ન્યુઝીલેન્ડના મસ્જીદ ઉપરના હુમલા પછી `પબજી`ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે..
જોકે ગયા અઠવાડિયે ગુજરાત સરકાર એ ઠેર ઠેર `પબજી`રમતા છોકરાને પકડવાના ચાલુ કર્યું ત્યારથી એમ લાગ્યું કે *દરેક બાબતમાં બીજા નો દોષ શોધવાની ટેવ પડી ગયેલી તમારી અને મારી જેવી પ્રજા ને, અને એની સરકારને પણ અમે બહુ સ્ટ્રીક્ટ છીએ એવું દેખાડવાનું એક કારણ જોઈતું હતું અને `પબજી`ઉપર પ્રતિબંધે કદાચ સરકાર બહુ કડક છે એવું દેખાડી પણ આપ્યું..*
કેમકે જે નિર્ણયનો વિરોધ પણ દબાતા સ્વરે થાય એટલે સમજવું કે સરકાર નો `હાઉ` ઘણો છે પ્રજા ઉપર..!!
એક મીડિયા પર્સન જોડે વાત થઇ તો કહે પ્રજા કેમ રસ્તા ઉપર નથી ઉતરતી ? માટે આ તો પ્રજા ને ગમતો નિર્ણય છે..
મને ઘણું આશ્ચર્ય થયું..!!
`પબજી` જેવી રમત રમવા ના મળે તો પ્રજા રોડ ઉપર ઉતરે એમ ?
પણ હવે આ તો મીડિયા છે..!!
દરેક રેડિયો ઉપર આર.જે. મંડ્યા છે `પબજી`ના પ્રતિબંધ ઉપર ચર્ચા કરવા..
કેટલીય માવરુઓ રેડિયા ઉપર કકળાટ કરે છે કે મારો છોકરો ભણવાને બદલે `પબજી`રમે છે..!!
કદાચ નાની નાની ઉમરના આર.જે. લોકો માટે પેહલો અનુભવ હશે કે કોઈ મમ્મી એના છોકરા ભણવાની બદલે `પબજી`રમ્યા કરે છે..માટે કકળાટ કરી રહી છે..
હવે જેટલા લોકો મારી ઉંમરના છે એ બધાય યાદ કરો કે તમારી મમ્મી શું કકળાટ કરતી હતી ?
મારો છોકરો આખો દિવસ ચોરના માથાની જેમ રખડે છે ક્રિકેટ ,ગીલ્લી ડંડા ..વગેરે વગેરે રમતો રમ્યા કરે છે , અને બીજી કેટ કેટલી રમતો તમે અને હું રમતા હતા..?
વર્ષમાં કેટલા દિવસ તમને તમારી મોટીબેહન કે કોઈ બીજું પાડોશી તમને શોધવા નીકળતું હતું ?
ચોરના માથાની જેમ ક્યાં ક્યાં નથી ભટક્યા ?
પછી જમાનો બદલાયો વિડીઓ ગેઈમ આવી અને પછી કોમ્પ્યુટર આવ્યું પછી પેલી મારીઓ , સુપર મારિયો, પ્રિન્સ ઓફ પર્શિયા અને બીજી કૈક કૈક વિડીઓ ગેઈમ આવી,
તમે અને હું એ બધું કલાકો ના કલાકો રમ્યા છો કે નહિ..?
હું તો ચોક્કસ રમ્યો છું..!!
હવે યાદ કરો જે છોકરા તમારી જોડે ભણતા હતા અને એકદમ “પઢાકુ” ,
થ્રી ઈડીટસના “ચતુર” ટાઈપ હતા ,
એ લોકો ક્યારેય તમારી જોડે કશું જ રમવા આવ્યા હતા ..?
પોઈન્ટ સમજાય છે ?
*જેને ભણવું છે એને કોઈ રોકી નથી શકતું,અને જેને નથી જ ભણવું એને કોઈ ભણાવી નથી શકતું..*
ગુજરાતી માવારુંઓ એ ખોટો કકળાટ માંડી અને `પબજી`ને માથે આળ મુક્યું છે..
હવે આજકાલનો ઘરનો સીન..
માં,બાપ,દાદા,દાદી કે ક્યારેક ભૂલ ભૂલથી ક્યારેક ઘેર કોઈ મેહમાન આવે તો એ પણ ,
કોણ પોતાના હાથથી મોબાઈલ છુટ્ટો મુકે છે..?
કઈ ગુજરાતણ આજે ફેસબુક કે વોટ્સેપ ઉપર દિવસના એકાદ બે કલાક નથી કાઢતી ? અને કયો ગુજરાતી ભાયડો ત્રણ ચાર કલાક..?
તો પછી બાળક શું શીખે હવે..?
અમારા પાડોશી ના ઘરેથી એક હસીખુશી નું એક આખું `બંડલ`, પેકેજ અમારા ઘરે રોજ આવે છે,
બે વર્ષ ની એ નાનકી એવી દીકરી મારે ઘરે રોજ એક આંટો રમવા મારી ને જાય,
એ નાનકી આવી અને અમારું ઘર ખુશીઓથી ભરી અને કલાક જેવું રહી અને પછીખુશીઓથી અને આનંદથી ભરેલુ `બંડલ` એના ઘેર પાછું જાય..!!
બે વર્ષ ની એ નાનકી દીકરી ને લખતા વાંચતા નથી આવડતું ,સ્વભાવિક છે નાં જ આવડે,
પણ યુટ્યુબ ઉપર એને ગમતા કાર્ટુન જાતે ખોલી અને જોઈ લ્યે છે, અને એમાં પણ અમને અચરજ ત્યારે થાય છે કે એ `સ્કીપ એડ` ઉપર પણ ક્લિક કરી અને વચ્ચે નડતી જાહેરાત ને દુર કરી મુકે છે..
કોનો વાંક ?
સો ટકા અમારો..
અમે જ એને કાર્ટુન દેખાડીએ છીએ આઈપેડ ઉપર..અને બાળક એટલે શું ? જે જોવે તે શીખે..!!
અને રમત તો બાળકને રમવા જોઈએ જ ..!!
અમે જ એને અડકો દડકો દહીં દડુકો ,શ્રાવણ ગાજે.. ..ની બદલે યુટ્યુબ ઉપર કાર્ટુન બતાડીએ છીએ..!
અચ્છા હવે જે માતાઓ `પબજી` ના નામે છાજીયા લઇ રહી છે એમને એક સાદો ઉપાય કેમ નથી સૂઝતો ?
ખાલી ને ખાલી કી-પેડવાળો મોબાઈલ બાળક ને આપો અને તમે પણ વાપરો ..
હા આટલું કર્યા પછી પણ મારો સવાલ તો આવશે જ ..
કે હવે તમારું `રતન` આઈએએસ ,ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટ , ડોક્ટર થઇ જશે ?
એવું તો નહિ કહું કે કુવે હશે તો હવાડે પોહચશે..પણ કોઈ એક રમત નું તમારું બાળક `એડીક્ટ` થઇ જાય ત્યાં સુધી તમે શું કરતા હતા ?
હવે આ જ `પબજી` રમતું તમારું બાળક ક્રિકેટ કે ,ટેનીસમાં કે ગોલ્ફમાં આગળ હોત તો તમે શું કરતે ?
ઉછળી ઉછળીને ફેસબુક અને ઈંસ્ટા ઉપર ફોટા નાખતા હોત.. તમારી જગ્યાએ એ હું હોત ઓ પણ એ જ કરતે..
હવે જો તમે, હું અને સરકાર એમ બધાય એમ જ માનતા હોઈએ કે `પબજી`કે બીજી કોઈ રમત આપણા યુવાધન ને બગાડી રહી છે…
તો પછી અમિતાભ બચ્ચન ને આજે જ ફાંસી આપવી જ રહી ..
એક જમાનામાં, અરે એક જમાનો શું કરવા ?
અત્યારના શાસકો અને માતાપિતાઓ જયારે જુવાન હતા ત્યારે અમિતાભ બચ્ચન અને બીજા ફિલ્મી લોકો એ એમના એટલા બધા સમયની “બરબાદી” કરી મૂકી છે કે એ બગડેલા સમય અને માણસો નું ટોટલ મારીને એમ વિચારીએ કે એ બધો સમય રાષ્ટ્ર નિર્માણના કામમાં લગાડ્યો હોત તો દેશ આજે ક્યાંય નીકળી ગયો હોત ..
ખરું કે ખોટું ?
તો પછી હવે અત્યારે અમિતાભ બચ્ચનને ફાંસી આપવી પડે કે નહિ..!!!?
એ કોણ બોલ્યું કપિલદેવ ને પણ ..
હા એ પણ કરાય .. બધાય છોકરાંવની પરીક્ષા માથે હોય તો તમારી ક્રિકેટ અને આઈપીએલ ની મેચો …
બોલો..? હવે ? કોણ તમારા બાળકનો ટાઈમ બગાડવામાં બાકી રહ્યું ?
અરે હા.., અત્યારે તો અમુક `ગાંડીનાઓ` ને તો ચૂંટણી સિવાય કઈ દેખાતું નથી,વોટ્સ એપ ગ્રુપમાં બે ચાર નવરી બજારો દિવસ આખો બાઝયા કરે છે.. બોલો શું કરવું ?
બહુ મજા આવે પોતાની નિષ્ફળતાનો દોષ બીજા ને માથે મઢવાનો..!! પ્લસ સરકાર એની ઉપર મોહર મારે પછી તો બાકી શું રહે..?
`પબજી`કે બીજી કોઈ જ વોર ગેઈમ હોય કે પોર્ન ગેઈમ હોય કે પછી પોર્ન સાઈટ એ એટલું નુકસાન નથી કરતી કે જેટલું માતાપિતાની બાળક પ્રત્યેની ઉપેક્ષા..
દસ કલાક `પબજી`રમતો કે મોબાઈલ ઉપર ચોંટી રેહતા છોકરાના માંબાપ એ સમયે, દસ કલાક દરમ્યાન શું કરતા હોય છે..?
ક્યારેક તો સમાજ તરીકે આપણે આત્મમંથન કરો…!!
હિંસાત્મક રમતો કે કામુક ઉત્તેજના ફેલાવતી રમતો નો હું વિરોધી રહ્યો છું, પણ સરકાર દ્વારા પ્રતિબંધ મુકાય અને પોલીસ `પબજી`રમતા છોકરા ને પકડે એ કૈક વધારે પડતું છે ,
કદાચ બિચારી ગુજરાત પોલીસ એકલી પોલીસ હશે દુનિયામાં કે જેને ખરેખરી નિષ્ઠાથી ફરજ બજાવવાની આવે તો એના પોતાના છોકરા પણ જેલ ભેગા કરવા પડે..
વિડીઓ ગેઈમ કે મોબાઈલની રમત પાછળ બાળક કેમ સમય આપી રહ્યું છે એ તો ચેક કરો ..
કઈ એવી પરિસ્થિતિ માતાપિતા તરીકે તમે એના માથે થોપી દીધી છે કે જેનાથી `ભાગવા` માટે બચવા માટે એ બાળક “રમત” નામ નો નશો કરી રહ્યો છે ..એનો વિચાર તો કરો..
આજે `પબજી`ઉપર પ્રતિબંધ મુક્યો છે પણ જુવાની કોને કીધી એ તો એને તમે ચોક્કસ રસ્તે વાળવામાં નિષ્ફળ રહ્યા તો એ એનો બીજો રસ્તો શોધી લેશે ..
અને એ બીજો રસ્તો એ વ્યસન પણ હોઈ શકે..!!
મારી મમ્મી કહે છે છોકરા ઉછેરવા એ આ જમાના માં “પાણા” (પથરા) પકવવા બરાબર છે..
પક્ષી તો ઈંડા સેવે ને તો થોડાક સમયે એનું નવજાત બાહર આવે છે,
જયારે આપણા મને`ખ ના તો “પાણા” છે..જન્મારા આખા પકવો ને ત્યારે ઈ માણસ થઇ ને બાહર આવે..
ખાલી જણી મુકવાથી અને મો માંગી સગવડ આપી દેવાથી છોકરા નથી ઉછરતા..
સરકારો તો આવશે અને જશે ..રમતો પણ આવશે અને જશે પણ સમાજજીવન સદાકાળ રેહશે,
બાળકને સમય માતાપિતા અને દાદાદાદી એ આપવો જ રહ્યો ..
આ એક જ ઉપાય છે..ઓન લાઈન કે ઓફ લાઈન ગેમિંગ ના ચક્કરથી બચાવવાનો..!!
જો સહમત હો તો ફોરવર્ડ કરો શેર કરો .. કોઈક માતાપિતા ફેસબુક વોટ્સ એપ છોડી ને એના છોકરા જોડે બે વાત કરશે આ વાંચીને તો છોકરું એટલો સમય તો `પબજી` થી દુર રેહશે..
શુભ રાત્રી
શૈશવ વોરા