ભારતીય વિમાન પતન પ્રાધિકરણ ઘોર નિંદ્રામાં છે,
ઈથોપિયન એરલાઈનના બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ના ક્રેશ લેન્ડીંગ પછી ધીમે ધીમે દુનિયાભરમાંથી બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ને ઉડવા ઉપર પ્રતિબંધ મુકવાનું ચાલુ થયું છે..
છાપા લખે છે કે ભારતમાં સ્પાઈસ જેટ અને જેટ એરવેઝ ના બેડામાં આ બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ઉડાન ભરી રહ્યા છે..
આપણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યા છીએ ?
અમેરિકામાં પણ એક મજબૂત માંગ ઉઠી છે કે બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ને જમીન પર ઉતારી લ્યો..
બોઇંગ એ ૭૩૭ મેક્સ ૮૦૦ના એન્જીનમાં કૈક “હળી” કરી છે, વધુ એફિશિયન્ટ એન્જીન બનાવ્યું છે, સાદી ભાષામાં કહું તો વધુ એવરેજ આવે એવું કૈક કર્યું છે આપણી દેશી સ્પાઈસ જેટ એ તો ૧૨૬ જહાજ માંગ્યા હતા અને ખાલી `તેર` જ મળ્યા છે..!
હાશ ભગવાન સારું થયું ..!!
આ “એવરેજ લેવા”ના ચક્કરમાં અમારા જેવા કેટલાય ના કારણ વિનાના `વિમા પાકી` ગયા હોત..!!
ચીન દેશે તો એમની હવાઈ સીમામાં પણ બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ને ઉડાડવાની નાં પાડી દીધી છે, ઉપરા ઉપરી બે જહાજ તૂટી પડ્યા છે પેહલા લાયન એર અને હવે ઈથોપિયન એરલાઈન ..!
અત્યારે ગાડીમાં બેઠા બેઠા ઝાટકા આવે છે તો પણ બીક લાગે છે , સાલુ આપણે કેટલી વાર આ ફ્લાઈંગ કોફીનમાં સફર કરીને આવ્યા છીએ ?
મોટેભાગે એવું તો યાદ નથી રેહતું સિવાય કે આપણે ક્યા પ્રકારના જહાજમાં બેઠા છીએ ,પણ કોઈ એકદમ નવા નક્કોર હવાઈ જહાજમાં બેઠા હોઈએ કે નવી ટેકનોલોજી અવે તો યાદ રહે..
થોડાક વર્ષ પેહલા મુંબઈ ટોક્યોનાં રૂટમાં એર ઇન્ડિયા એ એના નવા નક્કોર ડ્રીમલાઈનર મુક્યા હતા..અને અમને લાહવો મળ્યો હતો… શું ગમ્યું ? એમ પૂછો તો એટલું કહું કે ડ્રીમલાઈનરની બારીએ પડદા નોહત્તા બટન હતું અને બટન દબાવીએ તો બારીના કાચનો રંગ ડાર્ક કે લાઈટ થઇ જાય… નવી નવાઈની વાત હતી આપણે માટે એ ,અને બીજું ગમ્યું કે ડ્રીમલાઈનરમાં લાઈટીંગ મસ્ત હતું, બિલકુલ સંધ્યા અને ઉષાના કે રંગો વેરી દેવાતા હતા અને જરૂર પડ્યે મધરાતનું વાતાવરણ પણ ઉભું કરી નાખવામાં આવ્યું હતું..
બસ આનાથી વધારે કઈ નવું અમને ડ્રીમલાઈનરમાં ના લાગ્યું..હા ટીએફટી સ્ક્રીન ના રેઝોલ્યુશન સારા હતા..
પણ હવે અત્યારે લેટેસ્ટમાં અમેરિકાએ પણ બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે..!!
હવે ..???
સ્પાઈસ જેટ એમ કહી રહી છે કે.. ના ના કોઈ વાંધો નથી ,અમે તો બહુ સરસ રીતે બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ચલાવી રહ્યા છીએ અને અમને કોઈ પ્રોબ્લેમ નથી..
હવે મુળે સ્પાઈસ જેટ જોડે ટોટલ લગભગ ૭૫ હવાઈ જહાજ નો `બેડો` છે ,અને એમાંથી ૧૩ આઉટ ઓફ સર્વિસ થાય તો એની વાટ લાગી જાય ,એટલે સ્પાઈસ જેટ સુફિયાણી વાતો કરે છે..
ત્રણેક વર્ષ પેહલા સ્પાઈસ જેટ ના થોડાક જહાજ આઉટ ઓફ સર્વિસ થયા હતા ત્યારે બલ્ગેરિયન એરલાઈનના જહાજો લાવી ને કામ ચલ્વ્યું હતું ..
અમદાવાદ ચેન્નાઈ રૂટ ઉપર એ બલ્ગેરિયન એરલાઈન ના જહાજ ઉડાડ્યા હતા ..નસીબ જોગે અમે એનો પણ લાભ લીધેલો ,આખે આખું કૃ પણ બલ્ગેરિયન હતું ..!!
એટલે સ્પાઇસ જેટ ને પેટ ભરી ને ડોલર ચુકવવા પડ્યા હશે બલ્ગેરિયન એરલાઈન ને ,
અને એ દુખાવો હજી પણ સ્પાઈસ જેટ ને યાદ રહી ગયો હશે એટલે અત્યારે પેટમાં દુખતું હોય તો પણ ના બોલે..ના ના મને તો જરાય નથી દુખાતું..!!
એક નિયમ એવો છે આખી દુનિયા નો કે કોઇપણ એરલાઈન ની કંપની ના શેરો એ ક્યારેય કોઈ ને બહુ કમાવી ને નથી આપ્યું , એરલાઈનો ક્યારેય બહુ નફો ના કરે ,અને આપણી ભારતીય એરલાઈન ની વાત કરીએ તો છેલ્લા બે દસકામાં તો કેટલાય ના પાટિયા ફરી ગયા..
માલ્યા થી લઈને ટાલીયા ..!!
બધાય આવી જાય ..
અત્યારે પણ જે એરલાઈન્સ ઓપરેશનમાં છે એ બધામાં જેટ એરવેઝ અને એર ઇન્ડિયા ઓક્સીજન પર છે ,સ્પાઈસ જેટ ઠિકાઠીક છે અને ઈન્ડીગો ધબધબાટી બોલાવી રહી છે..વિસ્તારા અને ગો જેવી બીજી બે ચાર `હેંડાડે` છે એમના ગાડા `ધકેલ પંચા દોઢસો` કરી ને..!!
પણ જે હોય તે..
દરેક વાત માં સેફટી ફર્સ્ટ ..
એ પછી હવાઈ જહાજ હોય કે `સલામત સવારી એસ ટી અમારી`..!!
એકવાર ખબર પડ્યા પછી એક મિનીટ માટે પણ કેમ આવા ડીફેક્ટીવ જહાજ ને ઉડવા દેવાય..??
અને ક્યાં ભંગારવાડે નાખવાના છે ? જે ડીફેક્ટ છે એને બોઇંગ સુલટાવે એટલે પાછા હવામાં ફરી તરતા કરી દેજો ને તમતમારે ..
પણ અત્યારે તો વેહલી તકે બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ને ગ્રાઉન્ડ કરવા જ રહ્યા.!
હજી ગયા અઠવાડિયે બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ એ દુનિયાભરમાં સાત દિવસમાં ૮,૫૦૦ ફ્લાઈટની ઉડાન ભરી છે, બોલો શું કેહવું ? સમરથ કો દોષ નાહી એવું જ ને ?
જેમ ગુગલ અને ફેસબુક દુનિયા ઉપર રાજ કરી રહી છે તેમ બોઇંગ પણ પોતાના ક્ષેત્રમાં સમ્રાટ નો હોદ્દો ભોગવી રહ્યું છે ,એરબસ આવી હતી પણ હવે એના લગભગ આંટા ઉતરી ચુક્યા છે અને બીજી કોઈ કોમ્પીટીશન બહુ છે જ નહિ ..
એક રીપોર્ટ એવું કહે છે કે ૨૦૩૦ સુધીમાં ભારત ત્રીજો સૌથી વધારે એરટ્રાફિક હેન્ડલ કરતો દેશ હશે અને પેસેન્જરની સંખ્યામાં છઠ્ઠા નંબરે હશે..!
આનંદની વાત છે,
આજે પણ અઠવાડિયે પંદર દા`ડે અમદાવાદના વિમાન પતન સ્થળ પર અમે હોઈએ ત્યારે એકાદ વ્યક્તિ તો એવી અચૂક દેખાય છે કે જેના પગમાં ચપ્પલ પણ નથી હોતા અથવા તો પ્રેક્ટીકલી `ખાસડા` પેહર્યાં હોય ..એટલે અમે ચોક્કસ માનીએ છીએ કે ૨૦૩૦ સુધીમાં હવાઈ યાત્રા લગભગ ભારત ની દર બીજો માણસ કરી ચુક્યો હશે..
એકવાર જીવનની મહાન ભૂલોમાંની એક ભૂલ અમે કરેલી ..
અમદાવાદથી હૈદરાબાદ શારજહાથી આવતી ઇન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટમાં જવાની..!!
પેલા શશી થરૂર સાહેબે એકવાર અમારા જેવા ઈકોનોમીમાં ફરતા લોકો માટે `કેટલ ક્લાસ પેસેન્જર` એવો શબ્દ વાપર્યો હતો , અને એ દિવસે મને ખરેખર એ શબ્દ અક્ષરસ: સમજાઈ ગયો હતો..
ઇન્ડિયન એરલાઈન્સના આન્ટીએ આગળ શારજહાથી બેઠેલા બધા પેસેન્જરને અમદાવાદથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપ્યું અને મારી બાજુ માં બેઠેલા સહયાત્રીએ ઊંધું પકડ્યું પણ પછી એમાં એક ફોટો જોયો એટલે તરત સીધું કરી નાખ્યું..
મારી સામું જોઈ ને સેહજ શરમાઈ ગયો એ સહયાત્રી છોકરો .. મેં સેહજ હસી ને સ્માઈલ કરી અને આંખ મારી ..ચલતા હૈ દોસ્ત ..!
અને એ છવ્વીસ એક વર્ષનો છોકરો બોલી પડ્યો ..સા`બ પઢા લિ`ખા હોતા તો શારજહા થોડી જાતા , યે તો મજબુરી હૈ ઘર મેં છોટી છોટી તીન બેહને હૈ ,બાપ મર ગયા હૈ વો સબ લોગ કપડા સીતે હૈ, મૈ ઉન તીનો કી શાદી કે લિયે પૈસે જોડને કુ વાસ્તે શારજહા મેં જાકે રેહતા હું ..!!
હજી એ એટલું બોલી રહ્યો ત્યાં આંટીજી બ્રેક ફાસ્ટ આપી ગયા પેલા છોકરા ને કાંટા ચમચીથી ખાતા ના ફાવ્યું એટલે મેં પણ હાથથી ખાવા નું ચાલુ કરી દીધું ,એટલે એણે પણ શરમાયા વિના હાથથી ખાવાનું ચાલુ કર્યું..
છેલ્લે હૈદરાબાદ એરપોર્ટ ઉપર ફ્લાઈટમાંથી ઉતરી અને હું આગળ નીકળ્યો ,એ મારી પાછળ દોડ્યો.. સાબ આપ અચ્છા આદમી ..આપકી કુમ્પની મેં નોકરી હો તો બોલના સા`બ ..
ભલો,ભોળો ,માસુમ, ગરીબ મારી એક સ્માઈલ ઉપર મરી પડ્યો ..!!
જયારે જયારે આવા હવાઈ અકસ્માત થાય છે ત્યારે અકારણ આવા `અભાગિયા` જ મરતા હોય છે, અને એમના તો વીમા પણ નથી હોતા..!!
બોઇંગની કોઈ ટેકનીકલ ખામી ને લીધે આવો એકાદો પણ ગયો તો એની પાછળ કેટલી જિંદગી જીવતે જીવ મરે ..?
નાગરિક ઉડ્ડયન મંત્રાલય એ જાગવું રહ્યું ..!
હવે ટીકીટ બુક કરતા પેહલા હવાઈ જહાજની માહિતી લેવી રહી નહી, તો ફોટા ને હાર ચડી જાય ભાઈ..!
બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ દેખાય તો ના નથી જવું…!
લેટેસ્ટમાં દુનિયાભરમાંથી બત્રીસ એરલાઈન એ એમના બેડામાંથી બોઇંગ ૭૩૭ મેક્સ ૮૦૦ ની ફારગતી કરી ..!!
ચાલો તમે પણ જરાક જોઈ વિચારીને હો
શુભ રાત્રી
શૈશવ વોરા