पुस्तकेषु ही या विद्या
परहस्तेषु यद् धनम्
उत्पनेषु च कार्येषु
न सा विद्या न तद् धनम्
इस लिए मेरे देशवासियों अपना धन अपने ही बेंक के ख़ाते में भरिए दूसरे के खातें में नहीं, माननीय मनमोहनजी ने अपनी विद्या पुस्तक में ही रखी इसलिए किसी के काम न आई, माननीय मोदीजीने पुस्तक में से सब विद्या बाहर लाकर आपके सामने रख दी, इसलिए उनको साथ देना हमारा फ़र्ज़ बनता है
शुक्रिया
डॉ मुक्ता वोरा
આ તો થયો મારી મમ્મી નો વ્યુ,
પણ સોમવારના બંધના એલાનના વિરોધ અને તરફેણ ના જોરદાર SMS નો મારો ચાલ્યો છે,સોશિઅલ મીડિયા પર યુદ્ધ ખેલાઈ રહ્યું છે..!
મારા માટે સોમવાર એટલે કામ કરવાનો દિવસ,અને કામ કરવાના દિવસે જો ઘરની બહાર પરિસ્થિતિ કાબુમાં અને કન્ટ્રોલમાં હોય તો પછી ચુપચાપ કામે ચડી જવાનું..! અને પછી બહુ બુદ્ધિ નહિ ચલાવવાની,ખોટા ખોટા ઘેર બેસીને ટીવી જોવાનું અને જોયા કરવાનું કે અહિયાં આમ થયું ને ત્યાં તેમ થયું,અને ફેસબુક વોટ્સએપ છેલ્લે પછી ફોન પર પડીકા ચાલુ થાય..!
એના કરતા ઘર સે ભલી બજાર..!
સરદાર મનમોહનસિંહ આખરે બોલ્યા..
ઘણો સમય મૌન રહી ને બોલનારી વ્યક્તિ જયારે બોલે ત્યારે એમની લીટીએ લીટી સમજવી જરૂરી થઇ જાય છે અને બહુ બોલકી વ્યક્તિનું મૌન સમજવું જરૂરી હોય છે..!
મનમોહનસિંહ એ એવું કીધું કે નોટબંધી લાંબા ગાળે ફાયદો કરાવે છે પણ લાંબા સમય પછી આપણે મરી ગયા હોઈશું..!
બહુ બધું છે આ બે વાક્યમાં જો સમજવું હોય તો..
પેહલા તો મનમોહનસિંહજી એમની નિખાલસ કબૂલાત માટે અભિનંદનના અધિકારી છે, કેમકે એમના કેહવા પ્રમાણે “નોટબંધી” લાંબા ગાળે ફાયદાકારક છે..!
મને ખરેખર હાશ થઇ કે “નોટબંધી” લાંબા ગાળે તો ફાયદાકારક થશે તો ખરી..! ટૂંકાગાળાની રાજનીતિ અને આર્થિક નીતિઓ એ તો દેશની ઘોર ખોદી નાખી છે, મનમોહનસિંહ જેવા વિદ્વાન અર્થશાસ્ત્રીનું આટલું નાનકડું બયાન પણ ઘણી શાતા આપનારું છે, કે કમ સે કમ મોદી સરકારનું આ પગલું અને આર્થિકનીતિઓ લાંબા ગાળાની છે, એટલે એટલી તો નિરાંત થઇ..
હું પેહલા પણ લખી ચુક્યો છું કે ભારતના છેલ્લા બે દસકાના વિકાસનું શ્રેય ચોક્કસ સરદાર મનમોહનસિંહને જ આપવુ પડે..અને કદાચ ઈતિહાસ પણ કેહશે કે સોનિયા ગાંધીએ દસ વર્ષ માટે ફૂલ ટાઈમ એપોઇન્ટેડ પ્રાઈમ મીનીસ્ટર દેશને આપ્યા..
હવે અત્યારે એવો બળાપો કરવાનો મતલબ નથી કે એમના કાર્યકાળમાં આટલા કૌભાંડ થયા ને તેટલો ભ્રષ્ટાચાર થયો..એ બધું કોંગ્રેસી કલ્ચર છે અને એ બધાના હોવા છતાં પણ વિકાસ થયો એ વધુ મહત્વનું છે..!
નરેન્દ્ર મોદી અને મનમોહનસિંહની વચ્ચેનો બેસિક ડીફરન્સ છે નરેન્દ્ર મોદી પોતાની મેહનતથી ઈલેક્ટ થયેલા પ્રાઈમ મીનીસ્ટર છે જયારે મનમોહનસિંહ અપોઈન્ટેડ..
અને અપોઈન્ટેડ પીએમ પાસેથી કોઈ આકરા પગલાની આશા ના રાખી શકાય..!
ભારતની છાપ મદારી અને સાપના દેશમાંથી આઈટી જાયન્ટ અને એન્જીનીયર અને ડોક્ટરનો દેશ છે, એવી છાપ ઉભી કરવા માટે રાજીવ ગાંધીનો સામ પિત્રોડા પરનો વિશ્વાસ અને પીવી નરસિહ રાવનો મનમોહનસિંહ પર નો ભરોસો હું આ બે ફેક્ટરને ઘણું મોટું શ્રેય આપીશ..
એક આડવાત ..મારો એક મિત્ર એના કરતા બાર વર્ષ નાની પત્ની લાવ્યો ..! મને એની પત્ની જોઇને ઘભરામણ થઇ ગઈ..અલ્યા આટલી નાની ..? અને પાછો તું હરામી,બધી રીતે પૂરો દારૂ,સિગારેટ અને બત્રીસનો થયો ત્યાં સુધીમાં બેતાલીસ કરી તે..આણે તને શું જોઇને હા પાડી..??
પણ લાલો હોશિયાર મને કહે જો મેં તો એને ના જ પાડી કે મને પરણીશ નહિ પણ એણે એવું કીધું કે તારા ૯૯ અવગુણ માફ અને ૧ ગુણ હશે તો એ ૧ ગુણ જોઇને હું જિંદગી જીવી લઈશ..!
મેં કીધું ખરી ગાંડી છે, અને કેહવું પડે ભાઈ..! એ ગાંડી એ અત્યારે પેલાને ડાહ્યો કરી નાખ્યો છે અને લગભગ વીસ વર્ષના વહાણા વીતી ચુક્યા છે,ક્યારેક મજાકમાં એની પત્નીને પુછુ પણ ખરો કે આ જંગલીમાં તે કયો ગુણ જોયો..?મને હજુ જવાબ નથી મળ્યો, સિક્રેટ એવું કહીને છૂટી પડે છે..!
સરદાર મનમોહનસિંહ માટે મને કેમ માન છે એની મને ખબર નથી, પણ કઈક તો છે એ વ્યક્તિમાં કે જે મને એમના તરફ માનની દ્રષ્ટિથી જોવા પ્રેરે છે.. એકદમ ઉપર વર્ણવેલા લગ્નજીવન જેવું..કયો ગુણ જોયો અને બત્રીસ લક્ષણાને પરણ્યા અને નિભાવ્યો..એ તો સરદાર મનમોહનસિંહ જાણે, પણ નિભાવ્યુ..
હવે સરદાર મનમોહનસિંહની બીજી વાત કે લાંબા ગાળે આપણે બધા મરી ચુક્યા હોઈશુ..
હવે આ વાત આપણને ના ગમી..
શું દુનિયામાં જે કઈ કરીએ એ આપણે આપણા માટે જ કરવાનું છે? આપણી ભવિષ્યમાં આવનારી પેઢી પ્રત્યે આપણી કોઈ જવાબદારી ખરી કે નહિ..?
ક્યારેક કોઈક કામ આપણે આપણા માટે નહિ પણ આવનારી પેઢી માટે કરવા પડે અને જો એ કોઈક કામમાં “નોટબંધી” આવતી હોય તો અત્યારનો કેશ ક્રંચ માટે મોદી સાહેબને માફ કરવા પડે..
બીક તો ઘણી લાગે છે, જે રીતે પ્રજા રૂપિયા ખરચતી બંધ થઇ ગઈ છે એ જોતા તો બજારો ફરી ઉભા થશે કે કેમ..? ત્રણ ચાર મહિનાની વધારે આવું ચાલ્યું તો મોટા મોલ બંધ થઇ જશે,અને બહુ મોટા મોટા લે ઓફ આવશે..ડોલર વધારે પડતી મજબુતી પકડી ગયો તો આઈટી ઇન્ડસ્ટ્રીનું શું ?એક્સ્પોર્ટરો નું શું ? લગભગ દરેક દેશોએ ટુરીસ્ટ ગાઈડલાઈન્સમાં આ વર્ષે ઇન્ડીયા આવવાની ના પાડી છે એટલે હોટેલ્સનો શિયાળુ ધંધો તો ચોપટ..
પણ આ બધા “ભોગ”ની સામે ભ્રષ્ટાચાર અને ફુગાવો અને ત્રીજું આતંકવાદ એની ઉપર લગામ કસાઈ જાય તો બધું મંજુર,ચાલશે અમે વીસ વર્ષ પેહલા ત્રણસો રૂપિયા ખિસ્સામાં રાખીને જિંદગી જીવતા એમ અત્યારે પણ ત્રણસો રૂપિયામાં જીવી લઈશું..
ફરી એકવાર બે રૂપિયાની થમ્સ અપ અને એક રૂપિયાની પુરોહિતની આલુમટર સેન્ડવીચ મળતી થવાની હોય તો મુઓ મેકડોનાલ્ડ મરતો આપણને દુઃખ નથી..!
મારો મ્યુનીસીપલ માર્કેટ નવરંગપુરાનો પુરોહિતવાળો શરદ મને હજી એટલા જ પ્રેમથી ડબલ ચીઝ સેન્ડવીચ ખવડાવશે અને હું એટલા જ પ્રેમથી ખાઈશ..!
પણ હા કેશ ક્રંચ જેટલો જલ્દી દુર થાય એટલું સારું, કેમકે પગારોની તારીખ માથે આવતી જાય છે અને એટીએમ બધા જ લગભગ ખાલી છે, અને બેંકોમાં પુરતી કેશ આવતી નથી, ક્યારેક એવું પણ લાગે છે કે શું બેંકો એમની આવેલી કેશથી એમના મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્સને “સાચવી” લે છે ?અને જનતા જનાર્દન બાપડી પોતાના રૂપિયા માટે લાઈનમાં ઉભી રહી જાય છે..?
ક્યાંક ક્યાંક આવું ચોક્કસ થઇ રહ્યું છે એ તરફ પણ આરબીઆઈ એ જોવું રહ્યું,
સમાજના દરેક વર્ગમાં સરખેભાગે નોટોની વેહાચાય તો સારું રેહશે, પાંચસોની નોટો ધીમે ધીમે બજારમાં આવી રહી છે મને તો પાંચસોની અને બે હજારની નોટ ખિસ્સામાંથી કાઢતા જીવ કળીએ કળીએ કપાય છે મુઈ પાંચસોની નોટ જોડે તો અમેરિકન ડોલર જેવો પ્રેમ થઇ ગયો છે, છૂટતી જ નથી અઠવાડિયાથી પાકીટમાં રાખીને ફરું છું, અને બે હજારની નોટ ચાયનીઝ આરએમબી જેવી લાગે છે જેમ હજાર આરએમબીમાં તો “અડધું” શાંઘાઈ હું ખરીદી અને હું મારી બેગ ફૂલ કરી નાખું છું એમ અત્યારે તો એવું લાગે છે બે હજારની પાંચ નોટમાં તો આખું ઘર ભરાઈ જશે..!
છેલ્લે એક વોટ્સ એપ મેસેજ
કાળું નાણું તારું ડૂબ્યું તો હું શું કામ ધંધો બંધ કરું ભાઈ ..?
સ્વાર્થી વાત છે પણ હકીકત છે રાજકીય પક્ષો બહુ પરેશાન છે ..
જનધન માં રૂપિયા ઠોક્યા છે પણ પ્રજા પાછા આપશે કે પછી ઉપાડીને પ્રજા પોતે જ ચાવી જશે..?(કર્નાટક અને બંગાળમાં સૌથી વધારે રૂપિયા જનધન ખાતામાં ભરાય છે)
ચોરો કા માલ સબ ચોર ખા ગયે..
એટલે બીજાના ખાતામાં પાંચસો હજારની નાખતા વિચારજો બાપલીયા
શુભ રાત્રી
શૈશવ વોરા