સોશિયલ મીડિયા તમતમી ગયું છે .. જાહેરાતના ચોપાનિયા જોઈને ..! વા વાયો નળિયું ખસ્યું અને કુતરું ભસ્યું..
કોઈકે ટીખળ કરી એમાં દોડાદોડ થઈ ગઈ ..!
ક્યારેક ભાડે માબાપ મળશે એવા ચોપાનિયા પણ છપાતા , હવે આવા ભૂતિયા ગરબા પાર્ટનર ભાડે મળશે એવા ચોપાનિયા સોશિયલ મીડિયા ઉપર ફર્યા અને બૂમાબૂમ થઈ ગઈ છે..!
ભાઈ મારા અને બેન મારી, હજી વાર છે થોડી , આવશે એ સમય પણ ચોક્કસ આવશે , પણ પેલું કહે છે કૃષ્ણ ભગવાન કે ભવિષ્યના દુઃખની કલ્પના વર્તમાનનું સુખ હણી નાખે છે , એટલે કાગારોળ કર્યા વિના ગરબાના સ્ટેપ શીખવા ઉપર અને પાસના વહીવટ ઉપર ધ્યાન આપો રસિયાઓ ..
હવે કોઈને એમ થાય કે શૈશવભાઈ એ એમ કેમ કીધું કે ગરબા પાર્ટનર ભાડે લેવાના દિવસો આવશે ? તો વ્હાલીડા ઠાઠડી બાંધવાવાળા હવે આવી ગયા છે બજારમાં .. ફ્યુનરલ સર્વિસ ચાલુ થઈ ગઈ છે નગરી અમદાવાદે ..!
સમાજ ઠાઠડી કેમ બંધાય એ ભૂલી ગયો છે , કોન્ફિડન્સ નથી , ઢીલું બંધાશે અને વચ્ચે હેઠું પડ્યું તો..???
એટલે એના માટે ફ્યુનરલ સર્વિસ લેતો થઈ ગયો છે સમાજ તો હવે ધીમે ધીમે બધુંય પ્રોફેશનલ થઈ જશે ..
જન્મ , મરણ અને પરણ આ ત્રણ આપણા જીવનની મોટી ઘટનાઓ …
અત્યાર સુધી પરણની એજન્સીઓ આવી હતી હવે મરણની આવી અને જનમ માટે તો જણનારીમાં જણવાના જોર નથી રહ્યા અને જણ બિચારો જંક ફૂડ ખાઈને ઉછેર્યો છે એટલે એ લો સ્પર્મ કાઉન્ટથી પીડાઈ રહ્યો છે..!!
સિઝેરિયન સિવાય જન્મ નથી થતો અને દર ચોથો કે પાંચમો આઈવીએફ થી પેદા થઈ રહ્યું છે..!!
તો હવે ગરબામાં પાર્ટનર ભાડે ઝટ આવશે…!!
આખું ઘર .. અહીંયા આખું ઘર એટલે હું તું અને રતનીયો નહીં , જોઇન્ટ ફેમિલી કાકા ,મામા , માસી ,બા ,દાદા, ફઈ ફુઆ આવા બધા પ્રકારના સબંધો ભેગા થઈને ગરબે રમે એવું તો ક્યાં રહ્યું હેં…??
ચાર પાંચ વર્ષનો નાનો શૈશવ મમ્મીનો સાડીનો છેડો પકડીને ગરબામાં ફર્યા કરતો .. હવે …? આવા દૃશ્યો હવે કેટલા જોવા મળે ?
નવી નવાઇના જણ્યા હોય.. ડસ્ટ બહુ ઊડે ત્યાં , નાના છોરા છોરીને ના લઈ જવાય … હાય બાપ..!!
શું કેહવુ બોલો…???
પ્રોપર કોમર્શિયલ નવરાત્રિ થઈ ગઈ છે , ચારેય બાજુ રૂપિયાની છોળો ઊડે છે.. સરખી નવરાત્રિ કરવી હોય તો દોઢેક લાખ પર પર્સન આરામથી ઘૂસી જાય તમારા નગરી અમદાવાદના પાસ , કપડાં, અને ગરબા પછીના નાસ્તા પાણીમાં..!!
હમણાં ગયા અઠવાડિયે બેંગ્લોરમાં હતો , એક બહુ ચર્ચિત દક્ષિણ ભારતીય કાફે ચેઇન ખુલી છે .. ત્યાંના લોકલ બાળુડા ઓ ને પૂછ્યું કે કેવું છે ? બાપડા ભોળાભાવે બોલે સાડા ત્રણસો રૂપિયાનો ઢોંસો ના ખવાય ,લૂંટે છે…
મેં કીધું હેં..?? અમે તો વર્ષોથી અઢીસો ત્રણસો આપીએ છીએ .. ઢોંસાના.. બિચારા અવાચક થઈ ગયા..! ત્રીસ રૂપિયા હોય ..!
ત્રીસના ત્રણસો બોલો કેટલી વખત આપી આવ્યા છો ??? ઢોંસો ખાધો એના કરતાં ક્યાં ખાધો એનું મહત્વ વધારે છે..
નવરાત્રિના પાસમાં પણ એવું જ છે.. ગરબા કરવા કરતા ક્યાં કરવા ગયા હતા એનું મહત્વ વધી ગયું છે …!!
રૂપિયા ફેંકીને ગરબામાં જવાનું હોય એટલે કપડાં એવા જોઈએ તો પછી ગરબા કરવા વાળા પાર્ટનર પણ કેમ પ્રોપર ના લાવીએ ?
આવશે ,આવો કીડો કોઈકના મગજમાં તો આવશે ..
ભલું હશે તો પ્રોફેશનલ ગરબા કરવાવાળા આજુબાજુ ગરબા કરે અને વચ્ચે પોતે કરશે..
આવું કંઈક જોવા મળશે નજીકના ભવિષ્યમાં ..
ફિલ્લમની હિરોઈન અને હીરો વચ્ચે નાચે અને એક્સ્ટ્રા આજુબાજુ હોય એવું ..!!
એક આઇડિયા આપું ?
આ નોરતામાં ટોપ ના ગાયક ગાયિકાઓ એ “સૂત્રો” ના જણાવ્યા અનુસાર એક રાતના દસ લાખથી લઈને પંદર લાખ સુધી ચાર્જ કર્યા છે અને અમેરિકા ,કેનેડા , ઓસ્ટ્રેલિયા,આફ્રિકા ,બ્રિટન વગેરે વગેરેની કમાણી જુદી .. !
હવે આ જોતા બિચારા ગુજરાતી પિકચરના સ્ટાર બાપડા દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે કરતા રહી ગયા અને પેલા ગાવાવાળા બાજી મારી ગાયબ, તરી ગયા ..
ચાલો શૈશવ એમને આઇડિયા આપે કમાણીનો .. વેહતી નવરાત્રી ગંગામાં હાથ ધોવાનો…
ગુજરાતી ફિલ્લમવાળાએ એવું કરાય કે મારી સાથે ગરબા રમવાના એક લાખ અને હું પચાસ જણથી વધારે લોકો સાથે ગરબા નહીં રમું , લાખ રૂપિયામાં પાંચ દિવસ , એમાં પાસ અને નાસ્તો આવી ગયો.. એટલે દસ દિવસમાં ખોખું લઈને ઘેર ..!!
જો કે પ્રોપર્લી બ્રાન્ડિંગ કરવું પડે અને પચાસ જણ જોડે સરખું એટેન્શન આપી અને ગરબા રમી એન્ટરટેઇન કરવા પડે , ખાલી દે ઠોક ના ચાલે , ઇવેન્ટવાળા છોકરા છોકરી રાખી અને એ પચાસ દુની સો લોકોને રોજ પેહરવાના કપડાંથી લઈને થીમ વગેરે વગેરે ડિટેઈલિંગ કરવું પડે હોં…
અમદાવાદી માણસ રૂપિયા ખર્ચે બેફામ , પણ પછી વસૂલાત પણ એવી જ કરે..
બે વર્ષ પેહલા વરસાદે વિઘન નાખ્યું હતું , અમે એક અતિવૈભવી ગરબામાં હાજર હતા , વરસાદ સારો એવો પડે પણ વસ્તી મોંઘામાંના પાસ લઈને આવી હતી એટલે હલવાનું નામ ના લ્યે , છેવટે વરસાદ ધોધમારમાંથી ઝરમરિયો થયો તો પેલા પંદર લાખવાળને સ્ટેજ ઉપર ચડાયો..
માડી તારા મંદિરયા ઘંટારવ ગાજે , ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તું બિરાજે .. કરાવ્યું બે કલાક પછી પબ્લિક ગરબા ગ્રાઉન્ડની બહાર ગઈ..
એટલે મોંઘા ભાવના પાસ વેચનારા સાવધાન …
આ અમદાવાદ છે … વસૂલી પૂરે પૂરી કરશે…!!
બાકી તો હજી ક્યાંક ભાડે જતા પાર્ટનર બજારમાં દેખાયા નથી ,કોઈકે ગતકડું કર્યું છે એટલે ધરપત રાખજો ..!!
પણ ભવિષ્ય આ ચોક્કસ છે એ જાણજો..!!
બાકી આપણને તો હવે કાનમાં ઘંટારવ ગુંજવા લાગ્યો છે અને પગમાં થરકાટ થઈ રહ્યો છે..
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત.. ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત.. !
બે ત્રણ કલાક સળંગ રમી લઈએ એટલે આપણો ટીએમટી ઉર્ફે ટ્રેડમિલ ટેસ્ટ થઈ ગયો સમજાવો , હાર્ટ સો ટકા ચાલે છે એમ જાણું ..!!
ભાદરવી નવરાત્રિ પૂરી થઈ અને આસોની નવરાત્રિની વાટે શૈશવ બેઠો છે..!!
જય હો
પારિવારિક તેહવાર છે ,મિત્રો સગા સાથે માણજો, ભગવાનનું દીધું ઘણું હોય તો એમને એકલા મૂકીને દસ હજારના પાસમાં જાવ એના કરતાં એમને એફોર્ટ થાય એવી જગ્યાએ બધાની સાથે જવું , નહીં તો ઠાઠડી બાંધવા ફ્યુનરલ સર્વિસવાળા બોલાવવા પડશે .. !!!
સમજણ પડીને…??
જય અંબે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*