સૌ પ્રથમ સર્વે ને હોળી ધૂળેટીની અઢળક શુભેચ્છાઓ..
અનેક રંગ અને રંગીનીઓ ના આ તેહવાર ને મનભરીને માણી શકાય એવો યોગ થયો છે આ વર્ષે..
પૂર્ણિમાની સૂર્ય-ચંદ્ર પ્રતિયુતિ અને મંગળની નજરે પકડાયેલો શુક્ર..
મીન રાશીમાં બિરાજેલા આત્માના કારક એવા ભાસ્કરરાયની બિલકુલ સામે કન્યા રાશિમાં મનના કારક ચંદ્રમા બિરાજેલા છે, એની અસરમાં આજે સાતેય સાગરના પાણીની ભેગા ધરતી ઉપર રેહતા બધાય જીવની અંદર રહેલા શરીરના પાણી હિલ્લોળા લેશે અને મનને બેહકાવશે, અને એમાં ઉપરથી સાથ આપશે મેષ રાશીમાં બિરાજેલા ભૂમિપુત્ર મંગળ મહારાજ..
પ્રેમ અને કામનો કારક એવો શુક્ર જે મોટેભાગે સૂર્યથી એકાદ બે ઘર દૂર જ રહે એ આજે સૂર્યથી ત્રણ ઘર દૂર થઇ ગયો છે અને દસમી દ્રષ્ટિ એ મંગળની પક્કડમાં આવી ગયો છે..
જરાક પણ ઢીલાઢાલા પ્રેમની આજે `આવી` બની છે..!!
સૂર્યથી ત્રણ ઘર દૂર થયેલો શુક્ર લાજશરમ ને નેવે મુકાવે, જોડે બુધ પણ નથી એટલે ડહાપણ પણ ક્યાંક અલોપ થઇ જાય,
ઉપરથી દસમી નજર મંગળ મહારાજની શુક ઉપર અને એમાં વાસંતી વાયરાની `બળતરા` બળતામાં ઘી હોમે અને ઉકસાવે ..હેંડ હેંડ મોજ કરી લે .. હોળી છે ..!!
બુધ અને શુક્રને હમેશા સૂર્ય ની આજુબાજુ રેહવું ગમે છે, મોટેભાગે આ બંને ક્યારેય સૂર્યથી બહુ દૂર જતા જ નથી, ભાગ્યે જ બંને સૂર્યથી દૂર જાય અને એમાં આજે ઉપરથી બંને છુટા પડ્યા છે અને મંગળ એને જોઈ રહ્યો છે..
સાદી ભાષામાં બુધ એટલે ડાહ્યો અને ડાહ્યી ..શુક્ર એટલે રૂડો અને રૂડી ..મંગળ એટલે જીમ નો પેહ્લવાન ..સૂર્ય એટલે માલેતુજાર મંત્રીશ્રીની દીકરી એ દીકરો ..!!
આજ ની ધૂળેટીના યોગ જોતા જીમ નો પેહલવાન સેહજ જોર મારે તો રૂડી `ભરાઈ` જાય..!!!!
રૂડી કે રૂડા ને સવારથી પેલું ગીત કાનમાં વાગતું હશે..
તુમ્હે દેખતી હું તો લગતા એસે કે જૈસે યુગો તુમ્હે જાનતી હું..
અગર તુમ હો સાગર મૈ પ્યાસી નદી હું..
અગર તુમ હો સાવન મૈ જલતી કલી હું..!!
સવાર સવારમાં તડપ ઉઠે ક્યારે `રંગવા` આવે..ને મારું ભાન ભુલાવે..!
આજે વાત આવા જ એક શુક્ર મંગળની ..
શુક્ર સેહજ શ્યામલી એકવડિયો બાંધો, ગુજરાતના અંતરીયાળ ગામમાં એનું બાળપણ વીત્યું ઘેર નાના એવા વાડી વજીફા ,ચાલો નામ પણ `શ્યામલી` રાખીએ ..
શ્યામલીનું બાળપણ હસતા રમતા વીત્યું કોલેજનો સમય આવ્યો ..શ્યામલીના મમ્મીએ જીદ પકડી બસ અમદાવાદ જ ભણવા મુકવાની છે મારી જેમ આ છાણવાસીદામાં મારી શ્યામલીની જિંદગી નહિ જાય ..અને શ્યામલીના પિતા ભાસ્કરરાય કબુલ થયા ..કાળજા ના કટકાને સારો ફ્લેટ અને પીજીમાં રેહતી ઓળખીતા પાળખીતાની દીકરીઓની સાથે અમદાવાદ ભણવા મૂકી..
કોલેજકાળમાં શ્યામલી એકાદ બે મંગળની હડફેટે ચડી, પણ સાચવી ગઈ..
ભાસ્કરરાય અને એમના ઘરવાળા મહીને દા`ડે અચૂક એમની શ્યામલીને મળવા આવે અને સળંગ ત્રણ ચાર રજાઓમાં શ્યામલી ઘરભેગી થઇ જાય..
શ્યામલી એ એમબીએ કર્યું અને નોકરી મળી ..બે વર્ષમાં શ્યામલી મહીને અડધાથી પોણા લાખની વચ્ચે પોહચી ગઈ..!!
નોકરીમાં થોડું ટુરીંગ રેહતું શ્યામલી ને એટલે ધીમે ધીમે માંબાપ ને મળવાનું ઓછુ થતું અને માબાપ પણ વધતી ઉંમર જોઈ ને પરણી જવા ઉપર જોર કરવા લાગ્યા..!
ભાસ્કરરાય એના માટે આદિત્ય ,માર્તંડ ,દિવાકર એવા ઘણા બધા માંગા લાવ્યા પણ શ્યામલી ને કઈ ગોઠે નહિ ..અચાનક એક દિવસ શ્યામલીને પોતાનાથી ચાર વર્ષ નાનો સુબ્બુ ઉર્ફે `સુબ્રમણ્યમ` (મંગળ નું એક નામ છે ) મળ્યો પાક્કો કર્નાટકી દેખાવ સુબુ નો થોડો ઘઉવર્ણો ઘુંઘરાળા વાળ કસાયેલું શરીર અને ભોળો ભોળો ચેહરો..
સુબુ સ્વભાવે પણ ભોળો અને ડાહ્યો ..હમેશાં એણે શ્યામલીની હા માં હા પુરાવી.. બે વર્ષ ચાલ્યું સુબુ શ્યામલી નું , શ્યામલી એકત્રીસની થઇ હવે મહીને લાખે પોહચી..!! સુબુ મહીને ચાલીસે..!
એક દિવસ મંગળની દ્રષ્ટિ પડી શુક્ર ઉપર અને એક હોટેલમાં રાત વહી ગઈ..
બેચાર દિવસ પછી મંગળ ફરી બગડ્યો પણ સવાર પડતા જ સુબ્રમણ્યમ ઉર્ફે મંગળ હોશમાં આવી ગયો ..અને પછી દિવસે જ મળવાનું બસ..એવું `જક્કી` રીતે `નક્કી` થયું..!!
બે ચાર મહિના ગયા સુબુ અને શ્યામલી વાત કરતા બંધ થયા ..બ્રેક અપ થયું એવું બંને એ માની લીધું..
આ બાજુ ભાસ્કરરાય એ અલ્ટીમેટમ આપ્યું..પરણી જા શ્યામલી ..!
બારમાં ધોરણ પછી ઘર છોડી ને બાહર નીકળેલી શ્યામલી હવે થાકી છે ,એને ઘર જોઈએ છે એને વર જોઈએ છે , શાંતિ જોઈએ છે ,ઓફીસના ટાર્ગેટ નથી જોઈતા ..
એક સ્ટેબલ જિંદગી જોઈએ છે ..પણ મનથી અને તનથી સુબુ ભૂલાતો નથી..!!
સમસ્યા અમારી પાસે આવી, શું કરવું જોઈએ ..?
અમે કીધું એક નિયમ છે પ્રેમ કરી ને પરણાય અથવા પરણી ને પ્રેમ કરાય ..
તારે શું કરવું છે શ્યામલી ..?
શૈશવભાઈ પ્રેમ કરી ને ધરાઈ ગઈ છું , ઓફીસના ટાર્ગેટ ,અને પીજી માં રહી રહી ને થાકી છું, ઘર જોઈએ છે ,હવે નોકરી નથી કરવી ,બસ ઘર અને વર ..પણ આંખ બંધ કરું છું તો સુબુ જ દેખાય છે..!!
સમસ્યા ગંભીર , દ્રૌપદીની અવસ્થા.. સમ્રાટ જોઈએ ,સર્વશ્રેષ્ઠ ગદાધારી જોઈએ ,સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી જોઈએ ,ત્રિકાળ દર્શી જોઈએ ,અનુપમ દેખાવ જોઈએ ..!!
મળ્યું પણ પાંચ પતિ ના રૂપમાં…વર્ષના ૭૩ -૭૩ દિવસમાં બધું જ વેહચાયું ..!! અને તો પણ ભરી સભા પરમસખો ચીર પૂરવા આવ્યો..!!
શ્યામલી બધું જ મળે તો મનુષ્ય જીવન નો મતલબ નથી..જીવનનું નામ જ બાંધછોડ છે ..
પછી અમે ટીખળ કરી..સારો બે ચાર લાખ પાડતો છોકરો જોઇને પરણી જા શ્યામલી, પ્રેમ તો પરણી ને પણ કરાશે તારો `સુબુડો` ક્યાંય નથી જવાનો, આમ પણ “ખાયે ગોરી કા યાર બલમ તરસે..” એવું જ હોય છે ..છ આઠ મહીને એક સીટી મારીશ તો સુબુડો તો દોડ્યો જ આવશે..અને હોટેલો ક્યાં બધ થઇ જવાની છે ..?
શ્યામલી અકળાઈ..આવું એક્સ્પેટેશન નોહતું તમારી પાસેથી ..!!
ખરેખર તો શ્યામલી ને મારા નામનું બીલ ફાડવાની ઇચ્છા હતી..
કે શૈશવભાઈ એ કીધું કે પ્રેમ બેમ ભૂલી જા અને સારો છોકરો શોધી ને બેસી જા ..!!
કે પછી શૈશવભાઈએ કીધું એટલે તારી જોડે પરણી સુબુડા, હવે કર ગુલામી મારી જિંદગી આખી..!
પણ ઘાટમાં આવે એ શૈશવ શેનો ?
અમે તો ટૂંકી વાર્તા કહી દીધી, હવે નક્કી તું કર બકા ,અને હા આપડા નામના બીલ તો ફાડવાના જ નહી ..
અમે અમારી વાર્તા આટલું કહી ને પૂરી કરી..ભાગ્યશાળી છે શ્યામલી તું તો , કે તને ચોઈસ કરવા ઓપ્શન મળ્યા છે કઈ ક તારા જેવી અને જેવા ને જે મળે એમાં જન્મારો કાઢવાનો આવે છે, બહુ દોઢ ડાહી થઇ ને વિચાર વિચાર ના કર એક વાત ને નક્કી કર અને બેસી જા નહિ તો ખાટી છાશ પછી ઉકરડે જશે..!!
આજે ફરી મંગળની અસરમાં આવેલો શુક્ર…!!
શૈશવ વોરા