બે દિવસ પેહલા ફાધર્સ ડે પત્યો..
લગભગ સોશિઅલ મીડિયા ઉપર ઉજવાયેલો દિવસ હતો..સોશિઅલ મીડિયા ઉપર બાપા જોડેના ફોટા મૂકી મૂકીને “અધમુઓ” થઇ ગયેલો એકેય માટીડો જમીન ઉપર હરામ છે બાપા ને લઈને કાલે ફરવા નીકળ્યો હોય..
સવારથી મોટાભાગની ફેસબુક,વોટ્સ એપ ઇન્સ્તાગ્રામ અને સ્નેપ બધુય જે રીતે ફાધર્સ ડે થી ભરેલું હતું એ જોતા મને થયું કે રાત પડ્યે હોટેલોમાં બધુય એમના “વાહલા” બાપુજી ને લઈને નીકળ્યું હશે અને અમદાવાદમાં કીડીયારું ઉભર્યું હશે..
પેલું વેલેન્ટાઇનમાં થાય છે ને એમ ..
ચારેબાજુ ખૂણે ખાંચરે જ્યાં જગ્યા મળે ત્યાં પ્રેમ જ પ્રેમ ..
પણ ક્યાંય કઈ જ નહિ ..
બધું રૂટીનમાં હતું, છેક આઠ સાડા આઠ સુધી હોટેલો ખાલી અને પછી પણ સાડા નવે તો નાના એવા વેઈટીંગ પણ પુરા થઇ ગયા.
ટૂંકમાં સાવ સામાન્ય રવિવાર હતો..
આટલા “મોટા” તેહવારનો કોઈ ઉત્સાહ જ નહિ..
ફાધર્સ ડે નો …
ખરું કેહવાય નહિ..
જો કે આપણે ત્યાં તો એક જ બાપા હોય અને એ પણ જન્મ્યા ત્યારથી .. અડધા બાપા , સૌતેલા બાપા આવા બધા “બાપા”ઓ બહુ ઓછા જોવા મળે..એટલે થોડો ઉત્સાહ ઓછો રહે.. જેમના બા એ બે ચાર બાપા કર્યા હોય એમને દિવાળીની જેમ ઘેર ઘેર ફરવા જવાય નહિ ..??
પેલું કહે છે ને
છાશ વલોવતા મારા છમ્મ્ક્કતા રાણી
તમારી સાથે મેં સત્તરમી આણી
અને સામે જવાબ આવે ..
એ ઘણું જીવો મારા કોડીલા વર
તમારી સાથે મારું અઢારમું લગન..
કોણ કોને પોહચે..બાપા “સત્તરમી” લાયા તે બા નું “અઢારમું” ઘર હતું..
અમારો એક બીઝનેસ ફ્રેન્ડ ધોળિયો ઇન્ડિયામાં મરી ગયો..એની છોકરીને જણાવ્યું કે તારા ડેડી ગુજરી ગયા તે સામે પેલી કહે..એ મારા ડેડી નથી બાયોલોજીકલ ફાધર છે..એ સારા માણસ હતા, પ્રભુ એમની આત્મા ને શાંતિ આપે … ફોન કટ..!!
ડેડી એ ફાધર નહિ ..
કેવું કેવું ચાલે નહિ ..?
અહી તો મરી ગયા પછી એ “કેડો” ના મુકે ..છેક ચાણોદ કરનાળી જવાનું અને એમાં કોઈ ને તો બિચારા ને સાત આઠ પેઢીના “નડે” તે બધી કૈક કૈક વિધિઓ કરાવવી પડે ..અને પાણિયારે દીવા કરે તે જુદા..
કેવી કેવી દુનિયા..!! અને કેવા કેવા લોકો..!!
અમારા એક ફેમીલી ફ્રેન્ડ છે લગભગ સિત્તેર વર્ષે પોહચવા આવ્યા છે હજી ત્રણ ચાર વર્ષ પેહલા જ એમના માતા પિતા “અતિશય” દીર્ઘ આયુ ભોગવીને દેવ થયા..હવે પંચ્યાસી નેવું ઉપર જાવ ને એટલે અતિશય જ કેહવાય, તમારા છોકરાના મોતિયા ઉતરી જાય ત્યાં સુધી ખેંચો તે પછી અતિશય થયું કેહવાય ને ભાઈ..
હવે સમસ્યા એ થઇ છે કે એમના માબાપે તો એમના વિનાની દુનિયા જોઈ હતી પણ મોતિયા ઉતરી ગયેલા એ માંબાપ વિનાની દુનિયા જોઈ નોહતી..
ભાઈ એટલા બધા મિસ કરે છે એમના માંબાપને ..
પોતાને ઘેર લીલી વાડી છે પણ માંબાપ ભુલાતા નથી..
લગભગ જીવનના પાંસઠ વર્ષ માંબાપનો છાંયડો ભોગવ્યો..
એમને માટે સવાર સાંજ ફાધર્સ ડે અને મધર્સ ડે છે ..
હવે સિક્કાની બીજી બાજુ..
મને ઘણી વખત કેહવામાં આવે છે તારે તો બે દીકરીઓ જ છે એટલે તારે તારું ભેગું કરવું જ રહ્યું..
અને ત્યારે હું સટ્ટાક કરતી સામે આપું છું કે દીકરો હોય કે દીકરી સૌ એ સૌનું ભેગું કરવું જ રહ્યું બાકી ઘરડો થઈશને ત્યારે નાખશે વખારે … દીકરો હશે ને તો બે ટાઈમની થાળી અને ચાર જોડ કપડા મળશે,વત્તા એના ઘરની ચોકીદારી અને એટલું તો દીકરી પણ આપી જશે..
અમનચમન કરવા હોય તો સૌ એ સૌનું કરી ખાવું બાકી રખડી જશો..
મને આવું કેહ્નારાને હું સામું પૂછું છું કે ઘોડીના તે તારા બાપને કમાઈને શું આપ્યું ? સાચ્ચું બોલ તો ..?
કદાચ દુનિયાના એક ટકા છોકરા એવા છે કે જે પોતે ખાય ,પીવે ,હરે ફરે એ બધી જગ્યાઓ એ પોતાના માંબાપને લઇ જાય છે અને એ પણ પોતે કમાયેલા રૂપિયામાંથી ..
બાકી તો બધાને પેહલા પોતાની જાત, પછી બાયડી અને પછી છોકરા પછી વધ્યું તો ભાઈબંધો અને હજી કઈ બચ્યું અને ક્યારેક નજર પડી તો બાપા દેખાય ..
અને બાપા નો વિચાર કરો તો…
મન ને મારી અને કૈક કંજુસાઈ કરી કરીને લાડલા ને મોટો કર્યો હોય..!!
હા જશ આપે મારા બાપે મને આમ સારી રીતે રાખ્યો ભણાવ્યો તેમ કર્યું ..
તો હવે તારો વારો છે કર ને સામે..
પણ નથી થતું..
બાપા એ એટલી કચકચ કરીને મોટા કર્યા હોય છે કે છોકરાઓ ને બાપા ના નામ થી નફરત હોય છે..
એક સર્વે એવું કહે છે કે એક છોકરાને એનો બાપ જીવનમાં છ લાખ વાર “નાં” પડે છે..
બોલો ત્યારે ,
હવે કોને ગમે આ છ લાખ વાર નાં પાડનારો માણસ..
મારા એક મિત્ર એ એના સંતાનો માટે જુદી ટેકનીક વાપરી હતી.. બે વર્ષના એના છોકરા થાય અને કઈ વાતે નાં માને તો એને કરવા દે..
પડે એટલે આપોઆપ સમજે..
મારા દેખાતા એના બે વર્ષના છોકરાને ગરમ દૂધમાં એણે આંગળી નાખવા દીધી હતી..મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી કે અલ્યા બેવકૂફ આ બાળક છે ..તું તો સમજ ..
પણ સાચી રીત હતી..
છ લાખ વાર નાં પાડવી અને પછી ગાળો ખાવી એના કરતા જે કરતો હોય તે કરવા દેવો પછી આવશે અથડાતો કૂટાતો આમે ય કીધો કુંભાર ગધેડે ના ચડે..
પણ વ્હાલ કોને કીધું ધ્રુતરાષ્ટ્ર ..
ગાંડા ગાંડા થઇ ને ફરે ..ચારેબાજુ ધ્રુતરાષ્ટ્રો ફરે છે, અને અંતે પોતના કર્યા લણે છે..
કોક યયાતિને પૂરુ જેવો દીકરો મળે કે જે પોતાની જુવાની બાપને આપે બાકી તો ધ્રુતરાષ્ટ્ર દુર્યોધન દુર્યોધન કરે અને અને સુનો મેહલ એના હાથમાં આવે..
જરાક વિચારજો હો
જીવનમાં જેટલા બાયડી છોકરા પાછળ ખર્ચ્યા એના અડધા પણ બાપા બા માટે ખર્ચ્યા છે ?
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા