચેકના રૂપિયાથી પ્રસંગ કર્યો છે…!!
બહુ જરૂરી છે આ થવું ..
ઈમાનદારનો ગર્વ લેવો અને બેઈમાનને સરેઆમ બેઈજ્જત કરવો…
આપડે તો મોકો આવ્યે છોડતા જ નથી બુમ મારી જ લેવી “ચોર ચોર” અને હા સામે પક્ષે ઈમાનદારીની કદર રૂપે પર્સનલી સામેથી જઈને ગ્રેટ બોસ એટલું તો કહી જ દઈએ છીએ..!!
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા