મોદી સાહેબ હટાણું કરવા અમેરિકા પોહચ્યા અને પાછા આવ્યા..શું લીધું, શું દીધું કોઈ જ બીજી ચર્ચા બહાર થઇ નથી, પેરેલલ જેટલી સાહેબ પણ રશિયા આંટો મારીને આવ્યા છે,ટ્રાન્સપેર્ન્સી ના જમાનામાં આટલી બધી ગુપ્તતા રાખવામાં આવી રહી છે એટલે એવું કેહવાય કે જોરદાર મોટી મોટી ડીલ માટે મોદી સાહેબ પોહચ્યા છે અને દુનિયામાં અંકલ સામ જેવું લુચ્ચુ પ્રાણી આ જગતમાં બીજું કોઈ જ નથી..!
આજે જે માનસન્માન ડી.સી.માં મળી રહ્યા છે એ આ શસ્ત્રોની ખરીદીને જ છે..જો કે અહિયા ક્લીયર કરવું બહુ જ જરૂરી છે કે ભારતીય સેનાની ત્રણે પાંખો શસ્ત્ર અને અસ્ત્રની જબરજસ્ત અછતથી પીડાઈ રહ્યા છે..અને SOS બેસીસ પર શસ્ત્રોની ડીલીવરી લેવી પડે એમ છે,ખાલી ઓર્ડર મૂક્યે મેળ પડે તેમ નથી તાત્કાલિક ડીલીવરી ઉપાડવી પડે એમ છે..ફ્રાન્સીસી રફેલની ડીલીવરી મળતા વાર લાગે એમ છે અને અંકલ સામ એમ કહે છે કે એફ-૧૬ અમે તમને આપીએ છીએ,અને એના એન્જીનના એક ભાગને અમે લોકહીડ માર્ટીન અને તાતાના કોલોબ્રેશનથી હિન્દુસ્તાનમાં બનાવીશું..!
સાલુ હું “ધાવણી” ચુસતો હતો ત્યારનો એફ-૧૬ના નામની વાર્તા સાંભળતો આવ્યો છું, અને જેટલા “ચોપડા” વાંચ્યા યુદ્ધ સમયના અને એમાં દરેક વખતે અમેરિકાએ યુદ્ધના સમયે શસ્ત્રોના પાર્ટ્સની ડીલીવરી ખરા સમયે કરી નથી,પાકિસ્તાનની સાથેના દરેક યુદ્ધ વખતે રશિયા જોડે આવીને ઉભું રહ્યું છે જયારે અમેરિકાએ તો બાંગ્લા યુદ્ધ વખતે બંગાળની ખાડીમાં છઠ્ઠો નૌકા કાફલો રવાના કરી દીધો હતો..ભલું થાજો ફિલ્ડમાર્શલ માણેકશાનું કે જેણે ૯૦,૦૦૦ પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડ્યા અને કેદ કર્યા હતા અને પલડુ આપડી તરફ નમ્યું..!
ફરી એકવાર સેનાની ત્રણે પાંખોના તમામ હથિયારો તાત્કાલિક બદલવા પડે તેમ છે..તાતી જરૂરીયાત છે અને ક્રુડ ઓઈલ નો ભાવ દુનિયામાં ઘટ્યો પણ ભારતમાં નહિ એટલે એ રૂપિયા તિજોરીમાં ભરી ભરીને પડ્યા છે..!
“મીગ” તો લગભગ મહિનાનો થાય અને એકાદું જમીન ભેગું થાય છે,સુખોઈ સિવાય અત્યારે તો કાઈ છે નહિ,નવા નવા મિસાઈલ બનાવી બનાવી અને સેનાને સોપતા હજી ત્રણ ચાર પાંચ વર્ષ નીકળે..વાતે વાતે ચીન નાક દબાવવા જાય છે..
પિત્તળની દુનિયામાં દરેકને પોતાનો ઉલ્લુ સીધો કરવો છે..
છેક બહાર ઝાંપા સુધી આવી અને ભેટ્યા અને એ પણ એક નહિ બે બે વાર..!
બહુ કરી આ તો,
નક્કી એકાદ વર્ષમાં તો તાજમેહલની પેલી બેંચ ઉપર બેઠેલો ફોટો આવ્યો જ સમજો..!
પ્રેમમાં ડૂબેલી જુગતે જોડીનો..
ટ્રમ્પ અને મોદી સાહેબમાં સામ્યતા કાઢવા જઈએ તો ઘણી બધી છે, બંનેને પ્રેસ જોડે ઉભું બન્યું નથી,બંનેના દેશમાં એક મોટો વર્ગ એવો છે કે જેમને દિલથી નફરત કરે છે અને એમના નામની બેફામ ગાળો કાઢે છે, ઇફતાર પાર્ટીના ખોટા દેખાડા નહિ અને ખુબ મક્કમતાથી દુનિયાને મોઢે કહી દીધું કે આતંકવાદનું મૂળ કટ્ટર ઇસ્લામ છે..
બે ભેગા થઈને કામ કરે તો બે પાંચ વર્ષમાં આઇએસઆઇએસને આપણે આપણાથી દુર રાખવામાં સફળ રહીએ..!
ભારત માટે નો કદાચ સંક્રાતિકાળ ચાલી રહ્યો છે ઘરઆંગણે GSTનો ધમધમાટ ચાલી રહ્યો છે, મોદી સરકારને નિષ્ફળ કરવાના બધા જ કારસા ચાલી રહ્યા છે મમતા બેનર્જી કોઈ રીતે GST માટે તૈયાર નથી પણ હવે તો છૂટકો જ નથી..
દેશનો દરેક જણ નાની મોટી સમસ્યાથી પીડાઈ રહ્યો છે અચાનક ભવિષ્યમાં શું થશે એની ખબર નથી પડતી એવા ફોબિયામાં આવી ગયો છે, પાંચ વર્ષ પેહલા જે માણસ પચીસ પચાસ લાખની લોન આસાનીથી લઇ લેતો અને એમ માનતો કે કમાઈ લઈશું અને ભરી દઈશું એવો જેને આત્મવિશ્વાસ હતો એ બધા અત્યારે ઢીલાઢફ થઈને બેસી ગયા છે..!
ત્રણેક દિવસથી મોટી મોટી કંપનીઓ એ પરચેઝ બંધ કર્યા છે અને દસેક દિવસ બંધ રેહશે એવી સૂચનાઓ અપાઈ ગઈ છે..
નોટબંધી પછીનો બીજો મોટો માર ખાવા દેશ તૈયાર થઇ ગયો છે, એક પછી એક સુધારા રોજે રોજ આવશે અને ધીમે ધીમે બધું થાળે પડશે..
ઈ-વે બીલની સીસ્ટમ તૈયાર નથી એટલે ગુજરાત સરકારે ફોર્મ ૪૦૨,૪૦૩ અને ૪૦૫ ચાલુ રાખ્યા છે, GSTમાં બોર્ડરલેસ દેશની કલ્પના ના પાયામાં કુઠારાઘાત છે આ નિર્ણય..વન નેશન,વન ટેક્ષ આ બધું કાગળ પર રહી જશે જો દરેક રાજ્ય સરકારો GST આવ્યા પછી પણ ગુજરાત સરકારની જેમ પોતાની મનમાની કરશે તો..
અત્યાર સુધીના તમામ પગલા લીધા એ જે લોકો સીસ્ટમમાં છે એને જ લાગુ પડ્યા છે નવા નવા લોકોને સીસ્ટમમાં લાવવા જરૂરી છે,કાપડ બજાર ત્રણ નહિ ત્રણસો દિવસ બંધ રહે તો ચાલશે પણ જેમ સોની મહાજનોને ઝુકાવ્યા એમ કાપડીયાઓ ને પણ સીસ્ટમમાં લીધા વિના છૂટકો નથી..
જો કે આ તો બધા મગતરા છે ભડના દીકરા તો ત્યારે કેહવાય કે બધી એપીએમસી તોડી અને ખેતપેદાશોને ખુલ્લા બજારના હવાલે કરાય અથવા એ બધાને GSTમાં લાવે..અત્યારે તો મરેલાને મારે છે..
જે કામ સરદાર મનમોહનસિંહ એ ઉપડ્યા હતા એ બધા જ જેટલી સાહેબને પુરા કરવાના આવ્યા છે, ત્યારે જે પેટ ભરીને કકળાટ કર્યો હતો જેટલી સાહેબે અને વિરોધ કર્યો, પણ આજે તો હવે એ કકળાટના માટે પેટ ભરીને પસ્તાવો પણ કરતા હશે..અરે રે હું ક્યા આડો ફાટ્યો તો ? અને આ બધા GST અને નોટબંધીના પોદળા મારે ઉપાડવાના આવ્યા..એના કરતા પેહલા જો GST પાસ થઇ જવા દીધું હોત તો અત્યારે સીસ્ટમ ઓકે પણ થઇ ગઈ હોત..!
જો કે આપણે ત્યાં આવું છે એવું નથી બ્રિટનમાં પણ આવી જ મોકાણ થઇ ગઈ છે, બેક્ઝીટ, બેક્ઝીટ કરીને સત્તા પર આવ્યા થેરેસા મે, અને વેહલી ચૂંટણી કરી અને આખો દાવ ઉન્ધો પડ્યો..પણ અબ પછતાયે ક્યા હોત..
વિશ્વ ખરેખર વામણા નેતાઓથી પીડાઈ રહ્યું છે યુગપુરુષોનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે,દરેકને પોતાની રીતે દુનિયાને “લીડ” કરવી છે અને એમાં લીડર મર્યાદા ચુકી જાય છે, રાષ્ટ્રહિતના નિર્ણય પણ સહકાર આપીને વિપક્ષ પાર નથી પાડવા દેતો..!
આ વામણા નેતાઓ ને લીધે લગભગ દુનિયા આખી ગ્રે શેડથી ઢંકાઈ રહી છે અને એ ગ્રે શેડમાં કાળો કલર ધીમે ધીમે બળવત્તર થતો જઈ રહ્યો છે..
વિકાસના પરિમાણ નહિ બદલાય તો વિનાશ નક્કી છે, અને આવનારો વિનાશ એટલો બધો મોટો હશે કે જેની કલ્પના પણ દુનિયા એ નહિ કરી હોય..સત્ય એ હમેશા કલ્પના કરતા ભયાનક રહ્યું છે..!
દરેક નેતાને યુગપુરુષ થવું છે, જે ક્યારેય “બની” નથી શકાતું,જે નેતાઓને આપણે યુગપુરુષ કહીએ છીએ એ તમામ આંતર સૂઝ, જેને આપણે કોઠા ડાહપણ કહીએ વત્તા પોતાના ત્યાગ અને બલિદાનના જોરે યુગપુરુષ નું બિરુદ પામ્યા છે..
આ બધી પરીસ્થીમાં સામાન્ય માણસ બિચારો, બાપડો, એની કિમત ઘટતી જ જાય છે અને પીસાતો જ જાય છે, લગભગ ફોતરાની કિમતે પોહચેલો માણસ કઈ ના મળે પછી એના જેવા બીજા ફોતરા સાથે સંઘર્ષ કરી બેસે છે..!
અને લીડર એને શાંત રાખી અને યુગપુરુષ થવાના સપનાની પાછળ દોડે છે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા