
આજે ૩૦મી જૂન..આજ નો દિવસ એ એક ઐતિહાસિક દિવસ છે,આજે એક “હરામી” ટેક્ષના મૃત્યુનો દિવસ છે, અને એ “હરામી” ટેક્ષનું નામ છે “એક્સાઈઝ”..
બીજી વાત, કદાચ જે લોકો ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી એમને માટે “એક્સાઈઝ” એ ખાલી શબ્દ જ છે, પણ જે લોકો “ઉત્પાદન ક્ષેત્ર” સાથે જોડાયેલા છે એમને એક્સાઈઝ ડીપાર્ટમેન્ટ અને એક્સાઈઝ એ કોઈ કાળા કાયદાથી ઓછો નથી..
કૈક લોકો એ પોતાના ટર્નઓવર દોઢ કરોડથી નીચા રાખ્યા..( દોઢ કરોડથી નીચેના ટર્નઓવર ઉપર એક્સાઈઝ માફી હતી)
કોણ આ એક્સાઈઝની “જધામણ”માં પડે..!
પોતાના હાથે પોતાનો વિકાસ ગળું દબાવીને રૂંધ્યો છે આ “એક્સાઈઝ”ની બીકમાં અને બીકમાં..!
મને મારા એક એનઆરઆઈ ઉદ્યોગપતિ મિત્રએ બહુ વર્ષો પેહલા કીધું હતું કે શૈશવ અમારે ત્યાં “એકસાઈઝ” જેવો કોઈ શબ્દ જ નથી, એકસાઈઝ ટેક્ષ તો જવા દે..!
ત્યારે મને બહુ અચરજ થયું હતું કે તમારે ત્યાં “એક્સાઈઝ” નથી? તો સરકાર કમાય ક્યાંથી..? ત્યારે એમણે મને GST સમજાવેલો, પણ આવતીકાલથી આપણે ત્યાં GST જે રીતરસમનો અમલ થવાનો છે એના કરતા ઘણો જુદો GST મને એમણે સમજાવેલો..!
પણ આજે છેલ્લા શ્વાસ લેતા “એક્સાઈઝ” નામના કાયદાને છેક ૧૬૬૦માં બ્રિટીશ અને પોર્ટુગીઝ લાવ્યા હતા..અને આ “એક્સાઈઝ” માલ બનાવો એની ઉપર જ લાગતી, નહિ કે માલ બનાવી અને વેચો પછી એની ઉપર..તમે માલ બનાવ્યો અને માલ બનાવી અને તમારા ગોડાઉનમાં પણ પડ્યો છે તો તમારે “એક્સાઈઝ” લાગી જાય, અને એ માલ વેચો ત્યારે તો “સેલ્સ ટેક્ષ” લાગે..!
એ સાલ ૧૬૬૦ના દિવસોમાં પણ એક્સાઈઝનું બીજું નામ “સીન-ટેક્ષ” હતું, “સીન” નું સીધુ ગુજરાતી “પાપ” થાય..તમે પાપ લાગે એવી વસ્તુ બનાવો છો તો એની ઉપર “એક્સાઈઝ” લાગે..!!
દાખલા તરીકે કેનેડા એ વેશ્યાવૃત્તિ ઉપર “એક્સાઈઝ” રાખી છે..!
બ્રિટને આજે પણ તમાકુ, સીગારેટસ, આલ્કોહોલ અને ગેસોલીન (પેટ્રોલ –ડીઝલ) ઉપર એકસાઈઝ રાખી છે, તમાકુ અને આલ્કોહોલ લોકોની હેલ્થને નુકસાન કરે છે માટે તમે “પાપ” કરી રહ્યા છે તો તમારે એની પ્રોડક્ટ બને એટલે તરત જ “એક્સાઈઝ” ભરી દેવાની, તમે પાપકર્મ કરી રહ્યા છો..!
ગેસોલીન એ ફોસિલ ફ્યુઅલ છે એનાથી પર્યાવરણને નુકસાન થાય છે માટે તમે “પાપ” કરી રહ્યા છો તો “એક્સાઈઝ” ભરી દયો..!
ટૂંકમાં એક્સાઈઝની વ્યાખ્યા એવી આવે કે “જે પ્રોડક્ટનું ઉત્પાદન કરવાથી તમે “પાપ” કરતા હો તો એની ઉપર જે ટેક્ષ લાગે એને “એક્સાઈઝ” કેહવાય ..!
સંસ્થાનવાદના ઉદય પછી બ્રિટીશ તાજની આવક વધારવા(ગુલામોને લુંટવા) આ “એક્સાઈઝ” નામના “હરામી” ટેક્ષનો વ્યાપ બ્રિટન સિવાય દરેક જગ્યાએ બ્રીટીશરો એ વધાર્યો અને આપણા બંધારણમાં તો “કન્ટ્રોલ સી” “કંટ્રોલ વી” જ થયું છે..!
૧૯૪૭માં આઝાદી પછી આપણે “એક્સાઈઝ”ની વ્યાખ્યા “ઉત્પાદન શુલ્ક” કરી..પાપવાળી સ્ટોરી આપણે ડીલીટ કરી, કાઢી નાખી..!
લાંબી બુદ્ધિ ત્યારે ચલાવવાની નોહતી, પેહલા સ્ટેબલ થાવ પછી વાત..પણ સિત્તેર સિત્તેર વર્ષ નીકળી ગયા ત્યારે છેક હવે આ “એક્સાઈઝ” નીકળી..!
આઝાદી પછી ૧૯૪૭ થી લઈને આજ સુધીમાં મારી અને તમારી ત્રણ પેઢીએ હું,પપ્પા અને દાદાજીએ જે કોઈ “ઉત્પાદન” કર્યું આપણા કારખાનાઓમાં એ બધા ઉપર આપડે સિત્તેર સિત્તેર વર્ષ સુધી “એક્સાઈઝ” ભરી..!
એટલે આપણે માની લેવાનું કે આપણે એવી વસ્તુઓ જ બનવતા હતા કે જે “પાપકર્મ” ગણાય..!
આજે છેક સિત્તેરવર્ષે આ “ઉત્પાદન” નામના જે “પાપકર્મ” કરી રહ્યા છો તમે, એવા માથા ઉપર લાગેલા લેબલમાંથી મુક્તિ મળી..!
સાલ ૧૯૯૨થી હું ધંધામાં આવ્યો, આજે પચ્ચીસ વર્ષના વહાણા વાયા,એક જમાનો હતો કે એક્સાઈઝનો ઇન્સ્પેકટર તમારે ત્યાં આવે તો તમારી ઉપર રીતસરની દાદાગીરી કરે, અને તમારી ગાડી ના ડેશબોર્ડ સુધ્ધા ચેક કરે અને તમારા ધંધામાં ભાગીદાર હોય એટલા “મોટા” મોઢા ફાડે..!
એક જમાનામાં એક્સાઈઝના ઇન્સ્પેક્ટરની વાત કરવાની રીત અને તોછડાઈ એટલી બધી રેહતી કે મોટાભાગના કારખાનેદાર એમ કેહતા કે મને પણ જેલમાં લઈજા અને જોડે મારા બૈરી, છોકરા, કારીગરો અને એમના ઘરવાળાને પણ તું લઇ જા..! અહિયાં અમે ભેગા ટીફીન ખાઈએ છીએ અને ત્યાં જેલ માં પણ સરકાર ટીફીન ખવડાવશે હેંડ નાખ ત્યારે અમને બધાયને..
અને ત્યારે એ લોકો “કેડો” મુકતા.! અને એમાં પણ જો કોઈ સેહજ ચોરી કરતો ઝલાયો તો તો થઇ રહ્યુ.. એની ટ્રાન્સફર થાય તો પછી જે આવે એને કેહતો જાય કે “પેલો” આમ કરે છે..! નજરે ચડે એટલે ચોરી તો દુર રહી ધંધો આખો બંધ થયે જ છૂટકો થાય..!
એ જમાનામાં ખરેખર એવી ફીલિંગ આવતી કે આપણે “કારખાનું” ચલાવીએ છીએ કે “ફૂટણખાનું”..? અને ખરેખર મેં તો એક ઇન્સ્પેકટર ને મોઢા મોઢ કીધેલું પણ ખરું કે સાહેબ અમારા કારખાનામાં તમને “ખાટ્લા” પાથરેલા દેખાય છે કે આવી અભદ્ર ભાષામાં વાત કરો છો ?
એક્સાઈઝ નામના ટેક્ષનો ઈતિહાસ બહુ જ “કાળમુખો” રહ્યો છે અને એના રખેવાળો પણ એટલા જ “કાળમુખા” રહ્યા છે..! એક્સાઈઝના નામે બ્રિટીશ સરકાર ઉત્પાદનના તમામ ડેટા પોતાની પાસે રાખતી માલ બન્યો એટલે બજારમાં આવે તે પેહલા ટેક્ષ બ્રિટીશ તાજના ખજાનામાં આવી જતો અને પછી એ ડેટાથી બજારોને જે તે દેશની સરકારો કન્ટ્રોલ કરતી..કોઈપણ માલની જરૂર પડ્યે કૃત્રિમ અછત ઉભી કરે કે કોઈપણ માલને બજારોમાં મારી અને ફ્લરીશ કરી નાખે..
બ્રિટીશ રાજનું એક બહુ મોટું અને છૂપું હથિયાર હતું આ “એક્સાઈઝ”..!
આજે દરેક વેપારી GSTના ચાર ચાર સેમીનારમાં જઈ આવ્યો છે પણ ખરેખર કોઈને સમજાતું નથી કે કાલ કેવી ઉગશે..!
પણ કાલ છે એટલે “ઉગવા”ની ચોક્કસ છે, એક સાથે સાડા ત્રણ અબજ બીલોને એક સર્વરથી હેન્ડલ કરવાના છે અને એકબીજા સાથે પાછા મેળવવાના છે..!
ખરેખર “ભગીરથ” કામ છે.. કદાચ આના કરતા ભગીરથને પણ ઓછી તકલીફ પડી હશે ગંગા અવતરણ માટે પણ GST અવતરણમાં તો સરકારને નેવાના પાણી મોભે ચડાવવાના વારા આવવાના છે..!
બીક તો ત્યાં લાગે છે કે વેપારીઓ તો ગમે તેમ કરીને પોતાનો રસ્તો કરી લેશે પણ સરકારને શરૂઆતના બે બે મહિના સુધી GST નહિ મળે તો આ સરકારી ઢોરાંના પગારો કેમના કરશે સરકાર..?
અને એક સૌથી મોટી ધાસ્તી વેપારી આલમ ને છે કે GSTના નામે એના એ જ જુના એક્સાઈઝવાળા ભૂત,પલીતો જે હજી રીટાયર્ડ નથી થયા અને એમના માઈન્ડ સેટ એટલા જ હરામી છે એ જમાત જો વેપારી આલમ પર તૂટી પડી તો અમારું શું થશે..?
બીક સાચી છે, પણ જો તમારી પાસે ખરેખર બધું ચોપડે ચડેલું છે તો ડરવાની જરૂર નથી, અને જો ચોપડાની બહારનું છે તો પછી જુના એક્સાઈઝના લોકોને જ ટ્રેનીગ આપીને GST સોપાયું છે, જોકે એમાં પણ બે ડીપાર્ટમેન્ટના “ઝઘડા” ચાલુ છે, સેલ્સ ટેક્ષવાળા કહે છે બે કરોડ સુધીના ટર્નઓવરવાળા વેપારી અમારા અને એક્સાઈઝવાળા કહે છે.. ના બધાય અમારા..!
હવે “ઝઘડો” કેમ થાય ?
માલ મલીદા હોય તો જ વધારાના “કામ” કરવા માટે ઝઘડો થાય ને ..!
કોઈ એટલા “ડાહ્યા” તો છે જ નહિ કે રાષ્ટ્રની ઉન્નતી માટે અમે વધુ કામ કરીશું અને શનિવારની રજા છોડી દઈશું અને અઠવાડીએ એક જ રજા રાખીશું..!
ભાઈ “માલ” હૈ તો “તાલ” હૈ..!
હજુ કદાચ થોડાક દિવસ GST જ મગજમાં ફરશે એવું લાગે છે,
લખતો રહીશ,વાંચતા રેહજો..! ફોરવર્ડ કરતા રેહજો..! 😉
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા