દસમી ઓક્ટોબર રેખા નો જન્મદિવસ અને ૧૧ મી ઓક્ટોબર અમિતાભ નો …!!
સવારથી કેટલી બધી પોસ્ટ આવી રહી છે..
આજે પણ રેખા અમિતાભના જોડાયેલા નામ કેટલા બધા લોકો ને ગલગલીયા કરાવે છે..!!
કૈક ને આશા જન્માવે છે ,સાચું ખોટું શું હતું અને હશે એ તો એમના રામ જાણે પણ સચ્ચી બાત તો એ જ છે કે જનતાનો મોટોભાગ દયા-જેઠા કરતા જેઠો-બબીતામાં રસ વધારે જ ધરાવે છે…
એક વાત તો બહુ કોમન છે બંનેમાં..અખંડ યૌવન નું વરદાન છે..!!
રેખાજી તન થી ઘરડા નથી થઇ રહ્યા અને અમિતાભજી મનથી..!!
બંને એવા વ્યક્તિત્વ કે જેમણે ઉંમર ની સાથે પોતાના વ્યક્તિત્વને નીખાર્યું છે, એમની ઉંમરના ઘણા બધા ,અરે ઘણા બધા નહિ ,બધા જ પ્રેક્ટીકલી ઘરડા થઇ ચુક્યા છે અને કૈક કેટલાય માટીમાં ભળી ગયા છે ,પણ આ બંને હજી પણ એક મુકામ ઉપર અડીખમ છે..
ચોક્કસ બંને ના શતાયુ ની પ્રાર્થના અને અપેક્ષા પણ ખરી..!!
*કેટલું જીવવું એ કોઈ ના હાથમાં નથી પણ કેવું જીવવું એ ચોક્કસ છે..*
રેખાજીના અખંડ યૌવના ના વરદાન ને ઈશ્વરીય વરદાન કહીને છૂટી ના પડાય ..!!
જાતને સાચવવા માટે એમની પોતાની પણ અનહદ મેહનત રહી હશે..
આગળ વધતા પેહલા થોડી સ્પષ્ટતા ..
મારો પર્સનલ બ્લોગ છે એટલે મારી વાત તો હોય ..જેમને આત્મશ્લાઘા લાગે એમણે સ્ક્રોલ કરી જવું..!!
થોડાક દિવસ પેહલા અમારી ઉંમર ને આગળ પાંચડો લાગ્યો સખ્ખત ઝાટકા વાગી રહ્યા હતા..
હું થોડો દુઃખી હતો મને એવું ક્યાંક લાગ્યા કરતુ હતું ,કે યાર ઉંમર થઇ હવે,
કદાચ પેલા ફરજીયાત રીટાયર્ડ કરવામાં આવતા બેંકના ક્લાર્ક જેવી ફીલિંગ હતી ,એક જ દિવસમાં તમે તેત્રીસ વર્ષથી કરતા કામ ને તમારે છોડી દેવાનું અને સરકારી ચોપડે અને સમાજની નજરે તમે એક રાતમાં ઘરડા ..નક્કામાં…!!
મારો પાળેલો એક જીમ નો પઠ્ઠો છે, પાંચ સાત વર્ષથી જીમમાં મારી આજુબાજુ જ રખડયા કરે છે ..
સાલો નાલાયક મારી આ “ઘરડી” ફીલિંગ ને સમજી ગયો ,અને હલકટ એ ફેસબુક ઉપરથી મારા મારી ઉંમરના એક મિત્ર જોડેનો ફોટો શોધી કાઢયો અને પછી એ ફોટો મને વોટ્સ એપ કર્યો અને નીચે લખી ને મોકલ્યું ભાઈ મેન્ટેન્સમાં બહુ ફર્ક છે .. તમારી બાજુવાળી ગાડી તો સાવ ખખડી ગઈ છે..!!
બરાબર દુઃખતી પકડી જંગલી એ મારી.. એટલે મેં તરત જ ફોન લગાડ્યો.. મેં કીધું ટોપા એનું ટર્ન ઓવર ખબર છે ? ત્રણસો ખોખા છે ..
ભાઈ એનાથી કઈ ના થાય, ગાડી ખખડી ગઈ છે ,વધારે નહિ ચાલે..!! ગમે તેટલા ખોખા કમાયો હોય પણ હેલ્થ પાછી નાં આવે .. બોટોકસથી પણ નહિ..!!
તમારી પાસે સમય છે, અને `બોડી` છે, એની પાસે ખાલી રૂપિયા છે ,પેલા પચાસ વર્ષે પાંસઠ નો લાગે છે..!!
મેં કીધું ચલ ફોન મુક નાલાયક `બોડી` છે વાળી ના જોઈ હોય તો..!! આ બધું રાંડ્યા પછી નું ડહાપણ છે .. ગોલ બ્લેડર કાઢી લીધું છે મારા શરીરમાંથી અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બધું છેક બોર્ડર ઉપર આવી ને ઉભું પછી આ જીમ ના પગથીયા ચડ્યો છું..
પણ મારો પાક્કો ભગતડો એટલે ભક્તિ મુકે..?
ભાઈ એ બધું ઠીક છે હવે અત્યારે તો ફીટ છો ને બસ , તમારી બાજુવાળી ગાડી ખખડી ગઈ છે એટલે ખખડી ગઈ, સો વાત ની એક વાત ..આજે સાંજે આવો છો ને જીમમાં? આ નવરાત્રીના ચક્કરમાં દસ દિવસ જીમ પાડ્યું છે ,પાછા આવો નહિ તો પછી બે વર્ષ તમે પણ ખખડી ..ને પછી ભંગાર ..પસ્તી પેપર .. પેલો તમારો “સાળો” છે ને એ તમને કિલોમાં લઇ જશે..!!
આટલું બોલી ને નાલાયકે ફોન કાપી નાખ્યો..
આ પેલા પસ્તીવાળા `સાળા` વાળી વાત કહી દઉં .. અમારી સોસાયટીમાં એક પસ્તી અને ભંગારવાળો બાંધેલો છે આખી સોસાયટી એને જ પસ્તી અને ભંગાર આપે છે અને બદલામાં આખી સોસાયટીમાં બધી એની બેહનો અને અમે બધા પુરુષો એના જીજાજી..!!
અને એકવાર એ મારો પઠ્ઠો ઘેર આવ્યો હતો ત્યારે પેલો પસ્તીવાળો આવી ગયો હતો અને દોઢ ડાહ્યો મને કહે જે શી ક્રષ્ણ “જીજાજી”.. હવે પેલાને ભાવતું મળ્યું.. એ તમારો સાળો પસ્તીનો ધંધો કરે છે.. ??!!! અને જોરદાર હસ્યો એને મારી ખેંચવાનું કારણ મળી ગયું હતું..!! એટલે આવી રીતે લાગ આવે પઠ્ઠો મારી ખેંચી લ્યે છે “જીજાજી” કરી ને..!! જોડે જોડે મોટ્ટેથી બુમો મારતો જાય પસ્તી પેપર ભંગાર..!!
કોઈક જોઈએ આવા જે તમને ટપારી ને જીમ ભેગા કરે..!! અને તમને જુવાન રાખ્યા કરે..
યંગ રેહવું પડે છે મનથી અને તનથી અને એના માટે એવા લોકો ની વચ્ચે ફરવું પડે છે મારો અનુભવ એવું કહે છે કે મોટાભાગના આધેડે પોહચેલા લોકો જાત્તે કરીને વિડ્રોઅલ લઇ લે છે ..ના હવે બહુ થયું ,
અલ્યા પણ શું બહુ થયું ?
તે એવું તો શું કરી મુક્યું કે બહુ થયું ?
આપણી પ્રજા યંગ રેહવાને બહુ જલદીથી સેક્સ્યુઅલ એક્ટીવીટી સાથે જોડી દે છે,એક એક્ચ્યુલી ડોહા મને સલાહ આપી ગયા કે પત્ની જ્યાં સુધી તમને ઘરડા ના માને ત્યાં સુધી તમે જુવાન..
લો બોલો.. હવે માની લઈએ કે અમિતાભ રેખાનું કદાચ કોઈ ચક્કર હશે તો સર્ટીફીકેટ કોનું વેલીડ ગણવું ?
કોઈ લેવાદેવા જ નથી યંગ હોવું અને રેહવા માટે આ પ્રક્રિયા જોડે..જે માણસની જીજ્ઞાસાવૃત્તિ ,કુતુહલવૃત્તિ જીવે છે અને તેને સંતોષવા માટે નો પ્રયત્ન કરે છે જીવનમાં એ યંગ..!!
બાકી વીસ વર્ષનો હોય અને એનું ટેસ્ટોસ્ટીરોન લેવલ ૧૨૦૦ સુધી પોહચ્યુ હોય પણ રઘાપાંચમ ની જેમ રખડતો હોય તો એ ઘરડો..!!
ઘણા આવા રઘાપાંચમ “ઘરડા” હું જોઉં છું કે જેમને કોઈ રસ જ નથી આજુબાજુ ની દુનિયામાં એમના બાપ મરી જાય તો ઉપાડવા માટે સગા સબંધીને બેત્રણ ફોન કરવા પડે ,કોઈ ફ્રેન્ડ સર્કલ કે સગા જોડે કોઈ પ્રકારની વાતચીત જ ના કરી હોય..
બસ પોતાના કોચલામાં ભરાયેલા રહે..અને સેહજ ડોકું બાહર કાઢે અને પાછો અંદર જતો રહે..”ઘરડો’
કેબીસીમાં અમિતાભજી ને હું જુદી રીતે જોઉં છું ..વિધ ઇન અ સેકન્ડ અમિતાભજી એક જિંદગીને વાંચી લ્યે છે અને પછી હેન્ડલ કરે છે ..જે કેબીસીના બીજા હોસ્ટ ના કરી શક્યા..
એક પુસ્તક વાંચવું બહુ સેહલુ છે પણ જીંદગી વાંચવી બહુ અઘરી છે ..અને એ કામ કરતા શીખી જઈએ તો ઘડપણ બહુ દુર ભાગે..
ઘણા વર્ષોથી એકપણ પુસ્તક વાંચ્યું નથી .. જિંદગી જ વાંચવાની કોશિશ કરું છું ,એમાં સામુદ્રિક શાસ્ત્ર ,જ્યોતિષ ,ફીઝીક્સ ,કેમેસ્ટ્રી ,ફિલોસોફી થી લઈને બીજા જુના વાંચેલા કેટલાય શાસ્ત્ર નો શસ્ત્ર તરીકે ઉપયોગ કરું છું , ઘણીવાર ફક્ત અવાજ અને અવાજના કંપન ,ધ્રુજારી ભાવ તમને ઘણું બધું કહી દેતા હોય છે..!!
માણસ ને વાંચવાનો પ્રયત્ન કરીએ તો પરિસ્થિતિ ઝટ પકડાય છે , આ દુનિયામાં લગભગ ઉભી કરવામાં આવેલી પરિસ્થિતિ માણસથી જ હોય છે અને એકવાર પરિસ્થિતિ પકડાય તો સમસ્યા હોય તો એના ઉકેલ માટે છેડા ઝટ મળે..!!
બાકી ગમે તેટલી ગાડી મેન્ટેન કરી હોય શરીરની ,પણ જિંદગી તો જેઠા જેવી છે અને એ પણ બબીતાજી વિનાની..!!
મારું બેટું કોઈક મેહતો ખાલી આંખ મારીને એમનેમ ચીડવતો હોય ને કેમ જેઠાલાલ બબીતાજી જોડે કઈ બહુ ઉલળી ને વાતો કરતો તો ને આજે કઈ .. તો પણ હારું લાગે હો ..!!
હું પુરુષોની વાત કરું છું હો ..અને હા પુરુષ હમેશા જુવાન જ હોય 😉
બાકી મહાપુરુષો તો પછી બિચારા ઘરડા જ…!
(હરીફરી ને તું પણ “ત્યાં” જ આવ્યો ને શૈશાવ્યા..)
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*