આજે નોરતાની છેલ્લી રાત..ઓસ્ટ્રેલીયાથી અમેરિકા સુધીના લગભગ તમામ ફેસબુક પેજ નોરતાના ડીપી અને સ્ટેટ્સથી ભરાઈ ગયા છે..!
કોઈ કેહશે કે ભાઈ તમારી ફેસબુક વોલ નવરાત્રીના સ્ટેટ્સથી ભરેલી હોય એટલે અમારી પણ હોય..? પણ ભાઈ મારા દરેક માણસની દુનિયા કેટલી..? શરૂઆત પોતાની જાતથી થાય, પછી માબાપ, ભાઈબેન ,આગળ વધો એટલે ઘરવાળી અને છોકરામાં જિંદગી પૂરી થાય..વચ્ચે મિત્રો અને સગા આવે પણ આનાથી આગળ ક્યાં કોઈને જોવાની પણ ફુરસદ છે..?
મને તો નથી અને તમારી ફેસબુક વોલ પર જો આવા ડીપી અને સ્ટેટ્સના હોય તો પછી ..જવાદો સપરમાં ના દા`ડે કાઈ નથી કેહવું ..બે ચાર ખાટ સવાદીયાની વચ્ચે બેચાર દિવસના વરસાદના વિઘનની ખુશી પછી છેલ્લા ત્રણ દિવસથી જોશીલા ખેલૈયાઓ એ સાટું વાળી દીધું છે,
ગઈકાલ રાતથી ડીઝલના ભઠ્ઠા પર દશેરાના ફાફડા જલેબી બનવાના ચાલુ થઇ ગયા છે..
આજની રાતના ગરબાના પાસના વહીવટ ચરમસીમાએ છે. કોલેજીયન છોકરા છોકરીઓ લીમીટેડ બજેટ અને બેહિસાબ ઈચ્છાઓ ની વચ્ચે જીવતા હોય, એટલે જે “મફત” કે “સસ્તું” મળે એની શોધ ચલાવે એ સ્વાભાવિક..!
આ વર્ષે બે વાત નવી છે..!
એક તો થોડા નવા નવા ગરબા આવ્યા છે અને જેને આપણે પારંપરિક ગરબા અવિનાશ વ્યાસના અને મેહતા નરસિંહના એ થોડા ઓછા છે, અને લોક ગરબા (ચોટીલે..ચામુંડ..માં ડાકલા..વાગ્યા ચામુંડ..માં ..ના.. આવા પ્રકારના ગરબાને લોક ગરબા કેટેગરીમાં હું મુકું છું જેમાં કોઈ બહુ અર્થના હોય પણ આવો ગરબો ગવાય એટલે ગરબા રમતો જનસમુદાય હેલે ચડે) અને નવા ગરબાની ધૂમ છે..!
અને બીજી નવી વાતમાં એવું છે કે ગઈકાલે રાત્રે અમે એક ક્લબમાં ગરબામાં હતા, થોડો થાક અને ભૂખ હતી એટલે ગરબા લોન્સની પાછળ રહેલા રેસ્ટોરન્ટ એરિયામાં સપરિવાર અમે પોહચી ગયા, દીકરીઓએ છોલે ભટુરેની માંગણી કરી હું છોલે ભટુરેના સ્ટોલ પર ગયો, અને મેં કીધું બે છોલે ભટુરે આપો ભીડ પણ ખાસ્સી હતી મારી બાજુમાં બીજા એક ભાઈ હતા એમણે ખાલી બે એકલા ભટુરાનો ઓર્ડર કર્યો અને ત્રીજા એક ભાઈએ જૈન છોલે ભટુરેનો ઓર્ડર કર્યો..!
ઓર્ડર લેવા વાળો વેઈટર ઓર્ડર લઈને પાછળની બાજુ ગયો અને પછી દસેક મિનીટ પછી એ પાછો આવ્યો..એનું મોઢું ટોટલ કન્ફયુઝ કોનો કયો ઓર્ડર હતો એ વેઈટર ભૂલી ગયો હતો, એટલે બિચારો બોલ્યો સા`બજી જેનો જે ઓર્ડર હોય તે લઇ લો .મેં કીધું કેમ અલ્યા ભૂલી ગયો ..?
મને કોઈપણ વેઈટરની યાદદાસ્ત માટે માન છે ..ભલે શોર્ટ ટર્મ, પણ એ લોકોની મેમરી હોય છે બહુ શાર્પ..!
વેઈટર બોલ્યો અરે સરજી બધા એકસરખા તમારી જેવી દાઢી વાળા જ આવે છે ખબર જ નથી પડતું કોણ કોણ છે..!!
એની સમસ્યા જેન્યુન હતી લગભગ આ વખતે ગરબામાં સાહીઠ ટકા છોકરાઓ દાઢી લઈને ફરે છે..!! અને દાઢી પણ જેવી તેવી નહિ સ્પેશિઅલ સલુન, સોરી સેંલોં ( “સ” ને માથે મીંડું અને “લ” ને માથે મીંડું લગાડીને જ બોલવાનું નહિ તો તમે કેવા લાગો ..? જવા દો વર્ગ વિગ્રહ થઇ જશે,..!)માં જઈ જઈને બીયર્ડ નું શેપીંગ કરાવવાનું અને બિયર્ડ ઓઈલ નાખવાનું ,હા ભાઈ દાઢીમાં નાખવાનું તેલ જુદું આવે સારા માની ૧૦૦ MLની બોટલ સાડા આઠસો રૂપિયાની આવે..!
હવે કોઈ જુના “કાકા” એમ બોલે કે દાઢી તો ઘરની ખેતી છે, તો કાકા ખાંડ ખાવ છો તમે, એ દિવસો ગયા..મફતમાં તમે ઘરની ખેતી તરીકે દાઢીને ઓળખતા હતા અત્યારે એ તો દાઢી એટલે મહીને નાખી દેતા બે ત્રણ હજારનો પ્રોજેક્ટ..!
જો કે કોલેજના છોકરાઓ એ રસ્તો શોધી કાઢ્યો છે..શૈશવભાઈ કોપરેલ નાખી દેવાનું રાત્રે અને સવારે શેમ્પુ (દાઢીની વાત ચાલે છે હો) સારો ગ્રોથ મળે છે..!
સરખા શેઈપની દાઢી ઉગાડવા ધીરજ પણ એટલી જ જોઈએ લગભગ છ થી આઠ મહિનાનો પ્રોજેક્ટ થાય છે આ દાઢી..!
કેશ કર્તન કલાકાર (હજામને “સેંલોં “ માં આર્ટીસ્ટ કેહવામાં આવે છે, એટલે મેં એનું ગુજરાતી કર્યું) ના ત્યાં હવે એપોઇન્ટમેન્ટ વિના જવાય નહિ નહિ તો કલાકનું વેઈટીગ પાકું ..!
લગભગ જુદા જુદા શેઈપની દાઢી જોવા મળી અને ઘણા હીરો તો દાઢી જોડે વાળમાં પણ કલાકારી કરાવતા આવ્યા હતા..!
જે હોય તે પણ ઉત્સાહ એક સરખો જ છે જનતા જનાર્દનનો.. પેલા દેશભક્તિ અને સર્જીકલ સ્ટ્રાઈક વાળા મુદ્દા ક્યાંક દુર દુર ખોવાઈ ગયા છે .. હા ક્યાંક એકાદું ગુપ ત્રિરંગા લઈને ગરબા કરતુ દેખાયું હતું અને એ સિવાય ગરબા પતે કે ચાલુ થાય ત્યારે રાષ્ટ્રગીતની વાર્તા જામી નહિ..!
આમ જોવા જાવ તો ગરબાની શરૂઆત અને અંતમાં થતી આરતી શું છે..? રાષ્ટ્ર્ગીતની ભાવના જ છે ને ..!
રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો માં ..
વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ દેવે ..ગઈ શુભ કવિતા
જયો જયો માં જગત અંબે..
અધિનાયકની બદલે સૃષ્ટીની અધિષ્ઠાત્રી એવી માં ના ગુણ ગવાય છે..!
મારા માટે માતાજીની આરતી અને રાષ્ટ્રગીત એક સામાન છે અને પૂજનીય છે..
જીવનમાં ક્યારેક ભાવુક થયા વિના તેહવારોની મજા માણી લેવી જોઈએ નહિ તો જિંદગી પાકિસ્તાની જેવી થઇ જાય “અસુરી” ..
બીજાને દર્દ મળે તો જ મને મજા આવે..!
એક મિત્રનો સરસ મેસેજ આવ્યો કે તમારો બ્લોગ વાંચીને આઠ વર્ષે કેડિયું કબાટમાંથી કાઢીને હું ગરબા ગાઈ આવ્યો..! બહુ જ મજા આવી થેંક યુ શૈશવ ભાઈ..!
દોસ્ત હું તને જુદી રીતે કહીશ કે આજે આઠ વર્ષે તારા કેડિયામાં પ્રાણ પાછો આવ્યો, અને તું એ કેડિયું પેહરીને નાચ્યો.. મને નથી ખબર દોસ્ત કે તારા જીવનમાં એવા ક્યાં સંજોગ હતા કે તું આઠ આઠ વર્ષ સુધી એ કેડિયાને કબાટના અને હૈયા ના ખૂણે તે ધરબી રાખ્યું..?
પણ આજે હવે જયારે એ કેડિયું કબાટની બહાર નીકળ્યું જ છે તો પછી મન ભરી ભરીને માણી લેજે..! અને એક વિનતી કે હવે એ કેડિયાને આટલી લાંબી સજા ના આપતો..!
જેટલો આનંદ સમૂહમાં ઉજવાતા તેહવારોમાં આવે છે એટલો આનંદ “એકલપેટા” થવામાં નથી..અને નાચવું અને ગાવું એ બે વસ્તુ તો આપણને પશુ થી અલગ પાડે છે ..
ઈશ્વરના વરદાન જેવી તેહવારોની ભૂમિ ભારત અને એમાં જન્મ મળ્યો હોય અને તેહવાર ઉજવું નહિ અને માણું નહિ તો તો ફેરો ફોગટ જાય..! એવું કરવાનો શો મતલબ..?
જાતે કરીને જિંદગીને કુતરા જેવી બનાવવાની..?
જા..સીમરન.. જા …જી લે અપની જિંદગી ..!
આજની રાત હજી બાકી છે..!
પંખીડા હો પંખીડા..
બહુચર માં ના દેરા પાછળ ..
માડી મહીસાગર ને આરે ઢોલ..
સાચી રે મારી સત રે ભવાની માં ..
ખેલ ખેલ રે ભવાનીમાં જય અંબે માં..
આવી નોરતાની નવ નવ રાતલડી..
ના થાકું ભાઈ ના થાકું..
મા`ડી હૈયે હામ ને પગમાં જોર દેજે..કંઠે ને કાને સરસ્વતી ..
આપનો દિવસ શુભ રહે અને રાત્રી આનંદમય
શૈશવ વોરા