વૈશ્વિક મહાસત્તાઓ પોતાના રંગ બદલી રહી છે ,
ચોસઠ વર્ષ પછી કોઈ અમેરિકન પ્રમુખ બીજા રાષ્ટ્રના પ્રમુખને લેવા એરપોર્ટ ઉપર આવ્યા ..!!!
સમય સમય બલવાન ….!!
ચાર દસકા પેહલા જે દેશ માટે કોઈને કશી મોટી અપેક્ષા નોહતી એ દેશના પ્રીમિયરને લેવા અમેરિકન પ્રમુખ પોહચી ગયા ..!!
દુનિયાની મહાસત્તાઓના સમીકરણો બદલાઈ ગયા છે ,
એરપોર્ટ પરનું આ વેલકમ સીધું એનાઉન્સમેંટ છે કે હવે અમેરિકા પછી બીજો નંબર રશિયા નહીં પણ ચીન દેશ છે..
એક પાયદાન રશિયા નીચે અને ચીન ઉપર આવી ગયું..!!
દુનિયાભરનું પ્રોડક્શન હાઉસ કહેવાતું ચીન એઆઈમાં પણ આગળ નીકળી ગયું અને જગત મોઢું વકાસીને જોતું રહ્યું ,
ઇલેક્ટ્રિક વેહિકલની ક્રાંતિમાં અમેરિકા હજી દમખમ બતાવે એ પેહલા ચીન બાજી મારી ગયું , હવે એઆઈમાં પણ એ જ પરિસ્થતિ..!
આપણે …??
વિદેશનીતિ મજબૂત, સમય વર્તે સાવધાન ..!
પણ સંશોધનના નામે મીંડુ , ડ્રોન બનાવવામાં સૌથી છેલ્લા , ઉપગ્રહ ચડાવવામાં પ્રાઇવેટ કંપનીઓને આગળ લઈ જવામાં તો સૌથી છેલ્લા , એક્રાફ્ટ ના એન્જિન ???
માલદીવ , બંગલા દેશ જેવા નાના દેશો સાથે સરખામણી કરવી યોગ્ય નથી કેમકે આપણે જગતમાં સૌથી વધુ વસ્તી ધરાવીએ છીએ એટલે નીચુ નિશાન લેવું એ પોસાય નહીં ,શાહમૃગ વૃત્તિનો ત્યાગ કરવો જ રહ્યો..
શું ફર્ક પડે ..?? નંબર ત્રણ નંબર બે થઈ જાય તો ..??
તમારી સીધી સરહદ અડે છે.. અને મહાસત્તાઓને નજીકના પડોશીઓ સાથે કંઈકને કંઈક સળીસંટા રોજ ના ચાલ્યા જ કરતા હોય છે , સોવિયત યુનિયનનું વિભાજન થયું ત્યારે નક્કી થયું હતું કે જેટલા નવા પેદા થયેલા નાના નાના દેશો છે એ બધા બફર ઝોનમાં રહેશે , કોઈને નાટોમાં નહીં ભેળવીએ ,
પણ કીડો ઉપડ્યો યુક્રેનને અને જંગ છેડાઈ ગયો , પોતાની ધરતી કુરુક્ષેત્ર થઈ ગઈ , દુનિયાના બળાબળ ના પારખા ત્યાં થવા લાગ્યા .. નખ્ખોદ વળી ગયું આખા દેશનું..અંતહીન યુધ્ધ તરફ જતો રહ્યો આખો દેશ..
આ ઉલટફેરથી હિમાલય રણભૂમિ બની અને દુનિયાના બળાબળના પારખા કરવાની જગ્યા ના બની જાય એનું ધ્યાન રાખવું પડશે , કેમકે “બુલી” કરવાની આદત એમ નહીં જાય ..
બીજી ખતરનાક અસર એ છે કે પશ્ચિમ બહુ સ્ટ્રોંગલી માનતુ થઈ ચૂક્યું છે કે આ રફતારથી ભારત આગળ વધ્યું તો બીજું ચીન થશે અને એ તો હરગીઝના થવા દેવાય..!
આ જગતમાં સત્તા બે પ્રકારની ચાલે છે ,એક જેને આપણે રાજ્યસત્તા કહીએ છીએ તે અને બીજી છે ધર્મસત્તા ..!!
ભારત દેશ આગળ વધ્યો તો કઠણાઈ એ છે કે એકલી રાજ્યસત્તાને નહીં પણ ધર્મસત્તાને પણ પડકાર મળે ..!!
બધું સમૂળગું નાશ પામે ..
પશ્ચિમ ધર્મ પ્રત્યે ઘણી ઉદારતા બતાવે છે પણ હકીકતે એશિયન ધર્મોથી હવે જરાક ભયના માહોલ બહુ મોટા વર્ગમાં આવ્યા છે..
ચીન અને રશિયામાં આ બાબતે ઘણી શાંતિ , ધર્મસત્તા ને રાજ્યસત્તાએ કોરાણે મૂકીને ઠેકાણે કરી મૂકી છે , આચાર વિચાર , ખાન પાન,પહેરવેશ ત્યાં સુધી કે જન્મ મરણ અને પરણ બધામાં પશ્ચિમને ઘણી બધી રીતે આ બે દેશોએ સ્વીકારી લીધું છે ..
આપણે જરાક એમાં પણ સામા થઈએ એટલે તકલીફ વધારે …
આપણા ખાન પાન સુધી વાંધો નથી પણ સાંસ્કૃતિક હુમલો ??
હવે બીજી વાત ..
કોણ ઊભું ઊભું વેચાઈ જશે અને કોણ બચી જશે ???
એક થિયરી એવી છે કે બલુચિસ્તાનનો જન્મ કરવો , જે અડધું ઈરાન અને અડધું પાકિસ્તાનમાં છે .. એકવાર નવો દેશ પેદા કરીએ તો એના ખાણ ખનીજો ત્રણેક દસકા સુધી મોજથી વપરાય , ઈરાન ની તાકાત પણ અડધી થાય અને રહી વાત પાકિસ્તાનની તો સમજ્યા હવે ..
ડાઇનિંગ ટેબલ ઉપર કપાઈ જાય કેક ..
આ થઈ આપણને ગમતી વાત , પણ હવે ના ગમતી વાત ..
ચાબહર ,ગ્વાદરથી રસ્તો પાડી અને સીધો કાશ્મીરમાં થઈને ચીન દેશમાં લઈ જવા દેવો અને ખાણ ખનીજો તમે અને અમે ભેગા બેસીને પછી જમીશું ..
તો આપણને ત્રાસ ત્રાસ થઈ જાય ..!
રીતસર ઉગમણું આથમણું બંને ઘેરાઈ જાય ..
બીજું તુર્કી , અઝરબૈજાન , સાઉદી વગેરે વગેરે થી ભારતને પજવતું રહેવું ..અને ભારત ફક્ત અને ફક્ત ઈમ્પોર્ટ કરતો દેશ બની રહે ..
જબ્બર કફોડી પરિસ્થિતિમાંથી આપણે નીકળી રહ્યા છીએ , ચારેબાજુ સળગતું છે અને આડોશપાડોશના છેંછીયા ડોળા બતાવે છે , સાર્ક ને ઊંઘાડી દેવું પડ્યું છે , એક સમયે એવી કલ્પના હતી કે સાર્ક થકી અખંડ ભારતની નજીક જતા રહીશું પણ અત્યારે તો સીધા મોટા પડદે ખેલ ખેલવા પડે છે..
વેપાર કેવા અને કેટલા ગોઠવાય છે આ મિટિંગમાં એની ઉપર ભારતની દિવાળી થશે .. ડી ડોલરાઇઝેશન વાળી વાર્તા ચાઇનીઝ પ્રીમિયર “શહીદ” કરતા આવે તો બ્રિક્સ પણ સાર્ક થઈ જાય ..
યુરોપે લગભગ ગ્રીનલેન્ડને તાસક ઉપર ધરી દીધું છે અને હવે રાજા ચાર્લ્સ ત્રીજા એમના અધિપત્યમાંથી કેટલું છૂટું મૂકે છે એની ઉપર યુરોપ નું ભવિષ્ય નક્કી થાય , જરાક નાક દબાવી ને રશિયાનો ડારો આપે સમય સમય ઉપર એટલે યુરોપ હા માં હા મિલાવે , આપણે ત્યાં પડોશમાં જઈને યુરોપિયન યુનિયનના નેતા ભાંગરો વાટી આવ્યા , જો કે સામે જડબાતોડ જવાબ આપી દીધો એટલે હાલ પૂરતું કોઈ સામું નહીં જોવે પણ કાશ્મીરનું આંતરરાષ્ટ્રીયકરણ થયું છે એને જગત પાસે હવે ઝટ ભૂલવાડવું પડે ..
બીજું બધું ઘેર ગયું પણ રૂપિયો જો સો નું લેવલ તોડી ગયો તો એકસો ત્રીસ એ ઊભો રહેશે અને એવું થાય તો અહીંયા મોંઘવારી માઝા મૂકે,જો કે અત્યારે પણ કંઈ સસ્તું નથી ..
સોનુ , ઇલેક્ટ્રોનિક્સ અને ક્રુડ ઓઈલ આ ત્રણ આપણા વિદેશી હૂંડિયામણ ના દુશ્મન ..
છેલ્લો ફકરો .. એક વિદેશમંત્રી નહીં બે વિદેશમંત્રીની જરૂર છે, અને એક એનએસએ નહીં પચાસ એનએસએ જોઈએ અત્યારે એટલી વોલેટાઈલ , ફ્રૅજાઈલ દુનિયા થઈ ચૂકી છે ..
ફૂંકી ફૂંકીને ડગલા માંડવા પડે તેમ છે , ચીન દેશને સૌથી મોટ્ટો ફાયદો એ છે કે સાહીઠ ના દાયકા પછી કોઈ મોટું યુધ્ધ જ નથી લડ્યા , લગભગ પોતાના માટે જ ખજાનો ખાલી કર્યો છે .. આંતરિક કે બહારી યુધ્ધ કોઈપણ દેશની તિજોરી ખાલી કરે ..
જગતની શતરંજમાં પેંદુ આજે આઠ સ્ટેપ ચાલી ગયું છે અને પોતાના જ વજીરને મ્હાત આપીને એની જગ્યાએ ગોઠવાઈ ગયું છે ..
જગતની આ બાજીમાં સૌથી મોટી કમબખ્તી એ છે કે મોહરા રંગ પણ બદલે છે , ચાલ પણ બદલે છે ( ઘોડો અઢી સ્ટેપને બદલે ત્રાંસો પણ ચાલે ) અને વફાદારી પણ બદલે..
ઘર ચોખ્ખા કરો …
ઘરના “જયચંદો” વધુ નુકસાન કરે …
થોડામાં ઝાઝું જાણજો ધણી ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*