અરર માડી.. કોઠી પડી આડી..!!
ત્રણ લાખ રૂપિયાનો ફોન ..?? ના ..ના.. ચાર લાખનો ફોન…! ના ..ના.. સાડા ચાર લાખનો
સોશિયલ મીડિયામાં લોકોની રાડ ફાટી ગઈ છે ..!! કાળો કકળાટ કરી મૂક્યો છે .
આઈફોન આટલો મોંઘો ??? કાગારોળ થઇ છે..
હવે ગરીબો શું કરશે ? એમણે આવો ફોન નહીં વાપરવાનો ? કેમ ?? એમને અધિકાર નથી ?
ના ચાલે .. અને જૂના મોડલો પણ મોંઘા કરી મુક્યા ? આમ કેમ ચાલે ? અમે તો આખા ગામને કહેતા હતા કે નવો આવશે એટલે જૂનો સસ્તો થશે પણ હવે શું કરવાનું ?
સેન્સિબલ અને નોન સેન્સ બધા પ્રકારની વાતો મીડિયામાં અને સોશિયલ મીડિયામાં ફરી રહી છે ,
સૌથી પહેલી વાત એ કે જે માલ બનાવે એનો એ અધિકાર કે કેટલા રૂપિયામાં વેચવો , આ કોઈ જીવન મરણની વસ્તુ નથી કે તમે દયા દાનની અપેક્ષા રાખી શકો..!
એક કાર એસેસરીઝની દુકાનમાં મસ્ત પાટિયું માર્યું હતું , જેટલા રૂપિયા ખિસ્સામાં હોય એટલા બજેટની વસ્તુઓ જોવી , ગાડીની એસેસરીઝ એ શોખનો વિષય છે , ખોટી ખોટી પૂછપરછ કરવી નહીં..!!
ટૂંકસાર એવો હતો કે લમણાં લેવા નહીં..!! રૂપિયા હોય તો ઠીક ,બાકી ચલતે બનો..
ફોલ્ડ ફોન ઘણા વર્ષોથી કલ્પનાઓમાં ફરી રહ્યો હતો , આ લખનારે એક સમયે ,લગભગ ૨૦૦૫ ની આજુબાજુ ,ઝાઝાર કરીને વિન્ડોઝ બેઝ પીડીએ બજારમાં આવ્યો હતો , તે સમયે આઈમેટ કરીને કંપનીએ બનાવ્યો હતો એને , એ પણ વાપર્યો છે ..!
મજા આવતી ત્યારે એ લઈને ફરવાની , એ પછી પણ સેલ ફોનના જેટલા આવિષ્કાર થયા એ બધા આપણે ભોગવ્યા છે , ઝાઝાર પછી ના ફોલ્ડ 2 સેમસંગનો વાપર્યો એ પછી સાત અને અત્યારે આઠ..!
ઉત્ક્રાંતિ મજાની છે આ મોબાઈલ ફોનની .!! હમણાં એક ઇ સીમ લેવું હતું એટલે સર્વિસ પ્રોવાઇડર ને ત્યાં ગયો હતો એણે ચેક કર્યું કે તમે ઓગણત્રીસ વર્ષથી અમારા એકધારા ઘરાક છો..!!
મારો બ્લોગ છે એટલે મારી વાત તો આવે જ , હવે. આટલી હું ,હું ,હું કર્યા પછી ચોખ્ખી વાત એ કે અત્યારે એઆઈના વાવાઝોડામાં કોઈને સસ્તી વસ્તુ બનાવવામાં રસ નથી , કચરપટ્ટી બનાવવી હોય તો તમે બનાવી અને વાપરો..!! અમને એ બધામાં કોઈ રસ નથી..
મોટી કંપનીઓ આ ધંધા બહુ મોટા પાયે કરે છે , અચાનક કોઈ નવી પ્રોડક્ટ બજારમાં મૂકે જેનો ભાવ જૂના કરતા ક્યાંય વધારે હોય અને લોકોમાં ફોમો પેદા કરે અને પોતાની બ્રાન્ડને એકદમ ઉપ્પર ખેંચી જાય , એક સમયે ઇનોવા ગાડી બાર પંદર લાખમાં મળતી હતી , એ પછી અચાનક માર્કેટમાં શોર્ટેજ આવી અને પછી નવા મોડલો આવ્યા છવ્વીસથી લઈને બત્રીસ પાંત્રીસ લાખ સુધીના , અને વચ્ચે હાઈ રાઇડર ઘુસાડી દીધી… બંને ચાલે છે ધૂમ બજારમાં અને ગરીબ માટે બનાવેલી નેનો ગાયબ થઈ ગઈ ..!!
કન્ઝ્યુમર બનેલા દેશને મેન્યુફ્રેક્ચરર બનાવવાની મથામણ ચાલી રહી છે પણ દોઢસો કરોડનો દેશ અને લુખ્ખુ માઇન્ડ સેટ રિસર્ચ તરફ વળતું જ નથી ..ગમ્મે તેટલો સારો મોબાઈલ આપો અને ફિચર્સ આપો તો કાંદો શું કાઢી લેવાનો ? હેં ?
ક્યાં તો રીલ જોયા કરવાનો અથવા ગેઈમ રમવાનો ..
તમને વોટ્સ એપ આપ્યું તો મિમ ફેક્ટરીઓ ખોલી કાઢી , સવાર પડ્યે દે દે મેસેજ ઠોકવાના , ધરમથી બોલજો કે કેટલા વિડિઓ કોલ કર્યા ? અને એના થકી ધંધાના કામ કર્યા ? એ સિવાય બીજા કેટલા ફિચર્સ વાપરીને તમે તમારા કામધંધા થોડી આસાની કેળવી ?
દસ ટકા લોકો પણ પોતાના ફોનના ફિચર્સનો સાચો ઉપયોગ કરતા નથી ..!!
મૂડીવાદ તરફ મોરો ફેરવ્યા પછી આવી હેડકી શેની ચડે ? અને આ તો ટેક્નોલોજીયા .. ગમ્મે ત્યારે કંઈક નવું આવે અને જૂનું સાવ સસ્તું થઈને બજારોમાંથી ગાયબ થઈ જાય..
છેલ્લે ટેલિવિઝન નવું ક્યારે ખરીદ્યું બોલો ? અને એના બજારમાં શું ચાલી રહ્યું છે ? ઓલેડ ,કયુલેડ પછી કઈ કઈ ટેક્નોલોજી આવી ? ઘરમાં એલસીડી ટીવી કે એલઇડી ? કરજો રિસર્ચ .. મજા આવશે થોડો હાયકારો ઓછો થશે.. પ્લાઝમા ટીવી જન્મ્યા અને ક્યારે ગુજરી ગયા ? પ્રોજેક્શન ટીવી આવ્યા હતા બજારમાં ?
સાઉન્ડ ના બજારમાં શું ચાલે ? ડોલ્બી પછી નવું શું ? કેમેરા બજારમાં ડીએસએલઆર પછીની નવી ટેક્નોલોજી કઈ??
એકલા ફોનની પાછળ શું પડ્યા રહેવાનું ?
સારા મોંઘા માઈલો કેમેરો હોય અને જરાક શીખ્યા હોઈએ તો એ કેમેરામાં લીધેલા ફોટા અને આજ ના ગમ્મે તેટલા સારા મોબાઇલના કેમેરાથી ફોટા લીધા હોય તો એનો ફર્ક જોઈ શકીએ એટલી આંખો તૈયાર ખરી આપણી ???
ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં અનહદ પ્રોડક્ટ્સ આવી અને ગુજરી પણ ગઈ , ઇપીબીએક્સ નામનું એક રમકડું દરેક ઓફિસમાં રેહતું લેન્ડ લાઇનના જમાનામાં , રિસેપ્શન ઉપર એક બેન બેઠા હોય .. ફોન ઉપાડીને લાઇનો ટ્રાન્સફર કરતા હોય..
એંશીના દાયકામાં ઇપીબીએક્સ ચારેક ફૂટ લાંબુ અને ત્રણેક ફૂટ ઊંચું આવતું , પછી ધીમે ધીમે ફૂટમાંથી ઈંચમાં આવી ગયું છેવટે ડાયનાસોર થઈ ગયું .. અવશેષો શોધો તો માંડ મળે..
આજ ની જરૂરિયાત ફોલ્ડેબલ ફોન છે , ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ જેટલા નાના હશે એટલી એમની ઉપયોગિતા વધશે .. જે લોકોને આજે લેપટોપ ખોલીને પ્રેઝન્ટેશન આપવા પડે છે એ ફોલ્ડ ફોનથી પતાવી શકે ત્યાં સુધી કે પ્રોજેક્ટર સાથે કનેક્ટ થઈને કે પછી ઝૂમ કે ગૂગલ મીટ થી પણ પોતાની વાર્તા પૂરી કરી શકે..
આ સિવાય ઘણા ઉપયોગ , અમારા જેવા બેતાલા ના સતાવેલા માટે મોટો ફોન અને મોટા ફોન્ટ આશીર્વાદરૂપ , બેન્કિંગથી લઈને સરકારી કામકાજો જેમ જેમ ઓનલાઈન થતા જાય છે તેમ તેમ આવા મોટા ફોન લેપટોપની ગરજ સારશે..!
નવી ટેક્નોલોજી શરૂઆતમાં મોંઘી પણ પછી માપે માપ આવી જાય પણ આપણે તો દરેક વસ્તુ પોતાના માટે લઈએ એના કરતાં બીજા માટે વધારે લેવાની.. દેખાડો , બતાડવાની મજા લેવાની …!!
આખી હાય બળતરા કાગારોળ એની છે .. !!
મેમરીની સખ્ખત શોર્ટેજ થી દુનિયા પીડાઈ રહી છે , એઆઈ માટેની નવી નવી સંયંત્ર રચનાઓ બની રહી છે ,સ્વભાવિક રીતે નવું હોય એમાં માલ વધારે મળે એટલે કંપનીઓ એ તરફ જ દોડે , ગરીબ અને ગરીબીને સાચવો પંપાળો તો કંપનીઓ બંધ કરવાના વારા આવે રિસર્ચ કરવાના રૂપિયા જ ના બચે ..!! તો પણ એ જ ગરીબોને સાચવવા ટેક્ષ અને સખાવતો એ રૂપિયાવાળા ભરે , કરે છે ..
તો લાલા શું કરવાનો ? કિડની અને શરીરના બીજા અવયવો ,અહીં ના લખાય એવા વેચીને આગળ વધવું છે કે પછી , આર્ટિફિશયલ કિડની બનાવવા લાગી જવું છે ? અને એમાંથી રૂપિયા પાડી અને આગળ જવું છે ?
જેમ ફૂટમાં બનેલું ઇપીબીએક્સ ઈંચમાં આવી ગયું તેમ ફૂટમાં રહેલું ડાયાલિસિસ યુનિટ ઈંચમાં જે દિવસે બની ગયું એ દિવસે ઇમ્પ્લાન્ટ બની અને આર્ટિફિશિયલ કિડની મળી જશે દુનિયાને.. !!
નવું કરવું નથી , વિચારવું નથી અને પડારા કરી ખાવા છે..!!
એ આઈ નો ઉપયોગ શું કર્યો ???
તો કહે એંશી ના દાયકાના ફોટા બનાવીને અપલોડ કર્યા..
ફટ ભૂંડા… તું રહેવા દે..
છાણા નો દેવ છે તું, કોડા ની આંખો શોભે.. હીરા માણેકની આંખો ના શોભે..!
વિચારજો , ધંધામાં એઆઈનો ઉપયોગ વધારો , બીજું ઘણું ક્રિએટિવ કરવાનો સમય મળશે..!
પોઝીટીવ નેગેટિવ છોડો.. ક્રિએટિવ બનો ..!
જિંદગી જુદી લાગશે ..
જય હો .. ભાદરવો બેઠો
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*