યલગાર હો..!!
આક્રમણ..!!
હર..ર..હર..મહાદેવ…!!!
પણ..પણ..પણ..આ શું ..??????
સામે થી પણ બુમ આવી
“હર હર મહાદેવ..!!”
આ તો “યલગાર” થવાની બદલે “આક્રમણ” થયું..!!
“ધર્મયુદ્ધ” છેડાઈ ગયુ,
આપણને તો એમ હતું કે આ બે વિધર્મીઓ વચ્ચે યુદ્ધ છે એની બદલે સમધર્મી વચ્ચે “જંગ” છેડાઈ ગયો..!!
હવે..?
જેઠાલાલની જેમ મૂછો ચાવો બીજું શું ..?
આખી રણનીતિ બદલવાનો વારો આવ્યો,મારા પુત્રો અને પાંડુ પુત્રો થઇ ગયા..!!
ધંધો હોય કે રાજકારણ, તમારો કટ્ટર કોમ્પીટીટર જયારે તમારી જ સ્ટ્રેટેજીને સેહજ મોડીફાઈ કરી ને તમારી જ સામે પડે, ત્યારે મધદરિયે ધસમસતા જતા વહાણને અચાનક તમારે ઉંધી દિશામાં વાળવું પડે, અને એવા સમયે જહાજમાં જે અફડાતફડી થાય એ માહોલ અત્યારે સર્જાયો છે..!
ધંધામાં જયારે અચાનક ૧૮૦ ડીગ્રીનો વળાંક લેવાનો આવે ત્યારે, જે લોકો એકદમ ખૂણામાં ટેબલ લઈને બેઠા હોય, અને દર મહીને સાતમી તારીખ આવે એટલે એમને હાશ થતી હોય, એવા તારક મેહતાના “પારેખ” જેવા બિનજવાબદાર લોકોને ગભરામણ..ગભરામણ..થઇ જાય, અને પાછા આવા લોકો શેઠિયાને સૌથી વધારે ડરાવે, પછી ડરનો માર્યો શેઠ “બાબુલાલ” બબડાટી કરે કે કોઈ લવારી કરે ત્યારે એમાં પાછો સૌથી વધારે “પારેખ” જ હરખાય..! એ જ લાગનો હતો “બાબુડીયો” સાલો..!
ગુજરાતમાં ઘમાસાણ મચ્યું છે, બંને તરફના લશ્કરો સામસામે આવી ગયા છે, ખાંડા ખખડી રહ્યા છે અને રોજ કૈકને કૈક નવી ચકમક ઝરતી જોવા મળી રહી છે, પ્રજાને જયારે જયારે નવરાશ મળે ત્યારે જ્યાં નજીકના “જોણું” હોય ત્યાં પોહચી જાય છે..
“જોણું” શબ્દ એટલે વાપર્યો કે હવે એકેય નેતાની “સભા” થતી જ નથી..”જોણા” જ થાય છે..
અમે ખાનપુરમાં રેહતા ત્યારે કોટની પાછળ નદીના પટમાં રેહતી “વસ્તી” માં સાસુ-વહુ એકબીજીને માં-બેન અને ભાઈ-બાપ સુધીની કાનમાંથી કીડા ખરે એવી જે “મસ્ત” ગાળો બોલે, અને ત્યાં “એ” જોવા માટે એક “ટોળું” ભેગુ થાય અને સાસુ-વહુ કલાક એક સુધી સામસામે ચલાવે,
એ એક કલાક ચાલતી ઘટનાને “જોણું” કેહવાય..
મજાની વાત તો એ થતી કે જયારે “જોણું” થતું ત્યારે નવી નવી ગાળો “ઇન્વેન્ટ” થતી,અને “જોણું” જોવા ગયેલા અમારા મિત્રો “એ” નવી નક્કોર “ગાળ” ઉપર રિસર્ચ કરતા અને એને પ્રેક્ટીકલ લાઈફમાં અમલમાં મુકવાની કોશિશ કરતા..પણ અફસોસ…એ “જોણા”માંથી શીખેલી નવી નક્કોર ગાળોનું આયુષ્ય બહુ લાંબુ નોહતું રેહતું, બે ત્રણ દિવસમાં એ ગાળો હવામાં અદ્રશ્ય થતી, અને રોજના રૂટીનવાળી “પેલી” ગાળો પાછી મોઢે ચડી જતી..!!
ગુજરાતમાં લગભગ અત્યારે ખૂણે ખૂણે “જોણા” ચાલી રહ્યા છે, અને પ્રજા એની મજા લેવા પોહચી રહી છે, પત્રકાર મિત્રો “જોણા”માં બોલાયેલી ગાળોના અર્થઘટન કરી રહ્યા છે, અને એ “નવી નક્કોર” ગાળો ના અર્થઘટન કર્યા પછી વ્યહવારમાં એ ગાળ ઉમેરાઈ જાય એવા પ્રયત્નો કરે છે, પણ અફસોસ બે કે ત્રણ દિવસમાં નવી ગાળનું મરણ થાય છે અને એની એ જૂની અને જાણીતી તારી માં ને.. તારી બેન ને..ઉપર સાસુ-વહુ આવી જાય છે..!
આપણને ક્યારેક તો એમ થાય કે આ લોકો એકબીજાને ગાળો આપે છે એની બદલે ક્યારેક વન્સ ઇન અ બ્લુ મુન પણ એકબીજાનું સારું બોલે ખરા..?
બે દિવસ પેહલા અકસ્માતે એક દિલ્લીના મોટા પત્રકારને મળવાનું થઇ ગયું ?
મને બે સવાલ પૂછ્યા..શૈશવ યે ગુજરાત મેં હો ક્યા રહા હૈ ..? ઔર યે ખેતલાઆપા ક્યા હૈ ..?
બોલો શું જવાબ આપવો આપ`ડે..?
એ પત્રકારભાઈ જાણીતા અંગ્રેજી છાપામાં લખે છે, અને અહિયાં ગુજરાતમાં “ફિલ” લેવા આવ્યા હતા..
બે સવાલોના જવાબ આપવાને બદલે મેં સામું પૂછ્યું આપ કો ક્યા લગતા હૈ કૌન જીતેગા ? દિલ્લી સે હવા કા રુખ કિસ તરફ દિખાઈ દેતા હૈ..?
જવાબ આવ્યો..યાર તીસ સાલ કી પત્રકારીતા મૈ ઇતના સીખા હું કી કભી ચુનાવો કો પ્રીડીકટ મત કરો, ઊંટ કિસી ભી તરફ કરવટ લે કે બૈઠ સકતા હૈ..!!
એમણે હાથ અધ્ધર કર્યા એટલે આપણે પણ કર્યા,
“તરીહ વરહ” જુનો ખેલાડી મગનું નામ મરી ના પાડતો હોય તો આપ`ડે પણ એને ગુજરાતમાં શું ચાલે છે એની પટલાઈ કુટવાની ક્યાં જરૂર છે હેં ..!!?
મારા બેટા બધા “જીભડા” સીવીને બેસી ગયા છે, અને પ્રજા પણ જ્યાં “જોણું” હોય ત્યાં પોહચી જાય છે..!
પણ સાલી એક ગુજરાતી માનસિકતા તો ખરી હો..
ગમે તે હોટેલમાં જાય, પોણો કલાક ટેબલ ઉપર બેઠો બેઠો “ટોપો” મેનુ વાંચે, બૈરા છોકરા બધા જોડે બીજી વીસ મિનીટ “ડિસ્કસ” કરે, પણ છેલ્લે સબ્જી તો પનીર બટર મસાલા લખાવે..!
ઘેરથી નક્કી કરીને આ`યો હોય એ જ ખાય..!
મનોરંજનનું “તત્વ” જ્યાંથી મળતું હોય ત્યાં પ્રજા ભેગી થાય,અને મનોરંજન ક્યા પ્રકારનું ? તો કહે જેટલું હલકું મનોરંજન એટલી પ્રજા વધારે ભેગી થાય..!
આ વાતની સાસુ-વહુ બંનેને ખબર છે એટલે બંને પેટ ભરીને એકબીજાને ગાળો આપે છે અને એમના મીડિયા સેલ પણ કઈ જ બાકી નથી રાખતા..!
જય હો ગિરિધારી..!!
શંભુ શંભુ..!
તમારા બંને ના આજકાલ “ભાવ” આવી ગયા છે..આમને આમ જો દર વર્ષે ગુજરાતમાં ચૂંટણી આવતી હોય તો રામ લલ્લાને ઝુપડીમાંથી મંદિરે બેસવા મળી જાય અને કાશી-મથુરા..
સરદારના નામે પથરા તરાવનારા કે પથરા ઉભા કરનારાને એ યાદ નથી કે એની જોડે મુનશી કાકો અને બીજા એવા કૈક પ્રકાંડ પંડિતો હતા..!!
સરદાર પોતે પણ બેરિસ્ટર હતા..!
ગુજરાતની ભણેલી અને ગણેલી પ્રજાએ નક્કી કરવાનું છે કે શું કરવું ..?
કદાચ પ્રજા તો નક્કી કરીને બેઠી છે, પનીર બટર મસાલા..
અને ટોળા “હેંડો લ્યા,હેંડો લ્યા,પેલા બાઝે સ..હેંડો હેંડો..” કરતી “જોણા” જોવા જાય છે, અને મજા લઇ રહી છે..! અને એમના માનીતા કલાકારો દિલ્લીથી રોજ આવી આવીને “મજા” પીરસી રહ્યા છે..દિવસમાં ચાર વખત કપડા બદલી બદલીને અને મંદિરો ગણી ગણી ને ..!!
યાદ રાખજો રાજકારણીઓ આ ગુજરાત છે..!!
સસ્તું,સારું,નમતું અને ઉધાર લેવાની ટેવ છે ગુજરાતને..
ધરમ અમને જોઈએ, પણ કરમ પણ “તમારું” જોઈએ છીએ..અમે..!
નહિ તો ખીલજી ને તુઘલક, એ બધાય મંદિરો તોડ્યા તોય અમે જીવ્યા અને જીવશું..
તમને રોજ મંદિરો ગણવા નથી મોકલ્યા, કામ કરવા મોકલ્યા છે, કામ કરો કામ..!
અમે અમારું કામ ચોક્કસ કરશું..!
કરજો હો અલ્યા..!
મત આપવા જજો..!
આ અમે તમારા વતી બે-ચાર શબ્દો ઠોકી ઘાલ્યા છે, તે પછી ઘરમાં ના ભરાઈ રેહતા,
ઠંડી તો હોય હવે..!!
શુભ રાત્રી
શૈશવ વોરા