આ કયું ગાંડપણ છે ..??? એક વિડિઓ ક્લિપ ફરી રહી છે , ગુજરાતીઓ રનવે ઉપર ગરબા જેવું કંઈક કરી રહ્યા છે અને જગત કૌતુક ભરી નજરે એમને સોશિયલ મીડિયા થકી જોઈ રહ્યું છે , અને પછી એમની ભાષામાં નિંદા, ટીકા, ગાળો આપી રહ્યું છે …!
મારી સમજણ પ્રમાણે આને ગુજરાતી છાકટા થયા કેહવાય ..!
બેઝિકલી મીડ લાઇફ ક્રાઇસીસમાં ફસાયેલો આવી રીતે જરાક રૂપિયા ખર્ચીને જાય ત્યારે એને જગત ઉપર છવાઈ જવાની જે ગંદી વિકૃતિ ગુજરાતી પરિવારોમાં હોય છે એ બહારગામ ફરવા જાય ત્યારે બહાર કાઢે છે ..
બીજી પણ એક ક્લિપ આવી છે , ફલાઇટમાં બેસી અને મહાદેવની જે બોલાવી છે …!!
શું છે આ બધું …? શરમ નહીં ?
આટલો બધો યુફોરિયા શેનો??
એક ઘટના કહું ..
સાલ ૨૦૦૫ ની .. શંઘાઇની એક ભાંગતી રાત , હું અને મારો એક દિલ્લીનો મિત્ર લગભગ રાત્રે શંઘાઇની અંગડાઈ જોવા નીકળ્યા , જેમ પેરિસની સાંજ વખણાય એમ શંઘાઈની અંગડાઈ ..
રાત ઢળે અને શાંઘાઈ અંગડાઈ લઈને બેઠું થાય અને એ અંગડાઈ લ્યે ત્યારે શાંઘાઈનું રૂપ સોળે કળાએ ખીલે ..
શંઘાઇ ઉર્ફે શાંઘાઈમાં ઘણો સમય મેં વિતાવ્યો છે …
એ રાત્રે જરાક મોડું થઈ ગયું હતું , લગભગ એક વાગી ગયો હતો , માઈનસ છ સાત ડિગ્રીની મદમસ્ત ઠંડી , ઓવરકોટ નાખી અને અને ફૂટપાથો ઉપર અમે રખડીએ..
અચાનક એક જગ્યાએથી ધડામ ધૂમ મ્યુઝિક સંભળાયું , અમારા પગ એ દિશા તરફ વળ્યા , બહુ મોટી નાઇટ ક્લબ ..
મેં મિત્રને પૂછ્યું તેરા ઇન્ટ્રેસ્ટ હૈ ક્યા ઇસમેં..? એણે હસીને કીધું કયા બાત કર રહા હૈ અભી તો મેરી શાદી મેં તું આયા થા ..
એટલે મેં કીધું ચલ નિકલ લેતે હૈ તો ફિર…
હવે પેલા મિત્ર એ કીધું અરે રૂક થોડી દેર, નજારે તો દેખ.. ચારેય બાજુ ધુમાડા ઊડે , દારૂ ની છોળો ઊડે , રૂપલલનાઓ આમ તેમ ફરે ..
એવામાં ચાર ગુજરાતી “મહારથીઓ” યુધ્ધ લડવા આવ્યા..!!!
રૂપલલનાઓને પુષ્કળ ચેડા કરે .. એ લોકો અકળાઈ જાય એ હદે , આપણને દેખાઈ આવે કે રીતસર છાકટા થયા છે , બેફામ ગાળો બોલાય અને બાકી બધું ..
અચાનક એમાંના એકની નજર જે ખૂણામાંથી અમે ઊભા ઊભા જોતા હતા ત્યાં પડી .. બધા એકદમ સાનભાનમાં આવી ગયા ..
એક જણાએ ઈશારો કર્યો બીજા ત્રણને.. ઊભા રહો.. પેલો સાવચેતીથી અમારી પાસે આવ્યો ,
હિન્દીમાં બોલ્યો .. કહાં સે હો ..?? મારો મિત્ર બોલવા જતો હતો .. મેં એને રોક્યો ..મેં પંજાબી લેહજામાં કીધું મૈ ચંદીગઢ ઔર યે Delhi..
પેલા એ પૂછ્યું ગુજરાતી આવડે…??
એટલે મેં હિન્દીમાં પૂછ્યું જી ..? કયા..??
પેલો ગુજરાતી એક્સેન્ટમાં હિન્દી બોલ્યો .. ગુજરાતી સમજતે હો ક્યા..??
મેં માથું ધુણાવીને ના પાડી ..
પેલો ખુશ થતો દોડ્યો એના સાગરીતો પાસે..
એ નહિ આવડતું લ્યા .. હેંડો ચાલુ રાખો… બધી હલકાઈઓ ફરી ચાલુ , આખી નાઇટ ક્લબ જોવે …રૂપલલનાઓ પણ ત્રાસી જાય એટલે કઈ હદ હશે વિચારો ..!
થોડો સમય થયો એટલે અમે બહાર નીકળ્યા , પણ બહાર નીકળતા પેહલા મેં ટિપિકલ ચરોતરીમાં એમને કીધું.. અલ્યા મોજ કરજો લ્યા…
ચારેય સફેદ રૂ ની પૂણી જેવા…..!!!
બાહર નીકળી અને મારા મિત્રને કીધું ..ભાઈ કયા બોલું યે સબ..
એણે વચ્ચેથી મને રોકીને કીધું… કુછ મત બોલ સારે ઇન્ડિયન્સ કે યે હાલ હૈ.. ઘર કે બહાર નીકલ તે હી બદતમીઝ હો જાતે હૈ…!! ઔર સ્ટેગ કી તો પૂછ હી મત..
અમે મૂંગા મોઢે હોટલ ભેગા થઈ ગયા..
એક્ઝિબિશનમાં પણ એવા હાલ .. લુખ્ખી લાટો કાગળિયા અને થેલીઓ ભેગી કરે , કોઈપણ એક્ઝિબિશનમાં ખરીદ વેચાણની સખ્ત મનાઈ હોય પણ આપણી પ્રજા ચીનાને લલચાવે અને ત્યાં પણ સીધું ખરીદ વેચાણ કરી લ્યે..મેં કેટલીયવાર પરદેસની પોલીસને સીસોટી મારતી જોઈ છે..પણ સમજે એ બીજા…!!
બહારગામ ફરવા જવું અને પચ્ચીસ ત્રીસ જણમાં એક બાઝકણો કે બાઝકણી ના નીકળે તો જ નવાઈ ..
અમેરિકા , બ્રિટન ,કેનેડા , ઓસ્ટ્રેલિયાની વાત છોડો ત્યાં તો દર દસે એક નંગ નીકળે જ પણ મૂળ દેશી બહાર ફરવા જાય ત્યારે કોણ જાણે શું દેખાડા કરવાના શોખ થાય છે..?????
નવરાત્રીમાં અમદાવાદ, રાજકોટ ,વડોદરાને દેશના બીજા એરપોર્ટ ઉપર ગરબા કરવા એ જુદી વાત છે પણ .. પરદેશમાં હવાઈ જહાજમાંથી ઊતરી અને આવી રીતે રનવે ઉપર ગરબા કરવાના ???
આવ્યા એવા વર્તાયા ..????
એક મિત્રનું સાસરું પિયર બધુંય એકવાર એક જ ફલાઇટમાં ફરવા ગયું હતું .. એટલા ગર્વથી બોલે.. અમે તો યાં જે અંતાક્ષરી જમાવી હતી કે ના પૂછો ને વાત ..!! મારાથી પૂછાઈ ગયું કે એરહોસ્ટેસ કઈ બોલી નહીં ?
જવાબ હતો … ઇ બોઇલા કરે પણ હાંભળે ઈ બીજા..
બોલો કેવા શોભ્યા હશે ….??
કેમ વર્તાઈએ છીએ ?? એવી કઈ ઘેલછા છે દુનિયાને બતાડી દેવાની ? આજ લોકો શું ગુજરાતમાં જ્યાં ને ત્યાં ગરબા કરે ???
ચાલો એક બીજો કિસ્સો કહું ..
થોડાક વર્ષો પેહલા શેનઝેન માં હતો .. સાંજે ઓફિસો છૂટી હતી અને અમે પણ એક્ઝિબિશનમાંથી પાછા આવ્યા હતા , મજાની સાંજ ખીલી હતી ..
હવે ત્યાં શોપિંગ કોમ્પલેક્ષ બંધ થાય એટલે પાર્કિંગ લગભગ ખાલી થઈ જાય અને ખુલ્લામાં એક બ્લ્યુ ટૂથ સ્પીકર લઈને ચાઇનીઝ છોકરીઓ બધાને મોટા અવાજે ગીતો વગાડીને ઍરોબિક્સ કરાવે..
લગભગ ત્રણસો સાડા ત્રણસો લોકો એક એક કોમ્પલેક્ષના પાર્કિગમાં ઍરોબિક્સ કરે .. એટલું સુંદર દૃશ્ય લાગે.. અમે દેશી માટીડા ઊભા રહી ગયા.. અમને ઊભેલા જોઈને ચાઈનીઝ છોકરીએ જે ઍરોબિક્સ કરાવતી હતી એણે અચાનક લીલી લેમડી રે.. લીલો નાગરવેલ નો છોડ પરભુ પરોઢના રે.. વગાડવાનું ચાલુ કર્યું અને અમારામાંથી બે ના હાથ પકડી અને ખેંચી ગઈ.. અને ઈશારાથી સમજાવે કે ગરબા કરતા શિખવાડ…
મેં બૂમ મારી પોપટિયું કરાવી દે.. તરત જ એ છોકરી મને આવીને પકડી ગઈ .. ત્રણસો સાડા ત્રણસો જણાને પોપટિયું શીખવાડી અને નચાવવા ની મોજ આવી ગઈ.. એક ગીત પૂરું થયું એટલે આપણે થૅન્ક યુ કીધું સામેથી ત્રણસો જણાનો એક સાથે શે શે ( થેંકયુ ) નો ઉદઘોષ થયો…
એવું નથી ગરબા ના કરાય પરદેશમાં , પણ જ્યાં ને ત્યાં ના મચી પડાય..!!
હવે તો હામ ,દામ ને ઠામ બધુંય છે , ગુજરાતીઓ પાસે , ગરબો એના સમયે દુનિયાભરમાં ગુંજે છે તો પછી આમ છાકટા ના થયા હોઈએ તો ચાલતે..
ખૈર હવે ગઈ એ તો ગઈ પણ આગળ જરાક સમજે અને અટકે તો સારું બાકી ઘણા એરપોર્ટ ઉપર આવા ખેલ કરવા જાવ તો સીધા ઘાલી દે અને ચાર પાંચ કલાક તો એવા ટાઇટ કરે કે અહીંયા નવરાત્રીમાં પણ ગરબા કરવાનું ભૂલી જાય…
સમજણ કેળવીએ તો સારું બાકી નાx કુ x બાવળીઓ થયો તો કહે છાંયડો થયો.. એને કેમ પહોંચવું ..??
એક બીજી વાત , આજકાલ ગુજરાતી ભાયડાઓને કોણ જાણે શરમ ઘણી આવે , સ્વિમિંગ પુલમાં ભાયડા પણ ટીશર્ટ પેહરી ને પડે છે , હું ઘણા બધાની સ્ટોરીઓ જોઉ ત્યારે થાય કે ચાલો પેટ ઉપર ચાનો કપ રહી શકે એટલું નહીં પણ આ આખો ટી સેટ સમાય એવડા મોટા પેટાળ ઉપર જરાક તો શરમ આવી ..
દારૂ અને બિયર પી પી ને પેટ વધારેલા બિચારા ક્યાં જાય ???
બહુ ખરાબ રીતે ગુજરાતી પરિવારો આજે સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થયા છે ,
કોઈક તમારું પોતાનું આવું કરતું હોય તો જરાક ટોકજો..
માનમાં તો રહેવું પડે..અને એના માટે માપમાં ..!!
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*