આખરે ચીન દેશની થોડાક દિવસોની યાત્રા પૂરી કરીને અમે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા ઉપર બેઠા..!! એરપોર્ટના છોલે પરાઠા એવા વાહલા લાગ્યા કે ના પૂછોને વાત..!!
આ વખતે અમે એવું નક્કી જ કર્યું હતું કે આખી યાત્રા દરમ્યાન લેપટોપ ખોલવાનું જ નથી ,કોઇપણ સંજોગોમાં નહિ..સંપૂર્ણપણે ધંધો એટલે ધંધો બીજી કોઈ વાત નહિ, એટલે પછી દેશ છોડતા પેહલા લેપટોપને અહિયાં ઘેર જ મૂકી દીધું ,
જો લેપટોપ ખોલવું જ નથી તો ઊંચકીને ક્યાં ફરવું ? અને એના કરતા વધારે સિક્યુરીટી ના ત્રાસ ચારેબાજુ `બેગ`ડા ખોલવાના અને લેપટોપ કાઢી કાઢીને મુકવાના અને એમાં પાછા પરદેસમાં હોઈએ એટલે ટ્રાવેલ ડોક્યુમેન્ટ ઉર્ફે પાસપોર્ટને છાતીએ ને છાતીએ રાખવાના હોય એટલે એ બધી માથાકૂટ કર્યા વિના ઘેરથી જ એક `ભાર` ઓછો જ કરી નાખ્યો ..!!
પણ યારો..
બહુત કઠીન હૈ `ડગર` ચીન દેશ કી..!!
હેઈ મજાની ફરારી નું નવું નક્કોર મોડેલ લઈને ચીની `બાળા` ભું ભું ..કરતી નીકળે અમારી ટેક્સીની બાજુનીમાંથી…
મારા તો કાળજડાં બળી બળી જાય..!!
અરરરર..ર..ર ……………………………………..રરર
શું કેહવું ..?
`સંસ્કાર` નામની કોઈ ચીજ નથી ત્યારે શું વળી હે..??
તમારા દેશમાં હજી બે ત્રણ ચાર માણસો ભીખ માંગતા હોય ત્યાં તમે `ફરારી` કેવી રીતે ફેરવી શકો હે ..?
જુવો અમારા મુકેશભાઈને અને નીતા ભાભીને, પેહલા ગરીબો ને જમાડ્યા અને પછી ઘેર માંડવો રોપ્યો..!!
બહુ અઘરું પડે છે બેચાર પાંચ દિવસની આવી ટ્રીપમાં જઈને પાછા આવવાની ફ્લાઈટ પકડવાનું..
કયો “વાદ” અપનાવ્યો અને કયો વાદ ત્યજ્યો..?
૧૯૪૯માં બ્રીટીશરોની ચુંગાલમાંથી મુક્ત થયેલા આજે ક્યાં ના ક્યાં છે..!!
`ચીના` અને `ચીની` ની પકડી પકડીને નસબંધી કરી નાખી અને એમાં એ લોકો દુનિયાભરમાં વગોવાયા અને આપણે પણ એ ઠીઠીયારામાં જોડાયા..
પણ હવે..આજે ..?
વગર નસબંધી એ બીજું,ત્રીજું કે ચોથું છોકરું પેદા કરવાનું છે હિંમત ..?
જે `ગરીબો`ને એક ટંક મુકેશભાઈ અને નીતાભાભી એ જમાડ્યા એ ગરીબો સિવાય બીજો કોઈ “ભડ નો દીકરો” ખરો કે દીકરી ખરી કે જે આજના જમાનામાં દસ બાર છોકરા `જણી` મુકે ..?
ડીસેમ્બર ચાલી રહ્યો છે લગનની સીઝન ફાટી નીકળી છે દેશમાં ..પૂછો કોઈ આ નવા પરણેલાને કે કેટલા `જણવા` ના તમે ..?
એક ઉપર બીજું “જણશો”..?
બંને જણા એક સ્વરે `ના` બોલશે..
*જેટલા વધારે છોકરા એટલી વધારે જિંદગી દુષ્કર…*
પે`લા લોકો ચાર દસકા પેહલા સમજી ગયા અને આપણને અક્કલ આવતા બે દસકા બીજા થશે..!!
જો કે આપણને `અક્કલ` આવી કેમ ..?
તો કહે જે કામ `નસબંધી` ના કરી શકી એ `સ્કુલની ફી` એ કરી આપ્યું ..
ત્યારે `અક્કલ` આવી..
સ્કૂલોની ફી ભરવામાં તૂટી જવાય છે માટે બીજું છોકરું નથી જોઈતું ..
બાકી સરકાર કઈ ફરજીયાત કરે તો તો એની માં પરણી મુકવાની..!!
બસો બાળી નાખવાની અને બીજા કૈક કઈ ખેલ કરી મુકીએ આપણે..
આપણી જેટલી જ ભાષાઓ અને ધર્મોના જુદા જુદા પંથ અને આપણા જેટલા જ “નાલાયક” , આજે પણ માસીના દીકરાના લગન હોય તો ચીનો `ધરાર` નોકરીએ ના જ જાય..
વસ્તી ને ભવિષ્યની સ્ટ્રેન્થ કેહવાવાળા લોકો છે આપણે ત્યાં, પણ આજે તો વસ્તી એ સૌથી મોટામાં મોટી વિકનેસ છે..
આખો ભારત દેશ ઈમ્પોર્ટ ઉપર નભી રહ્યો છે અને છતાંય આશાના તાંતણે આપણે દિવસો કાઢીએ છીએ કે કાલ સવારે અમારા `જણેલા` મોટા થશે ને અમારો સુખ દિવસ ઉગશે..!!
મજાની વાત એ છે એક `કાલ સવારે સોના નો સુરજ ઉગશે` પણ કોના માટે ..?
મારા ને તારા માટે ..?
ના..આપણે તો સીએનજીની ભઠ્ઠીમાં ધુમાડો થઇ ચુક્યા હોઈશું..!!
*લાકડા પણ નસીબમાં નથી રહ્યા અને વાતો કરવી છે સોના ના સુરજની..!!*
ભારત બાહરની દુનિયા બદલાઈ ચુકી છે..
*જીવન એક ચોક્કસ `બીબાઢાળ` માં ઢળી ચુક્યું છે અને એ દુનિયા ભારતના લોકો ને ખરેખર ખુબ સારી લાગી રહી છે અને એની સાબિતી માટે નો તર્ક એક જ છે કે ત્યાં ગયેલો પાછો આવતો નથી અને પાછો આવે તો `ભાગ` લેવા કે તમને કે મને `સલાહ` આપવા આવે છે..!!*
એરપોર્ટ પરની વાતથી શરુ કર્યું હતું તે એરપોર્ટની વાતથી પૂરું કરું..
એક નવી નક્કોર એનઆરઆઈ લગભગ પાંત્રીસ એક વર્ષ..
જેનો એનઆરઆઈ ધણી “સ્કીલ્ડ લેબર” ની કેટેગરીમાં એનઆરઆઈ થવા ગયો હશે..
દિલ્લી એરપોર્ટ ઉપર બોર્ડીંગ ગેઇટ ઉપર `પેલી` ઉભી થાય અને ગેઇટ પર જાય અને પાછી આવે સિક્યુરીટીવાળા જોડે ઝઘડી ઝઘડીને ..ફ્લાઈટ ડીલે છે તો લખતા કેમ નથી ..?
અને એનો એનઆરઆઈ ઘરવાળો છોકરું ખોળામાં સુવાડીને બેઠો બેઠો નવીનવાઈનું અંગ્રેજીમાં બોલે..અને આખા એરપોર્ટનું ધ્યાન ખેંચે..
સલાહો ચાલુ થઇ ગઈ હતી એ બંનેની..!!
ભારતીય સીસ્ટમ અને એરલાઇન્સ માટેની..
ચોક્કસ મારી જેમ `કેટલ ક્લાસ`નું જ પેસેન્જર હતું એ..!!
કેટલ ક્લાસ એટલે ગુજરાતીમાં ઘેટાંબકરા..એરક્રાફ્ટમાં સારા માણસો આગળ બેઠા હોય અને મારતમારા જેવા કેટલ ક્લાસમાં..
એ એનઆરઆઈ ધણીબાયડીને સગવડ જોઈતી હતી વધારે, અને ખર્ચવા હતા રૂપિયા..
ક્યાંથી મેળ પડે ..?
ડોલર ખર્ચવા પડે ડાર્લિંગ ડોલર તો સગવડ મળે ..!!
પણ રહ્યો તો છવાતે `સ્કીલ્ડ લેબર` જ ને બિચારો..!! એને તો રૂપિયા ગણી ગણીને ડોલર ખરચવાના હોય ..
આવનારા વીસ દિવસ `સ્કીલ્ડ લેબર`ના ઘરવાળાઓ અને મિત્રો એમના `સ્કીલ્ડ લેબર` ના વિચારો અને સલાહો સાંભળશે પછી જેવો અહીંથી જાય એ ભેગો…
બહુ અઘરું છે ભારત અને ભારતની બાહરની દુનિયાને સિન્કરોનાઈઝ કરવી વીસ `ભગીરથ` પણ ઓછા પડે,
પણ હવે તો જે રસ્તે એ લોકો ગયા છે એ જ રસ્તે તમારે અને મારે ચાલવું જ રહ્યું કેમકે રૂપિયા એમની પાસે છે..ભલે આપણને લુંટી ને ભેગા કર્યા હોય પણ છે તો એમની પાસે જ .. એટલે એ કહે તેમજ જ કરવું રહ્યું અને એ લોકો આપે એ દુનિયા જ સારી…
લગભગ પોતાના કેહવાય એવા કપડા ને દુનિયાના દરેક લોકો ત્યાગી ચુક્યા છે, અને દુનિયાનો નિયમ છે વસ્ત્ર જોડે વિચાર પણ જતા હોય છે..!!
મને લાગે છે કે આપણા બહુ બધા વાદ અને વિચારો ને પકડી રાખવાનો મતલબ હવે નથી..!!
ઘણા ગેલસપ્પા અમને એમ કહે છે કે શૈશવભાઈ તમારા વિચારો અધૂરા હોય છે..
તે ડોબા જિંદગી ક્યાં પૂરી થઇ ગઈ છે હે ..?
આજે ઘણા બધા અડધા સવાલો સાથે પૂરું કરું છું ..
આપનો રવિવાર શુભ રહે
શૈશવ વોરા