અત્યારે સપ્તકનુ સંકલ્પ સપ્તાહ ચાલી રહ્યું છે , આવા પ્રોગ્રામ આવે એટલે અમારા જેવા માટે કાન ચોખ્ખા કરવાનો સમય ..
વર્ષમાં બે ત્રણ વાર સળંગ દસબાર દિવસ શુધ્ધ શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં જઈએ એટલે કાન સાફ થઈ જાય .. કમ સે કમ સાત ને પાંચ બાર સ્વરોના અંતર તો પાક્કા થઈ જ જાય ..
સંકલ્પ સપ્તાહની મજા એ કે મોટેભાગે કાળા વાળ વાળા કલાકારો આવે , ચડતું લોહી .. આપણને ગમે નવી પેઢીના જોશ અને ડેડીકેશન જોવા ,સાંભળવા ..
સરસ કમિટેડ પેઢી છે , શાસ્ત્રીય એટલે શુધ્ધ શાસ્ત્રીય કોઈ બીજી ઘાલમેલ નહીં ..
ઘી એટલે ઘી પછી એમાં બટર , પીનટ બટરને બીજા એવા કોઈ નખરા નહીં એટલે વધારે ગમે..
અત્યારે પાછળ બેઠેલા બાળકોમાં …
અહીંયા બાળક એટલે વીસ વર્ષ ઉપરના સમજવા , શાસ્ત્રીય સંગીતમાં પણ રાજકારણ જેવું હોય પચાસ વર્ષે જુવાન થાય આધેડ નહિ , સામે પક્ષે શાસ્ત્રીય સંગીત ગાવા વગાડવાવાળા ને જો કોઈ અપલખ્ખણ ના હોય તો નેવું તો રમતા પાર કરે એટલે ઘડપણ એમને છેક એંશી ઉપર ચડે.. એટલે આધેડ થવા માટે પાંસઠ પાર થાય પછી એ અવસ્થા આવે .. જ્યારે સામાન્ય માણસ વૃધ્ધ થઈ ચૂક્યો હોય …
એની વે પાછળ બેઠેલા બાળકોએ શીંગ ચણાનો ડબ્બો ચાલુ કાર્યક્રમે કાઢ્યો..
આપણને આપણા દિવસો યાદ આવી ગયા … એક કાકા હતા , રાગ રાગિણી ,તાલમાં બહુ સમજ નહીં પણ આવીને બેસે , હવે ગાદલા ઉપર ભારતીય બેઠક હોય ,અમારું બાર જણનું ટોળું, કાકા રોજ અમારી પાછળ આવીને બેસે .. થોડાક દિવસ પછી એમની કાપડની થેલીમાંથી ચોકલેટો નીકળી , અમારા બધામાં વેહચાઈ , ધીમે ધીમે એમની કાપડની થેલી જાદુની પોટલી થઈ ગઈ , પાણી , ચોકલેટ , વેફર , શીંગ ચણા આવું ઘણું બધું નીકળે..
એક દિવસ કાકા મોડા પડ્યા એટલે અમારા ગ્રુપમાં એક “વાંદરી” બોલી.. કેન્ટીન આજે નથી આવી ???
અમારું ટોળું બિલકુલ વાંદરા , વાંદરીઓની સેના જ હતી .. જબ્બર તોફાની ..
કાકાનું નામ “કેન્ટીન” પડી ગયું.. વર્ષો સુધી કાકાની “કેન્ટીન”નો લાભ લીધો ..
અત્યારે પાછળના શીંગ ચણા જોઈને ચાલુ કાર્યક્રમે કેન્ટીન કાકાની યાદ આવી એટલે મારાથી બારેક વર્ષ નાના એક જૂના વાંદરાને મેસેજ કર્યો કે કેન્ટીન ક્યાં છે ?
સામે વાંદરા એ જવાબ આપ્યો અપ્સરાઓના નૃત્ય જોવે છે ,યક્ષ, ગંધર્વોને ચોકલેટ આપે છે ..
મેં કીધું પત્યું ત્યારે.. પણ તને કેમની ખબર પડી ? તારા બાપાનો ફોન આયો તો ? કે અપ્સરાઓ ના નૃત્ય જોવે છે ?
તો વાંદરો કહે હા હમણાં થોડા દિવસ બાપા નર્કમાં ચૂડેલોથી કંટાળ્યા હતા એટલે અપ્સરાઓ પાસે આવ્યા હતા.. પણ હવે તારે કેન્ટીન બનવાનું ડોહા..
મેં જવાબ મોકલ્યો .. ડોહા ? ??? બુઢ્ઢા હોગા તેરા બાપ.. !
સામે હસવાના ઇમોજી આવ્યા .. અલ્યા કીધું તો ખરું એ તો બુઢ્ઢા થઈને કેન્ટીનની બાજુમાં બેઠા છે..
હે ભગવાન .. મેં કીધું ઊંઘી જા ચૂપચાપ રાતના બાર થયા.. સવારે તારે તારા બૈરાં ( માનર્થે બહુવચન )માટે ચા નાસ્તો બનાવવાના છે..
પણ “વાંદરો” મારો યાદોનો પટારો ખોલતો ગયો.. એક બાજુ ચંદ્રકૌંસ ચાલી રહ્યો છે અને આંખ સામે એક દૃશ્ય તરે છે..
સ્વર્ગીય ઉસ્તાદ અલ્લારખા ખાન સાહેબનું એકલ તબલા વાદન ચાલી રહ્યું હતું અને અમારી વાનર સેનાની આગળ એક કાકા બેઠા હતા.. ખોવાઈ ગયા હતા કાકા એમની ધૂનમાં , એમની ડોકલી આમતેમ ડોલે , ત્યાં સુધી તો ઠીક હતુ, પણ અચાનક એમને તાન ચડ્યું ..
આ તાન ચડ્યું શબ્દ પણ શાસ્ત્રીય સંગીતનો છે.. ઘણા બધા ઉસ્તાદો અને પંડિતો તાનો ગાતા ગાતા આખા ધ્રૂજી નહીં પણ “ધરૂજી” જાય , જાણે એમની સાથે ધરતી નહી પણ આકાશ ,પાતાળ , સકળ બ્રહ્માંડ જાણે એમની તાન સાથે તાલ મિલાવતું હોય એમ ધ્રુજે અને “ધરૂજાવે”…
હવે આગળ બેઠેલા કાકાને તાન ચડી અને ઉલળી ઉલળીને સમ આપે , ( તાલ નું એક આવર્તન પૂરું થાય અને પહેલી માત્રા ફરી આવે એને સમ કેહવાય )
જાન્યુઆરી મહિનો ઠંડી કહે મારું કામ .. કાકા માટે કાકીએ સારા સ્વેટર ગૂંથી ને બનાવ્યું હશે .. બહુ સુંદર સ્વેટર ..
આજકાલના બૈરાંઓ ને પૂછો તો કહે મોબાઈલમાંથી નવરી પડું તો સ્વેટર બનાવતા શીખું ને.. ભરત ગૂંથણ નામની કળા ઘરોમાંથી નામશેષ થઈ ગઈ,સામાન્ય બટન ટાંકતા પણ ..
એક આડ વાત કહી દઉં , ટિપિકલ પુરુષની જેમ અત્યારે મેં સ્વેટર માટે મહેણું માર્યું એમ એકવાર પરણવાની પ્રક્રિયાના ભાગ રૂપે એક દોઢ ડાહી ને અમે જોવા ગયેલા , ઘણી બધી વાતો કરી , આપણે તો જરાક માપમાં જ સવાલો કરતા હતા તો ખબર નહીં એ માનુનીને શું ટીખળ સૂઝી તો મને પૂછે , રસોઈ બનાવતા આવડે છે , શું શું બનાવી શકો છો ? આવું બધું નહીં પૂછો ?
મેં કીધું ના એવા ટિપિકલ સવાલોમાં રસ નથી મને ..
તો કહે એમ પૂછોને કે તમને સાડી પહેરતા આવડે છે ?
મને લાગ્યું કે આ આંટો ચડેલો નહીં છોડે એટલે મેં પૂછ્યું કે સાડી પહેરતા આવડે છે ?
તો ચાંપલી કહે તમને ધોતિયું પહેરતા આવડે છે ..??
હવે દોઢ ને ખબર નહીં કે આપણે રહ્યા વાંદરીપાનું બધ્ધે લાગીએ..
એટલે મેં કીધું હા આવડે પણ કયા પ્રકારની ધોતી ? ખેડૂત જેવી ? બંગાળી ? હવેલીમાં સેવકો પેહરે એવી ? મરાઠી લોકો જેવી ?
દોઢ ગભરાયા .. મને કહે સાચ્ચે આવડે ? પેહરીને બતાડવી પડશે.. હું ખુરશીમાંથી ઊભો થઈ ગયો મેં કીધું લાવ ધોતિયું ,છે તારા ઘરમાં ??
તો પાર્ટી સલવાઇ …. ના નથી ..
એટલે આપણે કીધું લાવ તારી મમ્મીની સાડી..
ત ત પ પ.. ચાલુ .. આપણી છટકી એક કામ કર સાડી લાવ અને તારા ભાઈને અંદર આ રૂમમાં મોકલ પેન્ટ ઉપર સાડી ની ધોતી પહેરવી નહીં ફાવે તું બાહર બેસ ,હું રેમ્પ વોક કરવા આવી જાઉં પછી, જા..
દોઢ ફુલ્લ ભરાયું ..
બકરી બરફ ખાઇ ગઈ ,કોઈક માથાનું મળ્યું એવું લાગ્યું .. એટલે મેં કીધું ચલ હવે બહાર બેસીએ..
પછી તો એને લાગ્યું કે હાથમાંથી ગયો આ મુરતિયો એટલે ચારેય બાજુથી દબાણો ચાલુ થયા એક બીજી મિટિંગ કરો ને કરો.. પણ આપણે પારણામાં અને બારણામાં નક્કી કરવા વાળા એટલે .. જેસી કૃષ્ણ કરી નાખ્યું ..
અત્યારે રાગ પરમેશ્વરી ચાલુ થયો છે અહીંયા લાયન્સ હોલમાં..
બેક ટુ સ્વેટરવાળા કાકા.. કાકાના સ્વેટરમાંથી એક ઊનનો છેડો નીકળેલો દેખાયો , બાર જણાંની વાનર સેનામાંથી ચાર બે વાંદરા અને બે વાંદરીઓ એ ઊનના દોરાને ખેંચવાનું ચાલુ કર્યું , ધીમે ધીમે મારા રોયાઓ લચ્છો માર્યો કાકાનું સ્વેટર ઉતેડી નાખ્યું ત્રણ ચાર ઇંચ.. કાકા તાનમાં ગુલતાન ..
લચ્છો પીલ્લામાં ફેરવાયો .. મારી નજર પડી ..
મેં મનમાં કીધું માર્યા ઠાર આ તો કાકો ભાનમાં આવ્યો તો મારામારી .. ચાલુ કાર્યક્રમમાં તો કંઈ થાય નહીં હોલ ખચાખચ ભરેલો .. આપણે ઈશારો કર્યો બબ્બે બબ્બે ભાગો .. વાનરસેના નીકળી ગઈ છેલ્લે એમનો ડાઘિયો ઉર્ફે શૈશવ કાકાના ઝભ્ભાના ખીસામાં પીલ્લું પધરાવીને બહાર ..
બાહર નીકળીને ગાડીઓ ભરીને ભાગ્યા સીધા વેસ્ટ એન્ડ , ગુજરાત કોલેજ ..
એ સમયે રાતે એક પછી ત્યાં જ ભોદીયા ભરતા.. નક્કી થયું આવતીકાલે પેલા ચાર વાંદરા નહીં જ આવે અને બાકીના બધાએ હોલમાં વહેંચાઈ ને બેસવાનું , કાકો અડધું ઉતેડાયેલુ સ્વેટર લઈને ઘેર જશે તો કાકી નક્કી પોંખશે..
બીજા દિવસે આઠે આઠ વાંદરા કાકાને શોધે પણ પછી દેખાયા નહીં એટલે હાશ થઈ ..
આવા આવા ધંધા કરતી અમારી વાનરસેના .. જરાક “મોટી” થઈ પછી મોટા કાંડ કરતી પણ ભારતીય દંડ સંહિતામાં ના આવે એવા નિર્દોષ કાંડ ..
અહીંયા રાગ પરમેશ્વરી પત્યો અને ભૈરવી ચાલુ થયો છે , એટલે આપણે પણ વિરામ લઈએ..
યાદ કરી લેજો તમે પણ તમારા કાંડ અને તમારા વાંદરા વાંદરીઓ ને ફોન કરી લેજો ..
કોઈને “વાંદરી” ને એમ થાય કે અમને સ્વેટર માટે મેહણા મારો છો તો તમે શું કરીને ઊંધા વળી ગયા?
જવાબ સાડી અને ધોતિયાવાળો આવશે હોં.. વાંદરીપાનું..!
સાદો ટાંકો ,સાંકળી ટાંકો , પુરણી નો ટાંકો, બટન ના ટાંકા , ગાંઠ નો ટાંકો આવું બધું હજી આવડે હોં.. સ્વેટર ના સોયા હજી મમ્મીનાં ઘરમાં છે , સાંકળી લેતા આવડતી , મમ્મીએ પપ્પા માટે બનાવેલું મફલર હજી સંઘરી રાખ્યું છે ..!
આપણે પણ હાથ અજમાવતા..
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*