જહાજમાં બેઠો છું , થોડાક દિવસથી ભારત ભ્રમણ ચાલી રહ્યું છે , ત્રણ દિવસમાં ત્રણ એરપોર્ટ ઉપર જવાનું થયું , નસીબજોગે દરેક એરપોર્ટ ઉપર કોઈને કોઈ ઓળખીતું મળી ગયું એટલે સમય ક્યાં કાપવો એ પ્રશ્ન જતો રહ્યો પણ આ ટ્રિપ ભયંકર આઘાત આપીને ગઈ …
બે યુવાનો મળ્યા , ચોક્કસ જિમ બડી રહી ચૂક્યા છે પાછલા વર્ષોમાં ..
નંબર એકની વાત .. સૌથી પેહલા એરપોર્ટ ઉપર મળ્યો , શૈશવભાઈ .. ઓળખ્યો …? આપણે આદત પ્રમાણે હા એ હા ઠોકી પણ કોઈ રીતે નામ યાદ ના આવે , છેવટે એ એક ટ્રેઈનરનું નામ બોલ્યો એટલે મેં તરત જ વિડિઓ કોલ લગાડ્યો , પેલા ટ્રેઇનરે એનું નામ લઈને બોલાવ્યો , ધીમે ધીમે મને બધું જ રિકલેક્ટ થયું …
છોકરો લોકડાઉન પેહલા લગભગ પાંત્રીસ વર્ષનો હતો , એની લવ સ્ટોરી બહુ ચાઉં થી સાંભળી હતી , મને યાદ આવ્યું એટલે મેં તરત પૂછ્યું લગ્ન કરી લીધા પછી લવ સ્ટોરી કેવી જઈ રહી છે ..??
બસ ,થયું ત્યારે… મોઢું ઊતરી ગયું ,સાપની પૂંછડી ઉપર પગ પડ્યો મારાથી .. પેહલા ઉદાસ થઈ ગયો અને પછી કથા ચાલી … માય ગોડ.. ડિવોર્સ પણ થઈ ચૂક્યા હતા અને જીવનનો આખો રસ્તો બદલાઈ ચૂક્યો હતો , છોકરી , સ્ત્રી નામે ભડકતો થઈ ચૂક્યો હતો એ જણ , કહાનીમાં એવું હતું કે ભાઈએ જે છોકરીને પ્રેમ કર્યો હતો તે એના માતાપિતાનું એકનું એક સંતાન હતું અને લગ્ન પછી સસરાએ જીદ પકડી કે તું ઘરજમાઈ થઈ જા.. આ ભાઈનો મેઈલ ઈગો હર્ટ થઈ ગયો , એની બાયડીને કસમે વાદે યાદ કરાવ્યા , આપણે એકલા અને જુદા રહેવાનું નક્કી થયું હતું પણ હવે તું તારા બાપના ઘેર રહેવાની જીદ કરે કેમ ચાલે ? રોજની તડાફડી ચાલુ થઈ અને ત્યાંથી એકબીજાને મારામારી કરી કરી લેતા થઈ ગયા.. છેવટે કોર્ટમાં જઈને કશું જ એકબીજાનું લીધા દીધા વિના છૂટા થયા, આજે પણ સંપર્ક ખરો …!! એક બીજાને શારીરિક , માનસિક અને લાગણીનો સપોર્ટ ખરો.. પણ બંને છૂટા ..!!!
અલ્યા તારી ભલી થાય .. !!
તો તું વાંઢો કે લુખ્ખો ? એક સવાલ પૂછો એને એટલા લાંબા લાંબા જવાબ આવે કે ના પૂછો ને વાત …!!
બધા જ જવાબ ઉટપટાંગ , આપણા મગજને બિલકુલ સેટ જ ના થાય…!
જેનાથી છૂટા થયા એના તે ફરી નામ શું લેવાના ? આ તો એની જોડે હરવા ફરવા જાય , વાતો ય થાય, પણ અડી અડી ને છુટ્ટા..!!
મને તો ગભરામણનો પાર નહી કે આ જણ કેમનો જીવે છે ??? પાછો એવું નહીં કે એની જ જોડે રખડે , બીજી પણ ચાર પાંચ .. અને વાત વાતમાં ભગવાનની અને આધ્યાત્મની વાતો ઉપર પણ ચડી જાય પાછો …!!!
સાલુ નિશાળેથી નીસરી પાંસરા ઘેર જાવું આવું બધું કશું નહીં.. એક્સ વાઇફ છે તો ધ્યાન તો રાખવું પડે ને…!!
બધી વાતો સાંભળ્યા પછી એવું લાગ્યું કે ગુણ નહીં પણ અવગુણ મળેલા , સ્ત્રી કે પુરુષ જેવું એમના સબંધમાં હતું જ નહીં , ગંદી ગાળાગાળી,દારૂ, અને બીજા બધ્ધા ના કરવાના કામ જોડે રહીને કર્યા , શીખ્યા ,શીખવાડ્યા એકબીજાને અને પછી પતન અધઃપતન સુધી જતું રહ્યું ..! ચાલીસ પિસ્તાલીસના થયા પણ લડખપન ખેલ મેં ખોયા .. જવાની નીંદ મેં સોયા.. બુઢાપો આવશે ત્યારે જોયું જશે… ત્રણ કલાકની એ મુલાકાત એમ થઈ ગયું કે બસ…
પણ ખબર નહીં કુદરતને શું દેખાડવું હતું … બીજા દિવસે બીજા એરપોર્ટ ઉપર બીજો કલાકાર ભટકાયો.. ભૈયા… !! શૈશવ ભૈયા.. !!
છ આઠ મહિને જોયો.. જબરજસ્ત પથ્થર જેવું શરીર એનું એમાંથી ચૌદ પંદર કિલો વજન ઉતરી ગયું હતું , આંખો સાવ પાતાળે,કાળા કાળા કુંડાળા.. મેં ખુલ્લા હાથે આવકાર્યો .. આવ બચ્ચા.. આટલું વજન કેમનું ઊતરી ગયું ? ભરી દુનિયાની સામે ભેટી પડ્યો , શરીર સાવ પોચું પડી ગયું હતું ,ખબર પડી ગઈ કે કસરત બંધ છે.. સાલો એવો ચોંટ્યો કે ઉખડે જ નહીં .. મેં બરડે હાથ ફેરવ્યો , એરપોર્ટ ઉપર ભરી બજાર જોવે કે કોઈક છોકરો કાકાને બાઝી પડ્યો છે .. માંડ માંડ અલગ કર્યો તો આંખમાંથી ધાર થાય .. મને ફાળ પડી મેં કીધું અલ્યા શું થયું ???? હજી પરણ્યાને પાંચ મહિના થયા છે ત્યાં ..??
કાકા જબ્બર મારે છે મને , અમે આ શહેરમાં એકલા રહીએ છીએ, એણે જોબ છોડી દીધી છે અને ઘરમાં બેઠી બેઠી પાકિસ્તાની ,કોરિયન એવું બધું જોવે છે અને હું જોબ ઉપરથી ઘેર જાઉં એ ભેગી મારી ઉપર તૂટી પડે છે ,ગાળો બોલે , જબ્બર મારે મને, સાંજના સાતથી નવ આ બધું ચાલે.. પછી ચીસો પાડે રડે ..છેક અગિયાર વાગે જમવાનું બનાવે અને પછી અમે જમીએ શારીરિક સંબંધ બનાવીએ પછી જ મને ઊંઘવા દે.. મારી ઊંઘ પૂરી નથી થતી, સખ્ખત પરેશાન છું ,એના મમ્મી પપ્પા અને મારા મમ્મી પપ્પાને વાત કરી પણ કોઈ વચમાં પડવા જ નથી માંગતું ..લગ્ન પછી એક રાત મને એકલો નથી મૂક્યો … મેં કીધું અત્યારે ક્યાં છે…?? તો દૂર બેઠેલી ખૂણામાં બેઠેલી બતાવી ..
સાલુ આગલા દિવસની ત્રણ કલાકની કથા સાંભળેલો હું છૂટવા માંગતો હતો એટલે મેં કીધું જા જા પાછો તને અહીંયા ઠોકશે જાહેરમાં.. તો બોલ્યો હું તો ઈચ્છું છું કે આ એરપોર્ટ ઉપર મને મારે અને અહીંના કેમેરામાં આવે તો મારે ડિવોર્સ લેવામાં આસાની રહે ..!!
ઓ માડી રે… મને થયું હું ક્યાં સલવાયો ??? આ તો ફૂલ ભવાડો કરવાના મૂડમાં છે…!
અહીંયા ભવાડો થયો તો લેવા દેવા વિનાનો હું ભરાઈશ.. !!
પણ એ જ વાતો , સ્ત્રી પુરુષનો ભેદ જ નહીં …..!!!
એકબીજા માટે માન સન્માનની કોઈ વાત જ નહીં બસ બે મિત્રો રહેતા હોય , મિત્રો પણ નહીં રૂમમેટ ની જેમ રહેવાનું , અને છૂટા પડવા ઝંખવાનું પણ છૂટા નહીં થવાનું , છેવટે હિંસક સ્વરૂપ ધારણ કરે..
કલાક અવગુણો ગણાવ્યા , મેં કીધું એકાદો તો ગુણ જોયો કે નહીં ???
સર અમે એકસ્ટ્રીમ છીએ બેડમાં.. તારી ભલી થાય.. મારે એ બધું નથી સાંભળવું પણ પાંચ મહિનામાં ગળે આવી ગયેલો માણસ શાબ્દિક ઊલટીઓ કરી રહ્યો હતો , મારામારી થકી બંધાતો શારીરિક સંબંધ હવસ નું રૂપ લઈ ચૂક્યો હતો ,બંને વિકૃત થઈ ચૂક્યા હોય એવું લાગ્યું , પોતાના માતાપિતાને પણ ફોન કરી અને ઝઘડા મારામારી સંભળાવતા થઈ ગયા હતા..
નસીબ સારું હતું કે મારા જહાજ પકડવાનો સમય થઈ ગયો હતો એટલે મેં કીધું તમે બંને ડોક્ટર પાસે જાવ અને કાઉન્સેલિંગ કરો , અને તારો નંબર આપ મને.. એણે તરત મને મિસ કોલ કર્યો, મેં જહાજમાં બેસી પેહલુ કામ એને બ્લોક કરવાનું કર્યું…!!
અસહ્ય થઈ ચૂક્યું હતું મારા માટે..!!
કઈ તરફ બધું જઈ રહ્યું છે …???
ચકો ચકી એકબીજાને શું આપી રહ્યા છે ? સમાજ ક્યાં જઈ રહ્યો છે ? ભણેલા ગણેલા , બુદ્ધિવાળા છોકરા છોકરીઓ લગ્ન કરવાથી સખ્ખત ડરી રહ્યા છે , અને જેને સમજણ નથી એને બસ લગ્ન કરી જ લેવા છે પણ સામેવાળું પારખી લ્યે છે એટલે વાત વધતી નથી આગળ ..
કયા સમાજનું નિર્માણ થઈ ગયું છે …??
પોઝિટિવિટીના વાયરામાં સમાજ રચના તૂટી ગઈ છે કે શું ????? બાળક નામે કોઈ ફંક્શનમાં દેખાતું નથી ..!! એક સમય હતો લગ્નોમાં ચારેય તરફ બાળકો દોડતા દેખાતા હતા આજે પાંચસો સાતસો જણમાં ચાર પાંચ બાળક માંડ દેખાય છે..
ક્યાં જતા રહ્યા છીએ ?????
નકરા વાંધા અને વાંઢા…!!!!!!
વાંક કાઢવો બહુ સહેલો છે , નિભાવવું અઘરું છે , પ્રેમ કરવો પડે એ પણ વગર શરતે …!!
રૂપિયાની લેવડદેવડ બંધ થઈ ગઈ પણ સપનાઓની , લાગણીઓની લેવડદેવડ ચાલુ થઈ ગઈ છે…!!
નહીં પોહચી વળાય આને… વાંઢો અને વાંઝિયો સમાજ થઈ જશે…!
સાથે રહો સંતાનની , સાથે રાખો અપેક્ષા વિના , પ્રેમ કરો અને પ્રેમ કરતા શીખવાડો .. જાતે નિભાવી જાણો ..
સંતાનને કહી બતાડવાથી સંતાન ક્યારેય નહીં શીખે , એને કરી બતાવો તો જ શીખશે..!!!
જીવન અઘરા થતા જાય છે…!!
સંપતિ સંતતિને હણી રહી છે ,ઘરમાં ચાલીસ વર્ષના કુંવારા, ડિવોર્સી,કે નિઃસંતાન સંતાનો છે તો જાણજો જીવી બતાડવામાં પાછા પડ્યા તમે..!! તમારા આચાર પાછા પડ્યા , એકલા સારા વિચારોનું કોઈ જ મહત્વ નથી..!!!
જહાજમાંથી બાહર નીકળીને તરત આવતી જેટ ફ્યુઅલના બળવાની રનવે ઉપરની ગંધ નાકમાં ભરાઈ ગઈ છે , સાથે સાથે લેન્ડિંગ પછીની જહાજના ટાયરોની ગંધ પણ ઉમેરાઈ છે..
છસ્સો કરોડ લોકોની ભરી દુનિયામાં મારી છવ્વીસો લોકોની ફોન ડાયરી અને એમાં પણ બ્લોક નંબરો.. સ્વાર્થી થવું પડે , ગમ્મે તેટલું સોફ્ટવેર મજબૂત રાખો પણ એક એપિકે ફાઇલ આખો ફોન હેક કરી અને ખાતા સાફ કરી મૂકે એમ એક નબળો વિચાર જો આગળ વધવા દઈએ તો આપણા ખાતા સાફ થઈ જાય…
હવે ના પોસાય.. અડધે આવ્યા છીએ , મેળવ્યું છે ભેગું કર્યું છે તે આપવાનો ડિલિવર કરવાનો સમય આવ્યો છે..!!
વાંઢા અને વાંઝિયા સંતાનો મૂકીને જવું એ ઉચ્ચ વિચાર પણ નિમ્ન આચારનું પરિણામ છે…!!
ફરી એકવાર, ફક્ત સારા વિચારથી ઉછરેલા સંતાન એકલપેટા થશે .. સારા આચારથી ઉછરેલા સંતાન જ ઘર પરિવાર બનાવશે..!!
કહી બતાડવાથી સંતાન ના માને, એને કરી ને બતાડવું જ પડે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*