આજે આંબાવાડી સી એન વિદ્યાલય આગળથી પસાર થતો હતો ત્યારે ત્યાં દીવાલ પર એક સુવાક્ય વાંચ્યું “ પરિશ્રમ એ જ પારસમણી છે “
મને વિચાર આવ્યો કે હું તો સમજી ગયો કે આ શું કેહવા માંગે છે પણ આજકાલના કેટલા છોકરાઓ ને ખબર પડતી હશે ..? અને આજના જમાનામાં આ ઉક્તિ કેટલી સાચી ?
“પારસમણી” આ શબ્દ અને એનો અર્થ …અને ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો કઈ પરિકલ્પના એની સાથે જોડાયેલી હતી , કોઈ સાયન્ટીફીક અવધારણા એને સપોર્ટ કરે ખરી ? ઘણા બધા સવાલો મનમાં એકસાથે આવ્યા .. ચાલો એક પછી એક જવાબો શોધવાની કોશિશ કરું ..
પારસમણી એટલે એક એવું રત્ન કે જો પારસમણીને લોખંડ ને અડે તો લોખંડ સોનાનું થઇ જાય , જેનો સ્પર્શ માત્ર લોખંડને કંચનમાં કન્વર્ટ કરે એનું નામ પારસમણી …
એક એવું સંપૂર્ણ ચમત્કારિક રત્ન જેનાથી થાય આ ચમત્કાર …અને જેની આખો ભારત દેશ રાહ જોઈ ને બેઠો છે ચમત્કારની ….બસ એક કોઈક એક એવો ચમત્કાર થાય મારા જીવનમાં અને હું ક્યાંક જોરદાર જગ્યા એ પોહચી જાઉં …
ગઈકાલે વાળ કાપાવવા ગયો હતો મારા રૂટીન હજામ જે ૬૦ રૂપિયામાં વાળ કાપે છે એને ત્યાં નહિ ..નવા નવા ખુલેલા સલુનમાં
અરે હા ભાઈ એમાં પણ પ્રોબ્લેમ છે હોં ..એ જે નવા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે ને સ્પા એન્ડ સલુન એને સ્પા એન્ડ સેંલોં કેહવાય …!!!
જો સલુન બોલો ને તો તમે પછાત લાગો… સેંલોં બોલવાનું .. સ ને માથે મીંડું અને લ ને માથે મીંડું લગાડી અને ભારપૂર્વક બોલવાનું .. સેં…લોં
થોડી આડવાત કરી લઉં હવે સલુનમાં અને સેંલોં માં ફર્ક શું ?
બહુ બધો સલુનમાં ટીવી ચાલતું હોય અને હિન્દી ગીતો વાગે જે આપણા વાળ કાપતો હોય એને હજામ કેહવાય … અને એ બિચારો તમને બહુ પ્રેમથી ચંપી વગર પૈસે કરી આપે ..
જયારે સેંલોંમાં વાળ કાપે એને આર્ટીસ્ટ કેહવાય , સરસ મજાના ઈંગ્લીશ સોન્ગ્સ વાગે સેંલોં માં અને વાળ કાપનારો આર્ટીસ્ટ તમને એક પછી એક સવાલ પૂછાતો જાય સર હેરડાય, પેડી, મેની અને જેમ જેમ હા પાડો એમ એમ મીટર ફરે અને પછી જયારે બીલ આવે ત્યારે ૧૦૮ યાદ આવે
હવે એ નવા સેંલોંમાં આર્ટીસ્ટ ભાઈ થોડા વાચાળ નીકળ્યા એટલે મેં એની સાથે ખણખોદ ચાલુ કરી
જો કે પેહલા મેં ચાલુ કરી હતી ,મને કહે શું કરો છો સાહેબ તમે ?મેં કીધું પોલીસ ઇન્સ્પેક્ટર છું એટલે આર્ટીસ્ટ ગેલમાં આવી ગયો અને એણે મને આખો સ્પા અને સેંલોંનો ધંધો અને પ્રોફિટ બતાવ્યો ..
હવે મને આખો ધંધો બતાડવાનું અને એક્સપ્લેન કરવાનું કારણ શું ? તો એ પેહલા જણાવી દઉં
દુનિયા આખી ને ખબર છે કે પોલીસવાળા પાસે ઢગલો બે નંબરના રૂપિયા ફાલતું પડ્યા હોય છે
અને એ જો પોલીસવાળો ગલીમાં આવે અને મને રૂપિયા આપે તો હું એક સ્પા અને સેંલોં ખોલી નાખું ..આવી ગણતરી હતી એ મારા વાળ કાપવાવાળા આર્ટીસ્ટની..
આખો ધંધો સમજ્યા પછી મેં વાળ કાપનારા આર્ટીસ્ટ સાથે ચલાવ્યું કે તારે જીંદગીમાં ટોટલ કેટલા રૂપિયા કમાવવા છે ? પેહલા એ વાત કરને ભાઈ ..હું એટલા બધા તને એકસામટા આપી દઉં ..
બહુ વિચારે ચડ્યો એ પછી બોલ્યો એક કરોડ રૂપિયા .. મેં કીધું એટલામાં થઇ રેહશે ? મને કહે હા બહુ થઇ ગયા સાહેબ એટલા મળે તો આખી જીંદગી આરામથી નીકળે ..
હું સંપૂર્ણપણે પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જ હતો ..મેં કીધું ચલ હું તને બે કરોડ આપું મારે પેલા દારૂવાળા પાસેથી લેવાનાજ છે ,એક તું રાખજે અને એક કરોડમાંથી સેંલોં અને સ્પા ખોલજે પણ સેંલોં અને સ્પા તારે સંભાળવાના આખી જીંદગી અને એમાંથી જે નફો થાય એ મારો …
બોસ જે ચકરી ખાઈ ગયો પેલો આર્ટીસ્ટ એક મિનીટ માટે તો એ સાતમાં આસમાને પોહચી ગયો..પારસમણી મળી ગયો એને … એની કાતર મારા વાળમાં ફરતી અટકી ગઈ ..પછી એને અક્કલ આવી મને કહે સાહેબ તમે પોલીસવાળા નથી …પારસમણી ગાયબ …!!!
મેં કીધું કેમ ? પોલીસવાળા તો સગા બાપને રૂપિયા ના આપે તો તમે તો મને એક કરોડ આપવાની વાત કરો છો ..!!!
મેં કીધું તારી વાત સાચી છે બકા ..જો હું પેલું એકટીવા પડયું ને એ લઇને આવ્યો છું અને હું તો નાનો વેપારી છું , મેહનત કર જીવનમાં ટૂંકા રસ્તા ના શોધીશ ભઈલા નહિ તો ક્યાંક જીંદગીમાં ભરાઈ પડીશ ..
ખેલદિલીથી હસી પડ્યો અને મને કહે સાહેબ મજા કરાવી દીધી તમે મને એક મિનીટ માટે તો …!! પણ સાહેબ તમારી વાત સાચી છે મેહનત તો કરવી જ પડે ..એમ કરીને આર્ટીસ્ટ ચંપી એ લાગ્યો મેં કીધું એ રેહવા દે અલ્યા તું આ ચંપી તું આનું મીટર ફેરવીશ …મને કહે અરે નહિ લખાવું સાહેબ ટેન્શન ના લો …
પરિશ્રમ એ પારસમણી ….એ ખબર ક્યારે પડે બધા સપના તૂટે ત્યારે …બાકી તો રામ રામ ભાઈ
થોડી રત્નો ની વાત …અને પારસમણીની પરિકલ્પના ને કોઈ સાયન્ટીફીક આધાર ખરો ?
એક્ચુલી પુરાતનકાળમાં ઘણા બધા રત્નો અવેલેબલ હતા ,એમાં સૌથી આગળ નામ આવે કૌસ્તુભમણી ,સમુદ્ર મંથન વખતે નીકળ્યું હતું .. વિષ્ણુ ભગવાન એ ધારણ કર્યું ..
બીજા ચિન્તામણી, નાગમણી, શ્યામનતકમણી,અને રુદ્રમણી આવા બધા ઘણા નામ વાળા મણી અવેલેબલ હતા અને એ બધાને જુદા જુદા દેવતાએ ધારણ કરેલા …
પરંતુ આ બધામાં પણ પાછી વરાહમિહિરએ કેટેગરી પાડી ..
૧)સ્વર્ગના રત્નો , ૨)પૃથ્વીના રત્નો અને ૩)પાતાળ લોક કે નાગલોકના રત્નો ….પણ આમાં પારસમણી નો ક્યાય બહુ ઉલ્લેખ નથી મળતો,એટલે મોટેભાગે પારસમણી એ કાલ્પનિક વસ્તુ જ હશે ..
હવે કોઈ સાયન્ટીફીક અવધારણાની વાત કરું તો સોનું એટલે ઓરમ( Au ) અને લોખંડ એટલે ફેરસ(Fe ) ઓરમ Au નો એટોમિક નબર આવે છે ૭૯ અને ફેરસ Fe નો આવે ૨૬
લોખંડ અને સોનું આ બંને એકબીજાથી આવર્ત કોષ્ટકમાં એકબીજાથી બહુ દુર છે અને એક સર્વમાન્ય નિયમ નો સ્વીકાર કરવો પડે કે ગમે તેવું કેમિકલ કે એટોમિક ,રીએક્શન કે ફ્યુઝન કોઈ પણ ધાતુનો એટોમિક નંબર બદલી શકતું નથી..એટલે પારસમણી કોઈ પ્રોસેસનું નામ પણ નહિ હોય …
હા એક બીજી સંજોગની વાત છે ,ઘણીવાર ઘણા લોકો પારામાંથી સોનું બનવવાની વાત કરતા હોય છે,અને જેનો ક્યાંક ક્યાંક જુના સાહિત્યમાં પણ ઉલ્લેખ છે ,હવે એમાં સંજોગોવશાત પારો એટલે કે મરકયુરી Hg અને એનો એટોમિક નંબર ૮૦ છે એટલે આવર્ત કોષ્ટકમાં પારો એ Au સોનાનો પાડોશી છે , કોઈ પણ રીતે એક એટોમિક નબર Hg મરકયુરીમાંથી ઓછો કરો તો પારામાંથી સોનું Au બની જાય ખરું ..!!!
પણ એમાં વચ્ચે તોંતેર મણનો તો પડ્યો છે જે હટતો નથી ,અને પારામાંથી પણ સોનું બનતું નથી…!!
હવે પારસમણીની પરિકલ્પનાની પાછળ મને તો ભારતવર્ષની સદીઓ જૂની સોનાની ભૂખ દેખાય છે..અને કોઈ ચમત્કારની આશામાં જીવન જીવવાની વાત ..એટલે ભૂલી જાવ અને કામે લાગો..!!
એટલે ભાઈ લોગ ઔર ઉનકી બેહનો
આપણા માટે તો પરિશ્રમ એ જ પારસમણી છે ..!!!
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા