બે દિવસથી પ્રધાનમંત્રીશ્રી એમ રોજ એમ કહે છે કે સોનુ ના લ્યો , પરદેસ ફરવા ના જાવ , લગ્નો અહીંયા દેસમાં કરો…!!
સમાજ દર્શન એ મારો શોખનો વિષય છે , આજનો બ્લોગ એ દર્શનને આભારી છે ..ક્યાંક સાંભળેલી, જોયેલી, અનુભવેલી વાતો છે ..!
હું કોઈપણ પરિસ્થિતિ ઊભી કેમની થઈ ? એનો વિચાર કરું ..
પહેલો વિચાર મને કયો આવે …?
તો વાત જાણે એમ કે સોનુ સામાન્ય માણસ લઈ લઈને કેટલું લ્યે ? અંદાજ તમે જાતે લગાડી લ્યો અથવા તમારી ઔકાત પ્રમાણે વિચારી લો.. કંઇ મેળ ના ખાય .. ટનબંધ સોનુ એમાં ના જાય ..!
તો પછી બીજો સવાલ .. કે આટલું બધું સોનુ ઇમ્પોર્ટ થાય છે એ જાય ક્યાં ? અને લ્યે કોણ ?
જવાબ છે “રોકડાની” કમાણીવાળાને નોટો ઉપર ભરોસો હવે ઓછો છે , વળી અતિશય મહત્વની વાત એ કે નોટો લોકરમાં જગ્યા વધારે રોકે , જ્યારે કિલો સોનુ લઈને પોતાના નહીં તો કાકા ,મામા , માસા , ફોઈ .. વગેરે વગેરે ગમ્મે તેના લોકરમાં ગામડે જઈને પણ ઘાલી દીધું હોય તો અમેરિકાનું લશ્કર પણ એને ના શોધી શકે એકદમ સેઇફ, જુના જમાનામાં તો પાણિયારે ચણી લેતા..!!!
આપણી પ્રજાને સોનુ સંતાડતા , ઘાલી રાખતા સદીઓથી આવડે ..!!
તો હવે ..?? આ તો પ્રજા અનગાંઠેબલ થઈ ગઈ ..! ના મેળ પડે..
પેલી સ્કીમ લાવો પાછી …!! પણ જરાક જુદી રીતે , જે સોનુ ફિઝિકલ ફોર્મમાં સરકારમાં જમા કરાવશે એને એ રૂપિયા 2032 માં ફક્ત બે ટકા વ્યાજ સાથે ચેકથી જે તે સમયે જે સોનાનો ભાવ ચાલતો હશે એ પ્રમાણે ગણીને પાછા આપશે ..
અને અત્યારે અમે પૂછીશું નહીં કે આ સોનું તમે ક્યાંથી લાવ્યા …!!!
કાળા ના ધોળા કરતી ગંગાનું અવતરણ કરો…!!
એમાં ખાસ સરકારી કર્મચારી ,ભૂતપૂર્વ કે ચાલુ નોકરીવાળા ને કહેવાનું કે તમારી પાસેથી ખાલી દસ વીસ ત્રીસ ટકા દંડ રૂપે કાપી લઈશું પણ પૂછીશું નહીં, અભયવચન … કે ક્યાંથી સોનુ લાવ્યા ?
પછી જુવો… ફોર્ટ નોક્સથી મોટો કિલ્લો બનાવવો પડે સોનુ મૂકી રાખવા માટે …!!!!
ફોર્ટ નોક્સમાં અમેરિકાની સરકારનો ખજાનો રહે છે…!!!
ઘણો પ્રોબ્લેમ સોલ્વ ..!!!
હવે પરદેસ ફરવા ના જાવ…
અરે બાપા રે… આવું કેમનું થાય ? આખું વરસ ઢોરા સુવર્ણ ભૂમિ વિમાન પતન સ્થળ ઉપર જવા મળશે એમ કરી કરી ને મજૂરીએ લાગ્યા હોય , થાઈ સુંદરીઓના સપના જોયા હોય એવા ઇન્સ્યોરન્સ અને એમએલએમવાળાના અરમાનો કી નગરી મેં આગ લગા કે ભગવાન કહા સે મિલેગા …???
જૈનમ ના મમ્મી, જયતિ ના મમ્મીને કલબમાં મળશે તો વાત કરવાનો ટોપિક ક્યાંથી લાવશે ??? અમે આ વેકેશનમાં ક્યાંય નથી ગયા કે દેશમાં જ હતા એવું કહેશે????
હે મહાવીર… બજરંગ … ધરતી રસાતળ જાય …!! અમે ઉચ્ચ મધ્યમવર્ગના ભારતીયો ક્યાં જઈને મોઢું છુપાવશું?????
કઈ બીજું માંગી લેવું હતું પણ આ શું માંગ્યું ??? કયા ધર્મસંકટમાં અમને નાખ્યા ?
એક કામ થાય ? ભારતની આજુબાજુ અને જ્યાં વિઝા ફ્રી છે એ બધા દેશોને કહો ને ત્યાં રૂપિયામાં પેમેન્ટ લ્યે, અમે રોકડા ત્યાં જઈને પૂરા કરીશું , અરે બધાને યુપીઆઈ ચાલુ કરવાની કહી દો અમે થાઈ સુંદરીઓ સિવાય બધાને યુપીઆઈ થી પેમેન્ટ કરીશું …પણ આ દુઃખ નહીં આપો .
થાઈ સુંદરી ને ત્યાં તો યુપીઆઈ પેમેન્ટ ના થાય, જૈનમ અને જયતિના બંનેના પપ્પાનું એકાઉન્ટ એમના સીએ ઓડિટ કરે છે , કેવું ખરાબ દેખાય …!! હું તો એ બેંગકોક જાયને તો મારી નણંદને પણ એમ જ કહું કે એ તો વિયેતનામ ગયા છે … પછી મારે જૈનમ અને જયતિ ને પરણાવવાના છે હોં…!!!
હવે ત્રીજી વાત…
લગ્નો અહીંયા કરવાના પરદેસ નહીં…
અરેરે … આ શું બોલ્યા તમે …??
તમને ખબર છે સાહેબ મારો શાલીભદ્ર મેકઅપ કેટલા લેયરનો કરે છે???
એના પપ્પા એને બોર્ડ મિટિંગમાં પણ બોલાવે તો એ સેલોં માં જાય , પ્રોપર શેઇપમાં આવે, મીનીમમ ફાઇવ લેયર ઓર સેવન લેયરનો મેકઅપ કરે પછી જ ભદ્રા બોર્ડ મિટિંગમાં જાય …
અહીંયા લગ્ન કરું તો મારે કેટલા બધાને ઇન્વાઇટ કરવા પડે , બહાર કરું તો ખાલી ને ખાલી એલિટ ક્લાસ જ આવે , અહીંયા કરું તો મારી નવરંગપુરાવાળી બંને નણંદો , પાલડીવાળા મારા ભાઈઓ અને મણિનગરવાળા કઝીન, એ બધા ને બોલાવા પડે ..
તમને ખબર છે ડેસ્ટિનેશન વેડિંગમાં તો બધાએ પોતપોતાને ખર્ચે આવવાનું હોય છે , આ નવરંગપુરા ,પાલડી અને મણિનગરવાળાઓ ને તો ફોરેન ના પોસાય એટલે મારે તો ટાઢા પાણીએ ખસ જાય..
અહીંયા દેશમાં કરું તો બધા ટ્રેઇનમાં દોડ્યા આવે … મારું આખ્ખું બજેટ અને પ્રસંગ બંને બગાડી મૂકે…
તમે કહો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરો… ઓહ માય ગોડ… નેવવર ..!!
ત્યાં તો બધાં જ આવે , આજકાલ કોની પાસે ગાડી નથી હેં ???? અમારા ચારેય ડ્રાઈવર પાસે પોતાની ગાડીઓ છે ,
આવી ભૂલ તો હું શાલીભદ્રના મેરેજ માટે ના જ કરું એના કરતાં લૅટ્સ વેઇટ ફોર ઇયર .. પછી કરીશું .. મારો એક નો એક દિકરો આવી રીતે પરણાવું તો મારી લાઇફમાં શું વધે…???
ફકત અને ફકત દંભ અને દંભીઓથી ભરેલા દેશમાં કોઈપણ પ્રકારની આદર્શ વાત ને હાંસી અને ખોટી નજરે જ જોવામાં આવે છે , આઝાદીના દિવસથી આજ સુધી સોનુ ભારતની નબળાઈ રહી છે , હરવું ફરવું પણ અને લગ્ન તો જીવનભરની કમાણી હોમી દેવાનો પ્રસંગ છે…
ભય બિન પ્રીત નાહી.. સરકાર પોતાના દેખીતા ખર્ચા ઘટાડે અને પછી કાયદા બનાવીને અમલ કરાવશે તો વિના વિરોધે બધું શક્ય બનશે , બાકી વર્ષમાં ચારપાંચ પ્રદેશોની આવતી ચૂંટણીઓ હાથ બાંધી રાખશે ..!
શેઠની શિખામણ ઝાંપા સુધી પણ નહીં પહોંચે..
આપની સાંજ શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*