
હાર્દિક પટેલ
કોણ છે આ છોકરો ..? આગિયો છે કે અંગારો ? મશાલ છે કે દીવાદાંડી ? શું છે એની રણનીતિ ? શું મેળવવા આવ્યો છે ?
એક નવું નામ છે ગુજરાત માટે હાર્દિક પટેલ ,પણ બહુ મોટી આશા છે ,વિરમગામ નો એક લબરમૂછીયો છોકરો , મુનસર તળાવનું પાણી પી ને મોટો થયેલો છોકરો ,આજે સતત પાંચ ટર્મથી ચૂંટાઈ આવતી ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને હંફાવવા આવ્યું છે આ મુનસરનું પાણી , હું તો ખુશ ખુશ થઇ ગયો મારા બાપ અને દાદા ના ગામનો આ છોકરો આજે ધડબડાટી બોલાવે છે આખા ગુજરાતમાં ..હજી બે વર્ષ પેહલા ગ્રેજ્યુએટ થયેલો વિરમગામ નો છોકરો છે આ હાર્દિક પટેલ ..
વિરમગામ એક એવું ગામ જ્યાં ચાલીસ વર્ષ પેહલા હું જતો ત્યારે જ્યાં હતું ,આજે પણ એ ગામ ત્યાં જ છે , કોઈ ફર્ક નથી વિરમગામમાં ,આજે પણ ત્યાં ગટરની બદલે નીકો છે અને ભૂંડ ચારેબાજુ દોડે છે , અને આવા સાવ દેશના નકશા પરથી ફેંકાઈ ગયેલા ગામમાંથી આવું કોક માણસ આગળ આવે અને એને આટલો બધો જબરજસ્ત રીસ્પોન્સ્સ મળે , વાહ વાહ .. આનંદ આનંદ થઈ ગયો ..કોક જણ તો એવો નીકળ્યો જે ગોલવાડી દરવાજાને વળોટી ને આગળ આવ્યો ,બાકી વિરમગામની ધરતીએ બે શંકરાચાર્ય આપ્યા છે ..
આમ જોવા જાવ તો વિરમગામ આખુ ગામ અને ગામના માણસો બધા ભરાડી ,પણ ખુબ આત્મવિશ્વાસથી ભરેલા ,મેહનત કરવા માં ક્યાય પાછા ના પડે અને એકદમ પાણીદાર લોકો , પણ વિરમગામના પાણીની વાત કરું તો પાણી ખારું ધુત પાણી જરાક પણ એ પાણી મોઢામાં ના જાય એવું એકદમ ખરું પાણી ,ઈતિહાસ જોવો તો પાટણની રાજમાતા મીનળદેવી એ બનાવેલું મુનસર તળાવ અને ગામ ને ફરતો કોટ ,અને અંગ્રેજોના જમાનામાં કાઠીયાવાડનું બારું એટલે વિરમગામ , વિરમગામ છોડો એટલે કાથીયાવાદના નાના નાના દેશી રજવાડા ચાલુ થાય ..જો કે અત્યારે તો મુનસર ની દેરીએ લોકો સંડાસ કરે છે અને એક મોટો આર્કિયોલોજીકલ વારસો ધૂળ માં રોળાય છે ..
પણ આજે એ ખારું ધુત વિરમગામનું પાણી ગાંધીનગર ની સરકારના મોઢામાં અને નાકમાં ઘૂસ્યું છે , આનંદીબેન થી લઈને બધા મીનીસ્ટરોની જમાત હાર્દિક પટેલ ના નામ થી વિરમગામ નું ખારું પાણી મોઢામાં આવી ગયું હોય એમથું થું થું કરીને મોઢું બગાડે છે , યુ ટ્યુબ ઉપર હાર્દિક પટેલ ની ટેપ ફરતી થઇ છે પણ હજી માર્કેટિંગ થોડું ઢીલું છે .
૨૫મી ઓગસ્ટ ની રેલી ના મેસેજ ફરતા થઇ ગયા છે વોટ્સ એપ પર ,અનામત આંદોલન ના મંડાણ થયા છે , બધું એક પછી એક પછી એક કડે કડે ગોઠવાતું આવે છે , બંધ ના એલાન ના સાચા ખોટા મેસેજ ફરતા થયા છે , સરકાર સામે બાથ ભીડાઈ છે પણ અત્યારે હજી કાચું લાગે છે બધું ,પણ એક વાત કેહવી પાડે કે લોક જુવાળ તો ગામે ગામ છે .
એવું કેહવાય છે કે છેલ્લા બે વર્ષથી હાર્દિક પટેલ અનામત માટે ગમે ગામ ફરતો અને નાની નાની સમિતિઓ બનાવતો અને મેહનત કરતો , આજે આ મેહનત રંગ લાવી છે સુરત ની ૪.૫ લાખ લોકોની રેલીએ ઊંઘ ઉડાડી દીધી ગાંધીનગરની , હવે અમદાવાદની રીવર ફ્રન્ટ ની રેલી સફળ થાય કે નિષ્ફળ કોઈ ફરક નહિ પડે , આ વખતે અનામત હટાવો નહી પણ અમને એમાં સામેલ કરો એવો નવો દાવ આ હાર્દિક પટેલ નામ ના છોકરડા એ નાખ્યો છે …
લોક મોઢે એક વાત ફરી એકવાર ત્રીસ વર્ષે ચડી ગઈ છે કે અનામત હટાવો અથવા બધાને આપો અન્યાય સહન નહિ થાય, નવું લોહી છે આ હાર્દિક પટેલ બાવીસ વર્ષ નો છોકરો , ભૂતકાળ માં અનામત ના આંદોલન સાથે જોડાયેલા નેતાઓ જે આજે ક્યાય હાંસિયા પર ધકેલાયા છે એ લોકો અત્યારે એને અને એના સાથીદારોને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે એવી વાતો ચાલે છે
કોણ કોને રમાડે છે કે જમાડે છે એની અત્યારે તો ખબર પડતી નથી પણ મુદ્દો એટલો સેન્સીટીવ છે કે સરકાર બંને બાજુથી ફસાઈ છે આગળ લખ્યું એમ આનંદીબેન હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય એવી હાલત છે આનંદીબેન પટેલની સરકારની, બહુ સાચવી સાચવી ને પત્તા ઉતારવા પડે એવી હાલત છે .
નરેન્દ્ર મોદી નો જાદુ અને પ્રભાવ બધું જ ગાંધીનગરથી જતું રહ્યું હોય એવું લાગે છે ૧૪૪ની કલામ લગાડી છે , તદ્દન મુર્ખામી છે , ભૂલથી એક ગોળી ચાલી કે લોહી નું ટીપું પડયું ૨૫ મી ઓગસ્ટ તો આનદીબેન ને ગાદી છોડ્યે જ છૂટકો થશે , હા જો અનામત ને સંપૂર્ણ પાને કાઢવાનું જો બોલ્ડ સ્ટેપ આનંદીબેન લઇ શકે તો કદાચ ઈતિહાસમાં અમર થઈ જાય આનંદીબેન નું નામ .. અશક્ય નથી પ્રયત્ન કરવા જેવો ખરો ..
છેલ્લા અનામત ના આંદોલન ને ત્રીસ વર્ષ થઇ ગયા છે ૧૯૮૫ માં થયું હતું અને જે કોમી તોફાનો માં ફેરવાઈ અને માધવસિંહ સોલંકી ની સરકાર નો ભોગ લઇને ગયું હતું , અને એ સમયે કરેલા અત્યાચારો ને ગુજરાતની પ્રજા ક્યારેય માફ ના કરી શકી અને કોંગ્રેસ નો લગભગ ત્યારથી એકડો નીકળી ગયો ગુજરાતમાં .
એમજ જો સહેજ પણ જો કાચું કપાશે તો કોંગ્રેસ જેવા જ હાલ હવાલ હવે ભાજપ ના થશે, આમ પણ એકધારા શાસન અને ભ્રષ્ટાચારની વાતોથી જનતા થોડી ઉબાઈ ગઈ છે ,એક વાત ચોક્કસ છે કે મેં અને તમે આનંદીબેન ને મુખ્યમંત્રી બનવવા માટે તો મત નોહતો આપ્યો નરેન્દ્ર મોદીને આપ્યો હતો.
જુના નાલાયક કોન્ગ્રેસીયાઓ ને આ અંદોલન આગળ વધે અને સમાજ માં વર્ગ વિગ્રહની ખાઈ મોટી થાય એમાં રસ ચોક્કસ હશે , કેમ કે એમણે પેદા કરેલી પેલી “ખામ” થીયરી આ અંદોલન થી ફરી જીવતી થાય અને કોંગ્રેસની સરકાર ફરી એકવાર આવે એવા દિવાસ્વપ્નો એમને દેખાવા લાગ્યા છે ..
પણ અત્યારના સામાજિક સમીકરણો જુદા છે ,પછાત વર્ગ ગુજરાતમાં અત્યારે ફક્ત કેહવા માટે નો જ પછાત રહ્યો છે એમની પણ નવી પેઢીએ મુક્ત વાતાવરણ અને અર્થતંત્ર નો સ્વાદ ચાખ્યો છે , એક પ્રયત્ન કરવા જેવો છે અનમત ને સંપૂર્ણ નાબુદ કરવાનો
આ પાટીદાર આંદોલન ને દબાવવા કરતા અનામત સંપૂર્ણપણે હટાવી અને એની સામે થનારા આંદોલન ને દબાવવા નું સેહાલું પડશે આનંદીબેન ની સરકાર માટે બાકી તો અત્યારે તો હાર્દિક પટેલનો ઘોડો વિન માં છે
૨૫મી ઓગસ્ટ પછી ખબર પડે કે ઊંટ કઈ બાજુ બેસે છે …!!!
શુભ રાત્રી
શૈશવ વોરા