ચાયનીઝ પ્રોડક્ટ્સના બહિષ્કારના મેસેજ ફરતા થયા છે..
દિવાળી ના દીવડા માટે કુંભાર અને એલઇડી લાઈટની સરખામણી થઇ રહી છે,
ક્યારેક એટલો બધો ગુસ્સો આવે અને ક્યારેક આ પ્રજા ઉપર દયા આવે,કેમ કે ખરેખર જનતાને શું જોઈએ છે અને શું કરવું છે એની ખબર જ નથી..
આપણે જેને કહીએ ને કે ખાધાની તો ખબર નથી પડતી અને મંડી પડ્યો છે..બિલકુલ એવો ઘાટ છે..!
કુંભારના દીવડા અને એલઇડી લાઈટ..
ભાઈઓ અને બેહનો તમારી જાણ ખાતર કહી દઉ કે જે એલઇડી લાઈટના તોરણો તમે ભારતના લોકોને ચાયનીઝ ગણીને લેવાની ના પાડો છો એ સંપૂર્ણપણે ભારતની પેદાશ છે..
આ બધો માલ જેમાંથી બને છે એની સરકીટો આપણી પોતાની ગાંધીનગરની ઈલેક્ટ્રોનિક જીઆઇડીસી, પુના ,દિલ્લી અને બેંગ્લોરમાં બને છે અને રહી વાત કુંભારની છોકરીની તો હજી ઘણા ગામોમાં કુંભાર દીવડા બનાવે છે, પણ મોટે ભાગે હવે એ માટીના દીવડાનું પણ કોમર્શિયલ ધોરણે જ ઉત્પાદન થાય છે..!
લાગણી અને ભાવનાઓમાં વહી જઈએ એ આપણો સ્વભાવ છે, પણ સેહજ તો મગજથી વિચારવું ઘટે..
ખરેખર જયારે કઈ લેવા નીકળીએ ત્યારે શાંત મગજ રાખી અને જોઈ લઈએ કે આ એલઇડી લાઈટનું તોરણ ક્યાંનું બનેલુ છે..?
મેઈડ ઇન ચાયના લખ્યું છે ચોક્કસ છોડી દો, પણ દેશમાં બનેલું છે તો પછી લઈ લો બિન્દાસ્ત..!
પેહલા પણ લખું ચુક્યો છું સંપૂર્ણપણે ચાયનીઝ માલનો બહિષ્કાર અત્યારે આ જમાનામાં શક્ય નથી..
પણ જો ખરેખર બહિષ્કાર કરવો હોય તો ચાયનીઝ માલ દેશમાં બનાવો..!
અને જો દેશમાં બનેલા એલઇડી લાઈટના તોરણોને ચાયનીઝ ગણીને ખરીદશો નહિ,તો તો પછી આપણી પોતાની ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝને જ ફટકો પડશે,
સુકા ભેગું લીલું પણ બળી જશે..!
બહિષ્કાર બહિષ્કાર બહિષ્કારના વંટોળમાં આપણુ લીલુંના બળી જાય એ પણ જોવું પડશે,
આજે નજર પડે ત્યાં ચાયનીઝ પ્રોડક્ટ દેશમાં ઘુસી ગઈ છે, ઘણા વેહલા જાગવાની જરૂર હતી પણ ખેર જે થયું તે થયું જગ્યા ત્યાંથી સવાર..!
રાષ્ટ્રભક્તિ અને સર્જીકલ સ્ટ્રાઈક પાછળ ઘેલી થઇ ગયેલી પ્રજા અત્યારે બીજું કઈ સાંભળવા જોવા જાણવા કે સમજવા તૈયાર જ નથી..!
બસ ત્રણ કલાકના પિક્ચરની જેમ એમને લાહોર અને ઇસ્લામાબાદ પોહચી જવું છે..પોપકોર્ન ખાતા ખાતા..!
હવે એક ઉદાહરણ લઈએ કે સેમસંગનું ટીવી ખરીદયું, ચાલો કોરિયન પ્રોડક્ટ ખરીદી પણ બન્યું ક્યાં ? તો કહે ચીનમાં,ટાટા સ્કાયનું સેટ ટોપ બોક્ષ બન્યું ક્યાં? એસેમ્બલ ભારતમાં અને સરકીટ અને બીજા ભાણિયા ? તો કહે ચાઈના ના..
લગભગ દુનિયામાં બનતા એશી ટકા ઈલેક્ટ્રોનિકસ બનાવવામાં ચાઈના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલું છે..
નક્કી આપણે કરવાનું છે કે આ વસ્તુ વિના હું ચલાવી લઈશ અને માટે હું નહિ ખરીદું આ વસ્તુ,
માનસિક તૈયારી કરી અને ખરેખર કરી બતાડવાનું છે..
મોટા બાપા, ગાંધી બાપા શીખવાડી ગયા કે બહિષ્કાર કરો આપણે ઈતિહાસમાં ભણ્યા કે બહિષ્કાર કરીએ એટલે અંગ્રેજો જતા રહે એમ ચીના પણ પડી જશે..!
પણ ભઈલા મોટા બાપા એ કીધું ત્યારે જોડે જોડે રણછોડલાલ રેંટીયાવાળા એ અમદાવાદમાં કાપડની મિલો નાખી દીધી હતી, અને છતાં પણ કાપડની અછત પડી, તો લોકો ને મોટા બાપા રેંટીયો ચલાવીને એ ખાદી બનાવી અને પેહરતા શીખવાડ્યું..! અને લોકો એ માંથી ખાદીને સ્વીકારી અને પેહરી..
હવે આ તો અમે ઈતિહાસમાં ભણ્યા નથી ભાઈ ..! તમે સાચું બોલો છો ને ? હે એવું ખરેખર થયું હતું..?
“રણછોડ રેંટીયો” ના નામથી ઓળખાતા રણછોડલાલ શેઠ ત્યારે મિલના સંચા બ્રિટનથી અમદાવાદ તાણી લાવ્યા હતા અને પછી એ જ સંચાથી બ્રિટીશ કપડા ને મ્હાત આપી..
અત્યારે પણ ચાઈનાથી જ ટેકનોલોજી અને મશીનો લાવી અને ચાઈનાને પછાડવું પડે પણ હવે રણછોડલાલ ક્યાંથી લાવવા..?
મારી બધી ક્રિયેટીવીટી અને વિચારશક્તિ તો ફેસબુક આને વોટ્સ એપ પુરતી જ રહી છે એ સિવાય ની દુનિયા જ ક્યાં છે..!!
અને દેશ માટે કઈક વસ્તુ હું નહિ જ વાપરું એવું ક્યારેય પ્રણ લીધું છે..?
હરામ બરાબર છે કે એક પણ વસ્તુ રૂપિયાથી ખરીદાતી હોય અને ખિસ્સામાં રૂપિયા પડ્યા છે અને છતાં પણ ના નથી લેવી, કે નહિ વાપરું એવું ક્યારેય વિચાર્યું હોય,
સાહેબ બધાને બધું જ જોઈએ છે અને પછી ખાલી કોડિયા અને એલઇડીની વાતો કરવી છે..!
ક્યાંક કેજરીવાલ સાહેબના “ફેવરીટ” મોદી સાહેબને બોલતા સાંભળ્યા હતા કે રોડ પરની સોડીયમ લાઈટોની બદલે એલઈડી લાઈટો વાપરીએ તો દેશ નું વીજ સંકટ અડધું થઇ જાય.. હવે આવા સંજોગોમાં તો ચાઈનાની ક્યાં વાત કરો છો પાકિસ્તાનની બનેલી હોય ને તો પણ એલઈડી લાઈટો વાપરવી પડે કેમકે પાવર બીલ ૯૦ ટકા ઘટાડી આપે છે..!
અસ્ત્ર,શસ્ત્ર અને વિદ્યા દુશમન પાસેથી કેમ ના મળતા હોય એકવાર તો લઇ જ લેવું પડે..!
પણ ખાટલે મોટી ખોડ અહિયાં લેવું કોને છે ? આપવું જ છે..!
એલઈડી બને છે એની ખબર નથી, અને કુંભારના દીવડા જ વેચવા છે અને વેચાવડાવવા છે..!
માનો કે ના માનો પણ ચાઈના અત્યારે દુનિયાનું પ્રોડક્શન હાઉસ છે આખા આખા પ્રોવિન્સ(સ્ટેટ) નકરા કારખાનાઓથી ભરેલા પડ્યા છે ..
એક નાનકડો અનુભવ કહું..એકવાર શાંઘાઈમાં રાત રખડવા નીકળ્યો હતો અને શાંઘાઈનો નાનજીંગ રોડ બહુ જાણીતો અને મને ગમે પણ ખરો રાતના લગભગ સાડા આગિયાર બાર થયા હતા.. ધમધમાટી પૂર જોશમાં હતી આખા રોડ પર, એવામાં એક મોટ્ટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરનો આખો સ્ટાફ રોડ આવ્યો લગભગ ચાલીસ પચાસ સ્ત્રી પુરુષો હતા અને બધાને લાઈનમાં ઉભા કરાવીને એમનો મેનેજર ડાંસ કરાવવા લાગ્યો આપડે તો જોઈને ખુશ થઇ ગયા કે મારું બેટું જબરું છે આ તો ગ્રાહકોને ખેંચવા માટે આ લોકો આવી રીતે રોડ પર આવીને ડાન્સ કરે છે..! અમારા સિવાયના બધા ચીનાઓ જોઈએ ને હસે.. ખીખયાટા કરે..
પછી એક ઈંગ્લીશ સમજતી ચીનીને પૂછ્યું કે.. છોડી મામલો શું છે..? પેલી એ સમજણ પાડી કે બે જણા સ્ટોરમાં ઊંઘતા પકડાયા અને બધાએ એમને જોયા છતાં ફરિયાદના કરી એટલે આખા સ્ટાફને સજાના નામે વીસ મિનીટ રોડ પર ડાન્સ કરાવે છે..!
બોલો છે તૈયારી..? આપણે તો આખો સ્ટાફ ભેગો થઇને મેનેજરને નચાવે..!
અને વિડીયો ઉતારીને વાયરલ કરે એ નફાનું ..!
દુશ્મની કરતા પેહલા હરીફાઈ કરીને આગળ નીકળીએ..
પેહલી વાર (શાંઘાઈ)પુડોંગ એરપોર્ટ પર પગ મુક્યો ત્યારે મારા કાનમાં પણ લતાજી વાગતા હતા..જબ ઘાયલ હુવા હિમાલા ખતરે મેં પડી આઝાદી..
પછી જેમ જેમ ચીન જોતો ગયો, ઘાસ ખાઈને રેહતો ગયો એમ એમ સમજતો ગયો કે આ તો રાક્ષસ છે અને એ એક તીરથી નહિ મરે..એનો જીવ ક્યાંક એકાદા પોપટમાં છે અને એ પોપટની ડોક મચડી નાખો તો જ રાક્ષસ મરશે..!
ક્વોલીટી પ્રોડક્ટ બનાવી અને દુનિયાને આપો ,હરામખોરી ઓછી કરી કમીટમેન્ટ ઉપર ટકી રહો( વોડાફોન કેસ રેટ્રોસ્પેક્ટીવ ઈફેક્ટ થી ટેક્ષ)
તમારા “ફૂદ્દું” જેવા બહિષ્કારોથી ફેર ના પડે. અને ફરી ફરીને એક જ વાત કે ચાયનીઝ માલ વેચવાનો બંધ કરો અને બનાવવાનો ચાલુ કરો..!
હરીફાઈ કરીને પાડી દો..
આપનો દિવસ શુભ રહે..
શૈશવ વોરા