આજે વાત કરવી છે અમીરી અને ગરીબીની , સમય સમય ઉપર હું બંનેની હડફેટે ચડતો રહું છું ..
બેઝિકલી મધ્યમવર્ગમાં જન્મ અને ઉછેર , આપણને કેવા ત્રિભેટે લાવીને મૂકે છે એ વિશે..ચાલો વાત માંડુ..
મારા જીવનના સતાવતા ઘણા બધા સવાલો જે આજે પણ મને કાનમાં પ્રેક્ટિકલી પડઘાય એમાંનો એક સવાલ “શૈશવ , ભાજીપાંવમાં શું આવે ???”
બહુ જ નાનો હતો ત્યારે હું ,
લો ગાર્ડનની લારીઓ હજી નવી નવી આવી હતી , પેહલો શંકરનો આઇસક્રીમ, બીજી લારી અગ્રવાલની ભેળ પછી શંકર વિજયના પાંવભાજી ઉર્ફે ભાજીપાંઉ..
અમદાવાદમાં જમવાની ઉત્ક્રાંતિ હજી શરૂ થઈ હતી , જેમાં અને તેમાં ચીઝ નોહ્તું ઠોકાતું, માણેકચોક ધીકતું , ચંદ્રવિલાસના ફાફડા, આઝાદના પુરી શાક ,અને ચેતનાની થાળી જરાક જૂનવાણી ગણાતી થઈ હતી ,વીજળીઘરની સામે સારવ હોટેલ થઈ હતી અને હેવમોર ટાઉનહોલ સુધી પહોંચી હતી ,
એ હેવમોરમાં અમે ટેબલ મેનર્સ શીખ્યા ,જો કે ખુરશીમાં બેઠા પછી દાઢી માંડ ટેબલ સુધી આવતી , એ સમયે પિલો ખુરશી ઉપર મૂકી અને એની ઉપર માસ્ટર શૈશવને બેસાડવામાં આવતો,
નવતાડના સમોસા ઉપડી ગયા હતા, પણ પિઝા હજી નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટની બહાર નીકળ્યા નહોતા, અનુરાગ પુરોહિતની સેન્ડવિચ એમાં પણ આલુમટર મોનોપોલાઈઝ હતી ,
આઇસક્રીમમાં કસાટા હજી જન્મ્યો નોહતો, ચોકલેટ ચિપ્સ નવો નવો હતો અને લેટેસ્ટમાં કોફી મગ વાડીલાલનો આવ્યો હતો..
પંજાબીના રવાડે અમદાવાદ હજી બિલકુલ નોહ્તું ચડ્યું…!!
આવા વેળાએ મુંબઈ ચોપાટીનો કારીગર અમદાવાદમાં ભાજીપાવ લાવ્યો..
પાપા મમ્મીનું દવાખાનું રવિવારે પણ સવારે ચાલુ હોય એટલે રવિવાર બપોરે અમને ત્રણે ભાઈબહેન ને લઈને ઘરની બહાર નીકળી જાય , પરિમલ ગાર્ડન ,લો ગાર્ડન કે પછી બીજા કોઈ પાર્કમાં અમને બે ત્રણ કલાક રમાડે અને પછી કોઈ હોટલ કે લારીનું કલ્યાણ થાય ,
એ પછી ક્યાં તો ફૈબાના ઘેર અથવા પપ્પાના મામાના ઘેર કે કોઈ બીજા સોશિયલમાં જવાનું , રાત્રે દસેક વાગ્યે ગાડીની પાછલી સીટમાં ત્રણેય ભાઈબેન નહેરુબ્રિજ આવે એ પેહલા જ ઘસઘસાટ ઊંઘી જઈએ અને પછી અમને સૂતેલા સૂતેલા સાબર હોટેલના વેઇટર ઊંચકી અને ઘેર મૂકી જાય ..
ગાડી અમારી સાબર હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક થતી અને ડોક્ટર સાહેબની ગાડી રોજ સવારે કોઈને કોઈ હોટલનો સ્ટાફ ધોઈ નાખે ..
વાત છે સિત્તેરના દાયકાના પેહલા ભાગની…
પેલો સવાલ પૂછાયો મને … શૈશવ ભાજીપાંઉ માં શું આવે ..??
મિત્ર જ હતો ,
એ સમય એવો હતો કે કોણ છે ? ક્યાંથી આવે છે ? તારા પપ્પા શું કરે છે ?
એવી કોઈ પૂછપરછ કર્યા વિના જે સાથે રમવા આવે તે મિત્ર..
મેં સામે સવાલ પૂછ્યો ” કેમ તે ક્યારેય ભાજીપાંઉ નથી ખાધા ? “
એણે માસૂમિયતથી માથું ધુણાવીને ના પાડી..
મેં બીજો સવાલ પૂછ્યો ” તારા ઘરમાં રોજ સાંજે જમવામાં શું બને ?”
બહુ ટૂંકો જવાબ આવ્યો ” ખીચડી ”
મેં કીધું કાલે મમ્મીને પૂછીને કહીશ .. રાતનો સમય હતો .. હું દોડીને મમ્મી પાસે ગયો મમ્મીને પૂછ્યું મા, ભાજીપાંવમાં શું આવે ?
મમ્મી ચમક્યા કેમ ? હજી ગઈકાલે તો ખાધા છે ..
મેં કીધું પેલો અનિલ ( કાલ્પનિક નામ ) મને પૂછતો હતો ..
મમ્મી એ પૂછ્યું આવો સવાલ કેમ એણે તને કર્યો ?
મેં કીધું એ મને પૂછતો હતો કે દર રવિવારે તમે ગાડીમાં ક્યાં જાવ છો ? એટલે મેં એને બધું કીધું..
મમ્મી કહે મિક્સ વેજિટેબલ આવે એને કહેજે કે એની મમ્મીને કહે મને મળી જાય હું બનાવતા શીખવાડી દઈશ..
બીજા દિવસે મેં એને કીધું .. અનિલે જવાબ આપ્યો ના બહુ મોંઘું આવે બધું , મેં કાલે મારી મમ્મીને પૂછ્યું હતું એમણે એવું કીધું કે તારા પપ્પા મિલમાં જાય છે, આપણને ના પોસાય એ બધું ખાવાનું ..
મેં કીધું સારું, હું કાલે મારી મમ્મીને કહીશ કે એ ભાજીપાંઉ બનાવે , તું મારા ઘેર જમવા આવજે …
બીજે દિવસે મેં અનિલને બહુ શોધ્યો પણ ન મળ્યો, રાત પડી ગઈ , હું ઘરમાં જમવા ના જાઉં , મમ્મી મારા નામની બૂમો પાડ્યા કરે પણ હું ઘરમાં ના જાઉં , છેક મોડે મળ્યો મેં કીધું ચાલ જમવા ,હું તને ક્યારનો શોધું છું.. અનિલે કીધું કહે મેં જમી લીધું છે.. મારી મમ્મીએ ના પાડી છે ,પછી એવું બધું ખાવાની ટેવ પડી જાય..
સખ્ખત ઉદાસ થઈ ને હું ઘરે ગયો મમ્મીએ કોળિયા ભરાવ્યા પણ મન માનતું નોહ્તું…. અમીરી ગરીબીની વચ્ચેની ખાઈમાં ધકેલાઈ ગયો હતો..
કાળજે કોતરાઈ ગયો એ સવાલ શૈશવ ભાજીપાંઉમાં શું હોય ?
આજે પણ સતાવે છે એ સવાલ , એ પછી હું ઘણું ધ્યાન રાખતો થઈ ગયો હતો , અચાનક જ..
અનિલને મારા લીધે દુઃખ પહોંચ્યું એવું મને સતત લાગ્યા કરતું ઘણો બધો સમય..
પણ એ ઘટના પછી મારી પાસે શું છે ,હું શું ખાઉં પીવું છું આ બધી ચર્ચાઓ લગભગ ક્યાંય અને ક્યારેય નથી કરી મેં.. પણ આજ દિન સુધી અનિલ મારાથી એક ચોક્કસ અંતરે રહ્યો છે..!!
જો કે બીજા પણ આવા પ્રસંગો અને ઘટના ઘટતી રહી પણ એ પછી લગભગ બે ” ક્લાસ ” ને હું ક્યારેય ભેગા ના કરું , જૈસી બોલી વૈસા જવાબ રાખું ..!!
જો કે આજે રસ્તા ઉપરની ભિખારણ પણ ભાજીપાંઉનો સ્વાદ ચાખી ચૂકી છે એટલે અનિલે ચોક્કસ ખાઈ લીધા હશે ..
એક ઘટના આનાથી તદ્દન ઊલટી..
સાલ ઓગણીસો અઠ્ઠયાશી .. કોલેજના બીજા વર્ષમાં શૈશવ …
અઢાર પૂરા એ બાઇક હાથમાં આવી ગયું હતું , જીવન અદ્દભૂત લાગતું હતું મને , ભણતરનો ભાર કઈ બહુ રાખ્યો નહી અને પ્રેક્ટિકલી રખડી ખાઉં, શોખ ભગવાને ઘણા આપ્યા , સમય પણ ભરપૂર, મોજે દરિયા … !!
એક રાત્રે મ્યુનિસિપલ માર્કેટ નવરંગપુરા શૈશવનો અડ્ડો જામેલો , આમ તો ઘરેથી સાડા દસની લિમિટ , પણ લેચ કી સાથે રાખી હોય અને એમ કહી દઈએ કે ફલાણા મિત્રને ત્યાં વાંચવા જઈએ છીએ એટલે પછી એન ઘેન .. ઘોડો છુટ્ટો ..
અમદાવાદના મિલ માલિકોના છેલ બટાઉ મારી ઉંમરના છોકરાઓની જિંદગી મને આકર્ષતી .. ક્લબિંગ , પાર્ટી , દારૂ , સુટ્ટા, વગેરે વગેરે નજીકથી જોતો .. પણ અડતા બીક લાગે .. !!
પપ્પાની ધાક પુષ્કળ , અને અડધું અમદાવાદ વોરા સાહેબને ઓળખે એવી મનમાં ધાસ્તી ..
એટલે “દાર્શનિક” બની રહ્યો , પંચાતથી આગળ ન વધ્યો ..
ઘટનામાં એવું ઘટ્યું કે સાડા અગિયાર પોણા બાર જેવું થયું હતું , પોલીસની સીટીઓ વાગી ગઈ હતી , બધું ધીમે ધીમે બંધ થઈ રહ્યું હતું , એવામાં એક મર્સિડીઝ ઈ-ક્લાસ આવી , મારી બાજુમાં ઊભી રહી , આગળ એક સરખા ચેહરાવાળા બે ભાઈઓ બેઠા હતા , પાછળ એક મારો પારસી મિત્ર , પારસીએ મને બારણું ખોલી અને ખેંચી લીધો ,
કદાચ હું ખેંચાઈ ગયો… મેં મર્સિડીઝના નવા ફિચર્સવાળું ખાલી કેટલોગ જોયું હતું, કોઈક પપ્પાને દવાખાને આપી ગયું હતું, પણ એ બધું શું હોય એ મારે જાણવું હતું .. એટલે હું મર્સિડીઝમાં ખેંચાઈ ગયો..
પારસીએ આગળવાળા સાથે ઓળખાણ કરાવી, મિકી અને મોન્ટુ , જોડિયા ભાઈઓ , શાહીબાગમાં બંગલો મોટો ..
એમના બાપદાદાઓને નામથી હું ઓળખું .. એટલું મોટું નામ અને રૂપિયો…!!!
મર્સિડીઝ મ્યુનિસિપલ માર્કેટથી દોડી નેહરુ નગરથી સીધી આગળ , ઈસરો થઈને આગલી ચોકડી થી સરખેજ ગાંધીનગર રોડ ઉપર …
ત્યારે ફક્ત બે લેન ના હાઈવે, ફ્લાય ઓવર નામે નહીં , ખટારા છૂટી ગયા હતા, ટ્રાફિક સારો એવો ..
ગાડીમાં “માલ” ભરાવેલી સિગારેટ સળગી, ત્રણે જણાએ ચાલુ કર્યું ફૂંકવાની , મેં સેહજ કાચ ખોલ્યો ,આજની ગાડીની બધી સગવડ એ સમયની ગાડીમાં .. પારસીએ કાચ બંધ કરાવ્યો..
પેસીવ સ્મોકિંગમાં પાપ ના લાગે.. બિલકુલ નક્કામી વાતો ચાલુ..
આપણે બ્રેકિંગ ફિચર વિશે વાત કરી અને વાંદરાને નિસરણી મળી..
અચાનક ગાડીએ સ્પીડ પકડી અને અચાનક બ્રેક મારે , એકદમ શોર્ટ બ્રેક, ગાડી આખી ગોળ ગોળ ફરે , ટાયર ચિચુડા બોલાવે ..ગંધાય ટાયરો . ..
પેલા ત્રણ મજા લ્યે.. પ્રેક્ટિકલ ડેમો ચાલુ થયો …ગમે ત્યારે 120 ની સ્પીડ અને બ્રેક ..
આખે રસ્તો જીવ પડીકે બંધાયેલો રહ્યો , મનમાં શ્રી કૃષ્ણ શરણમ્ મમ બોલ્યા કરું .. એક કલાકે બેફામ રીતે ચાલતી ગાડી ગાંધીનગર થઈ એરપોર્ટથી ખાનપુર આવી … કામા હોટેલ , સિલ્વર લીફમાં ..મધરાતે એક જ મા ખુલ્લી હોય એમના ડોઝા ભરવા , બધુ બાપાનો પરમીટનો માલ પી પી ને રોજ ત્યાં આવતું , પોણી રાત પૂરી થયે..
હું કગરું એમને , એ અહીંયા નહી પ્લીઝ, રાતના અઢી વાગ્યા છે , આખો સ્ટાફ મને ઓળખે છે , પાપાને સવારે જ ખબર પડી જશે , મારી ધોલાઈ થઈ જશે ,
પણ માને તે બીજા ..
મારી પાસે ઓપ્શન નહી , મારું બાઇક છેક નવરંગપુરા માર્કેટ..
સિલ્વર લીફમાં મારા પાળેલા બે વેઇટર, ગજ્જુ અને શેખર..
ગજ્જુ યાર કોઈ પાપા કો ન બતાયે યાર સંભાલ લેના.. હજી એને પટાવું ત્યાં તો શેખર આવ્યો , બાબા આપ ઇનકે સાથ કૈસે ?? શેખર ખારો થયો..
મારા ગાત્રો ગળી ગયા ..
માંડીને વાત કરી કે મિકી મોન્ટુને હું જસ્ટ હાય હેલો છું અને પેલો પારસી તો અહીં વકીલ બ્લોકવાળો છે.. શેખર કોઈ બોલ ન દે યાર..પાપા કો.. પ્લીઝ ..
શેખર થોડો મોટો મારાથી એટલે એણે સીધી ચિમકી આપી , દેખો બાબા મૈ નહી બોલુંગા , લેકિન ડાક્ટર સાહબ બંગલે પે રોજ દાદી કો દેખને આતે હૈ , બંગલે કા સ્ટાફ બોલ દે તો મેરી જીમ્મેદારી નહી ,ઔર અગલી બાર મોન્ટુ મિકી કે સાથ આપ નહી આના… પૈસા હી સબકુછ નહી હોતા બાબા, ઇજ્જત બહોત બડી બાત હોતી હૈ , આપ અબ બડે હો ગયે હો સમજના ચાહીએ આપકો, નશેડી લોગો કે સાથ ઊઠને બૈઠને સે નામ ખરાબ હોતા હૈ બાબા..
પ્રોપર લેક્ચર પડ્યું .. રાતે ત્રણ વાગે..
છેક ચાર વાગ્યે પેલા મિત્રને ત્યાં જ્યાં વાંચવા ભેગા થતા ત્યાં પહોંચ્યો અને ઊંઘી ગયો , બીજા દિવસે એ બધાએ મને ખંખેર્યો..
અતિશય રૂપિયો અતિશય સ્વચ્છંદતા આપે, અને અતિશય અભાવ સાદગી ..
અનિલ સાચો અને સારો લાગ્યો , ધરાર ભાજીપાંઉ ના ખાધા.. !!!
અનિલ આ ધરતી ઉપર છે હજી ,
પેલા ત્રણે ત્રણ નશેડીઓ એ “વન” પણ ના ભાળ્યું અને એમના માબાપ ને વલોપાત આપી ને ગુજરી ગયા , અને એમાં મોન્ટુ તો કાર એક્સિડન્ટમાં જ ગયો અને મિકી હાર્ટ .. પારસી કેન્સરમાં કેન્સલ ..
મોરલ ઑફ ધ સ્ટોરી .. ગરીબ સાથે ગરીબ થઈને જીવવું લાંબું જીવવાઈ જવાય ..!!!
તવંગર જાય અને લેતો પણ જાય ..!
તકલીફ એક જ ગરીબ સહન નથી થતો અને તવંગર સેહવાતો નથી
કેટલાય રંગો અને ચિઠ્ઠા બાકી છે હજી તો ..ઘણી હડફેટે ચડ્યો છું જીવનમાં..
લખતો રહીશ વાંચતા રહેજો ..
શુભ રાત્રિ
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*