સોશિઅલ મીડિયા ઉપર અનિલ કપૂરનો થોડાક નાના નાના સિતારાઓ જોડે ને ફોટો આજકાલ જોરદાર વાઈરલ થઇ રહ્યો છે ,
ફોટાની નીચે લોકો જુદા જુદા કેપ્શન નાખે છે..*કોઈ લખે છે `એઈજ ઇસ જસ્ટ નંબર`* ,
કોઈ કહે છે *ધ્યાન જોજો હો આ ફોટામાંનો એક માણસ `બાંસઠ વર્ષ` નો છે..!!*
ચાર પાંચ મિત્રોના ગ્રુપમાં આ ફોટો આવ્યો,એટલે મને પણ અદકપાંસળી થઇ ..
અમે પણ મોબાઈલની ગેલેરીમાં જઈને ફેંદાફેંદી કરી અને અમારા નાના નાના મિત્રો જોડે પડાવેલા બે ફોટા મુક્યા..અને પછી લખ્યું કે *તારા ભાઈ ને પણ ૪૯ મુ જાય છે..!!*
અને પછી તો જે `ચાલુ` થઇ છે બાકી..!!
સેલ્ફ ઓબ્સેસ પર્સન..!
હવે ઘેર ઘઉં આવે ત્યારે બોલાવવો પડશે અમારા ચોકીદાર બાબુકાકા ઘરડા થઇ ગયા છે, બોરીઓ એમનાથી નથી ઊંચકાતી ..!
જમાઈ જાતે વખાણ કરી રહ્યા છે…!
બોડીગાર્ડ બોડી..! તોંદવાળા બાઉન્સર..! અને પછી અહિયાં ના લખી શકાય એવી તીખી તમતમતી મસાલેદાર ગાળો..!!
યાર દોસ્તો કોને કીધા ..!!!
*ગાળો ના આપે કે ખામી પકડી પકડીને માથે ના મારે તો દોસ્ત થોડો કેહવાય..?*
એક જુનું સ્કુલ-કોલેજના ગ્રુપમાં જ્યાં બધી જ સખીઓ છે અને સખો હું એકલો,
ત્યાંથી પણ દે..દે..આવી..!
એમાં ભૂલથી અમે એક સખી ને ટેગ કરીને એમ પૂછ્યું બોલો ડોસી કેવું લાગ્યું ? અને પછી તો ચાલુ થયું..આ કલર કર્યે જુવાનના થવાય, તું પણ ડોસો જ છે..એકવાર સામો આવ ને એટલે તારી વાત છે શૈશાવિયા..
ક્યારેક જૂની સખીઓ ને છેડવાની પણ મજા છે..!
બીજા એક સખીજી નો તો સિધ્ધો ફોન જ આવ્યો ..શું ધાર્યું છે અલ્યા તે ? કેમ આમ બાવડા બતાડતો ફરે છે ? જયારે બાવડા બતાડવાના હતા ત્યારે તો `ગાય` જેવો થઇને ફરતો હતો..અમે કીધું એ તો વાઘ ગાયનું ચામડું ઓઢી ને ફરતો હતો..!!
તરત જ જવાબ આવ્યો એ ખોટી હોશિયારી નહિ હો ..અમને ખબર છે આ`વાઘ` ની બધી…ણો..!!
ત્યાં થોડી વેજ ગાળો આવી..અને પછી થોડી ઘણી જૂની નવી પંચાતો કુટી..અને વાતો નો વિરામ લીધો..!
એકંદરે અનિલ કપૂરના ફોટા એ આનંદ કરાવી દીધો..
પણ એક વાત તો ખરી કે ઘરડા થવું કે જુવાન રેહવું એ બિલકુલ આપણા હાથમાં છે , હું પેહલા પણ લખી ચુક્યો છું કે જુવાન રેહવા માટેનું સૌથી પેહલું પગથીયું ટેકનોલોજી છે ,અને ટેકનોલોજીને જેટલી નજીકથી ઝાલી રાખશો એટલા જુવાન રેહવાશે..
નિયમિત કસરત અને ખોરાક તો ખરો..પ્લસ એટીટ્યુડ ..અને ઈચ્છા..!
અમારે તો ઘણા એવા મિત્રો છે કે જેમને ખરેખર રાત્રે સુતી વખતે પ્રેગનેન્સી પિલો લઈને સુવું જોઈએ ( પ્રેગ્નેસી પિલો એટલે ગર્ભાવસ્થામાં પડખે ઊંઘતી વખતે પેટની નીચેનાં ભાગમાં એક ઓશીકું મુકાય છે જેનાથી સ્ત્રીની કમ્મર ઉપર ભાર ના આવે,કરોડરજ્જુ ને થોડો આરામ મળે અને ડાયાફ્રામ ઉપર પણ પ્રેશર ઓછુ આવે જેથી શાંતિની ઊંઘ આવે ) એ બધા ને કંઈ કહીએ તો એમ કહે કે યાર કંઈ `જ` ખાતો નથી ..
અને એના ઘેર જાવ તો હજી ગાજર ના હલવાની સીઝન ગઈ ના હોય ત્યાં તો કેરીઓ લાવી લાવીને ખાતા હોય..!
હું તો કહું એ લોકો ને તમારે તો ભગવાન પાસે ભીમની જેમ વરદાન માંગવાની જરૂર હતી કે ભીમ ખાય અને શકુનિ હંગે ..તો તમે પતલા રહી શકો..
સાલી એવી મોટી તોંદ હોય કે ઓફીસની ખુરશીમાં બેઠો હોય તો આપણને ખુરશીના પૈડાની દયા આવે એક ખુરશીમાં ત્રણ ત્રણ જણા નો ભાર પેલા પ્લાસ્ટિકના પૈડા ઉપાડતા હોય છે..!!
અને તો ય પાછું સાંજે પાંચ વાગે એમના ઘરવાળા ફોન કરી ને પૂછે શું બનાવું આજે ..?
અને હું ત્યારે ખરેખર એના હાથમાંથી ફોન લઇ લઉં અને કહું ..ભાભી છ મહિના રાત્રે જમવામાં ખાલી ઇસબગુલ આપજો , તો તમારા ભરથારની ડીલીવરી થશે ,નહિ તો આમના પેટમાં ત્રણ ત્રણ લાલા જન્મોજન્મ લેહર કર્યા કરશે..!!
ભાભી પાછા બચાવ કરે .. અરે શૈશવભાઈ હું તો કઈ એવું ખાવા નથી આપતી, આ તો ઓફીસના નાસ્તા એને રોજના થાય છે એમાં વજન વધે છે..!!
લે બોલો .. શું કેહવું ? સીધી આપણી ઉપર મારે અને એમનો ભરથાર મારો બેટો અઢીસો ભજીયા મંગાવે હું એક માંડ ખાઉં ત્યાં પાંચ ભચડી ગયો હોય ..!!
પણ હોય છે એવું, ભાઈને ઇસબગુલનું ડીનર કરાવે તો પોતે ભાત ભાતના ભોજનીયા કેમના ખાય ?
એટલે તેરી ભી ચુપ મેરી ભી ચુપ..!!
બિલકુલ `ફીટ` રેહવાની કે `યંગ` દેખાવાની ઈચ્છા જ નહિ..
બીજું જુવાન રેહવા માટે અમુક એટીટ્યુડ છોડવા પડે..હું કહું એમ આખી દુનિયા કરે ,હું મોટો એટલે મને બધા માનથી જ બોલાવા જોઈએ આવી બધી ટણી દિમાગમાંથી કાઢી નાખવી પડે..
કેમકે આ દુનિયામાં કોઈ ને કોઈ નું કીધું કરવામાં રસ નથી, તો પછી શું લેવા લમણા કુટવા ?
અને છેલ્લી વાત પણ બહુ અગત્યની એ છે તમારામાં ની રમૂજવૃત્તિ અને મોઢા પરનું હાસ્ય એને ક્યારેય અને ક્યાંય ઓછું ના થવા દો..
*મોઢા પરના હાસ્યનો એક મોટો ફાયદો એ છે કે તમને યુવાનો જોડે ઝડપથી કનેક્ટ કરી આપે છે અને પછી રમૂજવૃત્તિ એ તમારા કનેક્શનને બોન્ડીંગમાં ફેરવી નાખે છે..*
કેમકે *જુવાની ફક્ત અને ફક્ત એક નાનકડી સ્માઈલની મોહતાજ હોય છે..!! સેહજ નાનકડી હળવી સ્માઈલ પણ જુવાનીયાને આપશો તો એ તમારી તરફ દોડી આવશે..!*
આજે સવાર સવારમાં હું મારો ઈટાલીયન “ઘોડો” (બાઈક) લઈને ગાંધીનગર નીકળ્યો હતો.. ઉવારસદ ચોકડીથી સરગાસણ ચોકડીની વચ્ચે મને પાછળ કાચમાં જોતા એવું લાગ્યું કે કોઈ બાઈક વાળો મને `ચેઇઝ` કરી રહ્યો છે,
મારો ઇટાલિયન ઘોડો તો જાતવાન ૮૦૦ સીસીનો છે, અને એની બ્રેક પણ એવી જબરી છે , પણ પાછળવાળો `ટટ્ટુ` લઈને આવતો હતો , એટલે મને લાગ્યું કે ભાઈ એને આગળ નીકળી જવા દો નકામો મને ઓવર ટેઈક કરવામાં આ ઓવર સ્પીડ કરશે અને એમાં ગાય ,કુતરું વચ્ચે આવશે તો એ જીવ નો જશે..
એટલે મેં મારો ઘોડો ધીમો કર્યો પેલો બાઈકવાળો આગળ ગયો અને મને મસ્ત અને અંગુઠો બતાડતો ગયો , ઈશારાથી કેહતો ગયો કે મસ્ત બાઈક છે..કોઈ આરજે ૨૭ સીરીઝ નું બાઈક હતું, મને લાગે છે ઉદયપુરની પાસીંગ છે આર જે ૨૭..
પછી થોડેક આગળ સરગાસણ ચોકડીએ ટ્રાફિક હતો એટલે એ આરજે ૨૭ ત્યાં ઉભું રહી ગયું હતું ,હું પણ ત્યાં એની બાજુમાં ઉભો રહ્યો એણે હેલ્મેટ ઉતારી મેં પણ ઉતારી, જસ્ટ નજરથી નજર મળી મેં આછી સ્માઈલ આપી ,જુવાનીયો હતો સિગ્નલ ઉપર એનું આર જે ૨૭ સ્ટેન્ડ કરી ને મારી પાસે આવ્યો અને બોલ્યો બોહત બઢિયા ..મારી સાથે હાથ મિલાવી બાઈક ની ટેંક ઉપર હાથ ફેરવી અને જતો રહ્યો..
એક આછું સ્માઈલ એને ભર ચાર રસ્તે બાઈક તરફ ખેંચી લાવ્યું ..!!
*કશુય કરતા કશુય ના થાય તો કઈ વાંધો નહિ, પણ મોઢા ઉપર નું હાસ્ય પકડી રાખીએ ને તો દસ વર્ષ એમનેમ નાના થઇ જવાય છે..!*
મારો અને અનિલ કપૂર બંને ના ફોટા મુકું છું ..
આપો તમતમારે `ગાળો` મને..!
આપની સાંજ શુભ રહે..!
શૈશવ વોરા